ઉત્સવ

હેં… ખરેખર?! : ચાલો, ભારતની ચાની અંતિમ દુકાને જઈએ…

-પ્રફુલ શાહ

બારિશ કી બૂંદે ઔર ચાય કા સંગ
દિલ કે હર કોને મેં બજતી હૈ ઉમંગ

અને…
એણે અમસ્તું જ એકવાર
પૂછેલું, ‘ચા પીશો ને…?’

અને ચાને આજે પણ એમ છે
કે હું એનો બંધાણી છું.

(બંને અજાણ સર્જકોનો ઋણ-સ્વીકાર)

હા, આપણા ઘણાં કવિઓ અને શાયરોએ ચાને દિલથી ચાહી છે, માથે ચડાવી છે. ચાનો સ્વાદ કે મજા કૉફી પીનારા ન જ સમજે, પણ આ ચાની ચુસ્કીમાં સાથે અદ્ભુત સૌંદર્ય અને વીરરસનો મસાલો હોય તો એકદમ ટેસડો પડી જાય કે નહીં?

એ ચાના સ્વાદ-મજા કેવા હોય એનો અનુભવ કરવા માટે ભારતની ચાની અંતિમ દુકાને જવું પડે હોં. એ ક્યાં છે?

ભારતની દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડમાં છે આ ચાની દુકાન. ચમોલી જિલ્લાના માણા ગામમાં જવું પડે ભારતની આખરી ચાની દુકાનમાં ચુસ્કી મારવા માટે. આખરી દુકાન કેમ? કારણકે એ ચીન સાથેની ભારતની સરહદે આવેલા છેલ્લાં ગામ માણામાં આવેલી છે. અલબત્ત, અહીં ચાની દુકાન હોવાની મજા જ અલગ છે. આ ગામ ચીનની સીમાની એકદમ નજીક જ છે. ઉપરાંત સમુદ્રની સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. માણા ગામ છ મહિના બરફથી ઢંકાયેલું રહે છે. આ છેલ્લા ગામમાં આવેલી આખરી દુકાન છે ચાની એટલે એ ઈન્ડિયાઝ લાસ્ટ ટી શૉપ તરીકેય ઓળખાય છે. માત્ર આ વિશિષ્ટ ઓળખને કારણે મેથી ઑક્ટોબર વચ્ચે પર્યટકોના ટોળેટાળા અહીંની ચા માણે છે, ને એનાથી વધુ આનંદ અનુભવે છે ત્યાં ચાના કપ અને દુકાનના પાટિયા સાથે ફોટો પડાવવામાં.

માણા ગામ અનન્ય પૌરાણિક મહત્ત્વ પણ ધરાવે છે. હકીકતમાં ગામની આસપાસ મહાભારતના નિશાનો-માન્યતા મળી રહે છે. પાંડવો સ્વર્ગ યાત્રાના પ્રયાણ વખતે માણા ગામથી પસાર થયાનું મનાય છે. બદ્રીનાથ ધામથી અંદાજે ત્રણ કિલોમીટરના અંતરે ગુપ્ત ગંગા અને અલકનંદાના સંગમ પર ભારત-તિબેટ સીમા પર આવેલું અંતિમ ગામ છે માણા. બદ્રીનાથના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માણા અચુક જાય, કારણકે ગામની આસપાસ ગણેશ ગુફા, સરસ્વતી મંદિર, ભીમપુલ, વસુધારા અને વ્યાસ ગુફા જેવાં જોવાલાયક સ્થળો છે. અહીં મોટા પ્રમાણમાં ભોજપત્ર પણ છે, જેના પર મહાપુરુષોએ ગ્રંથની રચના કરી હતી.

માણામાં ઠંડી અનહદ પડે એટલે ઘણાં સ્થાનિકો મેથી ઑક્ટોબર મહિના વચ્ચે જ ગામમાં રહે. એ સિવાયના સમયમાં અન્યત્ર એટલે કે નીચે આવેલા ચમોલી જિલ્લાનાં ગામોમાં જતા રહે કારણ કે ગામ બરફથી લગભગ ઢંકાઈ જાય છે.

રસપ્રદ બાબત છે કે અહીંની એકમાત્ર ઈન્ટર કોલેજ છ મહિના માણામાં ચાલે, તો બાકીનો સમય ચમોલીમાં ચાલે. હા, એપ્રિલ-મેમાં બરફ ઓગળ્યા બાદ બધા પાછા ફરે ત્યારે લીલોતરી આંખને ઠંડક ને હૃદયને ગદ્ગદ કરી નાખનારી હોય.

માણાની માટી બટાટાની ખેતી માટે એકદમ યોગ્ય ગણાય છે. એમાંથી લોટ બનાવાય છે. હિમાલયમાંથી મળનારી કેટલીક જડીબુટ્ટી માટે પણ માણા ખૂબ જાણીતું છે. ખેતી માટે ગ્રામવાસીઓ પશુપાલન કરતા હતા પણ શિયાળામાં ગાય-ભેંસ-બકરીને નીચે લઈ જવામાં અને પાછા લાવવામાં પડતી તકલીફને લીધે પશુપાલનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.

અહીંની આબોહવાને ધ્યાનમાં રાખીને મોટાભાગના ઘર બે માળના બનાવાય છે. એમાં મહત્તમ ઉપયોગ લાકડાનો થાય છે. અહીં નીચે પશુઓને રખાય અને ઉપરના માળે માણસો રહે. આ ઘરની રચના એવી રીતે કરાય કે એ ભૂકંપમાં અડીખમ રહી શકે.

આ ગામના ઊંચા પહાડ પર ગુફા છે, જેમાં વ્યાસમુનિ રહેતા હોવાની માન્યતા છે. હાલ આ ગુફામાં મંદિર બનાવાયેલું છે. એમાં વ્યાસમુનિ ઉપરાંત તેમના પુત્રો શુકદેવજી અને વલ્લાભાચાર્યની મૂર્તિ છે. અહીં ભગવાન વિષ્ણુની પણ એક પ્રાચીન પ્રતિમા છે. અહીંના એક-એક પ્રાચીન સ્થળ પાછળ અવનવી કથા સંકળાયેલી છે.

પરંતુ આવા અદ્ભુત પૌરાણિક સ્થળ કે કથાને બદલે માણા જાણીતું છે: હિન્દુસ્તાનકી આખિરી દુકાન માટે. આ ચાની દુકાન 1997માં ચંદરસિંહ બડવાલે શરૂ કરી હતી. અહીં લોકો ગરમાગરમ ચા સાથે મેગીની મોજ માણવાનું પસંદ કરે છે. એ દુકાન પર બોર્ડ લગાવાયેલું છે. ‘ભારત કી આખિરી ચાય કી દુકાન મેં આપકા હાર્દિક સ્વાગત હૈ.’

આપણ વાંચો : હેં… ખરેખર?! બે ટાપુ ત્રણેક કિ.મી.ના અંતરે પણ બન્નેમાં દિવસ અલગ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button