ઉત્સવ

સ્પોટ લાઈટ: આફ્રિકા મારા પર આફરીન થયું…

-મહેશ્ર્વરી

કાંતિ મડિયાનાં ત્રણ નાટક સાથે ઈસ્ટ આફ્રિકાના પ્રવાસે નીકળવાની વાત આગળ ચલાવતા પહેલા ગયા અઠવાડિયે મેં મારી બીજી દીકરીને નાટકમાં કામ કરવાની મળેલી તક અને એના લવ મેરેજની વાત કરી હતી. આ બધું હું આફ્રિકા જવા રવાના થઈ એ પહેલાં બન્યું હોવાથી ફ્લેશબેકમાં જઈ એની માંડણી કરી ‘મુંબઈ સમાચાર’ના પ્રિય વાચકોને જણાવવું મને જરૂરી લાગ્યું હતું. દીકરીને સાસરે વળાવી હું મારા રૂટિનમાં ગોઠવાઈ ગઈ. એ વખતે મુંબઈમાં ‘સંતાનોના વાંકે’ નાટકના મારા શો ચાલી રહ્યા હતા. જૂની રંગભૂમિનાં યાદગાર નાટકોમાંનું એક. અગાઉ મેં ‘વડીલોના વાંકે’ નાટકમાં પણ કામ કર્યું હતું. મને યાદ છે ત્યાં સુધી છગન રોમિયો સુધ્ધાં બંને નાટકમાં અભિનયના અજવાળા પાથરી
ચુક્યા હતા.

‘સંતાનોના વાંકે’ નાટકના શો ફક્ત રવિવારે થતા અને બાકીના દિવસોમાં મડિયાના ત્રણ નાટકના રિહર્સલ ચાલુ થઈ ગયા હતા. આ રિહર્સલ કાંતિભાઈના ઘરમાં જ થતા હતા. એનું કારણ તેમની કામ કરવાની શૈલી હતી. નાટ્ય વાંચનનો તેમનો આગ્રહ રહેતો. પંદરેક દિવસ રીડિંગ સેશન ચાલે. અમુક ડાયલોગ અલગ શૈલીથી બોલવાનો કે તમુક શબ્દ ભાર આપી કેવી રીતે બોલવો એ અમને શીખવતા અને એ શું કામ જરૂરી છે એ પણ સમજાવતા. એમને સંતોષ ન થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરાવતા જાય. શૈલેષ દવે પણ આવો જ આગ્રહ રાખતા હતા. એટલે મને આ બંને દિગ્દર્શકના નાટકમાં કામ કરતી વખતે બહુ આનંદ આવતો અને નવું નવું શીખવાથી કલાકાર તરીકે મારું ઘડતર પણ થતું.

કાંતિભાઈએ ત્રણેય નાટકમાં મારી વરણી કરી હતી. એક મહિનામાં ત્રણ રોલ માટે મારે તૈયાર થવાનું હતું. ‘અમે બરફના પંખી’નો મારો રોલ બહુ મહેનત માગી લે એવો હતો. જોકે, એનું પાત્રાલેખન અને મડિયાનાં કાબેલ દિગ્દર્શનને કારણે હું એમાં બહુ જલદી ઓતપ્રોત થઈ ગઈ હતી. બીજું નાટક હતું ‘સ્નેહરંગ’ જે સિદ્ધહસ્ત લેખક વસંત કાનેટકરના મરાઠી નાટક ‘પ્રેમા તુઝા રંગ કસા’નું રૂપાંતર હતું. મૂળ મરાઠી નાટક મેં જોયું હતું અને પ્રેમના વિવિધ રંગ એમાં સરસ રીતે ઉપસતા હતા. માર્મિક અને વિનોદી ઢબના આ નાટક માટે હું ખૂબ ઉત્સુક હતી. ત્રીજું નાટક હતું તારક મહેતાનું રહસ્ય પ્રધાન ‘અમે તમે ને રતનિયો.’ આમ તો નાટક બંધ પડે એ કોઈ પણ કલાકારને ગમે નહીં, પણ ‘સંતાનોના વાંકે’ નાટકના શો પૂરા થયા એનાથી મને રાહત જરૂર થઈ કારણ કે એક મહિનામાં ત્રણ નાટક તૈયાર કરવા પર હું હવે વધુ ધ્યાન આપી શકું એમ હતી.

એમ કરતા આફ્રિકા જવાનો સમય આવી ગયો અને અમારો કાફલો ઉપડ્યો. અમારો પહેલો મુકામ હતો નૈરોબી. ઈસ્ટ આફ્રિકા વીસેક દેશનો સમૂહ છે. એમાંથી કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા આ ત્રણ દેશ ગુજરાતી પ્રજામાં ખાસ્સા જાણીતા છે. 1930થી 1950 દરમિયાન અનેક ગુજરાતી વેપારીઓએ ઈસ્ટ આફ્રિકાની વાટ પકડી ત્યાં સ્થાયી થઈ બે પાંદડે થયા હતા. આર્થિક સમૃદ્ધિ મેળવી હતી. એમાંય કેન્યા તો ગુજરાતીઓનું ફેવરિટ હતું. નૈરોબી કેન્યાની રાજધાની. એરપોર્ટથી અમે ઉતારા પર પહોંચ્યાં ત્યારે જગ્યા અને શહેરનું વાતાવરણ જોઈ બધા કલાકાર આનંદમાં આવી ગયા. જે રૂમ મને ફાળવવામાં આવી હતી એમાં મારી સાથે વંદના પાઠક અને મીનળ પડિયાર એ બે અભિનેત્રી હતી. જોકે, રૂમ જોઈ પહેલા તો અમે ચોંકી ગયા, કારણ કે એમાં નહોતું એર – કન્ડિશનર કે નહોતા પંખા. પછી મને ખબર પડી કે નૈરોબીના મોટાભાગનાં ઘરોમાં આ ઉપકરણ નથી રાખવામાં આવતાં. એનું કારણ ત્યાંનું વાતાવરણ એવું મજાનું કે પંખા – એસીની જરૂર જ ન પડે.

આ પણ વાંચો….સ્પોટ લાઈટ – બેરિસ્ટર: દર્શકને ઢંઢોળતું નાટક

નૈરોબીનું થિયેટર પણ બહુ જ સુંદર હતું. જોતાવેંત બધા ઉત્સાહમાં આવી ગયા. મારા માટે તો આહ્લાદક અનુભવ હતો. ખાડાની કંપનીમાં કામ કરતી મહેશ્વરી લંડન શો કરી હવે આફ્રિકાના નાટ્યગૃહમાં શો કરવા પહોંચી હતી. ઈશ્વર અને રંગદેવતાના આશીર્વાદ. પહેલો શો ‘અમે બરફના પંખી’નો હતો. આ નાટક થોડું ભારેખમ અને ટ્રેજિક હતું. કદાચ એટલે નાટકને મળવો જોઈએ એવો પ્રતિસાદ નહોતો મળી રહ્યો. જોકે, થોડા દિવસ વીત્યા પછી બધાને સમજાઈ ગયું કે અહીંની પ્રજાને કોમેડી નાટકો વધુ પસંદ છે. એટલે જ ‘સ્નેહરંગ’ પ્રેક્ષકોને બહુ જ પસંદ પડ્યું. વાત ભલે પ્રેમની હતી, પણ એમાં કોમેડી હતી, ફારસ હતું જેમાં પ્રેક્ષકોને આનંદ આવી રહ્યો હતો. નૈરોબીથી અમે કેન્યાના મુખ્ય બંદર મોમ્બાસા ગયા. ત્યાં પણ નાટકના શો કરી, આનંદ અને આમદની મેળવી નૈરોબી પાછા ફર્યા.

ઈસ્ટ આફ્રિકામાં એકાદ મહિનો રોકાઈ ત્રણેય નાટકના શો કર્યા અને ત્યાંથી અમારો કાફલો ઊપડ્યો સેન્ટ્રલ આફ્રિકા જવા. અમારો મુકામ હતો સરોવર, નદી અને ધોધના રમણીય શહેર ઝામ્બિયામાં. અહીં બધા કલાકાર એક સાથે રહી શકે એવી નૈરોબી જેવી વ્યવસ્થા નહોતી. એટલે અમે બધા અલગ અલગ ઘરોમાં રહેવા માટે વહેંચાઈ ગયા. નવી વ્યવસ્થામાં હું, મીનળ પડિયાર અને મુંબઈના સ્પોન્સરની બહેન એમ ત્રણ સાથે હતા. વંદના પાઠક છૂટી પડી ગઈ.

ઝામ્બિયામાં પણ પહેલું નાટક ‘અમે બરફના પંખી’ જ કર્યું. જોકે, અહીંના લોકોને આ નાટક બહુ પસંદ પડ્યું. ગુજરાતીમાં કહેવત છે ને કે ‘બાર ગાઉએ બોલી બદલાય’. એ રીતે શું અમુક ગામે લોકોનો ટેસ્ટ પણ બદલાતો હશે એવો વિચાર મને આવ્યો ને મનોમન હસી પડી. અધિક આનંદ એ વાતનો હતો કે ત્રણેય નાટકમાં મારા રોલ સુંદર હતા અને એ ભજવવામાં પણ મને મજા આવતી હતી. કાંતિ મડિયાની હું આજીવન ઋણી છું કારણ કે તેમણે મને સારા રોલ આપ્યા અને એમની સાથે કામ કરવાથી મને સતત કશુંક શીખવા મળ્યું અને એને કારણે અભિનેત્રી તરીકે મારી પ્રગતિ થતી રહી. હું એક એક પગથિયું ઉપર ચડતી ગઈ.

આ પણ વાંચો….સ્પોટ લાઈટ : ‘મહેશ્વરીએ સરિતા જોશીને ટક્કર આપી’

નૈરોબી અને ઝામ્બિયાના મુકામમાં મને એક ફરક દેખાયો. ઝામ્બિયામાં નાટ્ય રસિકો ઘરે મળવા પણ આવતા હતા. નાટકના કલાકારો સાથે અંગત ઓળખાણ રાખવી તેમને ગમતું હતું. અહીં અમે જે પરિવાર સાથે રહેતા હતા એ લોકો ખૂબ મિલનસાર, મળતાવડા સ્વભાવના હતા. એમનો સામાજિક મોભો પણ ઊંચો હતો અને એટલે એમને ત્યાં લોકોની આવન જાવન બહુ રહેતી હતી. મેં જોયું કે આવનારા લોકો મને મળવાનો, મારી સાથે વાતચીત કરવાનો ને ફોટોગ્રાફ પડાવવાનો બહુ આગ્રહ રાખતા હતા. મારા પર લોકો ફિદા હતા એ મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. ‘અહીં તો તારો વટ પડે છે’ એમ કોઈ સાથી કલાકારે પણ મને કહ્યું ત્યારે હું થોડી શરમાઈ ગઈ હતી, પણ અંદરખાને એ બધું બહુ ગમી રહ્યું હતું. કોને ન ગમે? એક ફોટોગ્રાફર ભાઈએ તો મારા ઢગલાબંધ ફોટોગ્રાફ પાડ્યા અને એમનો આખો સ્ટુડિયો મારી તસવીરોથી સજાવી દીધો. મને ખાસ જોવા પણ બોલાવી હતી. આફ્રિકા જાણે મારા પર આફરીન થઈ ગયું હોય એવી લાગણી હું અનુભવી રહી હતી. અહીં વિવિધ શહેરોમાં પણ નાટક શનિ – રવિ દરમિયાન જ ભજવાતાં અને બાકીના દિવસો દરમિયાન કોઈને ત્યાં જમણવાર તો કોઈને ત્યાં પાર્ટી જેવા અલકમલકના કાર્યક્રમ થયા કરતા હતા.

દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા. એક દિવસ અમે કોઈ મહેમાનના આમંત્રણથી એમના ફાર્મહાઉસ જઈ રહ્યા હતા ત્યારે અચાનક એવું થયું કે…

‘એક ઉંદર અને જદુનાથ’
હતાશા જીવનને ઘેરી વળે અને આયુષ્ય વ્યર્થહીન છે એવી લાગણી થાય ત્યારે મનુષ્યને એબ્સર્ડ (અર્થહીન – અર્થશૂન્ય) વિચારો ઘેરી વળતા હોય છે. બીજા વિશ્વયુદ્ધ પછી આવી માનસિકતા જગતના અનેક સંવેદનશીલ સર્જકોને ઘેરી વળી હતી. આ માનસિકતામાંથી ‘એબ્સર્ડ થિયેટર’નો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. 1953માં સૌપ્રથમ વાર ભજવાયેલું આઈરીશ લેખક સેમ્યુઅલ બેકેટનું ‘વેઈટિંગ ફોર ગોદો’ અને બ્રિટિશ નાટ્યકાર હેરલ્ડ પિન્ટરનું ‘ધ બર્થ ડે પાર્ટી’ એબ્સર્ડ નાટકના જગવિખ્યાત ઉદાહરણ છે.

પશ્ર્ચિમી વિચારધારાથી પરિચિત રહેતા ગુજરાતી નાટ્ય સર્જકોની કોશિશથી ગુજરાતમાં પણ ઍબ્સર્ડ શૈલીનાં નાટક લખવાના અને ભજવવાના પ્રયાસો લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, સુભાષ શાહ, મનહર ઠક્કર, ચિનુ મોદી ઈત્યાદિ સર્જકોએ કર્યા છે. અલબત્ત આ પ્રકારના નાટકોનો પ્રેક્ષક વર્ગ મર્યાદિત હતો. 1966માં ભજવાયેલું લાભશંકર ઠાકર અને સુભાષ શાહનું ‘એક ઉંદર અને જદુનાથ’ તખ્તા પર રજૂ થયેલું સર્વપ્રથમ ગુજરાતી નાટક તરીકે ખ્યાતિ ધરાવે છે. બે અનામી પાત્રો, ‘જદુનાથ’ અને ‘ઉંદર’ની પ્રતીક્ષા, બંધ હોટલ વગેરે દ્વારા જીવન અર્થહીન છે એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ડો. મીનુ કાપડિયાએ બેકેટના જ ‘ક્રેપ્સ લાસ્ટ ટેપ’નું ગુજરાતી સંસ્કરણ ભજવ્યું હતું. 70 વર્ષના મુરબ્બી મિસ્ટર ક્રેપ પોતાની વરસગાંઠના દિવસે પોતાના જ જૂના રેકોર્ડિંગ સાંભળે છે. નાટકમાં યુવાનીની મહત્ત્વકાંક્ષા અને વર્તમાનની વાસ્તવિકતા વચ્ચેની વિષમતા પર ફોકસ કરવામાં આવ્યું હતું. અલબત્ત એકંદરે એબ્સર્ડ નાટ્ય પ્રકાર ગુજરાતી રંગભૂમિ પર પકડ જમાવી શકવામાં નિષ્ફળ રહ્યું એ હકીકત છે. એબ્સર્ડ નાટકની અસફળતા માટે જે વિવિધ કારણો આપવામાં આવ્યાં એમાં ગુજરાતી પ્રજા જીવનમાં ખાલીપણાનો અનુભવ નથી કરતી એવી એક દલીલ કરવામાં
આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button