મોર્નિંગ મ્યૂસિંગ : હિમાલયમાં ‘અટકી’ ગયેલા એટકિન, જેણે નંદાને મુગટ બનાવી ને ગંગાને ગોદ !

-રાજ ગોસ્વામી
‘જ્યારે મેં 1959માં દુનિયાનું ભ્રમણ કરવાનું શરૂ કર્યું ત્યારે મને હિમાલય વિશે લગભગ કંઇ ખબર નહોતી. એવરેસ્ટ શિખર પર ધ્વજ ફરકાવતા તેનજિંગને જોઈને મને વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાનો એવો કોઈ જાદુ મહેસૂસ નહોતો થયો, જેટલો મારી અંદર એ વિશ્વાસ મજબુત થયો કે હિમાલયની ઉંચાઈ જ તેની અસલી પહેચાન નથી. મારા માટે સાધનામાં લીન યોગીઓવાળી કંદરાઓમાંથી મળતી અંતર્દૃષ્ટિની સંભાવના કંઇક વધુ લલચામણી હતી. જ્યારે મેં મહાત્મા ગાંધીના ધર્મશાસ્ત્ર પર એમએની થિસિસ પૂરી કરી ત્યારે મારા પરીક્ષકે મને ભારતમાં કોઈનું નામ અને સરનામું આપ્યું હતું. મારા માટે તો, વિશ્વના પૂર્વી છેડા તરફનું આ ભ્રમણ તુલનાત્મક ધર્મ સમજવા માટે માત્ર એક ફિલ્ડ ટ્રિપ જ હતું, જે આ પ્રવાસ પછી બ્રિટનમાં મારા શિક્ષણ કાર્યને થોડું સન્માનજનક બનાવશે. ધરતીની પરિક્રમા કરવાની મેં જે યોજના બનાવી હતી તેનો એક તૃતીયાંશ હિસ્સો પણ હું ક્યારેય પૂરો કરી ન શક્યો. મારા માર્ગમાં આવેલી અડચણો બીજું કશું નહીં, પણ હિમાલયનું સંમોહન હતું.’
‘ફૂટલૂસ ઇન ધ હિમાયલ’ નામના એક પુસ્તકનો આ એક અંશ છે. શીર્ષકનો અર્થ થાય છે : હિમાયલનો સ્વચ્છંદી. બિલ એટકિન નામના એક પ્રવાસીએ 2003માં આ પુસ્તક લખ્યું હતું. હિન્દીમાં આ જ પુસ્તકનો અનુવાદ ‘એટકિનનો હિમાલય’ ત્રણ વર્ષ પહેલાં જ થયો હતો.
બિલ એટકિન સ્કોટલેન્ડમાં જન્મ્યા હતા. 65 વર્ષ પહેલાં એ દુનિયા ફરવા નીકળ્યા હતા અને ધરતીનું ચક્કર લગાવીને પાછા પોતાના દેશ જતા રહેવાના હતા. તે વખતે એમની પાસે માત્ર 50 પાઉન્ડ હતા. પાછા જવાની યોજનામાં હિમાલય એમની ‘આડે’ આવ્યો.
એ 1959માં ભારત આવ્યા હતા અને સાત વર્ષમાં તે હિમાલયના પ્રેમમાં એવા ‘વટલાઈ’ ગયા કે 1966માં મસૂરીમાં કાયમ માટે વસી ગયા. એટકિનને અહીં ‘અટકી’ જવાનો અફસોસ નહોતો. એમણે ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું એટલું જ નહીં, ભારતીય દર્શન અને સંસ્કૃતિને પણ આત્મસાત કરી હતી. એમને પહાડોથી એટલો પ્રેમ હતો કે એમણે હિન્દી અને ગઢવાલી બોલી પણ શીખી લીધી હતી.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
ગયા અઠવાડિએ 91 વર્ષના બિલ એટકિનનું અવસાન થઇ ગયું. એમની ઈચ્છા પ્રમાણે હિંદુ રીત-રિવાજ અનુસાર ગંગા કિનારે એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. ઘરકામ કરતી વખતે એ ગબડી પડ્યા હતા ને ગંભીર રીતે ઘાયલ થયા, જે જીવલેણ નીવડ્યું. બાકી આમ તો એમનું સ્વાસ્થ્ય અલમસ્ત હતું. રોજ બે વખત પાંચ પાંચ કિલોમીટર ચાલતા હતા અને ઘરનું કામ જાતે જ કરતા હતા.
એમણે પોતાના પ્રકૃતિ અને આધ્યાત્મના પ્રેમના નીચોડ રૂપે ‘ફૂટલૂસ ઇન ધ હિમાયલ, 1000 હિમાલય ક્વિઝ શ્રી સત્યસાઇ બાબા- અ લાઇફ, નંદાદેવી અફેર, ટ્રાવેલ બાય લેસર લાઇન, ટચિંગ અપ ઓન ધ હિમાલય, સેવન સેક્રેડ રિવર, રાઈડિંગ ધ રેંજીસ’ સહિત 14 પુસ્તક લખ્યાં હતાં. એમને મસુરીના મશહૂર બાળલેખક રસ્કિન બોન્ડની સમકક્ષના લેખક માનવામાં આવે છે.
દહેરાદૂનમાં રહીને એ મા નંદાદેવીના ભક્ત બની ગયા હતા. 2022માં એક ઇન્ટરવ્યુમાં એટકિને કહ્યું હતું કે, ‘દિવ્યતા શું છે તે સમજવા માટે મેં (લીડ્સ યુનિવર્સીટીમાં) તુલનાત્મક ધર્મનો અભ્યાસ કર્યો હતો અને મને તેનો જવાબ નંદાદેવીમાં મળ્યો હતો.’
નંદાદેવી પર્વત ભારતનું બીજું અને વિશ્વનું 23મુ સૌથી ઊંચું શિખર છે. તેનાથી ઊંચું શિખર કાંચનજંઘા છે. નંદા દેવીને પાર્વતીની બહેનના રૂપમાં જોવામાં આવે છે. પુરા ઉતરાંચલમાં તેની પૂજા થાય છે અને તે કુમાઉના કત્યુરી રાજવંશની ઇષ્ટદેવી ગણાય છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : ઓનલાઈન દુનિયાની કડવી સચ્ચાઈ સાથે બોધપાઠ આપતી `એડોલસન્સ’
પહાડો પ્રત્યેનો એટકિનના પ્રેમનું મૂળ સ્કોટલેન્ડમાં એમના બાળપણમાં છે. એમણે કહ્યું હતું, ‘હું દુમ્યાત નામની એક નાનકડી ટેકરીની નીશ્રામાં જન્મ્યો હતો. એ ટેકરી બહુ મોટી નહોતી, પરંતુ મેદાનમાંથી જુઓ તો ભવ્ય લાગતી હતી. મને ચર્ચ જવાનું ગમતું નહોતું. તેના બદલે હું ટેકરીની ટોચે જઈને બેસતો હતો. ત્યાં મને બ્રહ્માંડ સાથે એકતાનો અનુભવ થતો હતો. અને મને થતું હતું કે આ જ તો દિવ્યતા છે.’
ભારત ભ્રમણ દરમિયાન એ કલકત્તામાં રહ્યા હતા ત્યારે ત્યાંની નેશનલ લાઈબ્રેરીમાં એમના હાથમાં બ્રિટિશ યાત્રી એરિક શિપટને લખેલું ‘નંદા દેવી’ નામનું પુસ્તક હાથમાં આવ્યું હતું. તે પુસ્તક એમની જિંદગી બદલી નાખવાનું હતું.
એટકિન કહે છે, ‘જે માણસ લાઈબ્રેરીમાં ગયો હતો, તે બહાર નીકળ્યો ત્યારે એ નહોતો. હું સંમોહિત થઇ ગયો હતો. મારી નિયતિ પહાડોમાં હતી. મને થયું કે મારે જઈને નંદાદેવીનો ચરણસ્પર્શ કરવો છે.’
1960માં એ ઉત્તરાખંડના કૌસાની સ્થિત એક આશ્રમમાં માળી કામ કરવા આવ્યા. ત્યાં તે ચાર વર્ષ રહ્યા. અહીં એમને પહેલીવાર નંદાદેવીનું શિખર જોવા મળ્યું હતું. એમણે સ્થાનિક કુમાઉની અને ગઢવાલ સંસ્કૃતિમાંથી નંદાદેવી વિશે જાણકારી એકત્ર કરવાનું શરૂ કર્યું. એમાંથી એમને દર બાર વર્ષે યોજાતી નંદાદેવીની યાત્રાની પણ ખબર પડી.
બિલ એટકિન ત્યાં ‘દેવતા નાચ’માં ભાગ લેતા હતા, જેને આશ્રમના લોકો અંધવિશ્વાસ ગણતા હતા. એકવાર એમને ટાઈફોડ થઇ ગયો હતો. દવા લેવાને બદલે 40 દિવસના ઉપવાસ કર્યા હતા. એ દિવસોમાં એમને બ્રહ્માંડના યથાર્થનો અનુભવ થયો હતો.
હિમાલયના પ્રેમની એ શરૂઆત હતી. જ્યારે પણ સમય મળે ત્યારે એટકિન નંદાદેવીની આસપાસના ક્ષેત્રમાં ભટકવા નીકળી પડતા, જેથી પર્વત વિશે બને એટલી જાણકારી મળે અને તેનો અનુભવ પણ. એમની મૂળ ઈચ્છા નંદા દેવીની તળેટીમાં જવાની હતી. નંદાદેવીનો પર્વત એકસરખા ઊંચા પહાડોનાં બે વર્તુળો વચ્ચે છે એટલે તેની નજીક પહોચવું સહેલું નથી. એટકિન છેક 1980માં નંદાદેવી સુધી પહોંચી શક્યા હતા.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: શિક્ષક એ નથી જે માહિતી આપે, શિક્ષક એ છે જે ડહાપણ આપે!
‘એ જુલાઈનો મહિનો હતો,’ તે દિવસો યાદ કરીને એટકિને કહ્યું હતું, ‘ચોમાસું ચરમ પર હતું. દસ દિવસ સુધી મને બરફનું શિખર જોવા ન મળ્યું. હું વાદળો તરફ તાકીને બેઠો હતો અને અચાનક બધું સાફ થયું અને મને પર્વતનું શિખર જોવા મળ્યું. જાણે એ વિશેષ દર્શન હતાં. મારી યાત્રાઓની એ પરાકાષ્ઠા હતી. એ મારી દેવી છે. એણે મારા જીવનને અર્થ બક્ષ્યો છે.’
એટકિન કહેતા હતા કે હિમાલયનું મહત્વ તેનાં ઊંચા શિખરો કરતાં વધુ તો ત્યાં મળતા વિરાટ અનુભવોમાં છે. એ પર્વતારોહણની આંધળી દોડના ઘોર વિરોધી હતા. ‘ફૂટલૂસ ઇન ધ હિમાયલ’માં એ લખે છે;
‘આ કુદરતી ભવ્યતા જોઇને મેં હંમેશાં જાતને યાદ આપી છે કે આપણે અહીં ફક્ત મહેમાનો છીએ, ભગવાનના મહેમાન,આ ગ્રહના મુસાફરો છીએ, કોઈ માલિક નહીં. જ્યારે આપણે આ વિશાળ બ્રહ્માંડમાં આપણે આપણી તુચ્છતાને ભૂલી જઈએ છીએ ત્યારે આપણે પ્રકૃતિ પર વિજય મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. પર્વતારોહણ કરતા અને શ્રદ્ધાવાળા બે જૂથો એક વિરોધાભાસને સ્પષ્ટ બતાવે છે. એક લોકો એવા છે જે સંખ્યામાં ઓછા છે અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે પર્વત ચઢે છે અને બીજા લોકો એ છે જે પ્રસિદ્ધિ અને પૈસાની લાલચમાં
ચઢે છે.’