ઉત્સવ

સુગરી શાળા: હસ્તકલા ને શિક્ષણનો સંવેદનશીલ સંગમ…

વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છની ધરતી હંમેશાં પોતાની કારીગરી, રંગો અને પરંપરાઓ માટે જાણીતી રહી છે. અહીંની હસ્તકળા માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ જીવનની એક જીવંત શૈલી છે. આ પરંપરા અને આધુનિક શિક્ષણ વચ્ચેનું એક અનોખું પુલ બનીને ભુજની ખમીર સંસ્થાએ સુગરી શાળા નામની પહેલ શરૂ કરી છે, જે વિદ્યાર્થીઓને હસ્તપ્રયોગ, વાર્તાઓ, સંગીત અને સર્જનાત્મકતા દ્વારા શિક્ષણની નવી અનુભૂતિ કરાવે છે.

સુગરી શાળામાં વિદ્યાર્થીઓને માટી, સૂત, વણાટ, રંગકામ, લાકડું જેવી પરંપરાગત કારીગરીઓ સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કારીગરો, જેઓ પરંપરાગત જ્ઞાનના સાચા વાહક છે, તેઓ પોતાના હુન્નર સાથે જોડાયેલી વાર્તાઓ, પરંપરાઓ અને મૂલ્યો બાળકોને જણાવીને શિક્ષણને જીવંત બનાવે છે.

મહાત્મા ગાંધીજીની નઈ તાલીમની ફિલસૂફી પરથી પ્રેરાઈને ખમીર સંસ્થાએ શિક્ષકો, ફેસિલિટેટર અને કારીગરો સાથે મળીને એક સંકલિત અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જે બાળકને માત્ર પુસ્તકી જ્ઞાન સુધી સીમિત રાખતો નથી, પરંતુ જીવન સાથે જોડાયેલી સમજ આપે છે.

સુગરી શાળાના મુખ્ય ઉદ્દેશો

  1. કુદરત અને પર્યાવરણ સાથે જોડાણ

વિદ્યાર્થીઓ જ્યારે માટી, સૂત કે કુદરતી રંગો સાથે કામ કરે છે, ત્યારે તેઓને કુદરતના તત્ત્વો સાથે સીધો સંપર્ક મળે છે. આ પ્રક્રિયા તેમને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવે છે અને સ્થાયી જીવનશૈલીની સમજ આપે છે.

  1. સમુદાયની જીવનશૈલીની સમજ

સુગરી શાળા સમુદાયના કારીગરો અને વિદ્યાર્થીઓ વચ્ચે જીવંત સંવાદ સર્જે છે. કારીગરોના જીવન અને તેમની કાર્યપદ્ધતિને નજીકથી જાણવાથી બાળકોને સમજ થાય છે કે કેવી રીતે સમાજના દરેક વર્ગની મહેનત અને કૌશલ્ય આપણા જીવનમાં મહત્ત્વ ધરાવે છે.

  1. ભજનો અને લોકવાર્તાઓમાંથી સાંસ્કૃતિક મૂલ્યો

શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓને લોકસંગીત ભજનો અને વાર્તાઓ દ્વારા સંસ્કૃતિના મૂલ્યો શીખવવામાં આવે છે. આ અનુભવો બાળકોમાં સંસ્કાર, સહાનુભૂતિ અને સર્જનાત્મકતા વધારવામાં મદદરૂપ થાય છે.

  1. સ્વતંત્રતા ચળવળના પ્રતીક તરીકે ચરખાની ભૂમિકા

સુગરી શાળામાં ચરખા દ્વારા સ્વતંત્રતા ચળવળના આદર્શો, સ્વાવલંબન, સ્વશક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ ને જીવંત રાખવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચાર અને આત્મવિશ્વાસનો સંદેશ મળે છે.

સુગરી શાળાનો અભ્યાસક્રમ ત્રણ મુખ્ય તબક્કામાં વિભાજિત છે:

સુગરિયો કી કિલ્લોલ, સાપ્તાહિક હસ્તકલા મેળો, જ્યાં વિવિધ શાળાઓના બાળકો કારીગરો સાથે મળીને લાઇવ ડેમો અને પ્રયોગો કરે છે.

સુગરિયો કી ખોજ ટૂંકા ગાળાના વર્કશોપ (10-15 કલાક) દ્વારા વિદ્યાર્થીઓ વિશિષ્ટ કલા ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક શીખે છે.

સુગરિયો કી ઉડાન એક વર્ષની અવધિનું અભ્યાસક્રમ, જેમાં હસ્તકળા, વિજ્ઞાન, ઇતિહાસ અને પર્યાવરણનો સંકલિત અભ્યાસ થાય છે.

2021થી શરૂ થયેલા આ પ્રકલ્પમાં અત્યાર સુધી 3200 વિદ્યાર્થી, 50 શાળાઓ, 35 કારીગરો અને 200થી વધુ શિક્ષકો જોડાઈ ચૂક્યા છે. તાજેતરમાં યોજાયેલ સુગરિયો કી કિલ્લોલ મેળામાં માધાપર ક્ધયા પ્રાથમિક શાળાની આચાર્ય નેહાબેન મહેતાએ જણાવ્યું કે, અહીં સર્જનશીલતાની વાત માત્ર થતી નથી, પરંતુ કારીગરોથી સીધું શીખવાની તક મળે છે. બાળકોના મનમાં રહેલી નિરસતા દૂર થાય છે અને તેમની કલ્પનાશક્તિનું પંખ ફેલાય છે.

સુગરી શાળા હસ્તકલા અને શિક્ષણ વચ્ચેનું એક જીવંત મંચ છે, જ્યાં હાથનું હુન્નર અને મનનું વિજ્ઞાન એકસાથે પોતાની ભૂમિકા ભજવે છે. આ પ્રયોગ માત્ર શિક્ષણની નવી રીત નથી, પરંતુ સંવેદનશીલ, સર્જનાત્મક અને પર્યાવરણપ્રેમી નાગરિકો ઘડવાનો પ્રયાસ છે. ખમીરની આ પહેલ કચ્છની ધરતી પરથી શરૂ થઈ છે, પરંતુ તેનું સ્વપ્ન આખા દેશના શિક્ષણ તંત્રને જીવંત બનાવવાનું છે.

આ પણ વાંચો…વલો કચ્છ: ગોબર ક્રાફ્ટ: સો ટકા સ્વદેશી કળા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button