ઉત્સવ

સ્પોટ લાઈટ: દીકરા – દીકરીનું દેવું ચૂકવવા બીજી દીકરીને ફ્લેટ આપી દીધો ‘આઈ, તું રહે છે એ ઘર મને આપી દે’

  • મહેશ્ર્વરી

મારી દીકરી ચેરીએ ફોન પર આક્રોશભર્યા સ્વરમાં કહ્યું અને હું સ્તબ્ધ થઈ ગઈ. ‘દીકરી એટલે વ્હાલનો દરિયો’, ‘દીકરી એટલે કુદરતે આપેલો વ્હાલનો ખજાનો’, દીકરી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ તાર, દીકરી એટલે ઈશ્વરે કરેલું ક્ધયાદાન…’ આ અને આવા બીજા ઘણા રૂપક તમે વાંચ્યા – સાંભળ્યા હશે.

મેં પણ વાંચ્યા કે સાંભળ્યા હતા. જોકે, ચેરીના ફોન પછી આ બધું પુસ્તકના પાનાં પૂરતું જ સીમિત હોય છે કે કેમ એવો વિચાર જરૂર આવી ગયો. જે દીકરીને વિષમ પરિસ્થિતિમાં પેટે પાટા બાંધી ઉછેરી, ભણાવી – ગણાવી ને પરણાવી એ જ દીકરી મને બેઘર કરવા માગતી હતી, પણ કેમ?

ફોન કરી આવા વેણ મારા કાનમાં ધગધગતું સીસું રેડાય એમ રેડી દીધા એના માટે એક સબળ આર્થિક કારણ જવાબદાર હતું. ‘મમ્મી, તારા દીકરા શાંગ્રિલે મારી પાસેથી ઉધાર પૈસા લીધા છે. નીતિન અને કલ્યાણી (મારી નાની દીકરી અને જમાઈ)ને મેં સાડા છ લાખ રૂપિયા આપ્યા છે. તકાજો કરવા છતાં એ લોકો મને મારા પૈસા પાછા નથી આપતા. હવે વ્યાજ સાથે રકમ વધી 12 લાખ રૂપિયા થાય છે. પૈસા પાછા આપવાની એ લોકોની દાનત નથી લાગતી. એટલે તારું ઘર મને આપી દે.’ આગળ એ બોલી નહીં પણ એને આ ઘર મળે એટલે એ વેચીને પોતાની રકમ પાછી મેળવી લેવાનો એનો આશય હતો એ હું ન સમજી શકું એટલી ભોળી તો નહોતી.

મારું મન ચકરાવે ચડી ગયું. મારી દીકરી, મારું લોહી મારા માથા પરનું છાપરું આંચકી લેવા માંગતી હતી? મારો રતીભાર દોષ ન હોવા છતાં? એ ઘર માટે ફાંફાં મારી રહી હતી ત્યારે મેં જ એને સાચવી હતી એ વાત એ ભૂલી ગઈ? ફોન પર મને તારો દીકરો, તારી દીકરી એમ કહેતી દીકરી એના સગા ભાઈ – બહેન છે એ વિસરી ગઈ? ‘કર્ઝ’ ફિલ્મનું ‘પૈસા યે પૈસા, હો મુસીબત ના હો મુસીબત’ ગીત મને યાદ આવી ગયું. પૈસાના ખેલ કેવા કેવા હોય છે એના મેં અનેક અનુભવ કર્યા છે, પણ આ અનુભવ મને વ્યથિત કરી ગયો.

અલબત્ત, શું કરવું એની જરાય મૂંઝવણ ન થઈ. મારો ફ્લેટ નાનો હતો, વન રૂમ – કિચનનો. મહા મહેનતે, પાઈ પાઈ જોડી બનાવ્યો હતો. પણ કલરવવાળા ઘરમાં મારે કોઈ કકળાટ નહોતો જોઈતો. ભાઈ – બહેનના ઝગડા પર પૂર્ણવિરામ મુકાઈ જાય એ માટે મેં મારી દીકરીને ઘર સોંપી દેવાનું નક્કી કર્યું. મારી પોતાની એકમાત્ર મિલકત એવું એ ઘર ચેરીના નામ પર કરી દીધું અને શાંગ્રિલ તેમ જ કલ્યાણીનું બધું દેવું ચૂકતે કરી દીધું. હું ઘર વિનાની થઈ ગઈ. મારે જ મારો માળો વિખેરી નાખવો પડ્યો. રહેવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી દીકરીના ઘરમાં રહેવાનું ચાલુ રાખ્યું.

એક મુસીબતમાંથી માંડ બહાર નીકળી ત્યાં જાણે કે બીજી મુસીબત મારી રાહ જોઈ રહી હતી.

મારા પતિ માસ્તરનું અવસાન થયું હોવાથી એમની સાથે રહેતા શાંતા બહેન અને એમનો પુત્ર નોધારા થઈ ગયા. એટલે મારા બાળકો મા – દીકરાને મારી સાથે રહેવા માટે લઈ આવ્યા. મને એ જરાય નહોતું ગમ્યું, કારણ કે જે ભૂતકાળને સાપ જેમ કાંચળી ઉતારી કાયમ માટે ત્યજી દે એ રીતે માસ્તર સાથેના જીવનના દરેક હિસ્સાને, એની દરેક સ્મૃતિને વિસરી ગઈ હતી. મારા વર્તમાનમાં એ વસમા ભૂતકાળનો નાનો સરખો પડછાયો પણ ન પડવો જોઈએ એ મારી અદમ્ય ઈચ્છા હતી. જોકે, આપણું ધાર્યું કાયમ થાય એવું નથી હોતું. કમને પણ મારે ગઈકાલને પડખામાં રાખી વર્તમાનમાં જીવવાનું હતું. છૂટકો જ નહોતો.

શાંતા બહેનનો દીકરો હતો મોટો, પણ એની પાસે નહોતી કોઈ નોકરી કે નહોતો કોઈ કામધંધો. એટલે મારા દીકરાએ એને કાપડના વેચાણનો નાનકડો ધંધો ગોઠવી આપ્યો. કામકાજને નિમિત્તે બહાર લોકોને હળવા મળવાનું વધ્યું અને આવન જાવનમાં શાંતા બહેનના સુપુત્રને કોઈ પટેલની છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે લગ્ન કરવા છે એવું તેણે નક્કી કરી લીધું. મારી કોઈ જવાબદારી નહોતી, પણ મારા દીકરાએ એના લગ્ન પણ કરાવી આપ્યા. આ બધું થયું એમાં રહેવાની વ્યવસ્થાની મુસીબત ઊભી થઈ. વન રૂમ – કિચનના ફ્લેટમાં હવે અમે ચાર રહેતા હતા અને એમાંથી એક નવ પરિણીત યુગલ. અગવડ પડે એ સ્વાભાવિક હતું. મારી પાડોશમાં એક મહિલા એકલી રહેતી હતી અને મને એની સાથે બહુ ફાવતું હતું. એટલે રાત્રે હું એમને ત્યાં સુવા જતી રહેતી અને આમ નવદંપતિને પોતાનો બેડરૂમ મળી ગયો. આમ પણ નાટક કે બીજા કોઈ શો માટે ઘરની બહાર ખાસ્સું રહેવું પડતું હતું એટલે વાંધો નહોતો આવતો.

ઘર મારા નસીબમાં નથી કે શું એ વિચારો મને ઘેરી વળ્યા. ખૂબ જહેમત કરી, પારાવાર મુસીબત ઉઠાવી મેં જોગેશ્વરીનું ઘર બનાવ્યું હતું, સજાવ્યું હતું. એ ઘરમાં કેટલાક વર્ષ રહ્યા પછી એક દિવસ મારે છોડીને ચાલી જવું પડ્યું હતું. ફરી સંઘર્ષ, ફરી મહેનત અને ફરી પાઈ પાઈ જોડી વન-રૂમ કિચનનો ફ્લેટ બનાવ્યો અને બાળકો વચ્ચેના પ્રોબ્લેમને કારણે મારે દીકરીના નામે કરવો પડ્યો. આ જાણે ઓછું હોય એમ એ જ ફ્લેટમાં હું રહેતી હતી જે ન રહેવા બરાબર હતું. વિધાતાના ખેલ કોઈ ક્યાં સમજી શક્યું છે? હજી આગળ શું શું જોવાનો વખત આવશે એ ક્યાં ખબર હતી?

જોકે, મારો દીકરો શાંગ્રિલ મારી અવદશા જોઈ વ્યથિત થયો હતો, પણ સ્વર્ગસ્થ પિતાની જવાબદારી પણ તેણે નિભાવવાની હતી. એના બધા પાસા સવળા પડી રહ્યા હતા અને તેણે દહિસર નજીક લિંક રોડ પર મોટો ફ્લેટ લીધો અને મારા રહેવાની વ્યવસ્થા ત્યાં કરી આપી. આજની તારીખમાં પણ હું દીકરાના જ ફ્લેટમાં રહું છું. એક એવી માન્યતા છે કે પરણ્યા પછી દીકરો વહુનો થાય અને માતા પિતા પ્રત્યે બેધ્યાન બની જતા વાર ન લાગે, જ્યારે સાસરે ગયેલી દીકરીને કાયમ માનું પેટમાં બળે અને એને મદદરૂપ થવા દોડતી આવે. જોકે, મારા કેસમાં સાવ ઊલટી ગંગા વહી રહી હતી.

આઘાત અને આંચકો એ બંનેને મારી સાથે કાયમ ખૂબ ફાવ્યું છે. એક સમસ્યામાંથી બહાર નીકળી હોઉં અને કોઈ વળાંકે બીજી સમસ્યા મારી રાહ જોતી હોય એવું મારા જીવનમાં ઘણી વાર બન્યું છે. પછી તો મને આઘાત અને આંચકાની એવી આદત પડી ગઈ કે એ ન થાય તો મને આશ્ર્ચર્ય થાય. કિરણ સંપટના ‘સાચાબોલા જુઠાલાલ’ નાટક દરમિયાન સુનિતા સોનાવાલાએ કેવી સમસ્યા ખડી કરી હતી એની વિગતે વાત મેં ત્રણ હપ્તા પહેલા કરી હતી.

નાટકનો મુંબઈમાં શો હતો ત્યારે સુનિતા થિયેટર પર આવી નિર્માતા કિરણ ભાઈને મળી અને પોતાની પાસે કામ નથી એટલે રોલ કરવા આપો એવી આજીજી કરવા લાગી. જોકે, નિર્માતા અને સાથી કલાકારો સહિત દરેક જણ એની વિરુદ્ધ હતા. સુનિતાને દરવાજો દેખાડી દીધો. જોકે, પછી મુકેશ રાવલ આવી નિર્માતાને કામ આપવા સમજાવી શક્યો અને સુનિતા ફરી ‘સાચાબોલા જુઠાલાલ’ની ટીમમાં જોડાઈ ગઈ. જોકે આ નિર્ણય કલાકારોને નહોતો રુચ્યો. હવે એને નાટકમાં તો લઈ લીધી હતી એટલે અમે બધા કામ પૂરતી વાત કરતા, બાકી એનાથી અંતર રાખીને રહેતા હતા.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : પતિના અંતિમ સંસ્કાર પતાવી સાંજે શૂટિંગમાં ગઈ!

એવામાં 31 ડિસેમ્બરની પાર્ટીનો દિવસ આવ્યો. બીજા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ અમારે ગુજરાતની ટૂરમાં જવાનું હતું. એટલે સુનિતા મારી પાસે આવી અને મને કહેવા લાગી કે…

ચોપાટીની રેતીમાં બેસી બાળકોને તાલીમ

નાટક હોય કે સિનેમા કે બીજું કોઈ સ્વરૂપ હોય, કલાકાર સાથે તેણે ભજવેલું પાત્ર પણ જો સ્મરણમાં રહી જાય તો એ દર્જેદાર અભિનેતાનું પ્રમાણપત્ર છે. ગુજરાતી નાટ્ય સૃષ્ટિએ એવા અનેક કલાકારો જોયા છે જેમણે ભજવેલા કેટલાક પાત્રો પણ રસિકોના સ્મરણપટ પર અંકિત થઈ ગયા છે. વનલતા બહેન મહેતા એ પંગતમાં બેસે એવા કલાકાર હતાં. નવી ગુજરાતી રંગભૂમિનાં જાજ્વલ્યમાન અભિનેત્રી અને બાલ રંગભૂમિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારાં વનલતા બહેન પાસે ઇન્ડિયન એકેડેમી ઓફ આર્ટ્સનો નાટ્ય ડિપ્લોમા હતો.

ભારત સરકારની અભિનયના પ્રશિક્ષણ માટે સ્કોલરશીપ પણ તેમને મળી હતી. મુંબઈની નવી ગુજરાતી રંગભૂમિના પ્રથમ શતપ્રયોગી નાટક ‘રંગીલો રાજ્જા’માં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત ‘ધરા ગુર્જરી’, ‘માઝમરાત’, ‘અલ્લાબેલી’, ‘મંગલ મંદિર’, ‘સ્નેહનાં ઝેર’, ‘પૂનમની રાત’, ‘પૃથ્વીવલ્લભ’ સહિત અનેક ખ્યાતનામ નાટકોમાં વિવિધ પ્રકારની યાદગાર ભૂમિકા તેમણે ભજવી હતી. ‘રંગીલો રાજ્જા’ના હસમુખ બહેન, ‘સ્નેહનાં ઝેર’નાં નયના બહેન, ‘અલ્લાબેલી’માં દેવબાઈ, ‘ઘરનો દીવો’માં અરવિંદા, ‘પૃથ્વીવલ્લભ’માં મૃણાલ ગોરે… તેમના યાદગાર પાત્રો છે.

પાત્રનો ઠસો ઊમટવાવાની તેમનામાં આવડત હતી. બાલ નાટ્ય પ્રવૃત્તિ માટે અફાટ પ્રેમ અને લાગણી હોવાથી ચોપાટીની રેતીમાં બેસી તથા બીજે ઠેકાણે ફરી અનાથ તથા કામદાર વર્ગનાં બાળકોને ગીત, સંગીત, નાટકની તાલીમ તેમણે આપી હતી. આ પ્રવૃત્તિના ફળસ્વરૂપે ગુજરાતી ટીવી સિરિયલ ‘મમતા’નું લેખન અને નિર્માણ થયું અને અમદાવાદ દૂરદર્શન પરથી તેનું પ્રસારણ થયું. આ ઉપરાંત બાળમાનસને સ્પર્શતા વિષયોને આવરી લેતી ‘પ્રેરણા’ ટી. વી. સિરિયલ દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. 1972માં ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે તેમણે ‘છોટે જવાન’ ફિલ્મ પણ બનાવી હતી.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : પહેલી વાર નાટકમાં નેગેટિવ રોલ કર્યો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button