ઊડતી વાત : રાજુ રદીએ વળી કઈ નવી ઝુંબેશ શરૂ કરી?

- ભરત વૈષ્ણવ
ખોદી નાંખો ડીટિયું પણ બચવું ન જોઇએ.' રાજુ રદી અડધી રાત્રે બબડતો બબડતો મારા ઘરના દરવાજે ભટકાયો.
ઓય મા’ એમ બૂમ પાડી ઊઠ્યો. કપાળમાં ફૂટબોલ સાઇઝનું ઢીંમણું ઊપસી આવ્યું. રાજુના હાથમાં ત્રિકમ, પાવડો અને તગાં પણ હતું. રાજુ સંપૂર્ણ તૈયારી સાથે જ આવેલો.
`રાજુ, મનરેગા યોજનામાં રાત્રે રોજગારી આપવાની ગેરંટી છે કે અડધી રાતે ખાડા ખોદવા નીકળી પડ્યો છે?’
`ગિરધરલાલ, માતની હાકલ પડી છે. યા હોમ કરીને ખોદી નાખો. દેશને કહો ઉઠાવે ત્રિકમ હવે તો ખોદકામ એ જ કલ્યાણ.’ રાજુ ટેલિપ્રોમ્પટર સિવાય પણ સડસડાટ બોલી ગયો.
`રાજુ, જરૂર પડે તો બુલડોઝરનો ઉપયોગ કરજે.’ મેં રાજુને કટાક્ષમાં કહ્યું.
`ગિરધરલાલ, તમે કયાંથી બોલો છો એની મને ખબર છે.’
આ પણ વાંચો: સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!
રાજુને આ પહેલી વાર મારો કટાક્ષ સમજાયો.
`રાજુ, આ ખોદકામ કરવાનો આઇડિયા તારા દિમાગમાં કયાંથી આવ્યો? એક ખોદકામ જીવનને ઊંધેકાંધ નાંખી દે. ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની લાયમાં લોથલ બનાવી દીધું છે એ ઓછું છે?’ મેં રાજુને તતડાવ્યો.
`ગિરધરલાલ, તમારા જેવા અકકલજીવી (મારી નજરે અકકલમઠા આદમી.)ઓએ દેશનો દાટ વાળ્યો છે.’ રાજુ મારા પર ગુસ્સે ભરાયો.
`તું મારા પર કેમ અકળાયો છે?’ મેં રાજુને પૂછયું.
`ગિરધરલાલ, તમને દેશની સમસ્યાઓ ગણવામાં રસ છે, પરંતુ, એક ગામડિયા માજીએ પહાડ કોતરીને ત્રીસ વરસે ગામ માટે રસ્તો કર્યો તેવું સાહસ કરવામાં તમને રસ નથી.’ રાજુએ હડહડતો આક્ષેપ કર્યો.
`તો તારા ખોદકામથી દેશના સળગતા સવાલો- સમસ્યાનું નિરાકરણ આવી જશે?’ મેં સાશંક સ્વરે રાજુને પૂછયુ.
`ઓફ કોર્સ. પહેલે ખોદકામ કરો ઔર વિશ્વાસ કરો.’ એક જાણીતા ડિટરજન્ટ પાવડરનું સ્લોગન બદલીને રાજુ બોલ્યો.
રાજુ, ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ નહીં થાય ને?' હું ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને સવાલ કરતો હતો.
ગિરધરલાલ, આવું નહીં થાય. રાજુ સનાતનીની ગેરંટી છે.’ રાજુ સનાતનના નામે ચીપિયા પછાડતો હતો.
`રાજુ, તો પછી એક ડૉલર બરાબર ચાર રૂપિયા થઇ જશે?’ મેં રાજુને ભીડવવાનું ચાલું કર્યું.
`એવું જરૂરી નથી’ રાજુ નિત્તર હતો.
`તો, દર વરસે બે કરોડ લોકોને નોકરી મળી જશે?’ મારો બીજા સવાલ.
`ગિરધરલાલ, તમે પેલા સડેલા સ્યુડો સેક્યુલરિસ્ટ જેવી ભાષા બોલો છો.’
`રાજુ ગરીબી, બેકારી સમૂળગી દૂર થશે?’ મારો ત્રીજો સવાલ.
`સાંસ્કૃતિક પરંપરાની સામે બધું ગૌણ છે.’ રાજુ તોતાની જેમ રટ્યો.
`રાજુ, દરેક ભારતીયોના ઘરના નળિયા સોનાના થઇ જશે? મારો ચોથો સવાલ.
`ગિરધરલાલ, વાહિયાત સવાલ ન પૂછો. આવું કલંક કેટલા વરસ ચલાવી લેવાનું?’ રાજુનો બિનતાર્કિક સવાલ.
`રાજુ, મહિલાઓ પરના અત્યાચાર દૂર થઇ જશે?’ મારો ઓર એક સવાલ.
આ પણ વાંચો: ફોકસ : રિયલ ફ્રેન્ડ્સ સાથે હોય ત્યારે વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ સાથે રાખો અંતર…
ના ભઇ ના.' માથાના દુખાવાની ગોળીની જાહેરાતના મોડેલ જેમ ચિલમ ચિલી કરીને રાજુ બોલ્યો. રાજુએ બે હાથે માથું દબાવ્યું.
રાજુ, તો બધા ભારતીયોને રહેવા ઘર મળશે?’ મેં રાજુને ઉશ્કેર્યો.
`તમારી સાથે વાત જ કરવી બેકાર છે.’ રાજુએ નિરાશાથી એનું માથું કૂટ્યું. રાજુની સાધના કાચી પડી રહી હતી. ખેડૂતોના ફાયદા કાયદાના દેશના હાકેમો ખેડૂતોને સમજાવવામાં સફળ થયા ન હતા મારા જેવા અબુધને રાજુ સમજાવી શકતો ન હતો.
`રાજુભાઇ, તમારા ભાઇના માથામાં તો મીઠાના ગાંગડા ભર્યા છે. તમારા ભાઇ મારી વાતને સમજી શકતા નથી તો ખાક તમારી વાત તેને સમજાશે.
તમે બળદ આગળ ભાગવત કયાં વાંચો છો?’ રાધારાણી ચાલતી ગાડીએ બેસી ગયાં.
`તમે બરાબર સમજ્યા, ભાભી.’ રાજુ રાજીના રેડ એવરરેડી થઇ ગયો.
`હેંએ રાજુભાઇ તમે શું ખોદવાના છો? કોઇ ખેતરમાં સોનાનો ચરૂ છે? ‘ રાધારાણીએ રાજુ સાથે ધડાકૂટ આદરી.
`ના ભાભી’
`જમીનમાંથી ભગવાનની મૂર્તિ ખોદીને મંદિરબંદિર બનાવી મમતા કુલકર્ણીની જેમ મહામંડલેશ્વર બનવાના છો? રાધારાણીનો બીજો પ્રશ્ર.
`આઇડિયા બૂરા નહીં હૈ. સાલી નોકરી કરવાની ઝંઝટ તો ખત્મ થાય’ મેં વગર બોલાવ્યે જવાબ આપ્યો.
`તમને, કોઇએ ડબડબ કરવાનું કહ્યું તે વચ્ચે કૂદી પડયા?’ રાધારાણીએ મને પાણીથી પાતળો કરી નાંખ્યો.
`ભાભી, આપણી અધોગતિનું મૂળ કોઇ ગ્રહ, કુંડળી ફૂંડળી નથી. એક કબર છે. જે દેશને કાયર સાબિત કરે છે.’ રાજુએ દેશની અવનતીનું સચોટ કારણ રજૂ કર્યું.
`એટલે? એટલે તું કહેવા શું માગે છે?’ અમો બંને વિસ્ફારિત નયને અને ખુલ્લા મોંએ રાજુને પૂછયું.
`દેશ પાંચ ટ્રિલિયન ડૉલર (એકડા પાછળ કેટલા મીંડા ?.) નો થતો નથી તે ઔરંગઝેબની કબરના કારણે જ’ રાજુએ મને પટી પઢાવી.
`રાજુ, આઝાદી સમયે આપણે તેત્રીસ કરોડ હતા. ઔરંગઝેબની કબરના કારણે આજે એકસો ચાલીસ થયા. ખરું કે નહીં? ઔરંગઝેબ કોઇને પગવાળીને બેસવા દેતો નથી.’ મેં કટાક્ષ કર્યો.
`હે રાજુભાઇ, આ દેશમાં કબર કેટલી હશે અને સમાધિ કેટલી હશે?’ રાધારાણીએ પૂછયું.
`ભાભી, સરકાર માણસો ઇવન પશુ પક્ષીની ગણતરી કરે છે. મંદિર મસ્જિદની ગણતરી કરે છે. પરંતુ, કબર કેટલી છે તેની ગણતરી કરાવતી નથી. કેમ કે, કબરો મતદાન કરતી નથી.’ રાજુએ વિપક્ષી નેતા જેવો જવાબ આપ્યો.
`રાજુભાઇ, આઝાદી મળ્યાને પંચોતેર વરસ થયા. આઝાદી મળ્યાથી આજદિન કદી ઔરંગઝેબની કબર કોઇને નડી નહીં અને હવે ઔરંગઝેબની કબર કેમ નડવા લાગી છે? ઔરંગઝેબ જીવતો હતો ત્યારે કોઇ તેના ગળે ઘંટ બાંધી શકયું નહીં. હવે તો એની કબરમાં ઔરંગઝેબના અસ્થિ પણ પંચમહાભૂતના ભાગ બની ગયા હશે. કોઇને કબરમાં શાંતિથી સૂવા દો. અંતિમ મોગલ બહાદુર શાહ ઝફર દેશમાં નહીં ને છેક રંગૂનમાં દફન થવા અંગે ગઝલના એક શેરમાં અફસોસ વ્યક્ત કરે છે…દેશમાં આવી વિવાદાસ્પદ 155 -20 કરોડ કબર હશે તો એ બધી કબર ખોદવા તમે વર્ષો સુધી રાતપાળી કરશો તો પણ તમામ કબર ખોદી શકશો નહીં!’ રાધારાણીએ તર્ક લડાવ્યો.
`હાઇલા, ભાભી આ તો મને સૂઝયું નહીં.’ રાજુએ અફસોસ પ્રગટ કર્યો.
પછી શું થયું? નબળા રાજુએ કબરે શૂરા થવાનો વિચાર ડ્રોપ કર્યો.