વલો કચ્છ: કચ્છની મોતીકળા : હળવાં ઘરેણાં – ભવ્ય દેખાવ

- ડૉ. પૂર્વી ગોસ્વામી
ગુજરાતની ધરતી રંગોની, રાગોની અને રાસની ધરતી છે. અહીં દરેક તહેવાર જીવનમાં નવી ઊર્જા પાથરે છે. એમાં પણ નવરાત્રી એ એવો તહેવાર છે, જે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને કળાત્મક પરંપરાનો મહોત્સવ છે. નવ દિવસ સુધી રમાતો આ રંગોત્સવ ખેલૈયાઓના ઉમંગ, ચણિયાચોળીના નવાનવા નમૂના અને ઘરેણાંની ઝગમગાટથી જીવંત બની જાય છે.
આજના યુગમાં જ્યાં ફેશન અને આરામ બંનેનું મહત્ત્વ છે, ત્યાં મોતીકામની કળા નવરાત્રીના આ આનંદમાં એક ખાસ સ્થાન ધરાવે છે. મોતીમાંથી બનેલાં ઘરેણાં, રંગબેરંગી કળશ, તોરણ, પૂજાની થાળી કે રમકડાં બધું જ પરંપરા અને આધુનિકતાનું સુમેળ સર્જે છે. ખાસ કરીને મોતીનાં ઘરેણાં, જે દેખાવમાં સુંદર, વજનમાં હળવા અને આરામદાયક હોય છે, તે હવે મહિલાઓની અગ્રીમ પસંદ બની ગયા છે.
કચ્છમાં મોતીકામનો ઈતિહાસ ઘણો જૂનો છે. લગ્ન પ્રસંગે તોરણ, કળશ, નાળિયેર કે પૂજાની થાળીઓ મોતીમાંથી જ બનતી. બાળકના જન્મ પ્રસંગે મોતીના રમકડાં બનાવવાની પરંપરા હતી. સમય જતા આ પ્રથાઓ ધીરે ધીરે ઘટી ગઈ. પરંતુ ‘વોકલ ફોર લોકલ’ અભિયાન અને પરંપરાગત હસ્તકળાના પુનરુત્થાનથી ફરી આ કળા ઘરમાં અને બજારમાં સ્થાન પામવા લાગી છે.
આ મોતીકામ એ કોઈ ખાસ જાતિની પરંપરાગત કળા નથી. આ કળા શીખવા ઈચ્છે તે કોઈ પણ વ્યક્તિ હાથ અજમાવી શકે છે. કચ્છના માધાપર ગામમાં રહેતા દક્ષાબેન ખત્રી કહે છે મોતીકામ શીખવું મુશ્કેલ નથી, પરંતુ તેને રોજગારી રૂપે અપનાવવું સહેલું નથી. ધીરજ, ક્રિએટિવિટી અને નાની નાની વાતોમાં ધ્યાન રાખવાની ક્ષમતા જોઈએ.
દક્ષાબેને કચ્છની મોતીકળાને માત્ર સંભાળી જ નથી પણ તેને જીવંત પણ બનાવી છે. 12 વર્ષની નાજુક ઉંમરે માતાથી શીખેલી આ કળા શોખ રૂપે શરૂ થઈ હતી. શરૂઆતમાં ફક્ત પોતાને ગમતી વસ્તુઓ બનાવતી દક્ષાબેને એક દિવસ વિચાર્યું કે બાંધણાં તો બધા જ ભરે છે, પરંતુ કંઈક એવું કરવું જોઈએ જે ઓછા લોકો કરે છે. એ જ વિચારથી 2004માં મોતીકામને જીવનનું ધ્યેય બનાવ્યું.
આજે દક્ષાબેન માત્ર કારીગર જ નથી પણ ટ્રેનર તરીકે પણ અનેક બહેનોને આ કળા શીખવે છે. ગુજરાત રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (છજઊઝઈં)માં સિલાઈ અને ભરતકામના ટ્રેનર તરીકે કામ કરતી દક્ષાબેન અનેક કોલેજોમાં મોતીકામની તાલીમ આપે છે. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું છે, તો ભોપાલના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલયમાં દર વર્ષે ટ્રેનિંગ આપવા જાય છે. માત્ર પ્રાથમિક શિક્ષણ લીધેલી દક્ષાબેન મોતીઓની ગણતરીમાં એવી પારંગત છે કે જાણે રંગીન મોતીઓમાં જીવનના મોતી પરોવતી હોય. તેમની સાથે નાની બહેન વનિતા અને અન્ય બહેનો મળીને રોજગારીનું નવું દિશાદર્શન ઊભું કરે છે.
આજના સમયમાં મોતીના ઘરેણાં ખાસ લોકપ્રિય બન્યા છે. રંગબેરંગી મોતીઓમાંથી બનેલા હાર, બંગડીઓ, કાનના ટોપ્સ કે માથે પહેરવાના વટકા સૌને આકર્ષે છે. મેટલના ઘરેણાં ભારે લાગે, લાંબા સમય સુધી પહેરવાથી ચામડી પર ચેપ પડે, પરંતુ મોતીનાં ઘરેણાં હળવા અને આરામદાયક હોય છે. એટલે જ નવરાત્રીમાં રાસ રમવા જતાં ખલૈયાઓ માટે મોતીનાં ઘરેણાં ખાસ પસંદગી બને છે.
દરેક મોતી એ એક વિચાર છે, દરેક ડિઝાઇન એ એક કલ્પના છે, દરેક નમૂનો એ એક કથાની જેમ છે. દક્ષાબેન ખત્રી જેવી કારીગર બહેનોના પ્રયત્નોથી કચ્છની મોતીકળા આજે ફક્ત એક કળા જ નથી રહી, પરંતુ રોજગારી, પરંપરા અને આધુનિક ફેશનનું અનોખું સમન્વય બની ગઈ છે.
આ પણ વાંચો…વલો કચ્છ : પીડાને ભૂલી શ્રમ ને સૂઝબૂઝ થકી મેળવી સિદ્ધિ…