સુખનો પાસવર્ડઃ અમુક ધાર્મિક માન્યતાને જડની જેમ વળગી ન રહેવું…
ઉત્સવ

સુખનો પાસવર્ડઃ અમુક ધાર્મિક માન્યતાને જડની જેમ વળગી ન રહેવું…

આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક બેવકૂફ વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય એ વખતે એણે રસોડામાં ન જવું જોઈએ અને પૂજાપાઠથી દૂર રહેવું જોઈએ. ધર્મના પાલન માટે આ જરૂરી છે. આજના સમયમાં ઘણી સ્ત્રી આ નિયમનું પાલન ન કરીને ધર્મનું ઉલ્લંઘન કરે છે.’ એની એ પોસ્ટ પર કેટલીક વ્યક્તિએ કમેન્ટ કરી કે આજના સમયમાં આવું ન વિચારવું જોઈએ, પણ કેટલીકે તો પેલાના સમર્થનમાં કમેન્ટસ કરી!

આ પ્રકારની ઘણી માન્યતાને આજના સમયમાં પણ ઘણા માણસો જડની જેમ વળગી રહે છે. થોડા સમય અગાઉ એક સ્નેહી વ્યક્તિના ઘરે જમવા જવાનું થયું. એમનો ભાવભર્યો આગ્રહ હતો કે એક વાર ઘરે જમવા આવો. જમવા બેઠા ત્યારે અમારા માટે અલગ વાસણમાં જમવાનું પીરસાયું. એ વિષે એમને કુતૂહલથી પૂછ્યું ત્યારે જવાબ મળ્યો: ‘અમે ફલાણા પંથમાં માનીએ છીએ એટલે મહેમાનો માટે અલગ વાસણ રાખીએ છીએ, જેથી ભૂલમાં અમે એ વાસણમાં ન જમી લઈએ!’

અમુક પંથમાં માનતી કેટલીક વ્યક્તિઓ તો વળી પોતાના સગાંવહાલાંનાં ઘરે જમી પણ ન શકે! આવી માન્યતાઓ વચ્ચે ખારા રણમાં મીઠી વીરડી જેવા કિસ્સાઓ બનતા રહે છે. આવો જ એક કિસ્સો કાશ્મીરના ગરીબ યુવાન મનજિત સિંઘનો છે.
કાશ્મીરના અવંતીપોરા નજીક બેફામ રીતે ટ્રક હંકારી રહેલા એક ટ્રક ડ્રાઈવરે એક મહિલાને અડફેટમાં લઈ લીધી. ટ્રક ડ્રાઇવર તે મહિલાને ટક્કર મારીને ટ્રક સાથે નાસી છૂટ્યો. ગંભીર રીતે ઘવાયેલી મહિલાની નજીક ટોળું જમા થઈ ગયું, પણ બધા માત્ર તમાશો જોઈ રહ્યા હતા. કોઈ તે મહિલાને મદદ કરવા માટે આગળ ન આવ્યું.

અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલી મહિલાના શરીરમાંથી ખૂબ લોહી વહ્યું હતું અને તે બેહોશ થઈને રોડ પર પડી હતી, પણ બધા મૂક પ્રેક્ષકની જેમ એને જોઈ રહ્યા હતા. એ વખતે મનજિત ત્યાંથી પસાર થયો. દૂરથી ટોળું જોયું એટલે કુતૂહલવશ જોવા ગયો તો એણે જોયું કે એક મહિલા રોડ પર ગંભીર ઈજા સાથે બેહોશ થઈને પડી છે… શરીરમાંથી લોહી વહી રહ્યું છે. તે મહિલાને ખાસ તો પગ પર ગંભીર ઈજા થઇ હતી, જેમાંથી ભયજનક રીતે લોહી વહી રહ્યું હતું.

મનજિતે એક ક્ષણ પણ વિચાર્યા વિના પોતાની પાઘડી ઉતારી અને પેલી મહિલાના પગ પર થયેલા જખમ ઉપર બાંધી દીધી જેથી તેનું લોહી વહેતું અટકી શકે. શીખ લોકોમાં માથા પર પાઘડી ધારણ કરવી અનિવાર્ય છે. પાઘડી ધારણ કરવાનું શીખ ધર્મ તો કહે જ છે, પણ એ ઉપરાંત તે શીખ લોકો માટે આત્મસન્માનના પ્રતીક સમાન પણ ગણાય છે.

એટલે કોઈ શીખ પુરુષ પોતાની પાઘડીનો આ રીતે ઉપયોગ ન કરે…પણ મનજિત સિંઘે પોતાની એ ધાર્મિક માન્યતાને બાજુ પર રાખીને માનવતાને વધુ મહત્ત્વ આપ્યું મહિલાનું લોહી વહેતું અટકાવવાની કોશિશ કરી. એ મહિલાને જ્યારે હોસ્પિટલ પહોંચાડાઈ ત્યારે ડોક્ટરે કહ્યું કે આ મહિલાના શરીરમાંથી વધુ લોહી વહી ગયું હોત તો કદાચ એના જીવન સામે ખતરો ઊભો થયો હોત. પરંતુ મનજિત સિંઘે પોતાની પાઘડીનો પાટા તરીકે ઉપયોગ કરીને એના ઊંડા જખમમાંથી લોહી વહેતું અટકાવ્યું એટલે તે મહિલાનો જીવ બચી ગયો હતો.

એ ઘટના મીડિયા સુધી પહોંચી પછી પત્રકારોએ મનજિતને પૂછ્યું કે‘તમે જ્યારે તમારી આસ્થાના અને સન્માનના પ્રતીક સમી પાઘડી ઉતારીને તે મહિલાના પગ પર બાંધી દીધી એ વખતે તમને સહેજ પણ ખચકાટ નહોતો થયો કે હું મારી પાઘડીનો પાટા તરીકે ઉપયોગ કરી રહ્યો છું?’

મનજિત સિંઘે કહ્યું, ‘બિલકુલ નહીં. અને મને નથી લાગતું કે મેં કોઈ મોટું કામ કરી નાખ્યું હોય! મેં તો એક માણસ તરીકે મારી ફરજ નિભાવી છે. મને લાગે છે કે મારી જગ્યાએ કદાચ કોઈ બીજો માણસ હોત તો એણે પણ આવું જ કર્યું હોત.’ જમ્મુ-કાશ્મીરના ત્રાલ તાલુકાના દેવર ગામમાં રહેતા મનજિતે નાની ઉંમરમાં જ પિતાને ગુમાવી દીધા હતા. પિતાના મૃત્યુ પછી વિકલાંગ માતા અને નાનાભાઈ તથા નાની બહેનની જવાબદારી મનજિત પર આવી પડી.

મનજિત પિતા મૃત્યુ પામ્યા એટલે એ વધુ ભણી શક્યો નહીં એટલે એના માટે કોઈ સારી નોકરી મેળવવાનું કામ મુશ્કેલ હતું એટલે દાડિયા મજૂર તરીકે જે કામ મળે એ કરવાનું શરૂ કરી દીધું. મજૂરી થકી થતી આવકમાંથી એ તાણીતૂસીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે.

મનજિત જેવા સામાન્ય મજૂરની કોઈ નોંધ પણ લેતું ન હોય, પણ એના જેવા માણસોને રિયલ લાઈફ હીરો ગણવા જોઈએ. ઘણા માણસો આજના સમયમાં અનુરૂપ ન હોય એવી કેટલીક ધાર્મિક માન્યતાઓને જડની જેમ વળગી રહેતા હોય છે એવા સમયમાં મનજિત સિંઘ જેવા પરોપકારી માણસો ધાર્મિક માન્યતાઓ કરતાં માનવતાને વધુ મહત્ત્વ આપીને અન્ય લોકોને મદદ કરવા માટે દોડી જાય ત્યારે એમને જરૂર શાબાશી આપવી જોઈએ. મનજિતના આ કિસ્સા પરથી બોધ લેવા જેવો એ છે કે અમુક ધાર્મિક માન્યતાઓને જડની જેમ વળગી ન રહેવું જોઈએ.

આ પણ વાંચો…સુખનો પાસવર્ડ: સંબંધમાં નફો કે નુકસાન ન જોવાય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button