ઝબાન સંભાલ કે : શુભ – અશુભ વચ્ચે અટવાય છે પંચક

-હેન્રી શાસ્ત્રી
પંચક શબ્દ કાને પડતા રૂઢિવાદીઓનો જીવ ઊંચો થઈ જાય છે. દર 27 દિવસે કુંભ અને મીન રાશિમાં ચંદ્ર આવે ત્યારે તે પાંચ દિવસ પંચકના કહેવાય છે. આ પંચકમાં પરદેશ નહીં જવાનું તેમ જ મકાન સંબંધી કોઈ કામ કરવા નહીં એમ કહેવાય છે. પંચક બેસવા એટલે અશુભ સંજોગ આવવો એવી માન્યતા છે. અલબત્ત જે શબ્દકોશમાં આવી વ્યાખ્યા આપી છે એમાં જ પંચકલ્યાણ એટલે કલ્યાણકારી પાંચ ચિન્હ જેની ઉપર હોય એવું, પાંચ શુભ ચિન્હવાળું એવી સમજણ પણ આપવામાં આવી છે. પંચકલ્યાણ એટલે એક જાતનો શુકનવાળો ઘોડો એવી પણ વ્યાખ્યા છે. આ ઘોડાના ચાર પગ અને માથા ઉપર સફેદ ટીલાની નિશાની હોય છે. ચાર પગ અને કપાળ એ પાંચનો ધોળો રંગ ઘોડા માટે શુભ ચિહ્ન ગણાય છે,
પાંચના સમૂહ માટે પણ પંચક શબ્દ વપરાય છે. અમ્લ પંચક એટલે બોર, દાડમ કોકમ, ચૂકો અને અમ્લવેતસ. ચૂકો અને અમ્લવેતસ વનસ્પતિના નામ છે. આયુધ પંચક એટલે સુદર્શન, વજ, પંચકપ્ત, કૌમુદી અને નંદક. નંદક એટલે વિષ્ણુનું ખડગ. કર્મેન્દ્રિય પંચક એટલે વાચા, હાથ, પગ, ઉપસ્થ અને ગુદા. ઉપસ્થ એટલે નિતંબ. જીવન પંચક એટલે મુક્ત, મુમુક્ષુ, સાધક, બુદ્ધુ અને પામર. મિત્ર પંચક એટલે ઘી, મધ, ગૂગળ, ચણોઠી અને ટંકણખાર. વર પંચક એટલે લગ્ન થઈ ગયા પછી મંડપમાં વરની સાથે રહેતા તેના કાકા, મામા વગેરે પાંચ માણસ. સુગંધી પંચક એટલે કેસર, અગર, કપૂર, કસ્તૂરી અને ચંદન.
આપણે ત્યાં સંયુક્ત કુટુંબની પરંપરા હવે લગભગ નામશેષ થઈ ગઈ છે. `માય સ્પેસ’ના નામે બધાને હવે અલગ અલગ રહેવું વધારે ગમે છે. અલગતા દર્શાવતી કહેવત છે અન્ન નોખા તેના મન નોખા. સંયુક્ત કુટુંબમાંથી બધા ભાઈ છૂટા પડે એટલે સ્વાભાવિક છે કે દરેકના રસોડાં પણ અલગ અલગ થઈ જાય. રસોડું એટલે રસોઈ કરવાની જગ્યા કે ઓરડી, રાંધણિયું, ભોજન સ્થળ, બબરચીખાનું, ભઠિયારખાનું, રાંધણી જેવા પર્યાય ઉપલબ્ધ છે. રસોડા અલગ થવા એટલે દરેક પરિવાર અલગ રહેવા જઈ પોતાની રસોઈ જુદી કરે. કોઈ કેસમાં એક છાપરા નીચે રહેતા હોય અને એક જ રસોડાનો ઉપયોગ પણ કરતા હોય છતાં રાંધવાનું અલગ અલગ થાય. જોકે, સૌના મન પણ પછી પોતપોતાના સ્વાર્થ જોતા થઈ જાય છે. પહેલા જેવો સ્નેહભાવ કે મનમેળ પછી નથી રહેતો.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ
ઘણા લોકોને બીજાના ઘરે કે પાર્ટીમાં વધુ પડતું ઝાપટી લેવાની આદત હોય છે. આવા અકરાંતિયા માણસ માટે અન્ન પારકું છે, કાંઈ પેટ પારકું છે? કહેવત વપરાતી હોય છે. અન્ન ભલે બીજાએ તૈયાર કર્યું હોય પણ લિમિટ બહાર ખાવાથી પેટમાં દુખાવો થાય. એ પેટ તો પોતાનું જ હોય એટલે તકલીફ સહન કરવી પડે. અન્ન અને દાંતને વેર કહેવતમાં દુશ્મનાવટ છે એવું સમજી બેસવાની ભૂલ નહીં કરતા. અહીં વેર શબ્દની માણસની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. કોળિયો ભોજન માટે પણ તકલીફ હોવી એ એનો ભાવાર્થ છે.
MEANING CHANGE
અંગ્રેજી ભાષામાં એવા ઘણા શબ્દો છે જેના જૂના અર્થ સાથે વર્તમાન અર્થ સરખાવો તો દિમાગ ચકરાવે ચડી જાય. The word HUSBAND once meant the male head of a household. Today, it specifically refers to a married man. Similarly, WIFE used to refer to any woman, but now signifies a married woman. હસબન્ડ એટલે પતિ અને વાઈફ એટલે પત્ની એ અર્થ આજે આપણે જાણીએ છીએ. જોકે, એક સમયે હસબન્ડનો અર્થ પતિ નહીં, પણ પરિવારનો મોભી એવો હતો. Think of it when women of household would introduce the seniormost as OUR HUSBAND.
વિચાર કરો કે ઘરની સન્નારીઓ આ અમારા પતિ છે એવી ઓળખાણ આપતા હશે એ વિચારમાત્રથી આજે ખડખડાટ હસવું આવી જાય ને. મહાભારતની પાંચાલી – દ્રૌપદી યાદ આવી જાય. વાઈફ શબ્દ કોઈ પણ સ્ત્રી માટે વપરાતો. આજે પત્ની માટે વપરાય છે. Imagine people saying many wives are staying in our building. પુરુષ એ સમયે એવું કહેતો હશે ને કે મારા બિલ્ડિંગમાં ઘણી પત્નીઓ રહે છે. રજવાડાના રાજા અને એની પટરાણીઓ જેવી વાત થઈ ને.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: ઉપાધિ: શોક કરાવે ને આનંદ પણ આપે…
કોઈ બાળક મસ્તીખોર કે તોફાની હોય તો એને અંગ્રેજીમાં ‘નોટી બોય’ કહેવાય છે. Naughty, which today means badly behaved rude, or indecent. It is primarily attached with children. નોટી યાને કે તોફાની અથવા શરારતી અર્થ મુખ્યત્વે બાળકો સાથે જોડવામાં આવે છે. ખરાબ વર્તન કે શરારતી વ્યક્તિ પણ ‘નોટી પર્સન’ તરીકે ઓળખાય છે. In the past Naughty used to mean that a person was poor or did not have anything. અગાઉના વખતમાં કોઈ વ્યક્તિ પાસે કશું જ ન હોય, ખાલીખમ હોય એને માટે ‘નોટી’ શબ્દ વપરાતો હતો. Naughty is derived from the Old English word “naught.” This word means nothing, as in the sense of having nothing or being poor and needy. Naughty (with the added “y”) did not acquire its current usage until some time in the late sixteenth century. ‘નોટી’ શબ્દ જૂની અંગ્રેજીનાં શબ્દ ‘નૉટ’ પરથી ઉતરી આવ્યો છે. નૉટ એટલે શૂન્ય, કશું જ નહીં. ખિસ્સા ખાલીખમ હોય, નિર્ધન અવસ્થા હોય, એને માટે આ શબ્દ વપરાતો હતો. સોળમી સદીમાં વર્તમાન અર્થ અસ્તિત્વમાં આવ્યો.
नानी – दादी की कहावतें
અસલના વખતની કહેવતો એટલે કે જે આપણને નાની અથવા દાદી કહેતા એમાં થોડામાં ઘણું કહી દેવાની શૈલી મજેદાર રહેતી. એક ઉદાહરણ પરથી વાત સમજાઈ જશે. मूंछ उखाड़े मुर्दा हल्को न होवे। તમે દલીલ કરશો કે મૂછ અને મડદાને શો સંબંધ. અહીં ભાવાર્થ મહત્ત્વનો છે. સમગ્ર મૃતદેહમાં મૂછનું વજન કેટલું. નગણ્ય જ ને.
इस कहावत का अर्थ इस रूप में लगाया जा सकता है कि छोटे-छोटे काम निपटाने से किसी बड़े काम में सफलता नहीं मिलती। बड़े काम को करने में इस तरह के छोटे-छोटे प्रयासों से मदद भी नहीं मिलती। इस तरह के छोटे काम निरर्थक ही कहे जा सकते हैं। નાના નાના કામ કરવાથી મોટા કામમાં સફળતા નથી મળતી. ટૂંકમાં નાના કામ નિરર્થક જ કહેવાય. મૂછ ઉખાડી લેવાથી મડદાનું વજન હલકું ન થાય એનો ભાવાર્થ સુપેરે સમજાઈ ગયો હશે. હવે બીજી કહેવત જાણીએ અને સમજીએ.
घर में नईंयाँ दाने, अम्मा चली भुनाने। नईंयाँ – नहीं हैं. ઘરમાં દાણો અનાજ ન હોવા છતાં એને શેકવા બહાર નીકળવું. આ એનો શબ્દાર્થ છે. यह कहावत ऐसे लोगों पर सटीक सिद्ध बैठती है जो स्वयं में कुछ न होने के बाद भी अपने आप में बहुत कुछ होने का दम भरते हैं। इसे दूसरे रूप में ऐसे भी देखा जा सकता है कि व्यक्ति कैसे झूठी शान दिखाता घूमता है। આ કહેવત ખાલી ખિસ્સાએ ધનપતિ હોવાનો ડોળ કરવા જેવી વાત છે. ખોટી શાન દેખાડતા ફરતા લોકો માટે આ કહેવત બંધબેસતી છે.
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે: વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય
दगड्यांच्या म्हणी
મરાઠીમાં પથ્થર दगड તરીકે ઓળખાય છે. दगड. ना काना, ना मात्रा. ना वेलांटी ना उकार. सरळ साधा, सोपा, जोडाक्षर नसलेला शब्द. असे असतानाही गुरूजी ‘द’ अक्षर शिकवताना ‘द-दगडाचा’ न म्हणता, ‘द-दफ्तराचा’ का म्हणायचे? हे आजही न सुटलेले कोडे आहे. દગડ શબ્દ કેવો સીધોસટ છે. નથી કાનો, નથી માત્રા, નથી દીર્ઘ ઈ કે ઊ કે નથી હ્રસ્વ ઇ કે હ્રસ્વ ઉ. જોડાક્ષર પણ નહીં. મૂરખના જામ માટે કે અક્કલહીન વ્યક્તિ માટે अगदी दगड आहे એમ કહેવાતું હોય છે. મગજમાં પાણો ભર્યો છે કે શું? એવું તમે સાંભળ્યું હશે. મરાઠી લોકોમાં ચોથનું વિશેષ મહત્ત્વ હોય છે. સૌથી મોટી ચોથ ગણેશ ચતુર્થી. સંકષ્ટી ચતુર્થી વદમાં હોય અને બીજી એક ચોથ છે दगडी चौथ. દગડ ચોથ પણ કહેવાય છે.
ભાદરવા સુદ ચોથ – ગણેશ ચોથને દિવસે કોઈ ચંદ્ર જુએ તો તેના ઉપર આળ આવે, છતાં ચંદ્ર જોનારો માણસ તે જ વખતે જો કોઈની ગાળ ખાય તો પછી આળ આવે નહીં એવી વહેમી માન્યતાને લીધે લોકો ચંદ્ર જોઈ ગાળ ખાઈ લેવાના ઈરાદાથી બીજા માણસના છાપરા ઉપર પથ્થર ફેંકે છે. એના પરથી આ ચોથ દગડ ચોથ પણ કહેવાય છે. दगडाला शेंदूर फासणे એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુને વિના કારણ મહત્ત્વ આપવું એવો અર્થ છે. दगडाला शेंदूर फासला तर च त्याला देवपण येतं। પથ્થરને કારણ વિના મહત્ત્વ આપવાથી જ એને દેવત્વ પ્રાપ્ત થતું હોય છે. અખાની વાત યાદ આવી ગઈ હશે: એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ.