ઊડતી વાત: ખાડા રેસ્ટોરેન્ટમેં નહીં ખાયા તો કયા ખાક ખાયા? | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઊડતી વાત: ખાડા રેસ્ટોરેન્ટમેં નહીં ખાયા તો કયા ખાક ખાયા?

  • ભરત વૈષ્ણવ

‘સાહેબ તમને બંનેને બોલાવે છે.’ ગણપત ગાંગડાએ અમને સૂચના આપી. આમ તો ગણપત ગાંગડો ‘બખડજંતર ’ચેનલમાં સેવક એટલે પટાવાળા તરીકે કામ કરે છે, પરંતુ એ બખડજંતર ચેનલના આપખુદ માલિક બાબુલાલ બબુચકનો ગોલ્ડ પ્લેટેડ ચમચો છે. ગણપત પણ બાબુલાલનો ચમચો હોવાથી સ્ટાર્ચ કરેલ કપડાંની જેમ કડક વાયડાઈ કરતો હોય છે. સ્ટાફની વાત બાબુલાલ પાસે પહોંચાડે છે. બદલામાં બાબુલાલ અડધી પીધેલ સિગારેટ ગણપતને મુખબરી તરીકેના ઇનામ તરીકે અર્પણ કરે છે. હું અને રાજુ રદી બાબુલાલની બખોલ જેવી ચેમ્બરમાં પહોંચ્યા તો બાબુલાલ કહે છે એના કરતાં તો ફ્લેટના બાથરૂમ મોટા હોય છે. બાબુલાલ બેસે છે અમે છત પર ટાંગેલ હૂક કે હેન્ડલને પકડીને ઊભા ઊભા બાબુલાલ સાથે કોન્ફરન્સ કરીએ છીએ.

‘ગિરધરલાલ, રવિવારે સાંજે તમે શું કરો છો?’ બાબુલાલે અમને ઉંદર સમજી બિલાડી જેવી રમત આદરી.

‘કેમ તમારે ઘરે ડિનર માટે ઇનવાઇટ કરવાના છો? એવું હોય તો હું રવિવારે સાંજે ફ્રી છું. મારા તમામ કાર્યક્રમ કેન્સલ કરી દઇશ.’ મેં બાબુલાલને ટ્રેપ કરવા ચાલ ખેલી.

‘પણ પણ પણ મારે ઘરે શા માટે?’ બાબુલાલ થોથવાયા.

‘તમારા ઘરે તમારું શ્રાદ્ધ ઝોંહટવા અમે આવવા માગીએ છીએ.’ રાજુએ વાતમાં ડબકું મૂકયું. બાબુલાલના મતે રાજુ મો ખોલે ત્યારે એસિડ ઓકે છે અને બાબુલાલ પર શાબ્દિક એસિડના હુમલા કરે છે.

‘રાજુડા, તુ શું બકે છે તેનું ભાનબાન છે કે નહીં? ગિરધરલાલ, આ હરામીને કાંઇક સમજાવો. મારો પિત્તો જશે તો રાજુડાને છૂટું પેપર વેઇટ મારી દઇશ.’ બાબુલાલ ભયંકર ગુસ્સે થઇ ગયા.

‘બાબુલાલ, તમે આડાઅવળા સવાલ પૂછ્યા સિવાય સીધી વાત પર આવો ને. તમારે જે કામ સોંપવાનું હોય તે કહી દો. અમે રજાના દિવસે શું કરીએ તે જાણવાની તમને શું જરૂર છે?’ મેં બાબુલાલને ઠપકાર્યા.

‘ગિરધરલાલ, તમારે અને રાજુ રદીએ એક ઉદઘાટન સમારોહનું કવરેજ કરવા જવાનું છે. રાજુડાને કહેજો કે કેમેરાની બેટરી- ફેટરી અગાઉથી ચાર્જ કરી લે. આ ઉદઘાટન ડિનર સાથે છે. ગિરધરલાલ, તમે તમારી પત્નીને પણ લઇ જજો. તમારી પત્નીને સાંજે ચૂલા ચોકા કરવાની કડાકૂટમાંથી મુક્તિ મળી જશે.’

બાબુલાલે ઓબી વાન લઇને જવાની સૂચના આપી. જેથી સ્થળ પરથી લાઇવ ટેલિકાસ્ટ કરી શકાય. અમે બાબુલાલની બખોલમાંથી બહાર આવ્યા.

‘ગિરધરલાલ, માનો કે ન માનો, કાંઇક ગરબડ છે. આ બાબુડિયો અકારણ આપણા પર વરસે નહીં. જયાં રૂપિયાના કવર કે ગિફટ મળવાની હોય ત્યાં પચીસ વરસ જૂના કોટપેન્ટ ટાઇ પહેરીને કાર્યક્રમનું કવરેજ કરવા સ્ટેનોગ્રાફર કમ સેક્રેટરી સ્ટેલાને લઇને પહોંચી જાય છે. ત્યારે સમ ખાવા પણ આપણને યાદ કરતો નથી. અત્યારે આપણી રવિવારની રજાની પથારી ફેરવવા આપણને કવરેજ કરવા ધકેલી દે છે.’ બાબુલાલ વિરુદ્ધની ભડાશ કાઢી. રાજુ અને બાબુલાલને ઊભા તો ઠીક બેઠા પણ બનતું નથી.

અમે અમદાવાદનાં ખાડા વચ્ચે રોડ કે રોડ વચ્ચે ખાડામાં બળદગાડાની જેમ ઉછાળા ખાતા રસ્તો કાપતા જતા હતા. અમારી કમરના કડાકા બોલતા જતા હતા. અમે તો અમદાવાદના રોડ પર પડતા ગુણવતાયુકત ખાડાથી અત્યંત પ્રભાવિત થઇને ખાડા સર્કિટ ટૂર ચલાવવા સૂચન કરેલ. કયાં સુધી સીદી સૈયદની જાળી અને રાણીના મકબરા જોવાના? પ્રાચીન, મધ્યકાલની અને આધુનિક ખાડા, તેનો વ્યાપ, માનવજીવન પર પડતી અને ખાડાત્મક અસરો વગેરેની ઝાંખી દર્શાવતી સર્કિટ ટૂરથી સહેલાણા- સહેલાણી ચોકકસપણે આકર્ષાશે તેમાં બેમત નથી.

‘ગિરધરલાલ, ગૂગલ મેપ લોકેશન તો અહીંનું જ દેખાડે છે. અહીં તો કોઇ મકાન ઉદઘાટન માટે શણગારેલ હોય કે ઉદધાટનનો તામજામ દેખાતો નથી.’ રાજુએ આમતેમ ડાફોળિયા મારીને કહ્યું. બાબુલાલે અમને ભેરવી દીધા કે શું એમ પણ મનમાં સવાલ થયો.

‘રાજુ, જે વ્યક્તિએ નિમંત્રણ આપેલ છે તેને જ સરનામું પૂછી લઇએ.’ મેં રાજુને સજેશન કર્યું. આમ પણ ડૂબતો તરણું ન ઝાલે તો કંકોડા ઝાલે?

‘મિ. ઝૂનઝૂનવાલા બોલી રહ્યા છો?’ રાજુએ વિવેક પૂર્વક પૃચ્છા કરી.

‘યેસ, ઝૂનઝૂનવાલા સ્પકિંગ. વોટ કેન આઇ ડુ યુ ફોર.’ ચાસણી જેવા મીઠા અવાજે ઝૂનઝૂનવાલાએ પ્રોફેશનલ પૃચ્છા કરી.

‘હું ગિરધરલાલ ગરબડિયા, ચીફ રિપોર્ટર, બખડજંતર ચેનલ બોલું છું. અમે તમારા ઉદઘાટન સમારોહનું કવરેજ કરવા આવ્યા છીએ. પરંતુ અમને વેન્યુ એટલે કે સ્થળ મળતું નથી. કેન યુ હેલ્પ અસ?’ મે વિનંતી કરી.

‘ગિરધરલાલ, તમે લોકો અત્યારે ક્યાં છો?’ ઝૂનઝૂનવાલાએ અમને પૂછ્યું.

આ પણ વાંચો…ઊડતી વાત : રાજુ રદીએ ઝમકુડીને કેટલી વાર પ્રપોઝ કર્યું?

‘અમે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસની નજીક આશ્રમ રોડ પર ઊભા છીએ.’ મેં કહ્યું.

‘ત્યાંથી તમને બાટાની દુકાન દેખાય છે?’ ઝૂનઝૂનવાલાનો સવાલ. ‘હા દેખાય છે…;

‘બસ, તેની અંદરના રસ્તે એક રોડ પર ભૂવો ન કહી શકાય અને ખાડો પણ ન કહી શકાય એવો ખાડા સમૂહ છે. રોડ પર વીસ બાય વીસનો ખાડો છે. એ ખાડામાં આપણી ફર્મનું ઉદઘાટન છે.’ ઝૂનઝૂનવાલાએ નેવિગેટરની ભૂમિકા ભજવી. અમે એ ખાડા પાસે પહોંચ્યા. ખાડાની વચ્ચોવચ મંડપ લગાવેલ. એક શોપ જેવું કામચલાઉ સ્ટ્રકચર. ટેબલ ખુરશી મુકેલા. ત્રણ બાય ત્રણનું સ્ટેજ બનાવેલ. ખાડામાં એન્ટર થઈએ કે એક બોર્ડ લગાવેલું.

‘મહાનગરપાલિકા, પરભવના વેરી વરસાદ અને કટકીબાજ ક્રૂર કોન્ટ્રેકટરોની (અ)સીમ કૃપાથી અમારે આંગણે શુભ પ્રસંગ આવેલ છે. આપ જેવા માનવંતા કસ્ટમરોને અંતરથી આવકારતાં ધન્યતા અનુભવીએ છીએ. ચોમાસામાં વરસાદના પ્રસાદથી પડતા ખાડા એ કિસ્મત કનેકશનનો કાર્યક્રમ છે. અમે ખાડામાં પણ અવસર પ્રાપ્ત થયેલ છે. જગતના સર્વ પ્રથમ : ‘ધી યુનિક ખાડા રેસ્ટોરેન્ટ’ ના ગ્રાંડ ઓપનિંગમાં આપને આવકારીએ છીએ. અમારે ત્યાં નાસ્તા -લંચ અને ડિનર માટે કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, મેકસિકન અને કાઠિયાવાડી વાનગીઓ મળશે. ખાડા ઉંધિયું અને ખાડા પિત્ઝામાં અમારી માસ્ટરી છે. ‘ધી યુનિક ખાડા રેસ્ટોરેન્ટ’માં વગર વ્યાજની ઇએમઆઇ લોન પણ ઉપલબ્ધ છે, જેના માટે તમારે તમારું કિચન અમને મોર્ટગેજ કરવાનું રહેશે. જયાં સુધી લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી તમે તમારા કિચનમાં રસોઇ કરી શકશો નહીં.’

‘હાઇલા? અત્યારે સુધી ક્રૂઝ રેસ્ટોરેન્ટ, પતંગ રેસ્ટોરેન્ટ, એકવા રેસ્ટોરેન્ટ, બલૂન રેસ્ટોરેન્ટ, પહાડની ટોચ પર રેસ્ટોરેન્ટ જોઇ હશે. બીડી જલાઇ લે જિગર સે પિયા ગીતની જેમ કોઇ પિત્ઝા બનાવનાર શેફ વાલ્કેનો એટલે જ્વાલામુખીની આગમાં પિત્ઝા બનાવીને સર્વ કરે છે. આ જરા હટકે રેસ્ટોરેન્ટ બન્યું કહેવાય.

ત્યાંજ ખાડા રેસ્ટોરન્ટના માલિક ઝૂનઝૂનવાલા બોલ્યાં:

‘તો અમદાવાદના ગૌરવ સમાન ‘ધી યુનિક ખાડા રેસ્ટોરેન્ટ’માં ખાવા ક્યારે ગુડાવ છો? હમારે ખાડા રેસ્ટોરેન્ટમેં પધારો મેરે રાજ સા’બ!’

આ પણ વાંચો…ઊડતી વાત : કોન્ટ્રાકટર કરસન કેમ કરે છે કાળો કકળાટ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button