આશાનું એક કિરણ તિમિરમાં તેજ પાથરે

સ્પોટ લાઈટ – મહેશ્ર્વરી
એક આમ તો એકલો હોય છે પણ એ એકલાની તાકાત, એનું સામર્થ્ય, એના કૌવતની કમાલની અનેક કહાણી ઈતિહાસના ચોપડે જમા છે. એક વિચાર, એક કોશિશ, એક પ્રયોગ સમાજ, દુનિયા કે પરિસ્થિતિને ધરમૂળથી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. એક તણખો આગના ગોટેગોટા જન્માવી શકે છે. હજારો નિરાશામાં છુપાયેલી આશાનું એક કિરણ તિમિરમાં તેજ પાથરી દેવાની તાકાત ધરાવે છે.
અલબત્ત, એક અનોખો વિચાર અમલમાં મૂકવા હિંમત અને વિશ્વાસ જોઈએ જે જૂની રંગભૂમિના કવિશ્રી અને આદરણીય નાટ્યકાર મૂળશંકર મુલાણીએ દર્શાવ્યા. નાટકના થિયેટરના એક સામાન્ય ડોરકીપરમાં તેમને એક કુશળ અભિનેતા નજરે પડ્યો.
વિરોધ તેમજ હાંસીને અવગણી ‘અભિનય કોઈનો ઈજારો નથી’ એવી સશક્ત દલીલ કરી પ્રેક્ષકોને તેમની બેઠક તરફ દોરી જતા ડોર કીપરને તેઓ સ્ટેજ પર દોરી ગયા. પોતાના નવા નાટક ‘કરણઘેલો’માં રાજાના રોલમાં ઉતારવાનું જોખમ લીધું.
નાટકના પહેલા ખેલનો પડદો ઉપડવાનો હતો ત્યારે અનેક શ્વાસ અધ્ધર હતા. દોરાબજી રાજાના પાત્રને ન્યાય આપી શકશે? ગોટાળા તો નહીં કરે ને? સહિત અનેક સવાલ ઘુમરાઈ રહ્યા હતા. અલબત્ત, આ બધા વચ્ચે એક વ્યક્તિ નિશ્ચિત હતી – મૂળશંકર મુલાણી. જોકે, અંતિમ દ્રશ્ય બાદ પડદો પડ્યો ત્યારે દોરાબજી મેવાવાલા એમનામાં મુકવામાં આવેલા વિશ્વાસને 100 ટકા સાર્થક કરવામાં સફળ રહ્યા.
‘અભિનંદન આપવા દોડી આવેલા લોકોને દોરાબજીએ કહ્યું કે ‘અભિનંદન આપવા હોય તો ડોર કીપર દોરાબજીને અભિનેતા બનાવવાની હિંમત કરનારા મારા ગુરુ મૂળશંકર મુલાણીને અભિનંદન આપો. તેઓ એના સાચા હકદાર છે. હું જે કંઈ કરી શક્યો છું એ એમણે મૂકેલા વિશ્વાસનું ફળ છે.’
‘કરણઘેલો’ની સફળતાથી રાજીના રેડ થઈ ગયેલા કંપનીના માલિકે લેખકશ્રીને બોલાવ્યા અને કહ્યું કે ‘મુલાણી, આ મહિનાથી તમારા પગારમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે છે.’ એક વિચારનું આ ફળ હતું.
જૂની રંગભૂમિના સોનેરી કહી શકાય એવા પ્રકરણ પર પડદો પાડી હવે અધૂરી રહેલી વાત આગળ વધારીએ. બે હપ્તા પહેલા મેં ફિલ્મમાં કામ કરવાની ઓફર માટે આવેલા ફોનની વાત કરી હતી. દુનિયા ગોળ હોય છે એનો મને ફરી એક વાર અનુભવ થયો. મેં શરૂઆત તો નાટકોથી કરી હતી, પણ વચ્ચે સંજોગો મને ફિલ્મની દુનિયા તરફ કઈ રીતે ખેંચી ગયા એ જણાવી મેં રૂપેરી દુનિયાના મારા અનુભવોનું વર્ણન કર્યું હતું. જોકે, પછી રૂપેરી પડદા પર જ પડદો પડી ગયો અને હું મારી નાટકની દુનિયામાં ગોઠવાઈ ગઈ હતી. હવે ફરી ફિલ્મમાં કામ કરવા આમંત્રણ મળ્યું હતું. દુનિયા સાચે જ ગોળ છે.
આ તરફ અમારું ઘર રિનોવેટ થઈ રહ્યું હતું તો બીજી તરફ મારી કારકિર્દી રિનોવેટ કરવાની હોય એમ ફિલ્મ પ્રોડક્શનમાંથી મને કામ કરશો એ પૂછવા ફોન આવ્યો. કામને મેં ભાગ્યે જ નકાર્યું છે. એટલે મેં તો હા, જરૂર કરીશ એમ તેમને જણાવી દીધું. શૂટિંગ ભુજમાં કરવાનું છે એવી સ્પષ્ટતા કરી મને મારો રોલ સમજાવી ‘હમ ડાયલોગ ભેજ દેંગે. આપ કો ઓડિશન દેના હોગા’ એમ કહ્યું. ઓડિશનનું કામ પતાવી મુંબઈમાં પ્રોડક્શનની ઓફિસે પણ જઈ આવી અને પછી કુલદીપ સાથે એના ઘરમાં રહેવા આવી ગઈ.
થોડા જ દિવસમાં ફોન આવ્યો અને ભુજમાં શૂટિંગ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું. નિયત સમયે ભુજ પહોંચી શૂટિંગ શરૂ કરી દીધું. દસ – બાર દિવસનું કામ હતું અને એ આટોપી હું ફરી મુંબઈ આવી ગઈ. ફિલ્મનું નામ હતું ‘મલ્હાર’ અને એમાં કેટલાક મરાઠીભાષી કલાકાર પણ હતા. એક જ ગામમાં આકાર લેતી એકબીજા સાથે સંકળાયેલી ત્રણ કથા ફિલ્મમાં હતી. કામ કરવાની મજા આવી. અનેક વર્ષો પછી કેમેરા, રોલ, સાઉન્ડ, એક્શન શબ્દો સાંભળ્યા અને ભૂતકાળના કચકડાની દુનિયાનાં સ્મરણો તાજાં થયાં.
મુંબઈમાં તો મારા દીકરા શાંગ્રિલનું ઘર રિનોવેટ થઈ રહ્યું હતું એટલે મારા માટે કાયમી નિવાસ સ્થાન નહોતું. ક્યારેક કુલદીપના ઘરે રહેવા જાઉં તો ક્યારેક મોટી દીકરી ચેરી (દર્શના)ને ત્યાં મારું રોકાણ હોય. ભુજથી પાછી ફરી ત્યારે કિચન તૈયાર થઈ ગયું હતું અને બાકીનું કામ પણ ફટાફટ પતી જશે એમ અમને કહેવામાં આવ્યું હતું. એટલે હું નિશ્ર્ચિતં થઈ ગઈ. સવાલ બે – ત્રણ મહિનાનો જ હતો. જોકે, માણસ ધારે કંઈ અને ઈશ્વર કરે કંઈ અને ધાર્યું તો ધણીનું જ થાય એ કહેવતોનો સાક્ષાત્કાર ફરી એક વાર જીવનમાં થયો.
ચેરીને ત્યાં રહેવા ગઈ એને ચારેક દિવસ થયા હશે ત્યાં કોવિડની મહામારીને પગલે લોકડાઉન આવી ગયું. આવન જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ આવી ગયો. દીકરાના ફ્લેટનું કામ ઠપ થઈ ગયું. બે ત્રણ મહિના માટે દીકરીને ત્યાં રહેવા આવી હતી અને બે વર્ષ એને ત્યાં રહેવું પડ્યું.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ …અને મને ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી
જોકે, એ સમય પણ નીકળી ગયો. કોવિડની તીવ્રતા ઓછી થઈ એમ એમ એક પછી એક પ્રતિબંધ દૂર થતા ગયા અને દૈનિક જીવન પાટે ચડવા લાગ્યું. ધીરે ધીરે ફ્લેટના રિનોવેશનનું કામ ફરી શરૂ થઈ ગયું અને થોડા મહિનામાં ફ્લેટ તૈયાર થઈ ગયો અને હું શાંગ્રિલના ઘરમાં રહેવા આવી ગઈ. આ તરફ દીકરાની લાઈફનું પણ રિનોવેશન થઈ રહ્યું હતું અને તેણે કોઈપણ પ્રકારની ધામધૂમ કર્યા વિના મંદિરમાં સાદાઈથી લગ્ન કરી લીધા. એણે ગોરેગામમાં પોતાનું ઘર લીધું અને એનો સંસાર સુખેથી ચાલવા લાગ્યો.
પહેલા લગ્નની પીડા એ ભૂલી ગયો છે એ જાણી મારું હૈયું હરખાઈ ગયું હતું. મારા ઘરથી એનું ઘર બહુ દૂર નથી અને એ સતત આવ જા કરે છે એટલે પારિવારીક સ્નેહ જળવાઈ રહ્યો છે. કોઈ પણ બાબતની મારે ચિંતા નથી કરવી પડતી અને બધી દેખરેખ દીકરો – વહુ રાખે છે. એથી વિશેષ આ ઉંમરે મારે બીજું જોઈએ પણ શું?
‘મલ્હાર’ ફિલ્મ રિલીઝ થઈ, પણ શૂટિંગ કરતી વખતે જ ખ્યાલ આવી ગયો હતો કે અલગ સ્ટોરી હોવા છતાં આ ફિલ્મ દર્શકોને બહુ પસંદ નહીં પડે. અને એ અનુમાન સાચું પડ્યું. ફિલ્મ રિલીઝ થયા પછી ક્યારે ઊતરી ગઈ એની ખબર જ ન પડી. હશે, મેં તો મારો રોલ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો હતો એનો મને સંતોષ હતો. ચિત્રપટનું ભાવિ કોઈના હાથની વાત નથી. દરેક ફિલ્મમેકર શ્રેષ્ઠ પ્રયાસ જ કરતો હોય છે, પણ એ પ્રયાસ દર્શકને પણ શ્રેષ્ઠ લાગે એ જરૂરી નથી.
અને હવે… પ્રબોધ જોશીનું એકાંકીમાં સામ્રાજ્ય હતું
આજે તો ગુજરાતી નાટકો દ્વિઅંકી જ ભજવાય છે. જોકે, એક સમય હતો જ્યારે રંગભૂમિ પર ત્રિઅંકી નાટકનો દબદબો હતો. બંને અંકના વિરામ પછી નાટક જે રીતે વળાંક લે અને દર્શકોની ઈન્તેજારી જાગૃત રાખે એ ત્રિઅંકી નાટકની ખાસિયત રહેતી. આ સિવાય એકાંકી નાટકો પણ ભજવાતાં, ખાસ કરી કોલેજોમાં અને એ કોલેજો માટે આઈએનટી, ભારતીય વિદ્યા ભવન જેવી સંસ્થા એકાંકી સ્પર્ધાઓનું આયોજન કરતી હતી.
પ્રારંભ કાળના એકાંકીઓ રચવાનો જશ પારસીઓને ફાળે જાય છે. પારસી પરિવાર અને તેમના સંસારની વિષમતા દ્વારા દર્શકોને વિનોદ મળે એ આ એકાંકીઓનો પ્રમુખ ઉદ્દેશ રહેતો. એકાંકી નાટ્યલેખનમાં વીસમી સદીના ત્રીજા દાયકામાં બચુભાઈ ઉમરવાડિયાના એકાંકીઓ સમાજલક્ષી અને રાષ્ટ્રીય જાગૃતિ પ્રેરિત હતા. અલબત્ત, એકાંકી નાટકમાં પ્રબોધ જોશીનું નામ બહુ મોટું અને બહુ ઊંચા સ્થાનનું છે.
એકાંકી નાટ્ય સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડ વખતે એનાઉન્સર તરીકે પ્રબોધ જોશીની હાજરી તેમ જ ‘અને હવે..’ એ તેમના બેઝ ધરાવતા અવાજમાં થતી રજૂઆત પણ વિશેષ આકર્ષણ ધરાવતી હતી. ચિત્રકલા, પ્રકાશ આયોજન, મેકઅપ અને સેટિંગ્સની કલાના જાણકાર પ્રબોધ જોશીએ એકાંકી નાટકોમાં અનેક વિક્રમ નોંધાવ્યા છે. એવું કહેવાતું હતું કે ઈન્ટર કોલેજીયટ કોમ્પિટિશનમાં 80 ટકા નાટકો તેમણે લખેલા જ ભજવાતાં હતાં. તેમનું અત્યંત પ્રસિદ્ધ એકાંકી ‘તીન બંદર’ તો સંજીવ કુમાર અને અમૃત પટેલ જેવા ખમતીધર કલાકારોએ ભજવ્યું હતું.
1951માં ‘તેલપનું તેરમું’ એકાંકીથી તેમની શરૂઆત એકાંકી લેખક તરીકે થઈ અને સવા વર્ષમાં તેમણે 70 એકાંકીઓ લખ્યા હોવાની નોંધ છે. એક અંદાજ અનુસાર પ્રબોધ ભાઈએ 500થી વધારે એકાંકીઓ લખ્યા અને એમાંના કેટલાક અમર બની ગયા.



