વલો કચ્છ : કચ્છનો વરસાદ: આશા – આગાહી ને અનુભવની લ્હાણી…

- ડૉ. પૂર્વી ગોસ્વામી
વરસાદ કચ્છ માટે ફક્ત ઋતુ નથી, પરંતુ જીવાદોરી છે. અહીંની કવિતાઓ, કહેવતો, આગાહીઓ અને લોકશ્રદ્ધા એ સાબિત કરે છે કે કચ્છની પ્રજા કુદરત સાથે કેટલી ઊંડે સુધી જોડાયેલી છે. આધુનિક વિજ્ઞાન આજે વરસાદની આગાહી માટે સેટેલાઇટનો સહારો લે છે, છતાં લોકવિશ્વાસ અને પરંપરાગત જ્ઞાનની પોતાની આગવી કદર છે.
કચ્છના લોકો વર્ષોથી કુદરતનું નિરીક્ષણ કરતા આવ્યા છે. તારાઓ, નક્ષત્રો, પવન, વનસ્પતિ, પક્ષીઓ, આ બધાના વર્તન પરથી ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ આગાહીઓ ફક્ત ધાર્મિક માન્યતાઓ નહીં, પરંતુ પેઢીઓના અનુભવ પર આધારિત જ્ઞાન છે, તો આવો માણીએ દિનેશભાઈ સંઘવીએ જહેમતથી સંકલિત કરેલી માહિતીને.
ભડલીનાં વાકયો આજે પણ ઘણા ખેડૂત અને વડીલ લોકો માટે માર્ગદર્શક છે. ભડલીના વાકયો લોકપ્રિય છે, પણ કચ્છમાં તો ચોમાસાની આગાહી માટે આ વાકયો હજી જીવંત છે.
`પડવે મૂળને પાંચમ ભરણી, આઠમ કૃતિકા નોમ રોહીણી, દશમ આશ્લેષા સુણ રે સહી.’ પાંચે નક્ષત્રો જળાવામુખી કહી. આ નક્ષત્રોની અવસ્થાના આધારે લોકો વરસાદની તીવ્રતા નક્કી કરતા.
`કૃતિકા કલ્યાણ કરે રોહિણી કરે સુકાળ, જે વર્ષે મૃગશીર્ષ તો, નિશ્ચે પડે દુકાળ.’ એક જ નક્ષત્ર વર્ષને સમૃદ્ધિ આપે તો બીજું સુકાળનું નિશાન ગણાય.
`સ્વાતિ દિવા જો બળે, વિશાખા છૂટે ગાય, ચાક ચડાવે મેદની, પૃથ્વી પ્રલળે જાય.’ આકાશી પરિસ્થિતિના નિરીક્ષણ પરથી ખેડૂત પોતાના પાકની યોજના બનાવતો.
પ્રકૃતિ પરથી આગાહીઓ કઈક એવી છે કે કચ્છના ગામોમાં વરસાદ આવવાનો અંદાજ વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓના વર્તન પરથી લગાવવામાં આવે છે.
ગુગળના છોડ – ગુગળના છોડ ઉનાળામાં સૂકાઈ જાય-ચોમાસામાં મોસમ પહેલાં જયારે આછાં-પાતળાં વાદળાં આકાશમાં દેખા દે તે વખતે ગુગળમાં જો લીલાં ફળ, ઝીણાં પાન અને છોડમાં પાતળી સળીઓ નીકળે તો સમજવાનું કે વરસાદ ઢુકડો આવી ગયો.
કેરડાના ઝાડ – રતીલાલ બેરા, નીલપરના મતે `ચોમાસામાં કેરડાનાં ઝાડમાં જયાં સુધી ફૂલ રહે ત્યાં સુધી વરસાદ ન આવે.’ એવી માન્યતા છે.
ચકલી અને કીડીઓ – ચકલીયું ધૂળમાં ન્હાય કે કીડીઓ ઈંડા લઈને બહાર આવે તો વરસાદ નજીક છે એમ માનવામાં આવે છે.
મોર અને પંખીઓ -મોરના ગળાફાડીને નૃત્ય કરતા અવાજ પણ વરસી આવવાની નિશાની છે. આવી માન્યતાઓમાં વૈજ્ઞાનિક તર્ક છુપાયેલો છે, કારણ કે પ્રકૃતિના દરેક પ્રાણી-પક્ષી વાતાવરણના ફેરફારોને માનવ કરતાં વહેલા અનુભવે છે.
કચ્છી સમાજમાં વરસાદને લગતી કહેવતો પણ ખાસ લોકપ્રિય છે.
`વસે પુખ તો વિઝે ભૂખ પુષ્ય નક્ષત્રમાં વરસાદ પડે તો ભૂખ દૂર થાય.’
`વસ વસ તું હાથિઆ, કુણબુણ પૂરે સાથીઆ.’ હસ્તિ નક્ષત્રમાં વરસાદ આવે તો સમાજમાં ખુશાલી ફેલાય.
`જ લગે કામાય, ત નીર ન સમાય’ વાયવ્ય પવન જો ભારે ફુંકે તો અતિ વરસાદ આવે.
`જેઠી મી અને પુણેઠી જો પુતર.’ જેઠમાં પડેલો વરસાદ પણ એટલો જ વ્હાલો, જેટલો પહેલો પુત્ર. આવા વાક્યો દર્શાવે છે કે વરસાદ ફક્ત કૃષિ માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક જીવનમાં પણ કચ્છવાસીઓ માટે મહત્ત્વનો છે. કચ્છની લોકવાણીમાં ફક્ત વરસાદ જ નહીં, પણ અતિવૃષ્ટિ અને કુદરતી આફતો વિશે પણ આગાહી જોવા મળે છે.
પિત્તળ, કાંસુ અને લોઢાને કાટ ચડે, લોટાનું પાણી ગરમ થઈ જાય, ચકલીયું ધૂળમાં ન્હાય, કીડીઓ ઈડા ઉપાડીને જાતી દેખાય, જળચર પક્ષીઓ જળ પર ભમવા લાગે, ગાયો આકાશ તરફ જુએ, ગોરહડાની છાસ ખાટી થઈ જાય, હુરીયો વા-વાય, અને મોરલા ગળાફાડીને ગહેકવા લાગે તો હેલી મંડાય-ધરતી જળબંબાકાર થાય.
ઊલ્કાપાત વિષે નાગજી કુંડલીયો – ઊલ્કાપાત અવનીયે, હસિત પ્રતિમા હોય, ત્રાસત,ભામત ધન ધણ અર્ક ઊદે તે જોય, અર્ક ઊદે તે જોય, તોયપિ છલકે તપ તરણી, કુંપ ગ્રજે કવિકંપ, અગ્ર ઊડગણ હુંસ ઘરણી, કહે નાગજી વિપ્ર, શ્વાન સ્વર-શિયાળ પ્રભાતા, દવ દિનદિન ઘુડ ધોષ, અવનીયે ઊલ્કાપાત. એવી માન્યતા હતી.
કચ્છ અને વરસાદનો સંબંધ કેવો છે? કચ્છના લોકો માટે વરસાદનો અર્થ છે; જીવનનો આધાર, કારણકે પાણી વગર અહીં ખેતી અશક્ય છે. સામાજિક ઉત્સવ તરીકે, કારણકે પ્રથમ વરસાદે ગામડાંઓમાં તહેવાર જેવી ખુશી છવાય છે. ધાર્મિક ભાવના તરીકે વરસાદને ઈશ્વરની મહેરબાની ગણવામાં આવે છે. કચ્છની પ્રજાએ પાણી માટે લડત લડતી જીવનશૈલી વિકસાવી છે. ક્યારેક ટાંકા, કૂવા, વીરડા, ડેમ જેવા પરંપરાગત સ્રોતો તો ક્યારેક આજના ટેંકર પાણી અને પાઇપલાઇન સુધીનો સફર આ ધરતીના તરસને દર્શાવે છે. સરસ કવિતા સાથે વિરમીએ,
કચ્છી વલે વતન જા વીર પાલર પાણી પિયાર્યા
વિરીયુ ને વિરા તેમે વારી ગઈ
હણે હુન હધતે કોલાય ગોઠ વસાયો
પાતારજીપાણી ખણી તેં કેતા છલાયો
ખૂવા સેલોરૂ સુક્યુ નેસ પણ નાય રેયો
ટેંકર પાણી જી ભરે કુલાય કયા કરાયો
વાઇએ મેં વેજ થેઆ કયા પાતાર પાધરો
ખેત તરાઇયુ ભરે પાણી આકાશમે ઉડાયો
શર ને સન સુકાન ઈ ધ્રો ધરતી મથે કતે
ઢંઢ મથે હાણે કલાયતા પખીયે કે પુકારે યો
પાણી પાઈપ લેન મે પુજે તો પંજા ગાઉએ
અચીંધો આજકાલમે વઠા નળ કે ને યારયો
ગદ્યા ગાજી ચે પાણી પામે પણ નાયરેઓ
નરમદા જા નીર પીયણ વાટુ નેયરિયો
આવી રચના કચ્છની પાણી પ્રત્યેની વેદના અને આત્મિયતા વ્યક્ત કરે છે. પાણી મળે તો પ્રકૃતિ જીવંત થાય છે, અને પાણીનો અભાવ હોય તો જીવન જ મરી જાય છે. આ પંક્તિઓ આજે પણ કચ્છના હૃદયમાંથી નીકળેલો સત્ય અવાજ છે.