ઉત્સવ

સર્જકના સથવારે : દિલને હરી લેતી ‘દિલહર’ની ગઝલ સૃષ્ટિ

-રમેશ પુરોહિત

‘દિલહર’ નથી ભરોસો મુજને તો આજનો, ને આવવાનું એનું બસ કાલ-કાલ છે

બહુ જાણીતા અને પ્રખ્યાત કવિઓનાં સંપાદનો થતાં જ રહે છે, પણ સત્ત્વશીલ હોવા છતાં બહુ નહીં ગાજેલા કવિઓની ઉત્તમ રચનાઓનાં સંપાદન કરવાં બહુ જરૂરી છે. આપણા સમર્થ ગઝલકાર ભરત વિંઝુડાએ આવું સરસ કામ કર્યું છે. એમણે તાજેતરમાં કવિ ‘દિલહર’ સંઘવીની ચૂંટેલી ગઝલોનું સંપાદન ‘ધન્ય છે તમને’ શીર્ષકથી કર્યું છે.

Also read : સર્જકના સથવારે : ‘કાબિલ’ છે ગઝલનો ‘વૈભવ’ ઠેસ પહોંચાડવી છે હૈયા ને? કોઈ તાજું ગુલાબ લઈ આવો…

હરિપ્રસાદ સંઘવી ‘દિલહર’ના તખલ્લુસ – ઉપનામથી સર્જન કર્યું છે. એમના પિતાજી મોહનલાલ સંઘવીનું મૂળ વતન ભાવનગરનું ઉમરાળા ગામ જ્યાં કપાસનું જિન ચલાવતા. સંજોગોવશાત્ સિહોર આવીને રહ્યા અને વધુ તક માટે મુંબઈ આવ્યા પણ નસીબ બે ડગલાં આગળ રહ્યું અને મુંબઈમાં હરિપ્રસાદના જન્મ પહેલાં અવસાન પામ્યા. આમ કવિનો જન્મ 18 નવેમ્બર 1932માં મુંબઈમાં થયો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં પણ પછી સિહોર આવીને રહ્યા.

મેટ્રિક પછી મુંબઈમાં દેના બૅન્કમાં જોડાયા, પણ સ્વાસ્થ્યનાં કારણોસર સિહોર પરત આવ્યા અને સુધરાઈની નોકરીમાં સ્થિર થયા. વાંચનનો શોખ અને અભ્યાસની ધગશથી સાહિત્યનો પાસ લાગ્યો. સિહોરની ગૌતમી નદી, આજુબાજુની પર્વતમાળાઓ અને વનરાજીમાં કુદરતને ખોળે બેસીને ચિંતન કરતાં કરતાં કવિતા તરફ વળે છે. ગૌતમી પ્રદેશ પ્રેરણાસ્થળ એટલે દિલહર ઉપનામથી સર્જન કરતી વખતે લખ્યું કે:

ના કદી થંભી જતું હે ગૌતમી તારું વહન
પ્રેરણા આપે છે મુજને નિત્ય એ રચવા કવન
એમણે પ્રથમ ગઝલસંગ્રહ 1965માં પ્રગટ કર્યો ત્યારે સંગ્રહનું નામ પણ ‘ગૌતમી’ રાખ્યું હતું. આ સંગ્રહમાં 70 ગીત, 46 ગઝલ, સાત નઝમ અને 12 મુક્તક છે.

કવિ ભરત વિંઝુડાએ તલસ્પર્શી અભ્યાસ કરીને કવિના કવનની યોગ્ય મુલવણી કરી છે. એમનાં કેટલાંક નિરીક્ષણો કાબિલેદાદ છે.

કવિ એમનો બીજો ગઝલસંગ્રહ ‘કસ્તૂરી’ 1968માં આપે છે જેમાં 72 ગઝલ છે અને ત્રીજો સંગ્રહ ‘દિશા’માં 81 ગઝલ છે. એમના મિત્રોએ પ્રતિનિધિત્વ રચનાઓનો સંગ્રહ 2001માં ‘પસંદગી’ નામે પ્રગટ થાય છે. આ સંગ્રહની પ્રસ્તાવના આપણા અગ્રગણ્ય શાયર શોભિત દેસાઈએ લખી છે. પોતાના ઉછેર અને અભ્યાસ માટે માતાએ કાળી મજૂરી કરી હતી. પોતાનો સંગ્રહ ‘કસ્તૂરી’ સ્વર્ગસ્થ માતાને અર્પણ કરીને અંજલિ આપે છે.

જીવતાં આપી શક્યો જો હોત તમને કસ્તૂરી
શક્ય છે તો ખોઈ ના બેસત તમારી હૂંફ હું
સિહોરમાં એ સમયે સંગીતકાર અને ગાયક ચંદુભાઈ મુલાણી સાથે દિલહરને દોસ્તી થાય છે. એમના પ્રોત્સાહનના પરિપાકરૂપે ગીતે લખવાં શરૂ કરે છે. દિલહર ચંદુભાઈનાં પ્રદાન વિશે લખે છે.

Also read : સર્જકના સથવારે : ગઝલ ગુલશનનો રંગીન શાયર બદરી કાચવાલા

‘એકાદું ગીત તુંય લખને યાર’ એમ વારંવાર મને કીધાં કરે અને ઘણી ઘણી મથામણને અંતે એકાદ ગીત મને આવડે એવું – હું લખી આપું. થોડી જ વારમાં એ તરજ બેસાડી દે અને મિત્રોની મહેફિલમાં ગાઈ બતાવે. આમ કરતાં કરતાં મને લગની લાગતી ગઈ. સર્જનની આ પ્રક્રિયા દરમિયાન ચંદુભાઈ તેમનો પરિચય ભાવનગરના ગઝલકાર કિસ્ત કુરેશી સાથે કરાવે છે.
પછી દરેક તબક્કે દિલહરને કિસ્મતભાઈનું માર્ગદર્શન મળવા માંડે છે.

દિલહર પરંપરાના શાયર કહેવાય, પણ એમના સર્જનમાંથી પસાર થતાં લાગે છે કે એ પરંપરાથી ઊફરા ચાલ્યા છે અને આધુનિકતાનો સંસ્પર્શ કરતી અનેક ગઝલો આપી છે. આપણે એમનું એક પ્રખ્યાત મુક્તક જોઈએ:
હું આવી જઈને મૃત્યુની અસર
નીચે નથી સૂતો,
ચણીને ઈંટ ને ચૂનાનું ઘર,
નીચે નથી સૂતો,
સ્મરણ રૂપે રહ્યો છું જીવતો
હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં,
હું કબર નીચે નથી સૂતો.

અહીં વાત સ્મરણની છે. અંતિમ સમયનો ઉલ્લેખ છે. અહીં મરણપથારી સ્મરણપથારી બની ગઈ હોવાની વાત છે. આપણે બધા સંભારણાંમાં જીવીએ છીએ. સ્મરણ કયારેક મૂડી બની જતું હોય છે.

આ મુક્તકમાં ભાવ અને ભાષાનો સુંદર સમન્વય છે. સર્જકનું મૃત્યુ કયારેય થતું નથી. એ બધાનાં સ્મરણમાં અને યાદોમાં જીવે છે. કબર ક્ષર દેહનો નિવાસ બને છે, પણ ચાહકો અને ભાવકોના હૈયામાં અક્ષરદેહ ધબકતો હોય છે.

આમ આ ગઝલકાર પાસે નૂતન દૃષ્ટિ છે અને અભિવ્યક્તિની વિશિષ્ટતા પોતીકી. વર્ણનશૈલી, તગઝ્ઝૂલ અને તસ્વવુફનો ત્રિવેણી સંગામ રચાય છે એટલે આજે જીવંત લાગે છે. કવિની કાવ્યકળા બોલચાલની સરળ અને સ્વાભાવિક ભાષામાં રવાની સાથે છે ત્યારે આવા શેરનું સર્જન થાય છે:

Also read : સર્જકના સથવારે : આજે ફરીથી રંગ પિયાલી ભરો ‘જટિલ’ વાગી ગયા છે દિલને ફટાણાં વસંતનાં

જુઓ તો આપણામાં અંતર નથી કશું
બે ઓરડાની વચ્ચે ઊભી દીવાલ છે.
‘દિલહર’ નથી ભરોસો મુજને તો આજનો
ને આવવાનું એનું બસ કાલ-કાલ છે


  • સુરાનો કેફ કયાંથી નીતરે મારા નયનમાંથી
    વગર પીધે જ હું પાછો ફર્યો છું મયસદનમાંથી
    *
    ઘરેથી નીકળ્યો છું આજ હું એના મિલન માટે
    કુંવારી કો’ક ક્ધયાને કહો આવે શુકન માટે
    કવિ રોજ-બ-રોજના વહેવારમાં પ્રયોજાતી ભાષા, કહેવત, રૂઢિપ્રયોગ અને પ્રચલિત પરંપરાનો આશરો લઈને ભાષાના પોતની માવજત કરતો હોય છે.
    હું મહેફિલમાં મારા હૃદયની વ્યથાઓ કહેવા જો બેસું તો આરો ન આવે
    કહું રાત આખી છતાંયે ન ખૂટે, બીજાઓનો કહેવાનો વારો ન આવે.

  • જીવનની ઘણી દીર્ઘ પળ સાચવીને અમે અર્ધપળના ઇશારે લૂંટાયા
    રહી અંધકારે ને એકાંતે સાવધ અમે ધોળે દી ભરબજારે લૂંટાયા.

  • મળે માઠા શુકન એને કે પાછા વળી જાયે
    કપાવી નાક જે કરવા મથે છે અપશુકન અમને

  • ‘દિલહર’ નવા શબ્દો પ્રયોજીને પોતાની ગઝલો અને ગીતોમાં તાજગીનો અનુભવ કરાવે છે. એ સુરાલય માટે મયસદન અને સાકીની શેરી જેવા શબ્દોથી ભાષાના પોતને ભાતીગળ બનાવે છે. જુઓ શેર:
    ‘ઉઘાડો દ્વાર’ કહી તમને ભલા કાં આપવી તસ્દી
    બતાવો બંધ થાયે છે તમારું મયસદન કયારે?

અરે ઉપદેશકો! સાકીની શેરીમાં તમે કયાંથી?

બતાવો તો ખરા તમને વળી વળગ્યું વ્યસન કયારે?

ગઝલની નિર્માણ સામગ્રીમાં પ્રેમ પાયામાં છે, પણ પ્રેમમાં મળતી વિફળતા અને પરિણામે સર્જાતી વ્યથા શિખર સમાન હોય છે. પ્રેમ વહેવાર બની જાય ત્યારે થતી વેદનાની વાત સરળતાથી કહેવામાં આપણા આ કવિ કાબેલ છે:

મળે છે માર્ગમાં કિંતુ, મિલન કહેવાય ના એને,
હસે છે તો હસે છે એ ફકત વ્યવહાર સમજીને
કદી મંદિર કે મસ્જિદમાં, શિવાલય કે સુરાલયમાં,
ગયો છું તો ગયો છું હું તમારા દ્વાર સમજીને.
એથી જો બેચેન થાતું હો અગર હૃદય તારું
તો પછી મારે હવે સ્મરણ કરવું નથી


મળે તો એમને સમજાવજો કંઈ મૂલ્ય શબ્દોનું
કદી આપી ગયા છે જેઓ મળવાનું વચન અમને.


થશે એથી વધુ નારાજ ભાંગેલું હૃદય ‘દિલહર’
જમાનાને કહો, ઢાંકે નહીં, આખું કફન અમને


વિરહમાં એટલું હર શ્વાસે માગતો રહ્યો
વહી રહેલ હવા આ ન શ્વાસ થઈ જાયે


લે જાતાં જાતાં આપી દઉં અહેવાલ હું આખા જીવનનો
મહેફિલના ખૂણેથી મળતી જે મૌન નજરની દાદ હતી


રંગોના ત્રિવેણી સંગમને જોયો મેં તમારા ચહેરા પર
બે ગાલ ગુલાબી, ગૌર વદન ને કેશ કલાપો શ્યામ હતા


જગતના લોક એને શાયરી કહીને નવાજે છે
હૃદય મારું કરે છે વાત જે તારા હૃદય સાથે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button