સુખનો પાસવર્ડ : કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય…

- આશુ પટેલ
ઓગસ્ટ, 2025ના ત્રીજા સપ્તાહમાં ઈન્દોરમાં ચોરીની એક ઘટના બની. નિશા ઝુનઝુનવાલા નામની એક બિઝનેસવુમનના ઘરમાંથી બાર લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એ ઘરેણાં ઝુનઝુનવાલાની વિશ્વાસુ નોકરાણીએ જ ચોર્યાં હતાં!
નોકરાણીએ પોલીસ સમક્ષ કબૂલી લીધું કે હા, મેં જ આ ઘરેણાંની ચોરી કરી હતી. આવા કિસ્સામાં સામાન્ય રીતે એવું જ બને કે પોલીસ નોકરાણીની ધરપકડ કરે અને પછી નોકરાણી ચોરીના આરોપ હેઠળ જેલભેગી થઈ જાય.
જોકે, આ કિસ્સામાં એવું બન્યું કે જેના કારણે પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી એ વાત શહેરમાં ફેલાઈ એટલે બધા લોકોએ પણ સુખદ આશ્ચર્યની લાગણી અનુભવી.
નોકરાણીએ ચોરીની કબૂલાત કરી લીધી, પણ એ વખતે એણે કહ્યું કે ` હું આ ઘરેણાં પહેરવા ઇચ્છતી હતી અને પછી પાછા આપી દેવાનો ઇરાદો મારા મનમાં હતો….’
સ્વાભાવિક રીતે આવી વાત પોલીસ અધિકારીઓનાં ગળે ન ઊતરે. જોકે નિશા ઝુનઝુનવાલાએ પોલીસને કહ્યું કે `મારે મારી નોકરાણી સામે કશી કાનૂની કાર્યવાહી નથી કરવી. મારે તેને જેલમાં ધકેલવી નથી કે સજા પણ નથી અપાવવી. પોતાનાં કૃત્ય માટે અફસોસ છે એટલું પૂરતું છે. હું એને માફ કરવા ઇચ્છું છું.’
નિશા ઝુનઝુનવાલાને સલામ કરવી જોઈએ કે એમણે પોતાની નોકરાણીની ભૂલ માફ કરી દીધી. ઘણી વાર માણસને સજાને બદલે માફી સુધારી શકે. પેલી નોકરાણી કદાચ ચોરીના આરોપ હેઠળ જેલમાં ગઈ હોત તો રીઢી ગુનેગાર બનીને બહાર આવી હોત, પણ ઝુનઝુનવાલાએ ઉદાર હૃદય સાથે એને માફ કરી દીધી.
આ કિસ્સો જાણીને મને વિકટર હ્યુગોની જગવિખ્યાત નવલકથા `લે મિઝરેબ્લ’ યાદ આવી ગઈ. એ નવલકથામાં વિકટર હ્યુગોએ એ વાત આલેખી છે કે કોઈ માણસનો સદ્ભાવભર્યો અને ક્ષમાજનક વર્તાવ કોઈ માણસના જીવનમાં કેવો ચમત્કાર કરી શકે છે. એ વાત અહીં ટૂંકમાં વાચકો સામે મૂકું છું….
એક સીધોસાદો, ભોળો ખેડૂત જિન વાલજિન સમાજના અન્યાયનો ભોગ બનીને બહારવટે ચડયો. દબાયેલી સ્પ્રિંગ જોરથી ઉછળે એ રીતે એની અંદર ધરબાયેલો આક્રોશ બહાર આવ્યો ને એણે ચોતરફ કાળો કેર વર્તાવી દીધો. એ માણસની અંદરનું સારાપણું ખતમ થઈ ગયું અને એની અંદર જાણે શેતાનનો પ્રવેશ થઈ ગયો.
જોકે સત્તાધીશોએ જિન વાલજિનની પાછળ સિપાઈઓને છોડી મૂકયા અને કેટલાક સમય પછી એ ઝડપાઈ ગયો ને એને જેલમાં ધકેલી દેવાયો. એણે એટલા બધા ગુના કર્યા હતા કે બે દાયકા સુધી એણે જેલમાં સબડવું પડ્યું.
જેલમાંથી છૂટીને બહાર આવ્યા પછી જિન વાલજિને કામ શોધવાની કોશિશ કરી, પણ તેનું નામ એટલું કુખ્યાત થઇ ગયું હતું કે કોઈ એને પોતાની બાજુમાં ઊભો રાખવા પણ તૈયાર નહોતું. જિન ભૂખ્યો-તરસ્યો ભટકતો હતો. એ દરમિયાન એની મુલાકાત એક ભલા પાદરી સાથે થઈ.
પાદરીને જિનની દયા આવી ગઇ. એમણે જિનને ભરપેટ જમાડ્યો અને પછી રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. પાદરીને ખબર પડી હતી કે જિન વાલજિન કુખ્યાત માણસ છે. અને વર્ષો સુધી જેલની સજા ભોગવીને બહાર આવ્યો છે, પણ પાદરીએ એને માનભેર આશરો આપ્યો.
પાદરી પાસે ચાંદીનાં વાસણો હતાં અને જિનને એમાં જમવાનું આપતા હતા. જિનને તે પાદરીના ઉમળકાભર્યા અને આદરયુક્ત વર્તાવથી આશ્ચચર્ય થયું. એણે જિંદગીમાં આવો માણસ જોયો નહોતો.
પેલો પાદરી જિનને બહુ જ સારી રીતે સાચવતો હતો, પણ એક રાતે જિનની અંદરનો શેતાન જાગી ગયો અને એ પાદરીની ચાંદીની થાળીઓ ચોરીને ભાગી ગયો.
જોકે ચાંદીની થાળીઓ સાથે ભાગી રહેલો જિન સિપાઈઓના હાથમાં ઝડપાઈ ગયો. સિપાઈઓએ એને પૂછ્યું કે આ થાળીઓ ક્યાંથી ચોરી આવ્યો? જિને કહી દીધું કે `પાદરીને ત્યાંથી.’
સિપાઈઓએ પાદરીને બોલાવીને કહ્યું કે તમારી ચોરાયેલી ચાંદીની થાળીઓ સાથે અમે જિનને પકડી પાડ્યો છે.' પાદરીએ કહ્યું,
અરે! આ થાળીઓ તો મેં તેમને ભેટ આપી છે!’
એ પછી પાદરીએ જિનને કહ્યું કે `આ ચાંદીની થાળીઓ સાથે વાડકાઓ આપવાનું તો હું ભૂલી જ ગયો હતો. લો, એ વાડકાઓ પણ લઈ જાઓ!’
જિન તો પાદરીને જોતો જ રહી ગયો. એ પાદરીની ક્ષમા માગવા લાગ્યો.
પાદરીએ જિનને કહ્યું, `ઈશ્વર પર ભરોસો રાખ. એ સૌ સારાવાનાં કરશે અને તારું ભલું કરશે.’
પાદરીના એ શબ્દો સાંભળીને જિન વાલજિનના હૃદયનું પરિવર્તન થઇ ગયું અને એ સાધુ બની ગયો.
કોઈ માણસ કશુંક ખોટું કરી બેસે ત્યારે એને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય. ઇન્દોરનાં બિઝનેસવુમન નિશા ઝુનઝુનવાલાએ વિકટર હ્યુગોની નવલકથા વાંચી હશે કે નહીં એ તો ખબર નથી, પણ એમણે નોકરાણીને માફી આપીને ઉમદા કામ કર્યું છે.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડઃ અમુક ધાર્મિક માન્યતાને જડની જેમ વળગી ન રહેવું…