ઉત્સવ

વાટકી વહેવાર…

જૂઈ પાર્થ

‘અરે ચિન્ટુઉઉઉઉ..’

સવાર સવારમાં ભદ્રાબહેનનો ઘાંટો લગભગ પોળનાં નાકા સુધી પહોંચ્યો. ચિન્ટુ જો કે આ રીતે તાર સપ્તકમાં પોતાનું નામ સાંભળવા ટેવાયેલો હતો. તે જાગીને મમ્મી ભદ્રાબહેન પાસે ગયો. ભદ્રાબહેને સવારની પહોરમાં શરૂ કર્યું,
‘ચિન્ટુડા, આ જો ને તારા પપ્પાને બે દિવસથી કહું છું કે ઘરમાં સાકર પૂરી થવા આવી છે, દુકાનથી પાછા આવતા લેતા આવજો પણ ના, તારા પપ્પાને ભજિયા માટે મરચાં લાવવાનું યાદ રહે પણ ચા માટે સાકર લાવવાનું ભૂલી જાય આજે તો સાકર પતી જ ગઈ. હવે ચા મારે એકલીને થોડી પીવાની હોય છે… ઊઠતાની સાથે ચા ના પીએ ત્યાં સુધી એ હલતાંય નથી. આજે તો ખાંડ વગરની જ ચા પીવડાવું તો જ એ લાવવાનું યાદ રહેશે…!’

સહેજ અટકીને ભદ્રાબહેને ઉમેર્યું :

‘બેટા, તું એક કામ કરને, બાજુવાળા સવિતામાસીને ત્યાંથી એક વાટકી ખાંડ લઈ આવ ને તો બધા ચા ભેગા થાય અરે, આ સાકર ખલાસ થઈ એમાં તો બઉ મોડું થઈ ગયું છે આજે.’

આમ આક્રોશ વ્યક્ત કરતા કરતા ભદ્રાબહેન બીજા કામે વળગ્યાં અને ચિન્ટુ ઉતાવળે સાકર લઈને આવી ગયો. ભદ્રાબહેન સાકર મગાવે તો કોઈવાર સવિતાબહેન બે બટાકા મગાવે. મંગુબા આદુંનો કટકો મગાવે તો મંજરીભાભી લીમડો મગાવે. પોળ હોય કે ફ્લેટ, નાની નાની જરૂરીયાતો માટે આ પ્રકારની આપ-લે ચાલુ રહેતી હોય છે. આ છે સ્ત્રીઓનો સ્વભાવ, વાનગી બદલી નાખે પણ જે વાનગીમાં જે સામગ્રી જોઈએ એના વગર ચલાવી ન જ લે.

દરેક સમયે ઘરમાં બધી જ વસ્તુઓ હાજર હોય તેવું ન પણ બને. અને ત્યારે જ કામમાં આવે છે સ્ત્રીઓની આ SOS સર્વિસ એટલે કે વાટકી વ્યવહાર….

કોઈવાર આવો વાટકી વહેવાર નાની વસ્તુઓથી ચાલુ થઈને આખેઆખી વાનગી સુધી પહોંચતો હોય છે. મંગુબાએ નમૂનાનાં બે લાડુ મોકલ્યા એટલે લાડુનું વાસણ ખાલી પાછું જાય એ મંજરીભાભીને ન ગમે એટલે ઘરમાં જે સારી વાનગી બને એ વાનગી લાડુની વાટકીમાં મંગુબાને ઘેર જાય અને આ રીતે વસ્તુવિનિમય ચાલુ રહે. આમ તો આ વહેવાર ફક્ત ખાવા પીવાથી આગળ વધીને કપડાં, દાગીના, વાસણો એમ જીવનને અડતાં દરેક પાસા સુધી વિસ્તરેલો જોવા મળે છે.

એ વાત અલગ છે કે વાટકી વહેવારથી બધું સચવાઈ જાય તો કોઈવાર કેટલાક લોકોની અપેક્ષાઓ વધી જતી હોય છે. ખબર છે કે પાડોશી પાસે માગી લેવાશે તો પોતે જરૂરિયાતની વસ્તુ લેવા જવામાં આળસ કરે કે પછી ઘરમાં શું છે શું નહીં એ તરફ બેધ્યાન પણ થઈ જવાય. નાછૂટકે માગવું અને માગવાની આદત પડી જવી એમાં ફેર છે. દરેકનું મન મોટું નથી હોતું. ઘણીવાર એવું પણ લાગે કે કંઈ માગીએ એ સામેવાળી વ્યક્તિને નથી ગમતું, પરંતુ એવી અમુક વ્યક્તિઓથી પ્રથા નથી બદલાઈ જતી.

વાટકી વહેવારની વાત આવે એટલે જૂની બાર્ટર સિસ્ટમ એટલે કે વિનિમય પદ્ધતિનો યાદ આવે છે. હું ઘઉં ઉગાડું તો તમે શાકભાજી, હું કપડાં બનાવું તો સામે તમે કપડાંના બદલામાં મને વાસણ આપો વગેરે. આમ નાણાકીય વહેવારની શોધ નહોતી થઈ ત્યારે લોકો બાર્ટર સિસ્ટમમાં જીવન નિર્વાહ ચલાવતા હતાં. વાટકી વહેવાર નાણાકીય વહેવાર શરૂ થયા પછી આ જ પદ્ધતિનું આધુનિક સ્વરૂપ લાગે.

આજકાલ નવી પેઢીને વાટકી વહેવાર આઉટ ડેટેડ એટલે કે જૂના જમાનાનો લાગે છે. મમ્મી પાડોશીને ત્યાંથી કંઈ લાવી આપવાનું કહે તો બાળકો ના પાડે છે અને ઓનલાઈન મંગાવી આપે છે. બે પેઢી વચ્ચેનું અંતર આ જ કહેવાતું હશે કદાચ અહીં બંને પોતપોતાની જગ્યાએ સાચા છે, ક્યાંક લાગણી છે, ક્યાંક સ્વભાવ છે તો ક્યાંક સ્વમાન. પહેલાનાં લોકોમાં વસુધૈવ કુટુંબકમ્નીભાવના પ્રબળ હતી ને મન મોટાં. આપવાની, લોકોને મદદરૂપ થવાની, ઉદારતા દાખવવાની ભાવનાઓ મોખરે હતી. સમય અને સંજોગો બદલાતાં માન્યતાઓ, વહેવારની રીતો બદલાય તે સ્વાભાવિક છે જેનો સ્વીકાર જ કરવાનો હોય.

આમ તો વાટકી વહેવાર એક એવા સમાજનું પ્રતિબિંબ છે જે હળીમળીને સુમેળથી સાથે રહે છે. સુખ દુ:ખમાં એકમેકની પડખે ઊભો રહે છે. એક એવો સમાજ જે પોતાનાં જ પરિવારનું વિસ્તૃત સ્વરૂપ છે. જ્યાં કાકા- કાકી માસા- માસી જેવાં સંબોધનોને અંકલ -આન્ટીનો કહેવાનો રંગ નથી ચઢ્યો. જ્યાં મળવા જતા પહેલાં ફોન નથી કરવો પડતો, કોઈને કામ સોંપતા પહેલાં સંકોચ નથી થતો. કોણે કોના કેટલાં કામ કર્યાં તેની ગણતરીઓ નથી થતી.: ‘પહેલો સગો તે પાડોશી’ની કહેવતને આધુનિકપણાની ઘેલછાની વચ્ચે પણ જીવંત રાખે છે. ખાંડ-બટાકાનાં ભાવ આસમાને હોવા છતાં ઉદારતામાં ખોટ નથી આવતી. વાટકી વહેવાર એટલે એ ઓટલો જ્યાં અમીરી- ગરીબીનાં હિસાબ માત્ર દિલના હોય છે નહીં કે તુલના કે દાનતનાં.આવા વાટકી વહેવાર માટે

બોલો, તમે શું કહો છો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button