ઊડતી વાતઃ એના કલેજાને ક્યારે ટાઢક વળી?

ભરત વૈષ્ણવ
‘સાહેબ, એક નાનું કામ છે’ રાજુએ તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીને ફોન પર કહ્યું.
‘તમે કોણ છો?’ તાલુકા વિકાસ અધિકારીએ ત્રિવેદીએ પૂછયું.
‘સાહેબ, મારું નામ રાજુ રદી છે. મારા ગામનું અનર્થપુર છે.’
‘દરેક માણસ નાનું કામ છે એમ કહીને માટીનો ગોળો આપી સોનાની ગાગર માગતા હોય છે’ ત્રિવેદીએ લોકોની મેન્ટાલિટી જણાવી.
‘સાહેબ, મારી વાત સાંભળી લો, પછી નક્કી કરજો કે કામ નાનું છે કે મોટું છે.’ રાજુએ વિનંતી કરી.
‘રાજુભાઇ, વિધાનસભાની ચૂંટણીમાં કોને મત આપેલો?’ ત્રિવેદીએ અચાનક રાજકીય બાઉન્સર ફેંક્યો.
‘મારા કામ અને ચૂંટણીને શું લેવાદેવા?’ રાજુ મૂંઝાયો. કદાચ કોઇ પાર્ટી કાર્યાલય ફોન લાગી ગયો કે શું?
‘અરે મારા સાહેબ, તમારા કામ અને તમે આપેલ મતને સો ટકા નહીં, પરંતુ કરોડ ટકા લેવાદેવા છે.’ કદાચ ત્રિવેદી કોઇ પાર્ટીનો ખેસ પહેરીને ખુરશીમાં ગોઠવાયા હશે અથવા તો મલાઇદાર ખુરશી મંત્રી મહોદયની ચાંપલૂસી કરીને પામ્યા હશે, બીજું વળી શું?
‘એ કેવી રીતે?’ રાજુએ આશ્ર્ચર્યમાં આંખ પટપટાવતા પ્રશ્ર પૂછયો.
‘તમે લોકો ફટિચર વિપક્ષને મત આપો છો અને શાસક પક્ષ તમારું કામ કરે એવા મુંગેરીલાલના હસીન સ્વપ્ન જુઓ છો પછી તમે કાગળિયા લખી લખી થાકો તો પણ તમારાં કામ કયાંથી થાય? અદકપાંસળી અને અકોણા અરજદાર માટે અમે મોટી કચરાટોપલી રાખીએ છીએ. અરજી વાંચ્યા વિના કચરાટોપલીમાં અરજી પધરાવીએ છીએ.’ ત્રિવેદીએ પંચાયત કચેરી કાર્યપદ્ધતિ રાજુને સમજાવી.
‘કાયદો તો એવું કહે છે કે ચૂંટાયેલ ધારાસભ્ય કે સાંસદ સમગ્ર મતવિસ્તારનો પ્રતિનિધિ છે.એણે રાજકીય ભેદભાવ વિના તમામ લોકોના કામ કરવાના હોય. ચૂંટણી પછી કોણે મત આપ્યો કે કોણે મત નથી આપ્યો તેવું વિચારવાનું ન હોય.’ રાજુએ દલીલ કરી.
‘રાજુભાઇ, તમારી વાતમાં દમ છે. હવે તો મંત્રીઓ બંધારણના શપથ લઇ તોડવાનું કામ કરે છે.’ ત્રિવેદીએ સાંપ્રત સમસ્યા કહી.
‘સાહેબ, આડીઅવળી વાત બહુ થઇ. હવે મારા કામની વાત કરું?’ રાજુ મૂળ મુદ્ા પર આવ્યો.
‘બોલો… બોલો રાજુભાઇ.’ ત્રિવેદી ઉમળકાથી બોલ્યા.
‘સાહેબ. વાત એમ છે કે..’ રાજુ અટક્યો .
‘જો રોડના જોબ વર્કનું કામ હોય તો પ્રભારી મંત્રી કે ચિફ મિનિસ્ટર સાહેબને કહેવું પડશે’.
‘મારે એવું કામ નથી’
‘ચેકડેમ કે બોરીબંધ બાંધવો હોય તો સિંચાઈ મંત્રીને કહેવું પડશે.’ ત્રિવેદી બોલ્યા.
‘એવું પણ નથી.’ રાજુ ઉવાચ.
‘રેશનિંગ કાર્ડ માટે પુરવઠા ખાતામાં રજૂઆત કરજો.’ત્રિવેદીએ ચાલાકી કરી.
‘સાહેબ, એવું કંઇ કામ જ નથી.’ રાજુ દ્રઢ સ્વરે બોલ્યો.
‘મનરેગા કાર્ડ કે રોજગારી માટે ગ્રામ વિકાસ ખાતાની વેબ સાઇટ પર જવું….’ ત્રિવેદીનું સૂચન.
‘સાહેબ, તમે કલ્પનાના ઘોડા દોડાવવાનું બંધ કરી મારી વાત સાંભળશો?’ રાજુ રદી ચિલ્લાયો.
‘ઘરથાળનો પ્લોટ લેવો છો? આજન્મ ઘરથાળનો પ્લોટ કે ઘરનું ઘર ભૂલી જવું. ગમે ત્યાં ઝૂંપડું તાણી બાંધો. ભવિષ્યમાં ઝૂંપડા હટાવવાની યોજનાનાં બત્રીસ ફૂટનો શાનદાર ફલેટ આપીશું. જયાં તમે મહામહેનતે ઊભા ઊભા સૂઇ શકશો.’ ત્રિવેદીએ ઝૂંપડપટી વૃદ્ધિ યોજના બતાવી.
‘સાહેબ, હું સીફેઇસ એટલે કે પડોશણના ઘરની સામે રહું છું.’ રાજુએ ત્રિવેદીની વાતનો છેદ ઉડાડ્યો.
‘તમારે સ્વરક્ષણ માટે હથિયારનું લાઇસન્સ જોઈતું હોય તો ઓફિસને બદલે એજન્ટને પકડો. પાંચ છ લાખના ખર્ચામાં તમારા અરમાન પૂરા થશે, નહિંતર તમે ખુવાર થઇ જશો એટલે અરમાન ભૂલી જશો.’
‘સાહેબ, હું પંદર વરસથી ગન લાઇસન્સ ધરાવું છું’ રાજુએ ફોડ પાડ્યો .
‘તો તો મારે તમારાથી ડરવું પડશે.’ ત્રિવેદી ગભરાયો. ગન લાઇસન્સ ધરાવતા લોકો તો ગાંડા હોય. ગમે ત્યારે ફાયરિંગ કરે ને સ્વરક્ષણના નામે છટકી જાય.
‘સાહેબ, તમે ચેટજીપીટી કે ગ્રોક છો?’ રાજુએ પેચીદો સવાલ કર્યો.
‘કેમ એમ પૂછો છો?’ ત્રિવેદી ખમચાયા.
‘તમે તમારામાં ફીડ કરેલ માહિતી મતલબ કે મન કી બાત જ કરો છો?’ રાજુએ ગિન્નાઈને કહ્યું.
‘ના યાર, એવું નથી. અમે ઘન્ના શેઠના ધનની વાત પણ ધ્યાનથી સાંભળીએ છીએ.’ ત્રિવેદીના સ્વરમાં લાલચ હતી.
‘સાહેબ, મારા ઘર પાસે રોડ પર ખાડા પડેલા’ રાજુએ તેની વાત કહેવાની કોશિશ કરી.
‘અભિનંદન, રાજુભાઇ.’ ત્રિવેદી બોલ્યા.
‘શેના અભિનંદન?’ રાજુ હકકોબકકો થઇ ગયો.
‘રોડ છે તેના અને ખાડા પડવાના. બાકી કેટલાંય ગામોમાં અમે ગ્લોસી પેપરના લીસા રોડ બનાવીએ છીએ. દર વરસે રિપેરિંગ કરીએે છીએ. સાત- આઠ વરસે રોડ પર ફરીથી કાગળ પર ડામર પાથરીએ છીએ.’ ત્રિવેદીએ કાગજી વિકાસ સિસ્ટમ ઉજાગર કરી.
‘સાહેબ , રોડ પર ખાડા પડયા એટલે પંચાયતથી પ્રાઇમ મિનિસ્ટરને રોડ રિપેર કરવા અરજી પણ કરી. ખાડા મોટા થતા ગયા..’ રાજુએ વીતક કથા કહી.
‘ખાડા રિપેર નહીં થયા હોય.’ ત્રિવેદીએ આત્મવિશ્વાસથી પાંચ પાંચ રૂપિયાની શરત મારવાની ઓફર કરી.
‘તમે કેમ એવા તારણ પર આવ્યા?’ રાજુએ અચંબો પામી પૂછયું.
‘સિમ્પલ, એક તો સાહેબને વિદેશ પ્રવાસથી ફુરસદ મળતી નથી અને પ્રધાનમંત્રી ખાડા પુરાણ યોજના હજુ લોંચ થઇ નથી. એકવાર યોજના લોંચ થશે કે…’ ત્રિવેદી પ્રશસ્તિ પુરાણ ખોલી બેઠા.
‘સાહેબ, હું અપના હાથ જગન્નાથ ઉક્તિમાં વિશ્વાસ રાખું છું. પંચાયત કે સરકારે રોડના ખાડા પૂર્યા નહીં. જે ગાંઠનું ગોપીચંદન કરી સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે રોડના ખાડા જ પૂર્યા નથી.પરંતું, ડામર પાથરી રોડ તૈયાર કર્યો છે. મારી ઇચ્છા છે કે તમે આવીને મેં બનાવેલો રોડ જોઇ જાવ.’ રાજુએ પોતાનું કામ ત્રિવેદીને કહ્યું. જેના માટે ફોન પર આટલી ધડાકૂટ કરેલ.
પછી શું થાય? ત્રિવેદીએ શું કયુર્ં? બહુ લાંબું બ્રેઇન સ્ટ્રોમિંગ કર્યું. આ તો તો ડોશી મરી જાય અને જમ ઘર ભાળી જાય. લોકો રાજુના રવાડે ચડીને તેમની સમસ્યાનું સ્વખર્ચે સમાધાન હી સમાધાન કરે તો? સરકાર વિકાસની ગ્રાંટ બંધ કરી દે. ત્રિવેદીના સંતાનો નાનાં હતાં.
ભવિષ્યમાં સરકારી ગ્રાંટને સહારે વિદેશમાં ભણવા અને સેટલ કરવાના અને લગ્ન કરાવવાના છે. એમાં પંકચર પડી જાય કે નહીં? જયારે ત્રિવેદીએ બુલડોઝર મોકલીને રોડને ખોદાવી નાખ્યો પછી જ ત્રિવેદીના કલેજાને ટાઢક વળી!
આ પણ વાંચો…ઊડતી વાત: રાજુ રદીને બર્થ-ડે પર કેક કેવી રીતે કાપવી છે?