વ્યંગ : બેસણામાં ઉઠમણું…!

-ભરત વૈષ્ણવ
‘અયયયો, દુબે સાબ મેરા કલોઝ ફ્રેન્ડ થા જી. …દિલ ફાડકે પ્રેમ કરતા થા. આઇ કાન્ટ ફરગેટ હીમ. ઇનકે આગે લેટ યાની કી સ્વર્ગસ્થ બોલને પે મેરે હોઠ કાંપ રહા હૈ’ મેનન બોલ્યે જતો હતો. છેલ્લે એના અવાજનું વોલ્યુમ વધતું ગયું,. સૌ એના તરફ અણગમાથી જોવા લાગ્યા. માતમના પ્રસંગે કોઇ નાદાની દેખાડે તે કોને ગમે? મેનનને લોકો પોતાને જોઇ રહ્યા છે તેનો ખ્યાલ આવ્યો.
તરત જ એણે અવાજનું વોલ્યુમ ડાઉન કર્યું ને ડૂસ્કું ભર્યું. એની આંખમાંથી સંભાર કે રસમ જેવું આંસુ ટપકયું ન ટપક્યું ને મેનને રૂમાલથી આંખ લૂંછી નાંખી.
ડો. કપિલ દુબે ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી હતા. પ્રશાસનનું મોટું અને વજનદાર નામ. ડો. દુબે અવસાન પામ્યા. પરિવારે મોટા હોલમાં તેનું બેસણું રાખેલ. દુબેએ રોબોટિકસમાં પીએચડી કરેલ. જો કે, તે એમબીબીએસ અને એમડી પણ હતા. ચીફ સેક્રેટરીના પદ પરથી નિવૃત્ત થયેલ. એટલે શ્રધ્ધાંજલિ આપવા મેળાવડો ભરાય તેની કોઇ નવાઇ ન હોય. એક ટેબલ પર ફ્રેન્ચ કટ દાઢી હોય તેવો દુબેનો લાર્જ સાઇઝનો ફોટો. ફોટા પર સુખડનો સુંગધિત હાર.
ફોટાની નીચે દુબેની જન્મ તારીખ અને અવસાન તારીખ પણ લખેલી. ફોટાની બંને બાજુ અગરબતી નહીં પણ મોટી સાઇઝનો સુખડનો અગરબત્તો પ્રજ્વલિત. તેની સુગંધિત ધૂમ્રસેરથી વાતાવરણ પવિત્ર અને દિવ્ય લાગે. સૌ કોઇ સફેદ વસ્ત્રો પરિધાન કરી શ્રધ્ધાંજલિ આપવા આવેલા. ફોટાની આગળ એક ગોલ્ડન બાઉલમાં ગુલાબની છૂટી પાંદડી રાખેલ. નોટો મૂકવા એક સિલ્વર થાળી હતી.
આપણ વાંચો: વ્યંગઃ બે પાકિસ્તાનીએ કંઇ ફતેહની પાર્ટી કરી?
કોઇ સામાન્ય માણસનું બેસણું હોય તો સ્ટીલની થાળીમાં દસ દસ રૂપિયાની નોટ કે સિક્કા હોય. અહીં પાંચસોની કડકડતી નોટોથી થાળી છલકાઈ ગઇ હતી.
મેનને સફેદ વાદળ જેવું લિનનનું ઓપન શર્ટ પહેરેલું. એનો ચહેરો ક્રિકેટર શ્રીકાંત જેવો લાગે. શર્ટની નીચે ચિદમ્બરમ જેવી સફેદ મલમલની ટિપિકલ સાઉથ ધોતી પહેરેલી, જેની કિનાર સોનેરી હતી. આંખ પર ગોલ્ડન ફ્રેમના રીમલેસ ચશ્મા. કાંડે ગોલ્ડન રીસ્ટવોચ. મેનન કોઇ કંપનીના ચેરમેન જેવો લાગે.
‘દેખો, મૈં રાઇફલ ક્લબ કે પીછે આલિશાન કોઠી મેં રહેતા થાજી.
મેરે બંગલેમેં મીની ગોલ્ફ કા મેદાન થા. દુબે સાબ ગોલ્ફ કે દીવાને થે. રંગીન આદમી થે. હમ અકસર ગોલ્ફ ખેલને કે બાદ બકાર્ડી રમ કા સિપ લેતે થે.’ પાંડે સાથેની આત્મીયતા મેનને દર્શાવી. સફેદ કપડાંમાં સજ્જ મહિલાઓએ મેનનની વાત સાંભળીને કુટિલ સ્મિત કર્યું.
આપણ વાંચો: વ્યંગ : આ મુંહ દિખાઇ તો મોંઘી પડી…
એમના મોં મચકોડા્યા. દુબે તો ગંગાજળ પીનારા. આ તો બકાર્ડીની વાત કરે છે.
‘બટ સર, તમે દાદાના કલોઝ ફ્રેન્ડ હતા, પરંતુ, દાદાએ કોઇ દિવસ તમારો ઉલ્લેખ કરેલ નહીં.’ બુલબુલ દુબેએ શંકા વ્યક્ત કરી, કેમ કે દાદાએ ક્યારેય શરાબને હાથ અડાડેલ નહીં. ક્યારેક મોજમાં હોય તો ચિલ્ડ બિયરનો લાર્જ પેગ લગાવતા. રાઇફલ ક્લબની પાછળ કોઠી નહીં, પરંતુ, આલીશાન ઝૂંપડાં હતાં.
‘આઇ નો, આઇ નો. કયોં કિ મૈંને હી મના કિયા થા જી.’ આટલું કહી મેનન પ્રસંગની ગંભીરતા ભૂલી ખડખડાટ હસ્યો. પછી ખસિયાણો પડ્યો.
‘અંકલ, આપ કયાં કરતે હો?’ ચુલબુલ દુબેએ સીબીઆઇની જેમ પૂછયું.
‘મેરા એકસપોર્ટ ઇમ્પોર્ટ કા બિઝનેસ હૈ.’
આપણ વાંચો: વ્યંગ : એક બે વાર નહીં, પણ છ વાર આદર્યાં અધૂરાં?
‘કયા નામ હૈ પેઢી કા.’ ચુલબુલે પૂછયું.
‘યેડા એકસપોર્ટ ઇમ્પોર્ટ કંપની.’ મેનનના ચહેરા પરના ગભરાટના ભાવ પથરાયા. મેનનનો ભાવપલ્ટો સમજાય એવો ન હતો.
‘દુબે સર કે સાથ હમ બેંગકોક થાઇલેન્ડ ઔર પતાયા ભી ગયે થે. વહાં કેસિનોમેં દુબે સર પચ્ચીસ લાખ રૂપિયા જીતે થે.’ કાન્ફિડન્ટ સાથે મેનને એક જૂઠ ઓર ચલાવ્યું.
‘ અંકલ, હમારે દાદા તો જન્માષ્ટમીના દિવસે પતાને હાથ લગાવતા ન હતા. કેસિનોના સખત વિરોધી હતા.’ ચુલબુલ દુબેએ ફોડ પાડ્યો. મેનન લાંબી લાંબી ફેંકવા જતાં ભેરવાઈ ગયો કે શું? મેનનને પોકેટમાથી રૂમાલ કાઢી ચહેરા પરનો પરસેવો અને શરમિંદગી લૂંછી.
‘દુબે સર સાથે પચાસ વરસનો સંબંધ હતો. તેનો ભગવાન આમ અંત કરશે તેનો અંદાજ ન હતો.’ મેનન મન કી બાત મનમાં બોલ્યો.. મેનન બોલવા ખાતર બોલતો હતો કે હૃદયથી બોલતો હતો તેની ખબર ન પડે. મેનન જે કાંઇ બોલ્યો એ હમ્બગ હતું. દાદાના બેસણામાં આવી મેનનનો ગપ્પાબાજી કરવા પાછળ શું ઇરાદો હશે?
‘અંકલ, દાદાએ તમને કોઇ વચન આપેલ?’ ચુલબુલે પૂછયું .
‘દેખો, હું હોલી કાઉ નામની એનજીઓ ચલાવું છું.
દુબે સરે મારા એનજીઓની મુલાકાત લીધેલ. અમારે ત્યાં ગાયોની સારસંભાળ થતી જોઇ સર ખૂબ પ્રભાવિત થયેલા. અમારા એનજીઓને પચીસ લાખ રૂપિયાનું ડોનેશન આપવાનું વચન આપેલ.’ મેનને શબ્દોની જાળ બિછાવી.
‘એમ? અંકલ, તમે બહુ ભંકસ કરી. દાદાએ તમામ દાન ગુપ્ત કર્યા છે. તમને દાન કરવાનું વચન આપ્યું હોય તો તમને દાન આપી જ દીધું હોય. દાદા દાનમાં ક્યારેય ઉધારી ન રાખે. જો તમે દાદાના અંતરંગ મિત્ર હોવ તો દાદાએ અમારા શુભ પ્રસંગોએ તમને આમંત્રણ આપ્યું જ હોય. અમારા એક પણ પ્રસંગના ફોટો કે વીડિયોમાં તમે દેખાતા નથી. તમે સાચું બોલો- કોણ છો? હું ચુલબુલ દુબે એસપી છું. હજુ તમને સત્ય કબૂલવાની તક છે.’ ચુલબુલે લાલ આંખ કરી.
પછી શું થાય? કોઇ પણ થર્ડ ડિગ્રી ટોર્ચર સહન ન કરી શકે. મેનન પણ પોપટની માફક બોલી ગયો. દુબે સરને કદી મળેલો પણ નહીં. દુબે સાહેબ વિશે થોડી ઘણી માહિતી ગૂગલ- ફેસબુકમાંથી એકઠી કરેલી. દુબે સાહેબના બેસણામાં શબ્દાંજલિ આપવા આવેલો ન હતો. એ તો કોઈ ફેક એનજીઓના નામે રૂપિયા પડાવવા આવ્યો હતો.
અખબારનાં બેસણાં, પગડી, સાદડી, પ્રાર્થનાસભા, ગુણાનુવાદ સભાના સમાચાર વાંચી ફંડફાળા ઉઘરાવવા પહોંચી જતો. નવજાત મૃતક સાથે પ્રગાઢ સંબંધ હોવાનો દાવો કરીને જે મળે એ ઉસેડી લેતો, પણ આજે તેના ગ્રહ ખરાબ હશે કે ચુલબુલ પાંડે નામના પહાડ સાથે અથડાયો અને ચકનાચૂર ચૂરેચૂર થઇ ગયો.
કહે છે કે મેનન નામ પણ સાચું નહોતું. સાચું નામ તો અશરફ
મેમણ હતું તેવું કહેવાય છે….અશરફ મેમણ છટા હુઆ
બદમાશ હૈ.. મેનન તમારા પણ બેસણામાં આવી શકે છે. વાંચકો, બી કેરફૂલ!