ઝબાન સંભાલ કે : ભાષા: ભય ભગાડે, ભૂખ ભાંગે…

- હેન્રી શાસ્ત્રી
મનુષ્ય અને પ્રાણી વચ્ચે રહેલા અનેક ફરકમાંથી એક પ્રમુખ ફરક છે બોલાતી ભાષાનો. મનુષ્ય સિવાય કેટલાક પશુ – પંખી વિશિષ્ટ પ્રકારના ધ્વનિથી અંદાજે બયાં કરી શકે છે એવું તારણ સંશોધનને આધારે નીકળ્યું છે. આ ધ્વનિને પ્રાણીજગતની ભાષાનું નામ આપવામાં આવ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ટોમ ફ્લાવર નામના સંશોધકે સાઉથ આફ્રિકાના વન્ય વિસ્તારમાં નજરે પડતા ડ્રોન્ગો નામના કાગડા જેવા દેખાતા પંખીની બોલીના એક વિશિષ્ટ પહેલુનો અભ્યાસ કર્યો છે.
આ પંખી વિશિષ્ટ પ્રકારના ધ્વનિથી એક પંથ દો કાજ અથવા એક તીર બે શિકાર જેવો હેતુ સિદ્ધ કરે છે. સંશોધકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયોમાં નોળિયા પરિવારના મિરકેટ તરીકે ઓળખાતા પ્રાણીઓના જૂથની મોજમજા અને આહાર આરોગવો વગેરે પ્રવૃત્તિ પર ફોકસ કરવામાં આવ્યું છે. આકાશમાં ઊડતું શિકારી બાજ આ મિરકેટ પર આક્રમણ કરી એને ઉઠાવી જતું હોય છે.
જોકે, મિરકેટની વસ્તી નજીક એ ચકરાવો કરતું નજરે પડે એટલે તરત આ ડ્રોન્ગો વિશિષ્ટ ધ્વનિથી મિરકેટ મંડળીને આવનારા ભયની ચેતવણી આપે છે. એટલે તરત આ મિરકેટ જમીનની અંદર દરમાં જતા રહી સુરક્ષિત થઈ જાય છે. મજા તો એ વાતની છે કે આ પંખી જ્યારે મિરકેટને ભોજન ઝાપટતું જુએ છે ત્યારે ફરી આ પંખી ચેતવણી આપતા ધ્વનિનું ઉચ્ચારણ કરે છે અને ભયભીત થયેલા મિરકેટ પોતાની વાનગી પડતી મૂકી સડસડાટ દરમાં લપાઈ જાય છે. આ તકનો લાભ લઈ ડ્રોન્ગો જમીન પર આવી મિરકેટે છોડી દીધેલી વાનગી ઉપાડી ઊડી જાય છે અને પેટપૂજા કરી લે છે. ‘ભાષાની મદદથી’ ભોજન મેળવવાનો કે ઝુંટવી લેવાનો આ અદ્ભુત પ્રયાસ છે.
પશુપક્ષીની ભાષા કેટલાક ધ્વનિ સંકેતોની બનેલી હોય છે. આ ધ્વનિ સંકેત કોઈ વસ્તુ, બાબત અથવા પરિસ્થિતિ સાથે નિસબત ધરાવતા હોય છે. કાગડા કા કા કા કરતા હોય છે. જો તમે ધ્યાનથી સાંભળ્યું હશે તો એમના આ કા કા કા ઉચ્ચારણમાં અલગ અલગ લય અને વિસ્તાર હોય છે.
અમુક પ્રકારનો કા ખતરાની ઘંટડી સૂચવે છે જ્યારે અમુક રીતે બોલાયેલો કા અહીં ખાવાનું છે, આવી જાઓ એવું સૂચવે છે. કાગડો મૃત અવસ્થામાં દેખાય તો એની સાદડી માટે કાગડા સમાજને આમંત્રણ આપવા અલગ પ્રકારે કા કા કરવામાં આવે છે.
પશુ – પંખીના સ્વર – અવાજ વિવિધ નામથી ઓળખાય છે. ચકલીનું ચીં ચીં, દેડકાનું ડ્રાઉં ડ્રાઉં, બકરીનું બેં બેં વગેરે વગેરે. કવિ મીનપિયાસી (દિનકરરાય કેશવલાલ વૈદ્ય)ની કવિતામાં તો કબૂતર, કોયલ, ભમરા ને છછૂંદરોના સ્વરને બારાખડીના અક્ષરો સાથે સાંકળી માનવ સમાજ સામે આંગળી ચીંધવામાં આવી છે. કવિતાનો અંતિમ અંતરો ભાષા અને ભાવના સમન્વયનું અનન્ય ઉદાહરણ છે.
કવિશ્રીએ લખ્યું છે કે ‘પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુ:ખ પૂછ્યું’તું? દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું’તું? ગેં ગેં ફેં ફેં કરતાં કહેશો હેં હેં હેં હેં! શું શું શું? એક એક અક્ષરના માધ્યમથી કવિ મનુષ્ય સ્વભાવના આશ્ર્ચર્ય અને લાચારી આબાદ વ્યક્ત કરે છે. આ છે ભાષાનું સામર્થ્ય, પશુ – પંખીની હોય કે કાળા માથાના માનવીની, એની પાસે થોડામાં ઘણું કહી દેવાની આવડત છે. મૌન ઘણી વાર બહુ બોલકું હોય છે એ અલગ વાત છે.
LOAN WORDS
ગુજરાતી ભાષામાં અનેક શબ્દો અરબી, ફારસી કે અન્ય ભાષામાંથી પગપેસારો કરી ચુક્યા છે. અનેક શબ્દોએ કાયમી વસવાટ કરી લીધો છે. દૂધમાં સાકર ભળી જાય એમ હવે એ શબ્દો માતૃભાષામાં એવા હળી ગયા છે કે આ શબ્દો મહેમાન છે એ અનેક લોકો નથી જાણતા. અંગ્રેજી ભાષામાં અન્ય ભાષાના શબ્દોની હાજરી પણ જોવા મળે છે. જોકે, આ લોન પેટે લીધેલા અથવા અપનાવેલા શબ્દો છે.
જોકે, જેમ કેટલાક લોકો બેન્કમાંથી લીધેલી નાણાંની લોન ક્યારેય પરત નથી કરતા એમ કેટલીક વિદેશી ભાષાના શબ્દો અંગ્રેજીએ લીધા પછી (લોન લીધી હોય એમ) પાછા નથી આપ્યા. મતલબ કે એ શબ્દો હવે અંગ્રેજી ભાષાના શબ્દો તરીકે જ ઓળખ ધરાવે છે.
મજેદાર ઉદાહરણથી શરૂઆત કરીએ. અન્ય ભાષામાંથી અંગ્રેજીમાં શબ્દો અપનાવ્યા છે અને અપનાવવા માટે અંગ્રેજી શબ્દ છે ADOPT. ADOPT comes from Latin word adoptio and also from Old French word adopcion. Both the words mean take by choice. અપનાવવાનો અર્થ ધરાવતો અંગ્રેજી શબ્દ જ લેટિન અને જૂની ફ્રેંચમાંથી અપનાવવામાં આવ્યો છે, બોલો. કળાત્મક નૃત્ય બેલે વિશે સાંભળ્યું હશે, કદાચ ફિલ્મમાં કે ટીવી શોમાં એનું પરફોર્મન્સ પણ જોયું હશે. BALLET word is originally French word Ballet. English borrowed the dance term from French.
જોકે, બેલે જોઈ મુગ્ધ થયા હશો ત્યારે તમને અણસાર પણ નહીં આવ્યો હોય કે એ ફ્રેન્ચ શબ્દ Balleto which means Little Dance પરથી ઉતરી આવ્યો છે. સ્પેલિંગમાં નજીવા ફેરફાર સાથે અપનાવી લીધો છે. જોકે, અમુક વિદેશી શબ્દ કોઈ પણ ફેરફાર વિના અંગ્રેજીમાં સ્થાયી થઈ ગયા છે. TSUNAMI is a Japanese word which is used in English in its original form, without any change. સુનામી જાપાનીઝ શબ્દ છે અને અંગ્રેજીમાં મૂળ સ્વરૂપે જ ઉપયોગમાં લેવાયો છે.
આ શબ્દનો અર્થ થાય છે સમુદ્રના પેટાળમાં થયેલી તીવ્ર હલચલને કારણે ઉઠેલું તોફાન. જોકે, અર્થની અવગણના કરી નાનું અમથું તોફાન પણ કર્યા વિના શબ્દ શાંતિથી અંગ્રેજીમાં ગોઠવાઈ ગયો છે. તમને જો હરવા ફરવાનો શોખ હશે તો સફારીનો લ્હાવો લીધો હશે અથવા એની ઈચ્છા તો જરૂર હશે. SAFARI comes from Arabic word Safar which means journey. સફારી શબ્દ અરેબિક શબ્દ સફરમાંથી ઉતરી આવ્યો છે જેનો અર્થ મુસાફરી થાય છે. એક ભાષામાંથી બીજી ભાષામાં થયેલી શબ્દોની આ મુસાફરી કેવી મજેદાર છે, હેં ને.