ઉત્સવ

નેતાને કાર્યક્રમમાં ભાષણ કરવાની ના પડાય?

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

એક જ્ઞાતિના સંમેલનમાં નિમંત્રણને માન આપી ધારાસભ્ય ધનંજયે શરીફ ફરમાવી. ધનંજય કોઠાકબાડામાં પાવરધા હોઇ લોકો તેને ‘ધનંદય ધૂર્ત’ તરીકે જ ઓળખતા હતા. ધનંજય ધૂર્ત કાર્યક્રમમાં દાખલ થયા કે એનાઉન્સરે સ્વાગત કાર્યક્રમની કાર્યવાહી અટકાવી. ધારાસભ્યના આગમનની નોંધ આ રીતે લીધી:

‘આપણા લોકલાડીલા ધારાસભ્ય ધનંજયભાઇ સાહેબ આપણા આમંત્રણને માન આપી પધાર્યા છે. આપણા કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. ધારાસભ્ય સાહેબનું સ્વાગત, અભિવાદન, અભિનંદન,આવકારવિધિ આપણા પ્રમુખ ગણપતભાઇ દામોદર રબ્બર એટલે કે ગદાર કરશે.’ ઉત્સાહી એનાઉન્સર અમિતે જાહેરાત કરી. એનાઉન્સરનું પણ અલગ વિશ્વ હોય છે. વકતાને બે બોલ બોલવા આદેશ કરે અને પછી પોતે બે કલાક બકબક કરતા રહે.

ધારાસભ્ય ધનંજયને સ્ટેજ પર પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું. ઘણીવાર મંચ પર સોફા-ખુરશીની પાંચ પાંચ લાઇનમાં ઓગણત્રીસ ગણમાન્ય આમંત્રિતો મંચસ્થ હોય છે. જ્યારે ઓડિયન્સની અઢી લાઇનમાં ગણીને અઢાર લોકો હોય. એક કાર્યકરે ધારાસભ્યને મોટો બુકે આપ્યો. કોઇએ સૂતરની આંટી આપી. સંસ્થાના મહામંત્રીએ ઘનંજયને શાલ ઓઢાડી. ધારાસભ્યને ચાંદીના શ્રીફળનો મોમેન્ટો અપાયો. ધારાસભ્યને આવા સન્માનની નવાઇ ન હોય. જો ધારાસભ્ય મોભા મુજબ સ્વાગત પામીને સંતુષ્ટ થયા. તેણે કૂકડાની જેમ ગરદન ઊંચી કરી. એનાઉન્સરે ધારાસભ્યનો પરિચય આપ્યો. કોઇ મંચસ્થ મહાનુભાવે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમની રૂપરેખા આપી.

ધારાસભ્ય ધનંજયે કફનીના ગજવામાં રાખેલ ચશ્માંના ઘરમાંથી કાઢ્યા. ચશ્માં મોં સુધી લઇ ગયા. ચશ્માંને એક હાથે પકડ્યા. મોઢાથી ચશ્માંના કાચ પર ફૂંક મારી. કફનીના છેડાથી ચશ્માં સાફ કર્યા. ચશ્માં આંખ પર ટેકવ્યા. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનું અધ્યયન કરવાનો આરંભ કર્યો.

વક્તાની યાદી ધારાસભ્ય ધનંજયે બે વાર વાંચી. તેની આંખ ફાટીને ફાટી રહી ગઇ. એણે ફરીવાર કાગળિયું વાંચ્યું એના પેટમાં ઊકળતું તેલ રેડાયું. તેના હાથની મુઠી વળી ગઇ. એનો મતલબ એ કે તેને શોભાનો ગાંઠિયો બનાવ્યો છે. તેની કફનીના ખિસ્સામાં ગ્લોસી પેપર પર મોટા ફોન્ટમાં તેણે ટોકિંગ પોઇન્ટ તૈયાર કરેલ. એ બધું ગઇ ભેંસ પાણીમાં જેવું થયું. ધનંજયે કાર્યક્રમના આયોજકને મંચ પર બોલાવ્યો.

‘મારે ક્યારે બોલવાનું છે? મારું ભાષણ વહેલું કરાવજો. મારે એક અગત્યના ફંકશનમાં ચીફ ગેસ્ટ તરીકે જવાનું છે. તેમાં સીએમ સાહેબ પણ આવવાના છે.’ ધનંજયે કાર્યક્રમના આયોજક અમથાભાઇને રોફ ઝાડી કહ્યું.

‘સાહેબ, આ તો બહુ જ નાનો કાર્યક્રમ છે. જ્ઞાતિનો મેળાવડો છે. જેમાં જ્ઞાતિના ઉત્કર્ષ માટે સલાહ સૂચનો કરવાનાં છે. એક પણ રાજકીય નેતા પાસે ભાષણ નહીં કરાવવું એવું અમે સર્વાનુમતે નક્કી કરેલ છે. એટલે આપે ભાષણ કરવાનો સવાલ ઊભો થતો નથી.’ ધનંજયના કાનમાં અમથાભાઇએ કહ્યું.

ધનંજય લાલપીળા થઇ ગયા. નેતાને કાર્યક્રમમાં બોલાવે અને એની સાથે આવો વ્યવહાર. કોઇ વ્યક્તિ શ્વાસ લીધા વિના જીવી શકે તો નેતા ભાષણ કર્યા વિના જીવી શકે. નેતા અને માઇકનો સંબંધ શરીર અને આત્મા જેવો અતૂટ હોય છે. નેતા લોગ ચાર કલાક ભાષણ ન કરે તો તેમને ભાષણના બાટલા ચડાવા પડે.

‘તમે માથું કાપીને પાઘડી પહેરાવે છે. તમે નેતાને કાર્યક્રમમાં બોલાવો છો. પછી કૂવામાં ઉતારી દોરડું કાપી નાંખવા જેવું કામ કરો છો. હું અહીં આવવા કયાં નવરાધૂપ હતો?’ ધનંજય વધારે ભડક્યો

આ સમયે ધનંજયને બાબુ બુટલેગરના સ્ટેન્ડનું લોકાર્પણ કરી પ્યાસીઓના ગળા ભીના કરવાના હતા. જેલમાં રહેલ આગેવાન સાથે શરાબના ધંધાનો હિસાબ સેટ કરવાનો હતો. એ બધું છોડીને ધનંજય અહીં આવેલ. બદલામાં તેને શું મળ્યું?

‘સાહેબ, આપણી પાસે સમય ઓછો છે. બોલનાર વક્તા વધારે છે. જો કાર્યક્રમ લંબાઇ જાય તો હાજર રહેનાર ઊઠીને ચાલ્યા જશે.’ કાર્યક્રમના આયોજક અમથાભાઇએ સ્થિતિ સમજાવી.

‘એટલે મારે, કાર્યક્રમમાં માત્ર શોભામાં અભિવૃધ્ધિ જ કરવાની છે? જો આવું હતું તો તમારે ફોન કરીને મને કહેવું જોઇતું હતું.’ ધનંજય ધગી ગયા.

‘સાહેબ તમે સમજવાની કોશિશ કરો.’ અમથાભાઇએ હાથ જોડી વિનંતી કરી.

‘મને બે મિનિટ બોલવાની તક આપો.’ ધનંજયે વિનંતી કરી.

‘સાહેબ, એ શક્ય નથી.’ અમથાભાઇએ નમ્રતાથી ના પાડી.

‘હું મંચ પરથી નહીં- મંચ પરથી ઊતરી જઇને બોલીશ. મને બોલવાની તક આપો.’

ધનંજયના ચહેરા પર અકળામણ હતી. મોઢું બોલવા ફાટફાટ થતું હતું. ધનંજયે મોઢા પર હાથ મૂકી ગળામાંથી બહાર ધસી આવવા મથતા શબ્દોને દબાવી રાખ્યા.

‘એ શક્ય નથી.’ અમથાભાઇ મક્કમ હતા.

‘બંધારણે મને ભાષણ કરવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. હું તો બોલીશ’ બાળ વાર્તાની જેમ ધનંજયે ‘હું તો બોલીશ’ની બાળહઠ પકડી.

‘સાહેબ, તમે સમયને માન આપો. બીજા કાર્યક્રમમાં તમને બે કલાક આપશું.’ અમથાભાઇએ પ્રોમિસ કર્યું.

‘અમથાભાઇ, તમે કોઇ કાર્યક્રમમાં નેતાના મોં પર ટેપ મારી હોય કે નેતા બોલતા ન હોય તેવું જોયું છે?’ ધનંજયે પૂછયું.

‘સાહેબ, તમારી વાત સોળ આના સાચી છે, પરંતુ સમય નથી. તમે નેતાભાઈઓ ભાષણ કરવાનું શરૂ કરો પછી ઘડિયાળ સામે જોતા નથી. લોકો કંટાળીને હુરિયો બોલાવે છે.’ અમથાભાઇએ આયનો ધર્યો.

‘ભઇ, મને બધી ખબર છે. મારા છોકરાએ સરકારી કામમાં ગોટાળા કર્યા એટલે મારું મંત્રીપદ ગયું. હવે હું ધારાસભ્ય છું. એટલે તમે મારી સાથે દાવ કરો છો.’ ધનંજયે અસલી ભડાશ કાઢી. ધનંજય પગ પછાડતાં કાર્યક્રમના સ્થળેથી વોકઆઉટ કરી ગયા.

કહે છે કે ધારાસભ્ય ધનંજયે ભાષણ કરવાની ના પાડનાર સંસ્થા સામે નેતાના ભાષણ કરવાના મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button