વલો કચ્છ : કાપડથી કળા સુધીનો પ્રવાસ: એપ્લિકનો આલેખ

- ડૉ. પૂર્વી ગોસ્વામી
માનવ જીવનની શરૂઆતથી જ કપડું માત્ર આવરણ નહોતું, તે સ્વરૂપનું, સંસ્કૃતિનું અને સૌંદર્યનું પ્રતીક રહ્યું છે. હાથની સિલાઈ અને કઢાઈએ મનુષ્યને સૌંદર્યની નવી દિશા આપી છે. તેમાંથી ઉપજી છે એક અનોખી કળા: એપ્લિક. હમણાં સુમરાસરના ભરતકામ કારીગર ભાવનાબહેન ગૌતમ ભાનાણીએ બે વર્ષની ધીરજપૂર્વકની મહેનત બાદ પોતાની આંગળીઓના ટેરવે ક્વીલ્ટ સાઈઝ કાપડ પર એપ્લિકની મદદથી રામાયણના પ્રસંગો ઉતાર્યા છે. એટલે ઇજન થયું કે આજે એપ્લિકની કચ્છકથા વણી લઈએ.
“Appliqueœ’ શબ્દનો ઉદ્ભવ લેટિન શબ્દ ‘એપ્લિકેર’ (અર્થાત્ ‘લગાડવું’ કે ‘જોડવું’) અને ફ્રેન્ચ ‘એપ્લિકર’ પરથી થયો છે. શરૂઆતમાં તેનો ઉપયોગ ફાટેલા કે ઘસાયેલા કપડાંને મજબૂત બનાવવા માટે થતો હતો. ધીમે ધીમે આ પ્રયોગ કળાત્મક રૂપમાં ફેરવાયો અને દુનિયાભરના અનેક સંસ્કૃતિઓમાં પોતાની ઓળખ બનાવી.
ઈન્ટરનેટ પર શોધતા તેના મૂળ ઈજિપ્તમાં ઈ.સ.પૂર્વે 980માં ચામડાના એપ્લિકના ઉદાહરણો તરીકે મળે છે. સાઇબેરિયા અને મંગોલિયાની સમાધિઓમાં પણ ચામડું અને ફેલ્ટ એપ્લિકથી શણગારેલા કાર્પેટ અને ઘોડાનાં ઉપકરણો મળી આવ્યા છે. પશ્ર્ચિમ આફ્રિકાના બેનિન રાજ્યમાં 18મી સદીથી એપ્લિકને રાજાશાહી શણગારકલા તરીકે સ્થાન મળ્યું હતું. સ્કેન્ડિનેવિયા, રશિયા અને પૂર્વ યુરોપમાં ચામડાના એપ્લિક વડે વસ્ત્રોને શણગારવાની લોકપરંપરા છે, જ્યારે દક્ષિણ અમેરિકાના મોલા ટેક્સટાઇલ્સમાં રિવર્સ એપ્લિક વડે સુંદર ચિત્રો બનાવવાની પ્રાચીન રીત ચાલી આવે છે.
ભારતમાં એપ્લિક કળા અનેક રૂપોમાં જોવા મળે છે, ધાર્મિક ધ્વજોથી લઈને રાજાશાહી પડદાં સુધી. ઓડિશાનું પિપલી ગામ એપ્લિક કામ માટે વિશ્વપ્રસિદ્ધ છે, જ્યાં ચમકદાર રંગોના કપડાંથી બનેલા છત્ર, ધ્વજ અને પડદાં આજેય લોકપ્રિય છે; જે જોઈને લાગે જ નહીં કે તે એપ્લિક વર્કની બનાવટ હશે. કર્ણાટકનું કૌડી કામ એપ્લિકની એક લોકપ્રિય શૈલી છે, જેમાં જૂના કપડાંના ટુકડાને જોડીને ચાદર કે રજાઈ તૈયાર કરવામાં આવે છે. તે માત્ર કળા જ નહીં, પણ પુન:ઉપયોગની સમજદારીપૂર્વકની પરંપરાનો પણ ભાગ છે.
ગુજરાતની હસ્તકલાઓ વિશ્વપ્રસિદ્ધ છે જેમાં કચ્છનું કઢાઈકામ, સૌરાષ્ટ્રની પેચવર્ક કળા, અને અમદાવાદ, જામનગર, ભુજ જેવા વિસ્તારોની એપ્લિક કળા એ તેની જીવંત સાક્ષી છે. કચ્છમાં એપ્લિકનો ઉપયોગ ખાસ કરીને ઘરઘાટની વસ્તુઓમાં, પડદાં, ધ્વજ, થાંભલા-પાટલાં, રજાઈઓ, બાળકના પલંગના આવરણો અને ધાર્મિક ઉત્સવોના શણગારમાં જોવા મળે છે.
સ્થાનિક કારીગરો રંગોની સમૃદ્ધ સમજ સાથે કામ કરે છે. લાલ, પીળા, લીલા અને કાળા રંગના કપડાં પર કાપણી કરીને પાન, ફૂલ, પશુપંખી અને આકાશી નમૂનાઓ ગોઠવે છે. દરેક ટાંકા પાછળ કારીગરની કલાત્મક દૃષ્ટિ અને અનુભવ છલકે છે.
એપ્લિક બનાવવાની પ્રક્રિયા દેખાવમાં સરળ છે, પરંતુ તેમાં નક્કર કૌશલ્ય જોઈએ. સૌપ્રથમ પૃષ્ઠભૂમિ કાપડ પસંદ થાય છે. ત્યારબાદ વિવિધ રંગોના ટુકડાઓને ઈચ્છિત આકારમાં કાપવામાં આવે છે; જેમ કે ફૂલ, પંખી, પાંદડાં કે જ્યોમેટ્રિક નમૂના. આ ટુકડાઓને હાથથી અથવા મશીન વડે પૃષ્ઠભૂમિ પર સીલાઈ કરવામાં આવે છે. કાચા કિનારાઓને છુપાવવા માટે સેટિન સ્ટિચ અથવા રનિંગ સ્ટિચ કરવામાં આવે છે. ઘણીવાર વધુ સૌંદર્ય માટે મણકા, મીરર વર્ક કે કઢાઈ વડે શણગાર કરવામાં આવે છે. કારીગરો ઘણી વાર રિવર્સ એપ્લિક પણ કરે છે, જેમાં ઉપરના કાપડને કાપીને નીચેનું રંગીન કાપડ દેખાડવામાં આવે છે આ ટેકનિક ખાસ કરીને ધાર્મિક તોરણો અને પડદાંમાં જોવા મળે છે.
નગરપારકર (સિંધ, પાકિસ્તાન)માં જન્મેલા ભાવનાબહેનનો જીવનપ્રવાસ 1971ના યુદ્ધ પછી ભારતમાં શરૂ થયો. થરાદના શરણાર્થી કેમ્પમાં બાળપણ, ત્યાંથી ભણવાનું સપનું અધૂરું રહ્યું પણ હાથમાં સૂઈ-ધાગો પકડી લેતાં જ એક નવો માર્ગ ખુલ્યો. માતાથી શીખેલી પરંપરાગત ભરતકામ કળાને તેમણે જીવનનો આધાર બનાવ્યો.
લગ્ન પછી ઘરકામની સાથે કળા પ્રત્યેનો લગાવને યથાવત રાખ્યો અને સૂફ ભરત સાથે તેમણે એપ્લિક વર્કમાં પ્રયોગ શરૂ કર્યા. નાના કાપડના ટુકડા જોડીને તેમણે રામાયણના અનેક પ્રસંગોનું ચિત્રરૂપ સર્જન કર્યું. શ્રીરામ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને લાગણી એ કળાકૃતિમાં તેમણે ઉમેરી દીધી. ભાવનાબહેનની ઈચ્છા છે કે આ રામાયણનો નમૂનો એવી જગ્યા પ્રદર્શિત થાય જ્યાં દેશ-વિદેશના લોકો તેને નિહાળી શકે અને રામભક્તિની પ્રેરણા લઈ શકે. આ કળા સાબિત કરે છે કે સૌંદર્ય ક્યારેક ફાટેલા કપડાંમાંથી પણ જન્મે છે.
ભાવનાબહેન જેવી મહિલાઓ માટે આજે આ કળા માત્ર શોખ નથી રહી, તે આર્થિક સ્વાવલંબનનું સાધન બની ગઈ છે. કચ્છ, સુરત, અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં મહિલાઓના સ્વયં સહાય સમૂહો આ કળા દ્વારા રોજગાર ઊભો કરી રહ્યાં છે. સ્થાનિક બજારથી લઈને આંતરરાષ્ટ્રીય ડિઝાઇન એક્ઝિબિશનમાં હેન્ડમેડ એપ્લિકની મોટી માંગ છે. ખાસ કરીને અપસાયકલ ફેશન (Upcycled Fashion)ના વધતા ટ્રેન્ડને કારણે જૂના કપડાંમાંથી બનેલી એપ્લિક વસ્તુઓ વધુ લોકપ્રિય બની છે.
આપણ વાંચો: સન્ડે ધારાવાહિક: કટ ઑંફ જિંદગી – પ્રકરણ-18



