ઝબાન સંભાલ કે: ગરબામાં પારિવારિક મહેણાં ટોણાંની મોજ
ઉત્સવ

ઝબાન સંભાલ કે: ગરબામાં પારિવારિક મહેણાં ટોણાંની મોજ

  • હેન્રી શાસ્ત્રી

આવતી કાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પ્રજા અને વિશેષ કરીને ગુજરાતીઓ ઉત્સવઘેલા હોય છે. તહેવારો પ્રેમ, આનંદ અને ખુશીનું પ્રતીક છે અને એમાંય નવરાત્રી ઉત્સવ એટલે શક્તિ, ભક્તિ અને મસ્તીનો ત્રિવેણી સંગમ. સ્ત્રી શક્તિ, અંબામાની ભક્તિ અને રાસ – ગરબાની મસ્તી નવરાત્રી ઉત્સવની લાક્ષણિકતા છે.

નવ નોરતા, દશેરા અને શરદ પૂનમ સુધી હોંશીલા લોકો રાસ રમવાનો અને ગરબે ઝૂમવાનો આનંદ લેતા હોય છે. આપણા ગરબાઓમાં ગજબનું વૈવિધ્ય જોવા મળે છે. અસલના લોકગીત ગરબા સ્વરૂપે રજૂ થાય છે ત્યારે એની મીઠાશ, એની મસ્તી હૈયા તરબતર કરી દે છે. એમાંય સાસુ – વહુના મીઠા ઝઘડા, મહેણાં – ટોણા ધરાવતા ગરબા મોજ કરાવે છે. એવા જ એક ગરબાનો અર્થસભર આનંદ લઈએ.

ગરબા સ્વરૂપે રજૂ થતા લોકગીતમાં વહુરાણી સવા વાલ (આશરે અડધો ગ્રામ)નું સોનું અને અડધો વાલ (પા ગ્રામથી થોડું ઓછું)માંથી બનાવેલી ટીલડી (ચાંલ્લાને ઠેકાણે સ્ત્રીઓના કપાળમાં ચોડવા માટેની નાની અને ગોળ ટીકડી) અંગે સાસરે સાસુ, જેઠાણી અને દેરાણી સાથે નોકઝોક કરે છે. યાદ રહે આ મીઠા ઝઘડા – મીઠી ફરિયાદો હતી. એનો રોષ ન હોય, એ મેણાટોણાનો આનંદ લેવાનો હોય.

સવા વાલ સોનું ને અડધો વાલરૂપું, તેની મેં તો ટીલડી ઘડાવી રે લોલ, ટીલડી રે ટીલડી રે મારા નયનોમાં રહેતી ટીલડી રે. વહુ કેવી ટીલડી ઘડાવી એની વાત કરી એ કાયમ પોતાની આંખમાં વસે છે એવું એટલા માટે જણાવે છે કે ટીલડી – ચાંદલો સૌભાગ્યનું એટલે કે એના કંથનું – પતિનું પ્રતીક છે. પછી ’ઝઘડા’નો પ્રારંભ થાય છે. ટીલડી ચોડીને હું તો સસરા ઘેર ગઈ’તી, સાસુજીએ મોં મચકોડ્યા રે લોલ. કેમ રે સાસુજી તમે મોં મચકોડ્યા, નથી મારા સસરાએ ઘડાવી રે લોલ.

બાપાએ ઘડાવી, મારી માતાએ મઢાવી, વીરાએ હિરલે જડાવી રે લોલ. કપાળે સોના – રૂપાની ટીલડી જોઈ સાસુ મોઢું મચકોડે છે ત્યારે વહુ રોકડું પરખાવી દે છે કે સાસુમા, તમે કેમ મોઢું મચકોડો છો? એ ઘડાવવા માટે સસરાજીએ પૈસા નથી ખર્ચ્યા. એ તો મારા બાપાએ ઘડાવી છે, માતાએ એમાં મીનો મૂકી વધુ સુંદર બનાવી છે અને વીરાએ એટલે કે ભાઈએ એમાં હીરો જડી મૂલ્ય વધાર્યું છે. ટૂંકમાં આ ટીલડી પિયરથી લઈ આવી છું એવો ભાવ આ ગરબા દ્વારા વહુરાણી વ્યક્ત કરે છે.

ત્યારબાદ જેઠાણી સાથે પણ આ જ રીતે ‘બોલાચાલી’ થાય છે. ટીલડી ચોડીને હું તો જેઠ ઘેર ગઈ’તી, જેઠાણીએ મોં મચકોડ્યા રે લોલ. કેમ રે જેઠાણી તમે મોં મચકોડ્યા, નથી મારા જેઠે ઘડાવી રે લોલ. બાપાએ ઘડાવી, મારી માતાએ મઢાવી, વીરાએ હિરલે જડાવી રે લોલ.

જેઠાણી જેવો જ ‘લાભ લેવાની ઈચ્છા’ દેરાણીને થાય છે ત્યારે વહુરાણી એ જ રીતે દેરાણીને પણ સીધું સટ સુણાવી દે છે. ટીલડી ચોડીને હું તો દિયર ઘેર ગઈ’તી, દેરાણીએ મોં મચકોડ્યા રે લોલ. કેમ રે દેરાણી તમે મોં મચકોડ્યા, નથી મારા દિયરે ઘડાવી રે લોલ. બાપાએ ઘડાવી, મારી માતાએ મઢાવી, વીરાએ હિરલે જડાવી રે લોલ. મીઠા ઝઘડા, નોકઝોક, મ્હેણાં ટોણાં એની ફરજ નિભાવી કેવો આનંદ આપે છે. આપણા લોકસાહિત્યમાં આવો કુબેરનો ખજાનો પડ્યો છે. ગોતી ગોતી એનો આનંદ માણો અને નવરાત્રી ઉત્સવ મનાવો.

વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો

ગરબામાં વહુરાણી ફરિયાદ કરતી હોવા છતાં કેવું લાલિત્ય નજરે પડે છે એ જાણવું – સમજવું જોઈએ. ‘વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા એનું સચોટ ઉદાહરણ છે. હો રાજ રે ! વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો. શરૂઆત ફરિયાદથી થાય છે કે વાવમાં પાણી ભરવા ગઈ ત્યારે કેરડાંના ઝાડનો કાંટો વાગ્યો. પછી પતિને હો રાજ રે કહી એનો ઈલાજ કેમ કરવો એ માટે જે રજૂઆત કરે છે એ ગરબાનું હાર્દ છે.

હો રાજ રે ! વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો, મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો. વૈદરાજને બોલાવી કાંટો કઢાવી પાટા બંધાવી દેવા વિનંતી કરે છે. પાટાપિંડી કર્યા પછી આરામ તો કરવો પડે ને એટલે વહુરાણી કહે છે કે હો રાજ રે! ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો, આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો. ઢોલિયા એટલે પલંગ. કદાચ અગાઉના સમયમાં ધોરાજીના પલંગ વખણાતા હશે.

એટલે ખાસ એ મંગાવી આરામની વ્યવસ્થા કરી આપવાનું સૂચન છે. ફરિયાદ આગળ ચાલે છે કે હો રાજ રે ! ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે; મને કેર કાંટો વાગ્યો. ઘરની ઓસરીમાં – પરસાળમાં ખાંડણિયાથી મસાલા ખાંડવાના ધમધમ અવાજથી ખભામાં દુખાવો થવાની રાવ કરે છે. પછી મોરચો વ્યક્તિ વિશેષ તરફ વળે છે. હો રાજ રે ! સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવે; મને કેર કાંટો વાગ્યો. સસરાજી ઘર બહાર નીકળે તો ઘૂમટો છોડી રાહતથી બેસી શકે એમ જણાવે છે.

નણંદ સામે છણકો કરતા વહુજી કહે છે કે હો રાજ રે ! નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી, મને કેર કાંટો વાગ્યો. પિયરે આવેલી નણંદ ભોજાઈને સંભળાવી દેવા બાકી ન રાખે. એટલે નણંદબાને એનાં બાળકો સાથે (સોતી એટલે સહિત) એના સાસરે મોકલી દેવા ફરમાન થાય છે. અંતે રેંટિયો કાંતવાના બહાને ચોવટ કરવા આવેલી પાડોસણને હાંકી કાઢવા જાણે કે આદેશ આપવામાં આવે છે કે હો રાજ રે ! ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી, મને કેર કાંટો વાગ્યો. આવા ગરબા ગાવામાં અને લેવામાં કેવી લિજ્જત આવે એ તો જાત અનુભવે જ સમજાય. આ લોકગીત હિતેન કુમાર – રોમા માણેકની ગુજરાતી ફિલ્મ ઈતિહાસની સૌથી વધુ સફળ ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’માં લેવામાં આવ્યું હતું.

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ

ગરબા જ્યારે લોકબોલીમાં ગવાય ત્યારે ગાનારને તો લિજ્જત આવે જ, સાંભળતી વખતે કાનમાં મીઠી ઘંટડી વાગતી હોય એવું લાગે. લોક બોલીની મીઠાશ અને એનો લહેકો રચનાને અમર બનાવી દેવામાં મોટો ભાગ ભજવે છે. અગાઉ ઘણા લોકગીત ગરબા સ્વરૂપે રજૂ થતા હતા.

એનું એક મજેદાર ઉદાહરણ એટલી એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ. એક અમદાવાદી નગરી, એને ફરતી કોટે કાંગરી, માણેકચોકના માંહી, ગુર્જરી જોવા હાલી, હે વહુ તમે ના જશો જોવાને, ત્યાં બાદશો બડો મિજાજી. આ ગરબા સાથે એક નાનકડી પણ રસપ્રદ કથા વીંટળાઈ છે. આ ગીત ગરબા સ્વરૂપમાં ત્રણ તાળીમાં ગવાઈ ને રજૂ થાય છે. અસલના વખતમાં વહુને ઘરની બહાર નીકળવું હોય તો સાસુની આજ્ઞા – પરવાનગી લેવા પડતા હતા.

સાસુને કોઈ કારણસર જગ્યા કે વખત સામે વાંધો હોય તો વહુને ટપારતા અને ત્યાં જવા જેવું નથી એમ કહેતા. વહુને માણેકચોક, ભદ્રકાળી, સીદી સૈયદની જાળી વગેરે અમદાવાદના પ્રખ્યાત વિસ્તારમાં ટહેલવા, એ સ્થળ જોવા જવું છે. સાસુમા બાદશાહના સ્વભાવનો હાઉ – ભય દેખાડી એને જાતી રોકવાની કોશિશ કરે છે એ વાત આ ગરબામાં રજૂ થાય છે. સાસુ – વહુના સંબંધો પર કટાક્ષ કરતા અનેક ગરબા છે જેમાં આ ગરબો આજે પણ હોંશે હોંશે ગવાય છે.

ગરબાની શરૂઆતમાં લાલ દરવાજાનો ઉલ્લેખ આવે છે. લાલ દરવાજા નામને
લાલ રંગ સાથે કોઈ નિસ્બત નથી. અહીં ભદ્રનો કિલ્લો આવેલો છે. દિલ્હી
દરવાજા નામ એટલે પડ્યું છે કે એ રસ્તેથી દિલ્હી જવાતું હતું. મહમૂદ બેગડાએ
તેના દિલોજાન મિત્ર અને સલાહકાર દરિયા ખાનની યાદમાં બંધાવ્યો એ દરવાજો
દરિયાપુર દરવાજા તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં ‘જમાલ’ શબ્દનો અર્થ
‘સુંદર’ થાય છે. અગાઉ આ વિસ્તાર અત્યંત રમણીય સ્થાન હોવાથી એને
જમાલપુર દરવાજા નામ આપવામાં આવ્યું હતું. અહમદશાહ બાદશાહે જે દિવસે
શહેર વસાવ્યું તે દિવસે સારા મુહૂર્તમાં એક દરવાજો બનાવ્યો હોવાથી એનું
નામ એ સમયે ગણેશબારીનો દરવાજો આપવામાં આવ્યું હતું. અમદાવાદના દરવાજા અને એનો ઈતિહાસ પ્રખ્યાત છે. અહીં ભાષા સાથે સંબંધ ધરાવતા દરવાજાનો જ ઉલ્લેખ કર્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button