વલો કચ્છ: ગોબર ક્રાફ્ટ: સો ટકા સ્વદેશી કળા…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
દિવાળીનો તહેવાર પ્રકાશ, પવિત્રતા અને શુદ્ધતાનું અવિનાશી જોડાણ છે. આ તહેવાર આપણને માત્ર ઘરની જ નહીં પરંતુ મનની પણ સફાઈ કરવાની પ્રેરણા આપે છે. આજના સમયમાં જ્યારે લોકો આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે, ત્યારે સ્વદેશી અને કુદરતી ઉત્પાદન તરફનો ઝોક વધી ગયો છે. આ જ સંદર્ભમાં કચ્છની ધરતી પર એક અનોખી અને પ્રેરક કળા વિકસેલી છે ‘ગોબર ક્રાફ્ટ’, જે સો ટકા સ્વદેશી અને સાવ દેશી છે.
ગાયના ગોબરને આપણા શાસ્ત્રોમાં પવિત્ર ગણવામાં આવ્યું છે. તેનું ધાર્મિક તેમ જ ઔષધીય મહત્ત્વ છે. પ્રાચીન કાળથી ઘરોની લીપાઈ, કૃષિ, ઉપચાર અને પૂજાપાઠમાં ગોબરનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ હવે આ જ ગોબરમાંથી અવનવી કલાત્મક વસ્તુઓ બનાવી શકાય તેવો એક નવો ઉદ્યોગ ઊભો થયો છે, જે ગ્રામીણ સ્તરે રોજગારનું શક્તિશાળી સાધન બની ગયો છે.
કચ્છમાં છેલ્લાં કેટલાક વર્ષોથી ગાયના ગોબરમાંથી દીવડા, રાખડીઓ, અગરબત્તી, ધૂપ, વોલપીસ, મુર્તિ, મોબાઈલ સ્ટેન્ડ જેવી 25થી 30 પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. પ્રતિ વર્ષ ઓછામાં ઓછા પાંચથી સાત લાખ દીવડા અને દસેક હજાર જેટલી રાખડીઓ બનાવવામાં આવે છે. આટલો મોટો ઉત્પાદનનો માપદંડ કારીગરોની મહેનત અને ગૌસેવાના સંકલ્પને વ્યક્ત કરે છે. સીઝન દરમિયાન કારીગરો રોજ 15-17 કલાક સુધી સતત કામ કરે છે. છતાંય ઓર્ડર એટલા વધી જાય છે કે કેટલાકને કેન્સલ કરવા પડે છે. આ સ્થિતિ દર્શાવે છે કે સ્વદેશી વસ્તુઓ માટે લોકોમાં વિશ્વાસ અને માગ વધી રહી છે.
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાગલપર ગામે ‘નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર’ કાર્યરત છે, જ્યાં મેઘજીભાઇ હિરાણી ગૌસેવા અને સ્વદેશી ઉત્પાદનોના પ્રચારમાં વર્ષોથી સંકળાયેલા છે. બીજી બાજુ કુકમા ગામે ‘રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ’ના મનોજભાઈ સોલંકી પણ ગાય આધારિત સ્વાવલંબન અને સજીવ ખેતીના પ્રખર સમર્થન સાથે સેવામગ્ન છે.
‘નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર’ કચ્છમાં સૌથી વધુ ગોબર ક્રાફ્ટ માટે પ્રસિદ્ધ છે. અહીં 25 જેટલા સ્વયંસેવકો સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહે છે. તેમાં 20 જેટલી મહિલાઓ છે, જેમણે ઉચ્ચ શિક્ષણ લીધું છે, છતાંય પોતાના હાથે આ કળાને જીવનનો આધાર બનાવી છે. આ બહેનો પ્રતિમાસ ₹12,000 થી ₹16,000 સુધી કમાઈ લે છે અને ઘણી બહેનો માટે તો આ કમાણી પરિવારનો મુખ્ય આધાર બની ગઈ છે.
આ કેન્દ્રોમાં ગોબરથી વસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે. છેલ્લાં પાંચેક વર્ષમાં 500 જેટલી મહિલાઓએ આ તાલીમ મેળવી લીધી હશે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતી મહિલાઓએ આ કળા શીખી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યા છે. કેટલાક ઉદાહરણો તો ખરેખર પ્રેરણાદાયક છે.ડીસાની આરતીબહેન, જેમની પાસે પહેલાં ફક્ત બે ગાયો હતી, આજે 50થી વધુ ગાયો ધરાવે છે. તેમણે ગોબર ક્રાફ્ટ દ્વારા પશુપાલન અને હસ્તકલા બંને ક્ષેત્રમાં સફળતા મેળવી છે. અંજારની આશા સોરઠીયા, જે પહેલાં મલ્ટિનેશનલ કંપનીમાં કાર્યરત હતી, કોરોના કાળમાં નોકરી ગુમાવી દીધી હતી, તેમણે ગોબર ક્રાફ્ટની તાલીમ મેળવી અને આજે માસિક ₹15,000થી વધુ કમાઈને આત્મનિર્ભર બની છે.
મેઘજીભાઇ હિરાણીની પુત્રી દીપિકા હિરાણી કહે છે, આજનાં યુવાઓને ગોબરમાં હાથ નાખવો પસંદ નથી, પરંતુ આજ એ જ ગોબરમાંથી ‘ગોલ્ડ’ ખરીદી શકાય એટલી કમાણી શક્ય છે. આ વાક્ય માત્ર પ્રતીક નથી, પણ તે સ્વદેશી ઉદ્યોગની શક્તિ દર્શાવે છે. ગોબર, જે પહેલાં માત્ર કૃષિ અથવા ધાર્મિક ઉપયોગ સુધી મર્યાદિત હતું, આજે આર્થિક શક્તિનું પ્રતીક બની ગયું છે.
ગોબર ક્રાફ્ટ માત્ર રોજગાર પૂરતો નથી, પરંતુ પર્યાવરણમૈત્રીક અને સ્વાસ્થ્યપ્રદ ઉદ્યોગ છે. ગોબરથી બનેલા દીવડા અથવા ધૂપબત્તી કોઈ પણ રસાયણ વગર બને છે. તેથી તે હાનિકારક ધુમાડો પેદા કરતા નથી અને હવાની ગુણવત્તા સુધારે છે. આ કળા ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરે છે, જ્યાં દરેક ગ્રામીણ મહિલાઓ પોતે કમાણી કરી શકે, પરિવારને સહાય કરે અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપે.
દિવાળી એટલે પ્રકાશનું, શુદ્ધતાનું અને નવી શરૂઆતનું પ્રતિક. ‘ગોબર ક્રાફ્ટ’ જેવી સ્વદેશી કળાઓ આપણને યાદ અપાવે છે કે આત્મનિર્ભરતા એટલે માત્ર કમાણી નહીં, પણ સંસ્કૃતિનું પુનર્જીવન.
આ પણ વાંચો…વલો કચ્છ : કચ્છ કનેક્શન વિથ કલામ: રણથી રાષ્ટ્રદ્રષ્ટિ સુધી