ઉત્સવ

આકાશ મારી પાંખમાં : જનનીની જોડ સખી નહીં જડે રે લોલ

-ડૉ. કલ્પના દવે

 અમૃતભરેલું અંતર જેનું, સાગર જેવું સત.
    જો, દીકરી વહાલનો દરિયો,
    તો દીકરો વહાલનું આકાશ,

મારી મા છે વહાલનો મહાસાગર, પિતાનું હૈયું જાણે હિમાલય.
કૌટુંબિક સંબંધોની આવી મધુરતા થકી જ જીવન ધન્ય બને છે.

     મીઠા મધુને મીઠા મેહુલા રે, લોલ 
     એથી મીઠી તે મોરી માત રે,

   આપણા કવિ બોટાદકરે માતૃવંદનાનું આ અદ્ભુત કાવ્ય લખ્યું છે. આ કાવ્યને મુકત કંઠે ગાવાનો આનંદ અનેરો જ છે. પ્રેમની એ સાક્ષાત મૂર્તિ રૂપ તમારી માતા જો હયાત હોય તો એને રોજ પ્રણામ કરજો. 

મે મહિનાનો બીજો રવિવાર (આજે 11મી મે) એટલે પશ્ર્ચિમી સંસ્કૃતિ જોડે આપણે પણ મધર્સ ડે તરીકે ઉજવીએ છીએ. બાકી આપણી ભારતીય સંસ્કૃતિમાં તો હંમેશા માતૃદેવોભવનો ભાવ છે. મા સદૈવ પૂજનીય છે.

આજે બસ, આપણે માતૃવંદનાની જ વાત કરવી છે.

આ પણ વાંચો….આકાશ મારી પાંખમાં : મેં મારા પતિને મારી નજર સામે ગોળીથી વિંધાતા અને છેલ્લો શ્વાસ લેતા જોયો છે

પોતાના ગર્ભમાં શિશુનું પાલન કરનાર મા પ્રસૂતિવેદનાને સહન કરીને નવજાત શિશુને જન્મ આપે છે. મા જન્મદાત્રી છે. તો બાળકના જન્મ થકી જ તેને પૂર્ણ સ્ત્રીનું સ્વરૂપ, માતૃત્વ પદ મળે છે. બાળક થકી જ સ્ત્રીને માતૃત્વશક્તિનું દિવ્યતેજ પ્રાપ્ત થાય છે.

કવિ ભગવતી શર્મા લખે છે-મા ને આકાશ જેટલું ચાહી શકાય, દેવમૂર્તિની જેમ પૂજી શકાય અને એ પાછું એવું કે એ કશું વિચારે, ઈચ્છે, કે માંગે નહીં.

માતૃત્વના અમીઝરણાંમાં પાવન થવા મળે એ જ સદ્-ભાગ્ય છે.

લગ્નના આઠ મહિના થયા હશે કાજલ એની સમવયસ્ક સખીઓ સાથે વીકએન્ડ માણવા લકઝરી બસમાં લોનાવાલા જઈ રહી હતી, ત્યારે નિમિષાએ પૂછયું- હાય, હની અને મૂનને યાદ કરીને કહે-કાજલ. ગુડ ન્યુઝ કયારે આપે છે?

નવોઢાની જેમ શરમાતાં-મીઠું હાસ્ય વેરતા કાજલે કહ્યુ- યાર, નોટ સો અર્લી, રાજેશ હમણાં જ સી.એ થયો છે, જરા એની પ્રેક્ટિસ જામે, સેટલ થાય પછી. હમણાં તો બસ એન્જોય કરવું છે.

મસ્તીભરી અદામાં જાગૃતિએ કહ્યું- સાચું કહું તો લગ્ન કરવા, બાળકોને ઉછેરવા એ મોટી જવાબદારી મને જોઈએ જ નહીં. લગ્નની પળોજણમાં પડીએ એના કરતાં ફ્રીલાઈફ એન્જોય ના કરીએ.

મેડમ કોઈ માલેતુજાર હીરો મળશે ને તો શું કરીશ? નિમિષાએ કહ્યું.

પણ, નિમિષા તુ બધું કેવી રીતે મેનેજ કરે છે- જોબ, જોઈંટ ફેમિલી, બે વર્ષનો દીકરો દેવાંગ અને તારી પર્સનલ લાઈફ. કાજલે પૂછયું.

જો કાજલ, જોઈંટ ફેમિલીમાં એકબીજા માટે રિસ્પેકટ અને અંડરસ્ટેન્ડીંગ જરૂરી છે. મારાં સાસુમા અને પપ્પાજી ખૂબ કોઓપરેટ કરે છે. કાજલ. ટુ બીકમ અ મધર ઈઝ વેરી સ્પેશીયલ એન્ડ એકસાઈટીંગ એકસપીરીયન્સ અને બાળકનો ઉછેર એ માતા-પિતાની સહિયારી જવાબદારી છે. એન્ડ ઈટસ ગ્રેટ ટાઈમ ફોર એવરીવન ઈન ફેમિલી.

આજની યુવાપેઢી ભૌતિક સુખ માટે ખૂબ સજાગ છે પણ સાથે સાથે જીવનના કૌટુંબિક આનંદને માણે એ પણ જરૂરી છે.

પોતાના માતૃત્વ પદની એ ક્ષણ કેમ ભૂલાય? 65 વર્ષીય ક્રીષ્ણાબેન કહે છે- મારા બે સંતાનો દીકરો આકાશ અને દીકરી સોનાલી આજે તો શિક્ષિત અને વેલસેટલ્ડ છે, પણ સોનાલી મારા હૈયાનો ધબકાર છે, જયારે આકાશ મારી આંખનું રતન છે. તેમને જોતાં હું ગર્વ અનુભવું છું.

હા, મને એ ક્ષણ બરાબર યાદ છે. મારી ઉંમર 24 વર્ષની હતી. પ્રથમ ગર્ભાવસ્થાના એ સુખદ સ્પંદનો, એ દોહદનો ભાવ, એક ન સમજાય તેવા સ્પંદનોનો રોમાંચ. મારા ગર્ભમાં શિશુનું ફરકવું. એ મીઠી વેદના અને કોઈ અદ્ભુત આનંદ મારા અસ્તિત્વને અજવાળી રહ્યો હતો.

સાતમો મહિનો પૂરો થવાનો હતો ત્યારે શ્રીમંતવિધિ- બેબીશાવરનો એ ઉત્સવ. વડીલોના આશિષ, મિત્રોની શુભેચ્છાના એ વરસાદમાં હું તરબતર થઈ ઊઠી. હવે મને પ્રતિક્ષા હતી મારા શિશુના જન્મની, એ દિવ્યક્ષણની.

એ રાત્રિએ જ મારા ગર્ભના શિશુએ ઉત્પાત માંડયો. મેં અને મારા પતિ શ્રીકાંતે બે હાથ જોડીને પ્રાર્થના કરતાં કહ્યું- પ્રભુ, અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. આપ યથાસમયે પધારજો.

પછી મેં અને શ્રીકાંતે મારા પેટ પર હાથ ફેરવતાં ગર્ભબાળને વહાલ કર્યું, અને સાચે જ ગર્ભશિશુ શાંત થઈ ગયું. એ જ દિવસે વહેલી સવારે મને સપનામાં બાળ કનૈયો આવ્યો અને મારા હાથે મેં એને માખણ ખવડાવ્યું. હું સપનામાં ધન્યતા અનુભવી રહી. પ્રસૂતિકાળના નવ મહિના અને પંદર દિવસે મને પ્રસૂતિવેદના ઉપડી. મલાડના એ નાના મેટરનીટી હોમમાં મેં એક સુંદર પુત્રરત્નને જન્મ આપ્યો.

એ વખતે બોલાયેલા ડોકટરના આ શબ્દો મને હજુ યાદ છે- નોર્મલ ડિલીવરી-હેલ્ધી ચાઈલ્ડ.. હાંફતા હૈયે આ શબ્દો મારા કાને અથડાયા ને હું માતૃત્વની પરિતૃપ્તિ માણી રહી. મારી છાતીમાંથી જાણે દૂધ ઉછળી રહ્યું હતું. નર્સે બાળકને મારા બેડ પર મૂકયો, મારા હૈયાના અમૃતને એ ઝીલી રહ્યો હતો ત્યારે મારા શિશુની આંખમાં જ મારું આખું વિશ્વ સમાઈ ગયું અને મારા અણુએ અણુમાં આનંદસાગર ઉમટ્યો.

આ પણ વાંચો….આકાશ મારી પાંખમાં : અમારી સોસાયટીમાં બધા સૂર્યાતાઈને ઓળખે કેમકે કોઈને પણ શારીરિક તકલીફ હોય

ગૌરવર્ણ, સુંદર વાંકડીયા વાળ અને તેજસ્વી આંખો ધરાવતો એ કાનુડો આકાશ જેટલું વહાલ લઈને આવ્યો છે મેં એનું નામ પાડયું આકાશ. આકાશનું મૃદુહાસ્ય- એનું રૂદન, એનું ઘોડીયામાં ઝૂલવું આ બધી જ બાળલીલા આજે પણ મનને સભર કરી દે છે.

આજે પણ આકાશ અને સોનાલીના મમ્મી શબ્દ સાંભળું છું, ત્યારે મારું હૈયુ નાચી ઉઠે.

કૌટુંબિક જીવનના આવા મધુર સંબંધોને આપણે માણીએ એ જ સાચો મધર્સ ડે.

મા, મને કક્કો શીખવાડ કાવ્યમાં કવિ મુકેશ જોશી કહે છે-

   મા અહીં દુનિયાના તીણા સવાલ મને
      કેટલીય વાર જાય વાગી,
     મા તારા ખોળામાં માથું મૂકૂ પછી આપું-
      જવાબ જાય ભાગી.
     મા તારા સ્પર્શે તો ત્રુણ થાય પહાડ-
      મા મને કક્કો શીખવાડ. 

અમૃત ભરેલું અંતર ધરાવતી મા ને પ્રણામ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button