સુખનો પાસવર્ડ: આપણે જીવવાનું જ કઈ રીતે ભૂલી રહ્યા છીએ?!

- આશુ પટેલ
થોડા સમય અગાઉ એક પરિચિત વ્યક્તિનો એમના ગાઢ મિત્ર સાથે ઝઘડો થઈ ગયો. બંને દાયકાઓ જૂના મિત્રો છે,પણ મારા પરિચિત સજ્જનને ત્યાં પુત્રના લગ્નનો પ્રસંગ હતો ત્યારે એમના ગાઢ મિત્રએ હાજરી ન આપી એટલે મારા પરિચિતને ખૂબ જ ખરાબ લાગ્યું. તે પરિચિત થોડા દિવસો પહેલા મને મળ્યા ત્યારે એમણે હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે ‘મારા ઘરે પ્રસંગ હોય એ વખતે આવવાનો જેની પાસે સમય ન હોય તે મારો મિત્ર ન હોઈ શકે!
આમેય એણે ઘણા સમયથી મારી સાથે સંબંધ ઓછો કરી જ નાખ્યો છે, પણ એ મારા દીકરાના લગ્નમાં તે ન આવી શકે એવો તે કેવો વ્યસ્ત થઈ ગયો છે!’ તે પરિચિતે આક્રોશ ઠાલવ્યો કે ‘મને ખબર પડી કે મારા ઘરે પ્રસંગ હતો એના બીજા જ દિવસે મારો તે મિત્ર ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો. એની પાસે ક્રિકેટ મેચ જોવા માટે સમય હતો!’
પરિચિતના મિત્રએ કયાં કારણથી લગ્નમાં જવાનું ટાળ્યું હશે એ તો એ જ જાણે, પણ દાયકાઓ જૂના મિત્રના લગ્નપ્રસંગમાં જવા માટે સમય નહોતો એ અજુગતું તો ગણાય.
મારા પરિચિતની હૈયાવરાળ સાંભળીને મને સોશ્યલ મીડિયા પર જોયેલો એક વીડિયો યાદ આવી ગયો. એ વીડિયો કોનો હતો એ તો ખબર નથી, પણ એ વીડિયોમાં કહેવાયું હતું: ‘જો તમારી પાસે સમય ન હોય તો પણ થોડો સમય કાઢીને આ વાત જરૂર સાંભળજો. હવે બાર કલાકની મુસાફરી ચાર કલાકમાં થઈ જાય છે તો પણ માણસ કહે છે કે મારા પાસે સમય નથી. બાર જણાનો પરિવાર ચાર લોકોનો થઈ ગયો છે તો પણ માણસ કહે છે કે મારી પાસે સમય નથી.
જે સમાચાર ચાર અઠવાડિયામાં મળતા હતા એ હવે ચાર સેકન્ડમાં મળે છે તો પણ માણસ કહે છે કે સમય નથી. અગાઉના સમયમાં દૂર બેઠેલા સ્વજનનો ચહેરો જોવા માટે વર્ષો નીકળી જતા હતા આજે એ સેક્ધડમાં જોવા મળી જાય છે તો પણ માણસ કહે છે કે સમય નથી. ઘરમાં ઉપર-નીચે જવામાં સમય અને મહેનત લાગતાં હતાં એને બદલે હવે લિફ્ટ થોડી સેક્ધડમાં આપણને ઘણા માળ ઉપર કે નીચે લઈ જાય છે તો પણ માણસ કહે છે કે સમય નથી.
જે માણસ પહેલાં બેન્કની લાઈનમાં કલાકો સુધી ઊભો રહેતો હતો તે હવે એના ફોનથી થોડી સેક્ધડમાં પૈસાની લેવડ-દેવડ કરી લે છે તો પણ માણસ કહે છે કે સમય નથી. પહેલાં શરીરની તપાસ માટે કેટલાક દિવસો લાગતા હતા એને બદલે હવે થોડા કલાકોમાં બધી તપાસ થઈ જાય છે તો પણ માણસ કહે છે કે સમય નથી. ઘણી વ્યક્તિઓ એક્ટિવા ચલાવતી હોય એ વખતે તેના એક હાથમાં હેન્ડલ અને બીજા હાથમાં આઈફોન હોય છે કેમ કે ઊભા રહીને વાત કરવાનો સમય નથી! જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે આપણે બે લાઈન ક્રોસ કરીને ત્રીજી લાઈન બનાવી લઈએ છીએ (રોંગ સાઇડમાં જતા રહીએ છીએ) કેમ કે રાહ જોવાનો સમય નથી.’
એ વીડિયોમાં આગળ કહેવાયું હતું કે ‘માણસો પાસે પોતાના માતા-પિતાને ફોન કરવાનો સમય નથી. પ્રકૃતિનો આનંદ લેવાનો સમય નથી. બીજા કામ માટે સમય નથી, પણ આઈપીએલની મેચ (સ્ટેડિયમમાં જઈને કે ઘરે ટીવી પર) જોવા માટે સમય છે, ઓટીટી પ્લેટફોર્મ્સ પર ફિલ્મો અને વેબ સિરીઝ જોવા માટે સમય છે, સોશ્યલ મીડિયા પર ફાલતુ રીલ્સ માટે સમય છે, રાજનીતિ ઉપર વાહિયાત ચર્ચા કરવા માટે સમય છે, પણ સ્વયં માટે સમય નથી….
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : કોઈની ભૂલને સજાને બદલે માફી આપીને પણ સુધારી શકાય…
દુનિયા આસાન થઈ ગઈ છે. ઝડપ વધી ગઈ છે, ટેક્નોલોજી બધાને નજીક લઈ આવી છે, સુવિધા- તકો વધી ગઈ છે, પણ માણસોએ અમારી પાસે સમય નથી કહીને સ્વયંને બધાથી દૂર કરી લીધા છે.
ચૂપચાપ બેસીને સ્વયં સાથે વાત કરવાનો કે થોડી વાર હસવાનો થોડો પણ સમય નથી. અને પછી એક દિવસ સમય આમ જ વીતી જાય છે. છેલ્લી પળોમાં આપણને આભાસ થાય છે કે સમય તો હતો,પણ ‘મારી પાસે સમય નથી’ એવું કહેતા-કહેતા આપણે જીવવાનું જ ભૂલી ગયા!’
એ વીડિયોની આ બધી વાત વિશે ખરેખર વિચારવા જેવું છે. માણસોનો સમય કેટલી જગ્યાએ વેડફાઈ રહ્યો છે, પણ એની પાસે પોતાની નજીકની વ્યક્તિઓ માટે સમય નથી. અરે! પોતાના માટે પણ સમય નથી! અને જે સમય ફરજિયાત કાઢવો પડતો હોય છે એ નોકરીના કે ધંધાના સમય માટે કાઢવો પડતો હોય છે.
ટેક્નોલોજીને કારણે માણસ પાસે સમય વધવો જોઈતો હતો એને બદલે સમય ઘટતો જાય છે. જે લોકો ટેકનોલોજીને કારણે ઉપલબ્ધ થયેલી સુવિધાઓના ચક્કરમાં ફસાઈ નથી ગયા તેમની પાસે હજી ઘણો સમય છે, પણ એવા માણસોની સંખ્યા ઘટતી જાય છે. એમાંય મોબાઈલ ફોને તો આડો આંક વાળી દીધો છે. હવે તો નિવૃત્ત માણસો પણ દિવસમાં દસ-બાર કલાક મોબાઈલ ફોન પર વ્યસ્ત હોય છે.
મોબાઈલ ફોન નામના રાક્ષસે માણસોનો સમય ચોરી લીધો છે. અને આ વાત માત્ર શહેરોના લોકો પૂરતી સીમિત નથી. ગામડાંમાં વસતા માણસોના સમયને અને મગજને પણ મોબાઈલ ફોન ભરખી રહ્યો છે.
આપણી પાસે સમય નથી એવું માનીને આપણે જીવવાનું જ ભૂલી રહ્યા છીએ. આપણે આપણા સમયનો ક્યાં સદુપયોગ કરીએ છીએ અને ક્યાં વેડફાટ કરીએ છીએ એના પર ધ્યાન આપવું જોઈએ.
આ પણ વાંચો…સુખનો પાસવર્ડ : સફળ માણસ પણ જો માણસ તરીકે સારો ન હોય તો…