સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!

મહેશ્વરી
વ્યવસાયલક્ષી પેરન્ટ્સની એક મોટી સમસ્યા એ હોય છે કે સંતાનના ઘડતરનાં વર્ષોમાં પૂરતું ધ્યાન નથી આપી શકતાં. શિક્ષણ બાબતે જે કેટલીક ચીવટ રાખવી જરૂરી હોય છે એ નથી રાખી શકાતી. એમાં પાછી હું સિંગલ પેરન્ટ. મારા પતિ – માસ્તર જોગેશ્વરીમાં રહેતા હતા અને એ ઘર છોડી નીકળી ગયાં પછી મેં મારાં સંતાનો સાથે અલાયદી દુનિયા વસાવી લીધી હતી.
આ પણ વાંચો.. સ્પોટ લાઈટ : ઈશ્વર ધ્યાન પણ રાખે ને કસોટી પણ કરે!
ખાસ્સો સંઘર્ષ અને રઝળપાટ કર્યા પછી મારે પણ એક ઘર હોયની મારી ઇચ્છા સાકાર થઈ. અલબત્ત નાટકોમાં કામ કરવું અને ત્રણ સંતાનના ઉછેરની બેવડી જવાબદારીનું સંતુલન જાળવવું આસાન નહોતું. બાળકોની સ્કૂલ-કૉલેજની ફી સમયસર ભરાઈ જાય એથી વિશેષ હું કંઈ નહોતી કરી શકતી. એ વિશેષ કાળજીનું મહત્ત્વ મને ત્યારે સમજાયું જ્યારે મારા દીકરા શાંગ્રિલની ભણતર પ્રત્યેની બેદરકારી ધ્યાનમાં આવી.
આ બધું શું છે એવો સવાલ કરી દીકરાની જોગેશ્વરીમાં ઊલટતપાસ લેવી મને યોગ્ય ન લાગ્યું. એટલે હું શાંગ્રિલને લઈ મારા ઘરે પહોંચી. પૂછપરછ કરી અને કૉલેજમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાઈસાહેબ આઠ મહિનાથી કૉલેજ ગયા જ નહોતા. પરીક્ષાને બે મહિનાની વાર હતી ત્યારે આ આખી વાતની જાણ થઈ. જોકે, મેં જીદ પકડી કે નાપાસ થશે તો ચાલશે, પણ પરીક્ષા તો આપવી જ પડશે. રોજ સવારે દીકરાને મૂકવા કૉલેજમાં જતી, ક્યારેક મારે નાટકનાં રિહર્સલ માટે જવાનું હોય તો મારી દીકરી એને કૉલેજ મૂકવા જતી.
આ રીતે રોજ કૉલેજમાં એની હાજરી મેં ફરજિયાત બનાવી. પરીક્ષા આપવા તેણે આનાકાની કરી, પણ મારો નિશ્ચય દૃઢ હતો. તેણે પરીક્ષા આપી અને અપેક્ષા મુજબ ફેલ થયો. મને જરાય દુ:ખ ન થયું. નવા શૈક્ષણિક વર્ષમાં મેં શાંગ્રિલને મલાડની કૉલેજમાં એડમિશન અપાવ્યું. એની ઇચ્છા નહોતી, પણ ભણતર તો પૂરું કરવું જ પડશે એવા મારા આગ્રહને હું વળગી રહી.
‘મુંબઈ સમાચાર’ના મારા પ્રિય વાચકોને યાદ હશે કે જોગેશ્વરીમાં હું રહેતી હતી એની બાજુની ગલીમાં ખૂન થયું હતું. જે માણસની હત્યા થઈ હતી એ બાઈએ પોતાના સાતેક વર્ષના દીકરાના ભણતર માટે આજીજી કરી હતી. પીડાદાયક ભૂતકાળનો પડછાયો પણ પોતાના દીકરા પર ન પડે એવી માની ઇચ્છાને માન આપી મેં બાળક માટે ભણવાની વ્યવસ્થા કરી આપી હતી. ગોટ્યા નામથી ઓળખાતા એ છોકરાએ એસએસસી સુધીનું ભણતર પૂરું કર્યું હતું. એ વાતને કેટલાંક વર્ષ વીતી ગયાં પછી અચાનક જોગેશ્વરીમાં એના વિશે સાંભળવા મળ્યું.
અલબત્ત વાત આનંદદાયક નહોતી. મને એવી ખબર પડી કે ગોટ્યાને શૂટ એટ સાઈટ (દેખાય ત્યાં ઠાર કરવો) કરવાનો ઑર્ડર હતો. હું તો હેબતાઈ જ ગઈ. આ બધું કેવી રીતે થયું એ મારી સમજણની બહાર હતું. એના પરિવારમાં પણ કોઈ નહોતું એટલે કોઈ જાણકારી મળવી પણ શક્ય નહોતું. અંતે એવી જાણકારી મળી કે એ તો કોઈ અંડરવર્લ્ડ ગૅન્ગ સાથે જોડાઈ ગયો છે. પછી મેં વધારે કશું જાણવાની કોશિશ પણ ન કરી. જોકે, ઉજ્જવળ ભવિષ્ય માટે જે છોકરાના ભણતર માટે કોશિશ કરી હતી એ આવી દશાએ અને દિશાએ પહોંચી ગયો એ જાણી મને દુ:ખ જરૂર થયું.
મને ફરી ભગવદગીતાનો શ્ર્લોક ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ યાદ આવી ગયો. કર્મ કરવાનું જ તમારા હાથમાં છે, એનું ફળ શું આવશે એના પર તમારો કોઈ અંકુશ નથી હોતો. ગોટ્યાને સારું ભણતર મળે એટલી વ્યવસ્થા કરવી એ મારું કર્મ હતું. પછી એ કેવું ને કેટલું ભણે તેમ જ કયા રસ્તે આગળ વધે એ મારા હાથની વાત નહોતી એ મેં મનોમન સ્વીકારી લીધું અને એટલે દુ:ખ પણ ઓસરી ગયું.
એક દિવસ એવું થયું કે અમે બધા ગાઢ નીંદરમાં હતા ત્યારે બેલ વાગી અને કોઈએ બહારથી દરવાજો જોરથી ખટખટાવ્યો. મેં લાઈટ કરી અને ઘડિયાળમાં જોયું તો રાતના અઢી વાગ્યા હતા. આ સમયે કોણ હશે? કેટલાય વિચારો મનમાં દોડાદોડ કરવા લાગ્યા. મન કઠણ કરી દરવાજો ખોલ્યો તો સામે કદાવર બાંધાના છ જણ ઊભા હતા. દરવાજામાં મને ઊભેલી જોઈ એક વ્યક્તિએ કહ્યું, ‘અમે ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ. શાંગ્રિલ ક્યાં છે?’ ત્યારે મારો દીકરો બહારના રૂમમાં જ સોફા પર સૂતો હતો. એને મેં જગાડ્યો અને પોલીસ તો એને લઈ જવા માગતી હતી.
હું સ્તબ્ધ થઈ ગઈ. મારું મગજ બહેર મારી ગયું. ‘મારા દીકરાએ શું કર્યું છે અને તમે શું કામ એને લઈ જાઓ છો?’ એવા સવાલ કરવાની હિંમત જ હું અચાનક ગુમાવી બેઠી. મારા તરફથી કોઈ પ્રતિભાવ કે પ્રતિકાર નહીં દેખાતાં પોલીસ મંડળી પણ વિચારમાં પડી ગઈ. થોડી વાર પહેલાં મારા દીકરા શાંગ્રિલને લઈ જવા માગતી પોલીસે કહ્યું કે ‘સવારે અંધેરી ક્રાઈમ બ્રાન્ચમાં આવી જજો.’ એ સમયે હું ભૂપેન ખખ્ખર લિખિત મહેન્દ્ર જોશીનું ‘મોજીલો મણિલાલ’ નાટક કરી રહી હતી. બીજે દિવસે સવારે હું શાંગ્રિલને લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. મનમાં ફફડાટ હતો કે દીકરાએ કંઈ અજૂગતું કર્યું હશે? ભટકી ગયો હશે? બૂરી સંગતમાં ફસાયો હશે?
જોકે, પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી તરત ધરપત થઈ ગઈ. થયું હતું એવું કે પોલીસ ગોટ્યાના કેસમાં તપાસ કરતી હતી એમાં એક છેડો મારા દીકરા શાંગ્રિલને અડી ગયો હતો. પોલીસને છાનબીનમાં જાણ થઈ કે ગોટ્યા નાનપણમાં શાંગ્રિલ સાથે રમતો હોવાથી ઓળખતો હતો. પૂછપરછમાં પોલીસને શાંગ્રિલ આઈ. સી. કોલોનીમાં રહેતો હોવાની જાણ થઈ.
એટલે મારા દીકરા પાસેથી ગોટ્યા વિશે કોઈ જાણકારી, કોઈ કડી મળી આવે એ આશા સાથે પોલીસ અમારા ઘરે આવી હતી. જોકે, શાંગ્રિલ એના સંપર્કમાં નહોતો અને કશું જાણતો પણ નહોતો એની પોલીસને ખાતરી થતાં સામાન્ય પૂછપરછ કરી શાંગ્રિલને જવા દીધો. મેં પણ પોલીસને ગોટ્યાના ભણતરની વાત કરી. પોલીસને પણ અમારી વાત પર ભરોસો બેઠો અને પ્રકરણ
પૂરું થયું.
અને થોડા દિવસ પછી ખબર પડી કે અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં પોલીસ ગોળીબારમાં ગોટ્યા ઠાર થયો. નિરાધાર બનેલા બાળકનો શિક્ષણ મેળવ્યા પછી કેવો કરુણ અંજામ આવ્યો.
નાટકના ખર્ચની વિશિષ્ટ વ્યવસ્થા
ભાવનગરની ‘યંગ ક્લબ’ વૈવિધ્યસભર નાટકોના મંચન માટે ખાસ્સી લોકપ્રિય થઈ હતી. શહેરની કલાપ્રેમી પ્રજાનું સારું પીઠબળ સંસ્થાને પ્રેરણા પૂરી પાડતું હતું. જાણવા જેવી વાત એ છે કે પોતાની પ્રવૃત્તિ ચાલતી રહે એ માટે યંગ કલબે કોઈ સરકારી સંસ્થા પાસેથી ગ્રાન્ટ કે મદદ લીધી નહોતી, નાટકો માટે ટિકિટ કે ડૉનેશન લઈ પાસ આપવાની પ્રથા પણ નહોતી રાખી.
પ્રવૃત્તિઓ કરવા જે કંઈ ખર્ચ થાય તે બધા સભ્યો અંદરોઅંદર વહેંચી લેતા. એક-બે વાર નાટક મંચનના ખર્ચ વધી ગયા ત્યારે એ વધારાના ખર્ચને પહોંચી વળવા યંગ કલબે પ્રેક્ષકો સમક્ષ નાટક પૂરું થયા બાદ શાલીનતા સાથે રજૂઆત કરી હતી કે ‘નાટકનો પ્રયોગ કરવા પાછળ આટલો ખર્ચ થયો છે. જે લોકોને ખર્ચ પેટે કંઈ મદદ આપવાની ઇચ્છા હોય તે પ્રયોગ પછી બીજે દિવસે યંગ કલબને આપી જાય કે મોકલાવે.’ પ્રયોગને દિવસે કશું જ સ્વીકારવામાં નહોતું આવતું.
આ પણ વાંચો..ડિજિટલ આર્ટ ઝડપથી વિકસતી ઇન્ટરનેશનલ કરિયર…
એકંદરે નાટક જોયું છે એટલે કશુંક આપવું પડશે એવું દબાણ લોકો ન અનુભવે એની કાળજી રાખવામાં આવતી હતી. આનંદ આપે એવી અને ગર્વ લેવા જેવી વાત એ હતી કે નાટક ભજવવા માટે જે રકમ ખર્ચાઈ હોય એટલા પૈસા મળી જાય પછી વધુ પૈસા સ્વીકારવામાં નહોતા આવતા. પ્રવૃત્તિઓ માટે કોઈ પણ કાયમી ફંડ પણ યંગ કલબે ઊભું નહોતું કર્યું. ખરા અર્થમાં આત્મનિર્ભર હતી યંગ ક્લબ. યંગ કલબનાં લોકપ્રિય નાટકોમાં ‘દાદાઝ’નો ઉલ્લેખ કરવો પડે. આ નાટકોમાં દાદાઓ ભેગા થઈ નાટકો માટે ચર્ચા કરી ‘રૅશનિંગ’ પર નાટક કરે. સાંપ્રત પરિસ્થિતિની વિસંગતતાઓ પર કટાક્ષ અને રમૂજી નાટકોને આવકાર મળ્યો હતો.