મોર્નિંગ મ્યૂસિંગ : સાત સદીઓ પછી પણ દિલ્હીની વાસંતી હવામાં ગુંજતી અમીર ખુસરોની વિરાસત…

-રાજ ગોસ્વામી
તાજેતરમાં નવી દિલ્હીમાં જહાન-એ-ખુસરો નામનો એક સુંદર કાર્યક્રમ થઇ ગયો. એ પાછો યોજાયો હતો હુમાયુના મકબરાને અડીને આવેલા 16મી સદીના મુઘલ હેરિટેઝ પાર્ક ‘સુંદર નર્સરી’માં (જે અગાઉ ‘અઝિમ બાગ’ તરીકે ઓળખાતો હતો). આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાને ત્યાં એક ગહન વાત કરી હતી કે ગુલામીના લાંબા કાલખંડ, છતાં આજે આપણે અતીતથી પરિચિત છીએ, તો તેમાં હજરત ખુસરોની રચનાઓની મોટી ભૂમિકા છે.
Also read : હેં… ખરેખર?! : ક્યારેક મહારાષ્ટ્રમાં હતી અખંડ ભારતની રાજધાની
‘જહાન-એ-ખુસરો’ કાર્યક્રમમાં ખુસરોની વિરાસતનો જશ્ન મનાવવા માટે દુનિયાભરના કલાકરોને એક સાથે આમંત્રવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મુજફ્ફર અલીએ કરી હતી. 2025માં એમની 25મી વર્ષગાંઠ હતી. ખુસરો ભારતની એ સૂફી ગીત-સંગીત પરંપરાની મહત્ત્વની કડી છે, જે કોઈ એક ધર્મના વાડામાં બંધાઈને રહી નથી, બલ્કે દરેક ધર્મએ તેને સમાન રીતે અપનાવી છે.
મજાની વાત એ છે કે આ કાર્યક્રમ એ જગ્યા યોજાય છે, જ્યાંથી અમીર ખુસરોએ 13મી સદીમાં કવ્વાલી સંગીતની પરંપરાની શરૂઆત કરી હતી. ખુસરોના સમયને વીતી ગયે સાત સદીઓ થઇ ગઈ હોવા છતાં, દિલ્હીની વાસંતી હવામાં એમની વિરાસત આજે પણ ગુંજતી રહી છે.
‘સુંદર નર્સરી’થી નજીકમાં જ સૂફી સંત ખ્વાજા નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ છે. બરાબર તેની સામે જ અમીર ખુસરોનો મકબરો છે. ખુસરો એમના શિષ્ય હતા અને એમણે જીવતે જીવ ઈચ્છા વ્યક્ત કરી હતી કે એમના ઈન્તકાલ પછી ઔલિયાની પડોશમાં જ એમને દફનાવામાં આવે.
એવું કહેવાય છે કે હઝરત નિઝામુદ્દીનને પોતાનું કોઈ સંતાન નહોતું. એટલે એ પોતાની બહેનના પુત્ર ખ્વાજા તકીઉદ્દીન નૂહને ખૂબ ચાહતા હતા. ખ્વાજા નૂહનું એક દિવસ માંદગીને કારણે મૃત્યુ થયું પછી ઔલિયા ખૂબ દુ:ખી થયા હતા અને એમણે પોતાના નિવાસસ્થાન ‘ચિલા-એ-ખાનકાહ’ માંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. એમની આ સ્થિતિથી વ્યથિત થઈને એમના શિષ્ય અમીર ખુસરો વસંતના પીળા રંગની સાડી પહેરીને ઔલિયાના દરવાજે પહોંચ્યા હતા અને હાથમાં સરસવનું ફૂલ લઈને નાચતાં-નાચતાં રાગ બહારમાં ‘સકલ ફૂલ બન રહી સરસોં’ ગીત ગાયું હતું. એમની આ હરકતથી નિઝામુદ્દીન ઔલિયાના મોઢા પર એ દિવસોમાં પહેલીવાર સ્મિત ઝળક્યું હતું.
Also read : મોર્નિંગ મ્યૂસિંગ : ભાષામાં સ્ત્રી-વિરોધીતા: ત્રિયા- નાર- બૈરું- ઔરત- બાઈ ને લુગાઈ…
બસ, તે સમયથી અહીં વસંત પંચમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યારથી, હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ દર વર્ષે વસંત પંચમીના રોજ શણગારવામાં આવે છે અને એમના તમામ અનુયાયી વસંત પંચમીની ઉજવણી કરવા માટે પીળા કપડાં પહેરે છે. એ બધા સરસવનાં ફૂલો સાથે દરગાહ પર જાય છે અને કવ્વાલી ગાઈને વસંતના આગમનની ઉજવણી કરે છે. આ તહેવાર હઝરત નિઝામુદ્દીન ઔલિયાની દરગાહમાં 800 વર્ષથી વધુ સમયથી આ રીતે ઉજવવામાં આવે છે.
મધ્ય એશિયાની લાચન જાતિના તુર્ક સૈફુદ્દીનના પુત્ર અમીર ખુસરોનો જન્મ ઇસવી સન 1253માં ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના પટિયાલી નામના કસ્બામાં થયો હતો. એમણે કિશોર વયે કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને 20 વર્ષની વયે કવિ તરીકે પ્રસિદ્ધ થયા હતા.
એમનો પરિવાર ઘણી પેઢીઓ સુધી શાહી દરબાર સાથે સંકળાયેલો હતો. અમીર ખુસરોએ પોતે 8 સુલતાનોનું શાસન જોયું હતું. અમીર ખુસરો પહેલા મુસ્લિમ કવિ હતા, જેમણે ખુલ્લેઆમ હિન્દી શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ખડી બોલીને પ્રચલિત કરવાનું શ્રેય એમને આપવામાં આવે છે. એ પોતાની ભાષા માટે હિંદવીનો ઉલ્લેખ કરનારી પ્રથમ વ્યક્તિ હતી. એ ફારસી કવિ પણ હતા. એમને દિલ્હી સલ્તનત દ્વારા આશ્રય આપવામાં આવ્યો
હતો. એમણે આખું જીવન શાહી આશ્રયમાં વિતાવ્યું હતું.
શાહી દરબારમાં હોવા છતાં, ખુસરો હંમેશાં કવિ, કલાકાર, સંગીતકાર રહ્યા. કવિઓ તો તે વખતે બીજા પણ ઘણા હતા, પરંતુ અમીર ખુસરો જેવા લોકો જન્મે છે ખરા પણ ક્યારેય મરતા નથી. એમના કાલાતીત વ્યક્તિત્વ અને સર્જનાત્મકતા દ્વારા એ હંમેશાં સાહિત્યના આકાશમાં ઝળકે છે.
અમીર ખુસરોએ બે જુદી જુદી સંસ્કૃતિ- ધાર્મિક માન્યતા અને પરંપરા વચ્ચે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સંવાદિતાનું વાતાવરણ ઊભું કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એમની એક રચનામાં એમણે પોતાને ‘તુતી-એ-હિંદ’ (ભારતનો પોપટ) એટલે કે ભારતનો અવાજ) કહ્યા હતા. ભાષાકીય કુશળતા અને વિદ્વતામાં એ બેજોડ હતા. ખુસરો વાત કરવાના વિવિધ અંદાઝનું અનુકરણીય અને અપ્રતિમ ઉદાહરણ છે, જેમ કે એમની એક પ્રસિદ્ધ રચનામાં એ લખે છે;
છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે
બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે
Also read : મોર્નિંગ મ્યૂસિંગ : જર-જમીન-જોરુ કજિયાના છોરુ: સંપત્તિના અધિકારનું ચક્કર કઈ રીતે ચાલુ થયું?
આ ગીત ઘણું લોકપ્રિય છે. દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર, નુસરત ફતેહ અલી ખાન, આબિદા પરવીન, ઉસ્તાદ વિલાયતી ખાન, ઉસ્તાદ શુજાત ખાન, ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન અને વારસી બ્રધર્સ સહિત અનેક નામી-અનામી ગાયકોએ એ રચનાને પોતાનો અવાજ આપ્યો છે. લોકો તેના શબ્દ-સૂરને આધ્યાત્મિક માને છે. ખુસરોએ મૂળ વ્રજભાષામાં આ કવિતા લખી હતી. સૂફીમાં બહુ કવિઓ ખુદા પ્રત્યેના એમના પ્રેમને ‘છોકરીઓના ઇશ્ક’ તરીકે વ્યક્ત કરે છે. અમીર ખુસરો લખે છે : ‘મોહે સુહાગન કીની રે, મોસે નૈના મિલાઈકે..’ અર્થાત, ‘આંખ મળી અને હું તારી વહુ બની ગઈ! ’
અસલમાં ખુસરોનો આ કૃષ્ણ પ્રેમ છે અને એ ખુદને કૃષ્ણની પ્રેમિકા તરીકે જુવે છે : છાપ એટલે કપાળમાં લટકતું ઝૂમર. તિલક એટલે લાલ બિંદી.
‘છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે
બાત અગમ કહ દીની રે મોસે નૈના મિલાઈકે..’
મતલબ એ કે, ઈશ્વર સાથે આંખ મળી અને વહુ તરીકે પતિના ઘરમાં જે કરવાનું હતું એ કુરબાન થઇ ગયું. તેં મારી લૌકિક ઓળખ જ ઝૂંટવી લીધી.
‘બાત અગમ કહ દીની રે…’ મારી સાથે આંખ મિલાવીને તે મને અગોચર દુનિયાની એ વાત કરી કે આ દુનિયાનો મારો મોહ છૂટી ગયો.
Also read : મોર્નિંગ મ્યૂસિંગ : રતન ટાટા સોલ્ટથી સોફ્ટવેર સુધીની એક અનેરી પ્રેરણાદાયી કહાની
આઠસો વર્ષ પછી આજે પણ આ કવિતા એનો જાદુ જાળવી રહી છે, જે સાબિત કરે છે કે જીવાતા જીવનમાંથી આવેલું સર્જન કાલાતીત-શાશ્વત હોય છે ને ચિરસ્થાઈ રહે છે !