વાસ્તુશાસ્ત્ર કંઈ સાવ વાહિયાત નથી…

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ
રેશનાલિસ્ટો વાસ્તુશાસ્ત્ર વિશે ભલે ગમે તે કહેતા હોય, પણ આ શાસ્ત્ર રેશનાલિસ્ટો માને છે એવું બોગસ નથી. બોગસનું ગુજરાતી અમે બંકસ કરીએ છીએ. આ વાસ્તુવિદ્યાએ તો અટલબિહારી વાજપેયીને પણ પોતાનો ચમત્કાર બતાવી દીધો છે. જોકે એની વાત જાણવા માટે આપણે ફલેશબેકમાં જવું પડશે. વાજપેયી અને વડા પ્રધાનની ખુરશી વચ્ચે જયલલિતા નામની એક સ્ત્રી આડી ઊતરી હતી. પોતે પણ પી ન શકે એવું સત્તાનું દૂધ તે ઢોળી દેવા તૈયાર થઈ ગઈ હતી, પણ ત્યારે વાસ્તુશાસ્ત્રે આખીય બાજી સંભાળી લીધી. આ ગૂઢવિદ્યાના તજ્જજ્ઞોએ શોધી કાઢયું કે ભાજપને લીમડો નડી રહ્યો છે. આયુર્વેદે લીમડાનો મહિમા બહુ ગાયો છે. લીમડાના અઢળક ગુણોની ચર્ચા કરી છે, પણ આ જ લીમડાને લીધે ભા.જ.પ. સત્તા પર પહોંચી શકતો નહોતો.
ભારતીય જનતા પક્ષની દિલ્હી ખાતે જે ઓફિસ છે એના મુખ્ય દરવાજાની બરાબર સામે લીમડાનું જે વૃક્ષ છે તે ભાજપને ખુરશી સુધી પહોંચવા દેતું નહોતું. આ લીમડાની કડવાશ એ.આઈ.ડી.એમ.કે.ના સર્વેસર્વા ગણાતાં જયલલિતામાં ઊતરી ગઈ હતી ને એ કારણે જ બાજપાઈ સરકારને ટેકો આપવાનો કાગળ મોકલવામાં અખાડા કરતાં હતાં. એક નહીં, પણ ઊંટના અંગ જેટલા વાસ્તુશાસ્ત્રીઓએ સલાહ આપી કે લીમડો ભલે ત્યાં ઊભો. પોતાને વાગેલ એક કાંટાને પાઠ ભણાવવા ચાણક્યએ આખેઆખું બાવળનું ઝાડ ઉપાડીને ફેંકી દીધું હતું, એ રીતે લીમડાને નિર્મૂળ કરવાની જરૂર નથી, પણ લીમડાની સામે આવેલ ભાજપની ઓફિસનો મુખ્ય દરવાજો બંધ કરી દો, અને સાઈડમાં બીજો દરવાજો પાડી તે દ્વારા આવનજાવન કરો તો કામ થઈ જશે… ને તેમ કર્યું ને લો, જાણે ચમત્કાર થયો. એ સાઈડના બારણેથી સત્તા ભાજપ પાસે સામેથી આવી ગઈ.
- તો આજે આપણે આવા એક અદ્ભુત અને રહસ્યમય ગણાતા વાસ્તુશાસ્ત્રની થોડી વાત કરીશું, પરંતુ જેને વાસ્તુવિદ્યામાં શ્રદ્ધા ન હોય તેણે કૃપા કરી આ લેખ વાંચવા પાછળ પોતાનો ફાલતુ સમય પણ બગાડવો નહીં. તમને કદાચ ખબર નહીં હોય કે માણસની જેમ મકાન તેમ જ જમીનમાંથી પણ પોઝિટિવ કે નેગેટિવ વાઈબ્રેશન નીકળતાં હોય છે. જોકે એની ખબર માત્ર વાસ્તુશાસ્ત્રની જ પડે છે, હવામાન ખાતામાં કામ કરનારને હવામાન અંગેની ખબર પડે છે એ રીતે. પણ વાસ્તુશાસ્ત્ર અંગેની કેટલીક સ્થૂળ વિગતો વાસ્તુશાસ્ત્રીઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે…
જે જમીનમાંથી વાળનો મોટો જથ્થો, મોટાં ગૂંચળા મળી આવે એ જમીન ખરીદવી નહીં, કિતુ તપાસ કરતાં એવું જાણવા મળે કે આ જગ્યા પર તો ભૂતકાળમાં હેરકટિગ સલૂન હતી તો એ જમીન ખરીદવામાં સ્હેજ પણ વાંધો નથી, કેમ કે નાયી એટલે વાળંદને શાસ્ત્રોમાં પવિત્ર ગણવામાં આવે છે. કોઈપણ પ્રકારની ભેળસેળ કે ઘાલમેલ કર્યા વગર, પોતાનો ધંધો તે ઈમાનદારીથી કરે છે. આ સિવાય જે ભૂમિમાંથી હાડકાં મળી આવે એ ભૂમિને નકામી ગણી ખરીદવી નહીં, પણ જો આ જગ્યા પર કોઈ ઑર્થોપેડિક સર્જન પોતાની હોસ્પિટલ બાંધવા માગતો હોય તો એને માટે આ જમીન શુકનવંતી સમજવી. આમાંય પાછું સાકર જેવું છે, કોણ ખાવા ઈચ્છે છે એના પર બધો આધાર છે.
સો-દોઢસો કે બસો વર્ષ પૂર્વે જ્યાં સ્મશાનભૂમિ કે કબ્રસ્તાન હોય એ જગ્યા પર ભૂત, પલીત વગેરે પ્રેતાત્માઓનો વાસ હોય છે. એટલે જ જમીન ખરીદવાની ઈચ્છા હોય એ જ સ્થળ પર પ્રેતાત્માઓનો વાસ છે કે કેમ એ જાણી લેવું. એ માટે કોઈ ફેમિલી વાસ્તુશાસ્ત્ર – ક્નસલ્ટન્ટ પાસે પ્રશ્નકુંડળી મુકાવી જો ત્યાં ભૂત-પ્રેત હોય તો તે ડાઈરેકટલી પૂછી-પુછાવી લેવું કે `આ જગ્યા ખાલી કરવાનું તું શું લઈશ?’ જોકે તમારી સાથે તે સીધા મોંએ વાત નહીં કરે, પ્રેતાત્માઓમાં ભારે શિસ્ત હોય છે. તે થ્રુ પ્રોપર ચેનલ, એજન્ટ દ્વારા જ વાત કરશે, વાસ્તુશાસ્ત્રી આગળ પોતાની શરતો મૂકશે.
એટલે તેની મદદથી વાટાઘાટો કરી સોદો પતાવી દેવો. પણ ધારો કે તમારી ગરજનો લાભ લઈને તમારા ગજા (તેમજ ગજવા) બહારની શરતો મૂકે તો તેને તાબે થવું નહીં. સામેથી પૂછવું કે સોદો પાર પડે તેમ નથી, પણ એ વગેરેય તને અમારી જોડે રહેવું ફાવશે? – આ સાંભળીને શક્ય છે કે એ પ્રેતાત્મા શરતોમાં બાંધછોડ કરે અને જે જમીન ખરીદવાનું મન હોય એવી જમીનનું માપ લેવા જતાં મેજરટેપ – માપવાની પટ્ટી – તૂટી જાય તો એ જમીન લેવી નહીં. કારણ કે એવી જમીન લેવા જતાં આપણે જ તૂટી જવાનો વારો આવશે. એમ માની એ જમીન જતી કરવી.હા, એ જમીન જતી કરતાં જીવ ચાલતો ન હોય તો અનબ્રેકેબલ મેજરટેપથી જમીન ફરી વાર માપવી.
આ રહસ્યમય વાસ્તુશાસ્ત્ર દિશાઓ પર જ રચાયેલું છે અને બિલ્ડરો કબજો જમાવે એ પહેલાં તો અમુક ગ્રહોએ જે તે દિશાઓ અને એ દિશાઓ પરની સંપત્તિ પર કબજો જમાવી દીધો હોય છે. ઉદાહરણ તરીકે – પૂર્વ દિશા સૂર્યના આધિપત્યમાં છે ને ઈશાનનો જે પૂર્વ-ઉત્તર વચ્ચેનો ભાગ છે એનો સાચો માલિક બૃહસ્પતિ કહેતાં ગુ છે. જ્યારે ઉત્તર દિશા બુધના તાબામાં છે. બુધને ભગવાન વિષ્ણુએ પોતાના ચોકીદાર લેખે આ જગ્યા પર મૂકયો છે જેથી અન્ય કોઈ ગ્રહ આ જમીન હડપ કરવા પ્રયત્ન ન કરે… પરંતુ નૈર્ઋત્ય દિશા, પશ્ચિમ-દક્ષિણની વચ્ચે જે રાહુ-કેતુ બેઠા છે એ તમામ અનિષ્ટ તત્ત્વોના મૂળમાં છે. આ બંને માફિયા સરદારો છે એમનાથી સલામત અંતર રાખી રહેવું.
વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ શુભ દિશાઓ હંમેશાં ખુલ્લી રાખવી. અશુભને, તે અશુભ છે એવી ખબર પડે કે તરત જ બંધ કરી દેવી. મકાન પડી જતું હોય તો પડી જવા દેવું, પણ વાસ્તુશાસ્ત્રના નિયમોની વિદ્ધ તેમાં રિનોવેશન, ફેરફાર વગેરે કરાવવા નહીં. અમારા વિસ્તારનો એક સ્મગલર પોતાના આલીશાન બંગલામાં સુખેથી રહેને ધંધો કરતો હતો, ને તેનો કોઈ વાળ પણ વાંકો કરી શકતું નહીં. આ દાણચોરીના ધંધામાં તે પુષ્કળ ધન કમાયો, ને તેને કુબુદ્ધિ સૂઝી. મકાનમાં તેણે મોટા પાયે ફેરફાર કરી નાખ્યા. એ દરમિયાન નૈર્ઋત્ય ખૂણે બેઠેલ રાહુ-કેતુએ ઈન્કમટેક્ષ ખાતાને જાણ કરી દીધી. તેને ત્યાં `રેડ’ પડી. પણ આ દરોડા પડવાની આગલી સાંજે તેનો પાર્ટનર તેની જાણ બહાર, મોટી રકમ લઈને છૂ થઈ ગયો. તેનો રસોઈયો તેની પત્નીનું અપહરણ કરી ગયો. જોકે આ રીતે તેની પત્ની નાસી ગઈ એ કરતાંયે વધારે તો તેની આબરૂ પણ સાથે લઈ ગઈ એનો તેને સખત આઘાત લાગ્યો.
પછી તેણે એક વાસ્તુશાસ્ત્રીની સલાહ પ્રમાણે પોતાનું એ મકાન તોડી પાડી, ફરી હતું એવું કરી નાખ્યું. પરિણામે ઈન્કમટેક્સ ખાતાવાળાએ માત્ર અમુક લાખ રૂપિયા દક્ષિણાપેટે લઈને બાકીનું ધન પરત કરી દીધું. તેના ભાગીદારને પસ્તાવો થવાથી તેણે સ્મગલર પાસે આ ક્ષમા માગીને જણાવ્યું કે બોસ, તમારા જે પૈસા લઈને હું અંતર્ધાન થઈ ગયો હતો, એ તમામ પૈસા તો વપરાઈ ગયા. પણ ભવિષ્યમાં આ ઈતિહાસનું પુનરાવર્તન હું નહીં કં. મારે તો તમારી સાથે જ પાર્ટનરશિપમાં ફરી ધંધો કરવો છે અને પેલો રસોઈયો પણ આવીને તેના પગમાં પડી ગયો.
રડી પડતાં તે બોલ્યો કે શેઠ, તમારી સ્ત્રીને ભગાડી ગયા પછી તો ખુદ મારે જ ભૂખે મરવાનો વારો આવ્યો. તમે ખરેખર મહાન છો. આ સ્ત્રીને તો તમે જ રાખી શકો. કહેતા હો તો અબઘડી પાછી મૂકી જઉં. પણ એ સ્મગલરે તેના ભૂતપૂર્વ રસોઈયાને માફ કરી સહાનુભૂતિથી જણાવ્યું કે હવે તો તારાં કર્યાં તું જ ભોગવ… આમ મકાનને અનુકૂળ દિશાઓમાં ફેરવવાથી તેના દિવસો ફરી ગયા ને ફરી પાછો તે પહેલાં જેવો જ તગડો તવંગર થઈ ગયો, સુખી થઈ ગયો – સુખી એટલા માટે કે હવે તો તેની પત્ની પણ નહોતી, આ બધો રૂડો પ્રતાપ વાસ્તુશાસ્ત્રનો.
આ વાસ્તુશાસ્ત્ર પણ આમ તો જ્યોતિષશાસ્ત્ર જેટલું જ પુરાણું છે, પણ શાસ્ત્રનેય પોતાનું નસીબ હોય છે. છેલ્લાં દસ બાર વરસમાં જ તેનું ભાગ્ય ખૂલી ગયું ને તેને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ. જોકે તેની બોલબાલા જેટલી ધનિક વર્ગમાં છે એટલી ગરીબોમાં હજી સુધી થઈ નથી. ગરીબ માણસો વાસ્તુશાસ્ત્રીને પૂછીને તેમનાં ઝૂપડાં બાંધતા નથી. કદાચ એટલે જ તે કાયમ દુ:ખી રહે છે.



