શું છે આ ડિજિટલ ચલણ? આ માહિતી તમારી માટે ખૂબ ફાયદાકારક છે, જાણી લો…

દેવેશ પ્રકાશ
યુપીએસસી એ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષામાં સી-સેટના ફોર્મેટનો જ્યારથી સમાવેશ કર્યો છે, ત્યારથી જનરલ સ્ટડીઝનો વ્યાપ ઘણો વિશાળ બની ગયો છે. ઉપરાંત, હવે માત્ર આઇએએસ પરીક્ષામાં જ નહીં પરંતુ લગભગ તમામ પ્રકારની પરીક્ષાઓમાં જનરલ સ્ટડીઝની વિશાળ શ્રેણીમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને, આ વખતે અમે નોલેજ બાઈટ હેઠળ ‘ડિજિટલ કરન્સી’ વિશે જણાવી રહ્યા છીએ.
Also read : હેં… ખરેખર?! : નામાંકિત લેખકોની લખવાની અનોખી આદતો: રોજ કેટલાં શબ્દો લખે?
તાજેતરમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય ડિજિટલ કરંસી ઈ-રૂપીને વ્યાપક મહત્ત્વ આપવાની જાહેરાત કરી છે, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ એક જીકે ના વિષય તરીકે ઊભરી આવ્યો છે. તો ચાલો આપણે એ પણ સમજીએ કે શા માટે ડિજિટલ કરંસી આજના સમયે આટલું મહત્ત્વનું બની ગઈ છે?
શું છે ભારતીય ડિજિટલ કરન્સી?
ભારતીય ડિજિટલ કરન્સી વાસ્તવમાં ડિજિટલ રૂપિયો અથવા ઈ-રૂપી છે. તેને ભારતની કેન્દ્રિય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી 2017માં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું અને પહેલી ડિસેમ્બર 2022ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. ડિજિટલ રૂપિયો બ્લોકચેન ડિસ્ટ્રિબ્યુટેડ/લેજર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
કોઈ દેશની ડિજિટલ કરન્સી એ તે દેશની મધ્યસ્થ બેંક દ્વારા જારી કરાયેલ ઇલેક્ટ્રોનિક ચલણ છે, જે ભૌતિક ચલણ એટલે કે કાગળની નોટો અથવા ધાતુના સિક્કા જેવી જ માન્યતા ધરાવે છે. તફાવત માત્ર એટલો છે કે ડિજિટલ કરન્સી ડિજિટલ સ્વરૂપમાં છે. ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પણ કહેવામાં આવે છે. તે પરંપરાગત ચલણની જેમ કાયદેસર રીતે માન્ય છે. પરંતુ તેનો ઉપયોગ માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ થઈ શકે છે.
ભારતમાં ડિજિટલ કરન્સીને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક સામાન્ય લોકો માટે જેને સીબીડીસી રિટેલ અથવા રિટેલ ઇ-રૂપી કહેવામાં આવે છે અને બીજો ભાગ નાણાકીય સંસ્થાઓ માટે કે જેને સીબીડીસીડબલ્યૂ અથવા હોલસેલ ઇ-રૂપી કહેવામાં આવે છે. ભારતમાં, 1 ડિસેમ્બર 2022થી દેશની કેટલીક પસંદગીની બેંકોની શાખાઓમાં સીબીડીસી લાગુ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રમાં ડિજિટલ કરન્સી (ક્રિપ્ટો કરન્સી અને અન્ય)ના પડકારોને દૂર કરવાનો હતો.
પરંતુ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ડોનલ્ડ ટ્રમ્પે માત્ર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસી પર પ્રતિબંધ મૂક્યો, સાથે જ ક્રિપ્ટો કરન્સીને લીલી ઝંડી આપી અને અમેરિકાને ક્રિપ્ટો કરન્સીની રાજધાની એટલે કે એક મોટું કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી.
જોકે, અમેરિકાની જાહેરાત બાદ ભારત સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ભારતીય રિઝર્વ બેંકે સીબીડીસીઆર પાયલોટ પ્રોજેક્ટને વિસ્તારવાની યોજના બનાવી છે. આ પરથી એવું લાગે છે કે સરકારને અમેરિકાના આ નિર્ણયની કોઈ પરવા નથી.
Also read : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ વેપાર નહીં, વેપાર કરવાની પદ્ધતિ બદલો
આરબીઆઈની નવી જાહેરાત હેઠળ, હવે પહેલા કરતાં વધુ બેંકો અને સ્થળોને આ અભિયાનમાં સામેલ કરવામાં આવશે, જેથી ડિજિટલ રૂપિયાનો વ્યાપક ઉપયોગ લોકપ્રિય બની શકે. આરબીઆઈએ ડિજિટલ રૂપિયામાં ઓફલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરવાની પણ દરખાસ્ત કરી છે. આ પગલું તે વિસ્તારો માટે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ હશે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી મર્યાદિત છે અથવા ઉપલબ્ધ નથી. ઑફલાઇન સુવિધા દ્વારા આવા વિસ્તારોમાં પણ હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું વિસ્તરણ થશે.
ભારતમાં ડિજિટલ કરન્સીનો ઉદ્દેશ્ય
દેશમાં ડિજિટલ કરન્સીની રજૂઆત અને તેના પ્રસ્તાવિત પ્રમોશન સંબંધિત ઘણા સ્પષ્ટ ઉદ્દેશ્યો છે. ઉદાહરણ તરીકે, કેશલેસ અર્થતંત્રને મજબૂત બનાવવું, લેણદેણને ઝડપી અને સુરક્ષિત બનાવવું, કાળું નાણું અને ભ્રષ્ટાચારને કાબૂમાં લાવવું અને તેમ જ ક્રિપ્ટો કરન્સી જેવી ખાનગી ડિજિટલ કરન્સીના વિકલ્પો ઓફર કરવા. જે રીતે ડિજિટલ વોલેટ પેટીએમ, ગુગલ પે વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તે જ રીતે ઈ-રૂપી અથવા ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.
પરંતુ ડિજિટલ રૂપિયો અને તેના વ્યવહારો વચ્ચેનો તફાવત એ હશે કે ડિજિટલ ચલણ એટલે કે ડિજિટલ રૂપિયાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થન, મળશે, ન કે કોઈ ખાનગી બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા. તેના ઉપયોગની પદ્ધતિઓ પણ ખૂબ જ સીધી અને સરળ છે. બેંક ખાતાની જેમ ડિજિટલ વોલેટમાં ઈ-રૂપિયાને સ્ટોર કરી શકાશે. ક્યૂઆર કોડ, મોબાઇલ નંબર અથવા બેંક એકાઉન્ટ દ્વારા પેમેન્ટ કરી શકાય છે. ડિજિટલ કરન્સીનો ઉપયોગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવામાં આવશે. સરકાર ભવિષ્યમાં સબસિડી અને સરકારી ચુકવણી યોજનાઓ માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે.
Also read : આઈટી ક્ષેત્રની કરિયર છોડી ઓર્ગેનિક ખેતી દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે આ દંપતી
એકંદરે, ડિજિટલ કરન્સી એક ક્રાંતિકારી પરિવર્તન છે, જે અર્થતંત્રને વધુને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવશે. જો કે તેનો વ્યાપકપણે ઉપયોગ થવામાં હજુ પણ સમય છે, તે નિશ્ચિત છે કે એકવાર તેનો સંપૂર્ણ અમલ થઈ જશે પછી અર્થતંત્ર મજબૂત થશે.