ઉત્સવ

સ્પોટ લાઈટ : કમોસમી વરસાદની જેમ આવતી મુસીબત જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે…

  • મહેશ્ર્વરી

અમેરિકાના પ્રવાસેથી પાછા ફર્યા બાદ મને નાટકોની કોઈ ઓફર નહોતી આવી. સદનસીબે કામ વિના હાથ જોડી બેસી રહેવાનો વારો નહોતો આવ્યો. ‘રશ્મી શર્મા ટેલિફિલ્મ્સ’ની ધારાવાહિક ‘સાથ નિભાના સાથિયા’માં રોલ મળ્યો હોવાથી મારું ગાડું ગબડી રહ્યું હતું. અલબત્ત, નાટકમાં કામ કરવાનો જે આનંદ જે ભૂમિકા ભજવવાની ચેલેન્જ હોય એ બધું સિરિયલમાં ન હોય, પણ મારી કોઈ ફરિયાદ નહોતી. મારે કામ કરવાનું હતું જેથી મારી આર્થિક જરૂરિયાત પોષાતી રહે. ‘સંતોષી જીવ સદા સુખી’ એ જીવનમંત્ર મેં અપનાવ્યો હતો. એના અનુકરણને લીધે વ્યથા આવતી તો પણ એની પીડા બહુ નહોતી થતી.

ટીવી સિરિયલમાં શૂટિંગ દરમિયાન એક સાથી કલાકારે સંતોષી જીવનનો એક ચોટદાર પ્રસંગ કહ્યો હતો જે હું ‘મુંબઈ સમાચાર’ના પ્રિય વાચકો સાથે શેર કરું છું. એક ભિક્ષુક હતો. એને ઓછું મળે ત્યારે પ્રભુને હાથ જોડી ફરિયાદ કરતો કે ‘ઈશ્વર, આજે ઓછું કેમ આપ્યું?’ જોકે, કોઈ દિવસ ધાર્યા કરતાં ઘણું વધારે મળી જાય તો પ્રભુનો પાડ નહોતો માનતો. સ્વભાવે લોભી હતો. એક દિવસ દાનની દેવી એના પર પ્રસન્ન થઈ.

ભિક્ષુકને આકાશવાણી સંભળાઈ કે ‘હું તારા પર પ્રસન્ન છું. સોનામહોરનો વર્ષાવ કરું છું. તારી ઝોળી ફેલાવી ભેગી કરી લે. પણ, એક વાત યાદ રાખજે કે જો સોનામહોર જમીન પર પડશે તો એ કાંકરા થઈ જશે.’ ભિક્ષુકે માથું ધુણાવ્યું અને પોતાની જૂની ઝોળી ફેલાવી સોનામહોરના વરસાદની પ્રતીક્ષા કરવા લાગ્યો.

દાનની દેવીના વચન અનુસાર સોનામહોરનો વરસાદ થયો, ભિક્ષુકની ઝોળી ભરાવા લાગી અને ધીરે ધીરે છલકાવા પણ લાગી. સોનાની ચમકથી ભિક્ષુકના મન પર લોભે ભરડો લીધો અને હવે બસ કરો એમ બોલવાનું ભાન જ એને ન રહ્યું. ઝોળીમાં સોનામહોરનો ભાર વધતો ગયો, પણ ભિક્ષુકનો લોભ ઓછો ન થયો.

દાનની દેવીએ પૂછ્યું પણ ખરું કે ‘હજુ કેટલી?’ ભિક્ષુકે જવાબ આપ્યો કે ‘વાંધો નહીં, આવવા દ્યો’. દેવી મર્માળુ હસ્યાં અને સોનામહોર મોકલવાનું ચાલુ રાખ્યું. એક તબક્કે ભિક્ષુકની જૂની ઝોળી વજન ખમી ના શકી અને ફાટી ગઈ. જમીનને અડતા જ બધી જ સોનમોહર કાંકરા થઈ ગઈ. આ જોઈ બેબાકળા થયેલા ભિક્ષુકે ઉપર આકાશ તરફ નજર નાખી તો દાનની દેવી અદ્રશ્ય થઈ ગઈ હતી. છે તો આ એક દ્રષ્ટાંત કથા, પણ ઘણું બધું શીખવાડી જાય છે.

‘સાથ નિભાના સાથિયા’ સિરિયલનું કામ ઘણું લાંબું ચાલ્યું, લગભગ બે વર્ષ. અલબત્ત એકધારું – સતત નહીં. કટકે કટકે કામ આવે. ટીવી સિરિયલવાળા તેલ જુઓ તેલની ધાર જુઓ એ વાત ધ્યાનમાં રાખી ટ્રેક બદલતા હોય. પરિણામે વચ્ચે નવા કલાકારની પણ એન્ટ્રી થાય. કથા આગળ ચાલે અને ક્યાંક જૂના તાંતણા મળી જાય ત્યારે ફરી કહેણ આવે. વચ્ચે વચ્ચે મીના ઘીવાલાની ટેલિવિઝન સિરિયલ માટે પણ કામ મળ્યું હતું. ટૂંકમાં નાટકોની ગેરહાજરીમાં ટેલિવિઝન મને પોષી રહ્યું હતું. હું મારા વન રૂમ કિચનના નાનકડા ફ્લેટમાં રહેતી હતી એટલે બહુ જંજાળ પણ નહોતી.

એવામાં એક દિવસ એવી ઘટના બની જેની મેં સપનેય કલ્પના નહોતી કરી. મુસીબત ઘણી વાર કમોસમી વરસાદની જેમ આવી જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. મારી સાથે પણ એવું જ બન્યું. વધુ એક વાર.

રાતે હું મીઠી નીંદરમાં હતી અને બેલ વાગી. હું સફાળી જાગી અને ઘડિયાળમાં જોયું તો 11 વાગ્યા હતા. આ સમયે કોણ આવ્યું હશે એવો વિચાર આવ્યો અને કોઈ અટકળ બાંધું એ પહેલા બહારથી અવાજ આવ્યો કે ‘મમ્મી, બારણું ખોલ, હું છું.’ નોકરી માટે એક મહિનો બહાર રહેતા મારા દીકરા શાંગ્રિલનો અવાજ સંભળાયો.

મને થયું કે હજી મહિનો પૂરો નથી થયો અને એ કેમ પાછો આવી ગયો? અલબત્ત આ સવાલનો જવાબ તો એ જ આપી શકે એમ હતો. દરવાજો ખોલતા મેં શું જોયું? નિસ્તેજ અને નંખાયેલા ચહેરા સાથે મારો દીકરો ઊભો હતો. હું અસ્વસ્થ થઈ ગઈ અને લાગલો સવાલ કર્યો કે ‘દીકરા, થયું છે શું? વિનિતા (એની પત્ની) સાથે બોલાચાલી – અણબનાવ જેવું કંઈ થયું છે?.

એક પણ અક્ષર બોલ્યા વગર દીકરો મને ભેટી પડ્યો અને એટલું જ બોલ્યો કે ‘આઈ, વિનિતા ડિવોર્સ માંગે છે.’

‘બાપ રે!’ મારા મોઢામાંથી એટલા જ ઉદગાર નીકળ્યા. પિયરમાં રહેતી એની પત્નીએ ડ્યુટી પરથી એને પોતાનાં ઘરે બોલાવી લીધો અને રાતના જ બધી વાત સાફ સાફ સંભળાવી દીધી હતી. છૂટાછેડા માટેનું કારણ શું એવું મેં પૂછ્યું તો દીકરા પાસે કોઈ જવાબ નહોતો. અમને પાછળથી ખબર પડી કે એ બીજી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી. મારો દીકરો એક મહિનો પત્ની સાથે હોય અને એક મહિનો ડ્યુટીના કારણે એકલો હોય એ દરમિયાન વિનીતા બીજા કોઈના પ્રેમમાં પડી. અલબત્ત દીકરાએ પત્નીને મનાવવાની ઘણી કોશિશ કરી પણ એ તો ડિવોર્સ માટે જીદ પકડીને બેઠી હતી.

અંતે બાંદ્રા કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ થઈ અને એ જ સમયે મને ‘અગલે જનમ મુજે બિટિયા હી કીજો’ સિરિયલની ફરી ઓફર આવી. અગાઉ હું પાંચ દિવસનું શૂટિંગ કરી આવી હતી. વાર્તા આગળ વધી હોવાથી અને મારા પાત્રની જરૂરિયાત ઊભી થઈ હોવાથી ‘મહેશ્વરી બહેન, તમારું શૂટિંગ છે. આવી જજો’ એવું કહેણ આવ્યું.

મને કામની જરૂર તો હતી જ. પણ આ વખતે માનસિક રીતે સ્વસ્થ નહોતી અને સિરિયલમાં કામ કરવાને બદલે દીકરા પાસે હાજર રહેવું મને વધુ જરૂરી લાગ્યું. લે ‘મૈં કામ નહીં કર સકતી’ એમ કહી ના પાડી દીધી. એ દિવસોમાં મેં ઘણું કામ જતું કર્યું – ગુમાવ્યું. અલબત્ત મને એનો અફસોસ નહોતો, કારણ કે એક્ટ્રેસ પછી, પહેલા હું માતા હતી જે સંતાનના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થાય. વ્યથિત દીકરાને એકલો મૂકી મારે કામ નહોતું કરવું.

આખરે દીકરાના ડિવોર્સ થઈ ગયા. માનસિક સંતાપના એ દિવસોમાં શાંગ્રિલ મારી સાથે જ નાનકડા ફ્લેટમાં રહેતો હતો. છૂટાછેડા પછી પ્રોપર્ટીને કારણે વિવાદ ન થાય એ માટે શાંતાબહેન અને એના દીકરા – વહુને રહેવા માટે જે ઘર આપ્યું હતું એ વેચી નાખ્યું અને પૈસા ઠેકાણે લગાડી દીધા. અને શાંતાબહેન, એમનો દીકરો કુલદીપ, એની પત્ની અને એમનું સંતાન શાંગ્રિલ સાથે એના ફ્લેટમાં રહેવા લાગ્યા. જોકે, કુલદીપ કોઈ કામ ધંધો નહોતો કરતો એટલે બધી જવાબદારી મારા દીકરા પર આવી પડી. પછી દીકરાએ મને એની સાથે જ રહેવા બોલાવી લીધી.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : પહેલી વાર નાટકમાં નેગેટિવ રોલ કર્યો…

કવિઓનું નાટ્યકાર તરીકે નોંધપાત્ર યોગદાન

કૃષ્ણલાલ શ્રીધરાણીની પ્રમુખ ઓળખ કવિ તરીકે છે. તેમની અનેક રચનાને બહોળી પ્રસિદ્ધિ મળી હતી. ‘સલામ’ કાવ્યમાં પ્રેમીઓના સ્વભાવની વિષમતાઓ પ્રગટ થાય છે. અભિમાની – ગર્વિષ્ઠ નાયિકાને કવિતાનો નાયક ખુમારીથી સંભળાવી દે છે કે ‘સલામ સખી! આજથી નવ વદું તને હું કદી, હવે હૃદયમાં નહીં જ તું અભિમાન રાખતી.’ એમની કવિતાઓમાં કટાક્ષ ભારોભાર નજરે પડતો હતો. જોકે, શ્રીધરાણીની એક ઓળખ ઘણા લોકો નથી જાણતા અને એ છે નાટ્યકારની ઓળખ. ‘પીળાં પલાશ’ અને ‘સોનપરી’ ઉપરાંત ‘વડલો’ અને ‘ડુંગળીનો દડો’ જેવા બીજાં કેટલાક નોંધપાત્ર બાળનાટકો શ્રીધરાણીએ લખ્યાં હતાં.

‘વડલો’ નાટકની ખાસ્સી ચર્ચા થઈ હતી અને એના નવતર પ્રયોગને કારણે એની ખૂબ પ્રશંસા સુધ્ધાં કરવામાં આવી હતી. નાટકમાં પ્રકૃતિ સાથે ખેલ ખેલતા ગ્રહો – નક્ષત્રો તેમજ પવન, ઝરણાં, પક્ષી જેવાં મનુષ્ય સિવાયનાં પાત્રો અને માનવી સાથે કાવ્યાત્મક અનુભવ પ્રેક્ષકોને કરાવ્યો હતો. તેમણે એકાંકી સુધ્ધાં આપ્યાં છે જેમાં ‘પિયા ગોરી’ કરુણ નાટક હતું. આ સિવાય તેમના ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતા નાટક ‘પદ્મિની’માં એમની પ્રયોગશીલ શૈલી નજરે પડે છે.

સામાજિક નાટક ‘મોરનાં ઈંડાં’ ખાસ્સું પ્રચલિત બન્યું હતું. એવું જ ઉમાશંકર જોશીની બાબતમાં જોવા મળે છે. કવિ તરીકે પોતાનું અલાયદું એવરેસ્ટ બનાવનારા કવિએ ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડન ચરકલડી’ અને ‘પડઘા’ જેવા ગુજરાતી ભાષાનાં ગૌરવ લઈ શકાય એવા એકાંકીઓ આપણને આપ્યા. ઈન્દુલાલ ગાંધી પછી આ બન્ને કવિઓએ એકાંકી લેખનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. ઈન્દુલાલ ગાંધીના એકાંકીઓ આકાશવાણી રાજકોટ કેન્દ્ર પરથી રજૂ થયા હતા.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : સ્વાર્થ ક્યાં-કેટલો-કેવી રીતે ડોકિયાં કરે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button