ઝબાન સંભાલ કે: માતા સોળ સરાદે નવ નોરતા રે, માતા વીસે દાડે દિવાળીના દિન

- હેન્રી શાસ્ત્રી
નવરાત્રી ઉત્સવ એટલે મા નવદુર્ગાની ભક્તિનો ઉત્સવ અને રાસ ગરબાની મસ્તીમાં ઝૂમવાનો પણ ઉત્સવ. રાસ રમવાનો આનંદ અનેરો હોય છે, પણ બે તાળી અને ત્રણ તાળી ગરબાની મજા અલગ જ અનુભવ કરાવે છે. અંગમરોડ સાથે લેવાતા ગરબા શારીરિક વ્યાયામ તો કરાવે જે, આ ગરબામાં રહેલા કૌટુંબિક – સામાજિક તાણાવાણા એને વધુ અર્થસભર બનાવે છે. ગરબામાં શક્તિની ભક્તિ વ્યક્ત થાય છે, શણગારનું વર્ણન આવે છે અને ‘કળિકાળનો ગરબો’, ‘કજોડાંનો ગરબો’ વગેરેમાં સમાજ સ્થિતિનું વર્ણન આવે છે. એક એવો ગરબો જાણવા જેવો છે જેમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા ઉપરાંત તહેવારનું ગણિત પણ વણી લેવામાં આવ્યું છે.
ગરબાની પહેલી બે પંક્તિ છે માતા સોળ સરાદે નવ નોરતા રે લોલ, માતા વીસે દાડે દિવાળીના દિન ભવાની ખેલે નોરતા રે લોલ. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધની શરૂઆત થાય જે અમાસ સુધી એટલે કે પૂરા સોળ દિવસ ચાલે. સરાદ એ શ્રાદ્ધનું અપભ્રંશ સ્વરૂપ છે. નવરાત્રી પૂરી થાય પછી દશેરા (આસો સુદ દસમ) પછી વીસ દિવસે (આસો સુદના પાંચ દિવસ અને વદના પંદર દિવસ) દિવાળી હોય. ગરબાની પંક્તિમાં કેવું ગણિત વણાઈ ગયું છે.
ગરબામાં આગળ બીજના અને પાંચમના અપવાસનો ઉલ્લેખ માતા બીજના હોય અપવાસ ભવાની ખેલે નોરતાં રે અને માતા પાંચમના હોય અપવાસ ભવાની ખેલે નોરતાં રે એ રીતે આવે છે. નોરતામાં બે અપવાસ બેલા ઉપવાસ કહેવાય છે. કેટલાક પરિવારમાં આઠમના નૈવેદ્ય હોય છે તો કેટલીક જગ્યાએ ઉપવાસ પણ કરવામાં આવે છે. એટલે જો બીજ, પાંચમ અને આઠમના એમ ત્રણ અપવાસ કરવામાં આવ્યા હોય એ તેલા કહેવાય છે. નવરાત્રીમાં નવ અપવાસ ન કરી શકે એ શ્રદ્ધાળુઓ બેલા – તેલા કરતા હોય છે.
બાર બાર વર્ષના અબોલડા
પતિ – પત્ની વચ્ચે અબોલડા છે અને એ પણ બાર બાર વર્ષના? ઉપરછલ્લી રીતે વાત ગળે ઉતરે એવી નથી. એટલે શબ્દાર્થ નહીં પણ ભાવાર્થ સમજવાની જરૂર છે. વાત એમ છે કે કોઈ કારણસર પતિ – પત્ની વચ્ચે અબોલા થયા છે. બંને વચ્ચે અપાર સ્નેહ હોવાથી થોડા દિવસના અબોલા જાણે બાર બાર વર્ષના હોય એવી લાગણી હૈયામાં થાય છે. અતિશયોક્તિ અને પ્રેમ વચ્ચે ઘનિષ્ઠ નાતો રહ્યો છે.
કંથ સાથે વાત કરવા ઉત્સુક કામિનીની અનેક કોશિશ પછી પણ પતિના મોઢે લાગેલું તાળું ખુલતું જ નહોતું. એટલે વહુરાણી એ તાળાની ચાવી ગોતવા – પતિને બોલતા કરવા સસરા, સાસુ અને નણંદની સલાહ લે છે. સસરા, સાસુ અને નણંદની સલાહમાં દરેકના વ્યક્તિત્વના દર્શન થાય છે. સલાહ અનુસર્યા પછી શું થયું અને અબોલડાં કેવી રીતે ભાંગ્યા એ લોકગીતમાં સુંદર રીતે વણાઈ ગયું છે. ગરબા સ્વરૂપે પણ રજૂ થતા આ ગીતમાં રહેલું ભાષા માધુર્ય માણવા જેવું છે. ક્લાઈમેક્સમાં પિયુજીનો પ્રેમ જે રીતે છલકાય છે એ દિલને મઘમઘતું કરી દે છે. પ્રસ્તુત છે એ ગીત – ગરબો. ભાવ લાલિત્ય સાથે ભાષા લાલિત્યનું અનોખું ઉદાહરણ છે આ ગરબો.
બાર બાર વર્ષના અબોલડા
અબોલડા ભંગાવો હો ધીરે ધીરે બાર બાર વર્ષના અબોલડા.
ઓસરીએ બેઠા ઓ સસરાજી, અબોલડા ભંગાવો હો જી રે જી રે બાર બાર વર્ષના અબોલડા
એઠાં જૂઠાંને ભેગા કરીને એનો વરસાવો મેહુલો હો જી રે
ત્યારે પિયુજી બોલશે ને અબોલડા ભાંગશે હો ધીરે ધીરે બાર બાર વર્ષના અબોલડા
એઠાં જૂઠાં ભેગા કરીને એનો વરસાવ્યો મેહુલો હો જી રે,
તોય પિયુજી સહી રહ્યા ને અબોલડાં ન ભાંગ્યા હો જી રે, બાર બાર વર્ષના અબોલડા.
હિંચકે તે બેઠા ઓ સાસુજી, અબોલડા ભંગાવો હો જી રે જી રે, બાર બાર વર્ષના અબોલડા
શેર તે રાંધો ખીચડો ને પાશેર નાખો મીઠડો રે વહુજી,
ત્યારે પિયુજી બોલશે ને અબોલડા ભાંગશે હો ધીરે ધીરે બાર બાર વર્ષના અબોલડા
શેર તે રાંધ્યો ખીચડો ને મહીં પાશેર નાખ્યો મીઠડો રે સહિયર,
તોય પિયુજી સહી રહ્યા ને અબોલડાં ના ભાંગ્યા હો જી રે જી રે, બાર બાર વર્ષના અબોલડા.
ઢીંગલીએ ખેલતા ઓ નણદલબા, અબોલડા ભંગાવો હો ધીરે ધીરે બાર બાર વર્ષના અબોલડા.
ભર્યા પાણિયારા ખાલી કરીને ઉઘાડે પગ પાણી જાવ મારાં ભાભી,
ત્યારે પિયુજી બોલશે ને અબોલડા ભાંગશે હો ધીરે ધીરે બાર બાર વર્ષના અબોલડા.
ભર્યા પાણિયારા ખાલી કરીને ખરે બપોર પાણી ગઈ મોરી સહિયર, ઉઘાડે પગ પાણી ગઈ મોરી સહિયર,
ત્યારે પિયુજી બોલિયા કે મોજડી તે પેરતા જાવ મારા ગોરી, પગ તમારા દાઝશે હો જી રે જી રે,
અબોલડાં ભાંગ્યા હો ધીરે ધીરે, ભાંગ્યા હો ધીરે ધીરે, બાર બાર વર્ષના અબોલડાં.