અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…

હેં… ખરેખર?!
– પ્રફુલ શાહ
આજનો વિષય શરૂ કરતાં અગાઉ જલન માતરી સાહેબની એક પંક્તિ યાદ આવી ગઇ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? નહીંતર, 98 ટકા સાક્ષરતા ધરાવતા સ્વિટ્ઝર્લેન્ડના એક શહેરમાં કયારેય ઘડિયાળમાં બાર ન વાગે એવું બને ખરું? હા, આ યુરોપિયન દેશના સોલોથર્ન નામના શહેરમાં આવું બને છે અને એ જગ જાહેર છે.
સોલોથર્ન શહેરના ટાઉન સ્કવેર પર સૌ જોઇ શકે એમ મોટી ઘડિયાળ લાગી છે, જેમાં 12નો આંકડો જ નથી. આમાં માત્ર એકથી 11 અગિયાર સુધીના આંકડા છે. ફકત આ ઘડિયાળમાં જ નહીં, આખા શહેરમાં કયાંય બારનો આંકડો દેખાતો નથી.
રસપ્રદ વાત એ કે કોઇને બારના આંકડા સાથે છત્રીસનો આંકડો કે વેરભાવ નથી. બલ્કે અગિયાર સાથે અપાર, અથાગ, અનન્ય અને અકલપ્ય પ્રેમ છે. એટલે તો શહેરમાં ચર્ચ અને ચેપલની સંખ્યા 11 છે. મ્યુઝિમ, ઐતિહાસિક ઝરણા અને ટાવરના નંબર પણ 11 અરે ખુદ ઇશુની ભક્તિના સ્થળ સમા સોલોથર્નના મુખ્ય ચર્ચમાંય 11નું મહત્ત્વ ઊડીને આંખે વળગે. આ ચર્ચ 11 વર્ષમાં બન્યું. એની અંદર ત્રણ સિરીઝના સેટ છે, જેમાં 11-11 લાઇન છે. એ ઉપરાંત ચર્ચમાં દરવાજા, ઘંટ અને અન્ય ચીજોની સંખ્યાય 11-11. શહેરમાં ફુવારા, સ્થાપત્યો, ચીજ વસ્તુ અને જાહેર મકાન તો જવા દો, પ્રજાના જીવનમાંય અગિયારમાં અદકેરું મહત્ત્વ. બાળકના 11નું જન્મદિવસની અત્યંત જોશભેર ઉજવણી થાય. એ નિમિત્તે મળનારી ભેંટની સંખ્યા પણ અગિયાર સાથે જોડાયેલી હોય.
આ પણ વાંચો: વલો કચ્છ : એક ક્રાંતિકારની બીજા ક્રાંતિકારને આપેલી શ્રદ્ધાંજલિ
પણ અગિયારના આંકડા સાથે આટલો બધો પ્રેમ, આદર, અહોભાવ અને વળગણની હદ સુધીનું જોડાણ શા માટે? આની પાછળ એક લોકવાયકા પ્રચલિત છે. વરસોનાં વરસો અગાઉ આકરી મહેનત કરવા અને લોહીપાણી એક કરવા છતાં સોલોર્થનવાસીઓને જરાય સફળતા મળતી નહોતી. અચાનક ત્યા એલ્ફ (ELF) આવવા માંડયા. એલ્ફ એટલે જર્મન અને યુરોપિયન લોકકથાનું એક લોકપ્રિય પાત્ર. આ એલ્ફ કદમાં નાનું, રમતિયાળ-તોફાની જાદુઇ શક્તિ ધરાવનાર અને મોટે ભાગે માનવીય સ્વરૂપે દેખાતું લાંબા-અણીદાર કાનવાળું વ્યક્તિત્વ. આ શબ્દ ELF નું પૂરું નામ એટલે Earth Liberation Front.
પણ આ બધામાં 11ને શું સંબંધ એવો સવાલ થાય ને? તો એનો જવાબ એ છે કે જર્મનીમાં 11ના આંકડાને એલ્ફ (અર્થાત્ ઇલેવન) કહેવાય છે. સોલોર્થનવાસીઓએ બન્ને એલ્ફને જોડી દીધા અને અગિયારના આંકડાને અધધ મહત્ત્વ આપવા
માંડયા.
બાકી, સોલોથર્ન અન્ય ઘણી બાબતો માટે જાણીતું છે. એમાંથી એક છે બરોક આર્કિટેકચર. બરોક એટલે 17-18મી સદીમાં યુરોપમાં અતિ પ્રચલિત સુશોભિત આર્કિટેક કલા.
સોલોથર્નમાં ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન અને સ્વીસ પ્રભાવના મિશ્રણ ધરાવતી અનોખી સંસ્કૃતિ જોવા મળે. અને એમાંય 11નું મહત્ત્વ હોય જ. સોલોથર્નની ઐતિહાસિક સાંસ્કૃતિક ભવ્યતાનું એક કારણ એ પણ ખરું કે 16મીથી 18મી સદી વચ્ચે આ સ્થળ ફ્રાંસના રાજાના રાજદૂતનું નિવાસસ્થાન ગણાતું હતું. અહીંનું ઉર્સેન કેથેડ્રલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું મહત્ત્વપૂર્ણ પવિત્ર સ્મારક મનાય છે. અહીંના સંગ્રહાલય પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે કારણકે એમાં ભારોભાર ઇતિહાસ અને સંસ્કૃતિના દર્શન થાય છે.
આ પણ વાંચો:કેન્વાસ : સુગંધનો પરપોટો વેચવા કામોત્તેજનાનો ધોધ વાપરવાનો?
જૂના સોલોથર્ન નગરમાં ફરવાનો એક અલગ જ લહાવો છે કારણકે આ ટ્રાફિક ફ્રી જગ્યા છે. સોલોથર્ન ખાસ પ્રકાર અને સ્વાદની કેક માટેય પ્રવાસીઓમાં લોકપ્રિય છે. આ સિવાય ઘડિયાળ, એન્જિનિયરિંગ, ટુલ્સ, મશીન ઉત્પાદન, ઉપરાંત ઇલેકટ્રિક્લ-ટેકનિક્લ સાધન-સામગ્રી અને કાગળ ઉત્પાદન અહીંના મુખ્ય ઉદ્યોગ ધંધા છે.
આ બધું ઠીક પણ અગિયાર સાથે અપાર વ્હાલ ને એમાં બારનો આંકડો નીકળી ગયો અને કેવું વિચિત્ર ?!