ઉત્સવ

સુખનો પાસવર્ડ: પોતાની માન્યતા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ…

-આશુ પટેલ

સરકાર વિરોધી કવિતા લખવા માટે શાયર મજરૂહ સુલતાનપુરીને કહેવાયું કે કા તો માફી માગી લો નહીં તો જેલમાં જવું પડશે ત્યારે મજરૂહે જેલમાં જવાનું પસંદ કર્યું હતું!

મજરૂહ સુલતાનપુરી

એક દિન બિક જાયેગા, માટી કે મોલ
જગ મેં રહ જાયેંગે, પ્યારે તેરે બોલ
દૂજે જે હોઠો કો, દેકર અપને ગીત
કોઈ નિશાની છોડ ફિર દુનિયા સે ડોલ

અનહોની પગ મેં કાંટે લાખ બિછાયે
હોની તો ફિર ભી બિછડા યાર મિલાયે
યે બિરહા યે દૂરી, દો પલ કી મજબૂરી

ફિર કોઈ દિલવાલા કાહે ઘબરાયે,

તરમ્પમ ધારા તો બહતી હૈ, બહતે રહતી હૈ
બહતી ધારા બન જા, ફિર દુનિયા સે બોલ

પરદે કે પીછે બૈઠી સાંવલી ગોરી
થામ કે તેરે મેરે મન કી દોરી
યે ડોરી ના છૂટે, યે બંધન ના ટૂટે

ભોર હોનેવાલી હૈ અબ રૈના હૈ થોડી,

સર કો ઝુકાએ તૂ, બૈઠા ક્યા હૈ યાર
ગોરી સે નૈના જોડ, ફિર દુનિયા સે બોલ

એક દિન બિક જાયેગા, માટી કે મોલ
જગ મેં રહ જાયેંગે, પ્યારે તેરે બોલ.

  • મજરૂહ સુલતાનપુરી.

1 ડિસેમ્બર, 1975ના દિવસે રિલીઝ થયેલી ‘ધરમ કરમ’ ફિલ્મનું, આર.ડી બર્મને કમ્પોઝ કરેલું અને મુકેશે ગાયેલું આ ગીત વાચકોએ સાંભળ્યું જ હશે. આ ગીત વીસમી સદીના વિખ્યાત કવિ અને સેંકડો હિન્દી ફિલ્મોના ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ લખ્યું હતું. એ ગીત લખવા પાછળની વાત જાણવા જેવી છે.

મજરૂહ સુલતાનપુરીએ 1951માં તત્કાલીન સરકારના વિરોધમાં એક કવિતા લખી હતી, જેમાં એમણે નહેરુની સરખામણી હિટલર સાથે કરી હતી. એ કવિતાનું એમણે પઠન પણ કર્યું હતું. એને કારણે એ નહેરુ અને કેન્દ્ર સરકારના રોષનો ભોગ બન્યા. એમને કહેવાયું કે ‘તમે આ કવિતા લખવા માટે માફી માગી લો નહીં તો તમારે જેલમાં જવું પડશે.’

મજરૂહ સુલતાનપુરીએ જવાબમાં કહ્યું: ‘મેં જે લખ્યું છે એને હું વળગી રહું છું. હું માફી માગવાનો નથી. મારે જેલમાં જવું પડે તો મને મંજૂર છે.’

આ પણ વાંચો….સુખનો પાસવર્ડ : સફળતા ને સુખ એ ક્ંઈ એકમેકના પર્યાય નથી…

-અને ખરેખર મજરૂહ સુલતાનપુરીને સરકારે જેલમાં ધકેલી દીધા! મજરૂહ સુલતાનપુરી બે વર્ષ માટે જેલમાં રહ્યા. એ દરમિયાન એમના કુટુંબની આર્થિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. પોતે જેલમાં હતા અને એમની કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી હતી. એ સમયમાં અભિનેતા રાજ કપૂરને એમની ચિંતા થઈ અને એમને મળવા એ જેલમાં ગયા. જેલમાં મજરૂહને મળ્યા ને કહ્યું: ‘મારે તમને મદદ કરવી છે.’

મજરૂહે કહ્યું: ‘હું કોઈની આર્થિક મદદ નહીં લઉં.’
મજરૂહ ખુદ્દાર આદમી હતા. એ વાતની રાજ કપૂરને ખબર હતી. એટલે રાજ કપૂરે તરત કહ્યું: ‘ચાલો, એ વાત જવા દો. મારે તમારી પાસે એક ગીત લખાવું છે. લખી આપશો?’

મજરૂહે જેલમાં બેઠાંબેઠાં રાજ કપૂરને એક ગીત લખી આપ્યું (જે લેખની શરૂઆતમાં મૂક્યું છે). એ એમની એ વખતની મનોસ્થિતિને કારણે લખાયું હતું.

બે વર્ષ પછી મજરૂહ જેલની બહાર આવ્યા. એમણે ફરી ગીતો લખવાનું શરૂ કર્યું, પરંતુ રાજ કપૂરે એમના પેલા જેલવાળા ગીતનો ઉપયોગ ક્યાંય કર્યો નહોતો. એ ગીતનો ઉપયોગ એમણે છેક 1975માં ‘ધરમ કરમ’ ફિલ્મમાં કર્યો.

એ ફિલ્મનાં બીજાં ગીતો બહુ ચાલ્યા નહીં, પરંતુ મજરૂહ સુલતાનપુરીએ 1951માં જેલવાસ દરમિયાન લખી આપેલું આ ગીત સુપરહિટ સાબિત થઈ ગયું.

આ પણ વાંચો….સુખનો પાસવર્ડ: ચેકમેટ જેવી સ્થિતિ પરિસ્થિતિમાં પણ કોઈક રસ્તો શોધી શકાય છે

સરકારોને, શાસકોને પોતાની વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવે એ ગમતું નથી હોતું. નહેરુને પણ નહોતું ગમતું એટલે એમણે મજરૂહ ને જેલમાં નખાવી દીધા હતા.

મજરૂહ સુલતાનપુરીની જગ્યાએ બીજો કોઈ કવિ હોત તો કદાચ એણે માફી માગી લીધી હોત, પરંતુ મજરૂહે પોતાની માન્યતા છોડવાને બદલે પોતે જે લખ્યું છે તેને મક્કમ રીતે વળગી રહીને જેલમાં જવાનું પસંદ કર્યું. આ ઘટના પરથી બે બોધ લેવા જેવા છે. એક તો એ કે મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે એની ખુદ્દારી જળવાય એ રીતે એને મદદ કરવી જોઈએ અને બીજો એ કે પોતાની માન્યતા પ્રત્યે વફાદાર રહેવા માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે તો પાછા ન પડવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button