સર્જકના સથવારે : દૃશ્યો જુદાં છે, ચિત્ર છે એક જ નિસર્ગનું ક્ધદીલ છે ભિન્ન રંગની, એક જ ઉજાસ છે

- રમેશ પુરોહિત
ગુજરાતી કવિતા સાહિત્યની વાત કરીએ તો અત્યારે ભાગ્યે જ સૉનેટ, છાંદસ અને ગદ્ય કાવ્યો લખાય છે. લખાય છે તો ફકત લય અને લહેકામાં વહી રહેલાં ગીતો અને ગઝલો. આ મારું સામાન્ય નિરીક્ષણ છે, કદાચ પરિસ્થિતિ જુદી પણ હોઈ શકે. ઉમાશંકર જોશીએ પહેલા ગઝલકાર બાલાશંકર કંથારિયાની કવિતાની ચર્ચા કરતા કહ્યું છે કે ‘મસ્તી કવિતાની જનની છે.’ ‘મસ્તી એટલે જગતને – વ્યવહારને સાપ કાંચળી ઉતારીને ફેંકી દે છે એમ ફેંકી દેવાની શક્તિ. આવી શક્તિ વગર કવિતા તત્ત્વનો પણ ઉદય અસંભવિત છે. આવી મસ્તી હોય તો જ ગઝલનો મિજાજ બને, ગઝલનો રંગ તગઝ્ઝુલ બને. ગમે તેટલા નવા કલ્પનો લાવીએ તો પણ એમાંથી ગઝલનો મિજાજ બને નહીં. ગઝલની શૈલીની અને કાવ્યતત્ત્વની હિફાજત ગઝલના રંગથી, મિજાજથી પણ થાય છે જેમ કે:
લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે
આ શેર અમૃત ઘાયલનો છે. ઘાયલની ભાષા, મિજાજ, મૌસિકી અને તગઝ્ઝુલનો અંદાજ હંમેશાં નિરાળો અને નોંધનીય રહ્યો છે. ક્યારેક આપણને પરિચિત વાત પણ સતત આપણાં ખ્યાલમાં રહેતી નથી. ક્યારેક વિચારાઈ જતી હોય છે.
ગઝલ રચનાની તમામ ખૂબીઓ ધરાવતી બળકટ રચનામાં કવિના ઉદ્ગારો સાહજિક અને સમર્થ હોવા જોઈએ અને ભાવકને વાંચતા એમ લાગે કે આ મારી-તમારી અને આપણાં સૌ કોઈની વાત છે જેમ કે ઘાયલ સાહેબની એક ગઝલમાં તેઓ કહે છે કે:
દુ:ખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી,
છતાં કહેવું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી.
અહીં સધાતો કટાક્ષ નોંધપાત્ર છે. એક વિધાન અને તેના સમર્થનમાં બીજું વિધાન અથવા એકમાંથી નીપજતું બીજું વિધાન અને એ બંનેના સંયોજનથી લાગતી લાક્ષણિક ચોટ ગઝલની અભિવ્યક્તિની વિશિષ્ટ ઘટના છે.
ગઝલમાં રોજ-બરોજની લોકબાનીનો રણકો એ ઘાયલની વિશિષ્ટતા છે. જેમ કે:
પરિવર્તન થયું છે મૂલ્યમાં કે બસ તૌબા
હતા જે લાખના તે ત્રાંબિયાના તેર છે સાકી
મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
ગઝલના મૂળમાં વાતચીત છે એટલે એ કંઈક કમ્યુનિકેટ કરે છે. આપણે પ્રત્યાયન કરીએ છીએ. આવી ગઝલો તો સ્વાભાવિક રીતે જન્મ પામતી હોય છે. એને માટે આયાસ થઈ શકે નહીં! ગઝલની વાણી, વિચારોની રવાની, ભાવનું ઊંડાણ, સાદગી, સચ્ચાઈ, નવીનતા, પ્રતીક અને અલંકારોનો ઉપયોગ સમૂચિત રીતે થયો હોય તો શેરિયત બને. સૈફ પાલનપુરીના બે શેર જોઈએ:
સમજદારીની કોઈ વાત સ્વીકારી નથી શકતો
કહે છે કોણ? પાગલને બંધન નથી હોતા
પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે
હોય જો પીનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે
ટૂંકી બહેરમાં, ઓછા શબ્દોમાં ગઝલ કેવી ચોટ સાધે છે તે જુઓ કાબિલ ડેડાણવીના આ શેરમાં
ઠેસ પહોંચાડવી છે હૈયાને?
કોઈ તાજુ ગુલાબ લઈ આવો.
આવી જ રીતે સામાન્ય વાતને કવિ પોતાની આગવી શૈલીથી કેવો નિખાર આપે છે એનો ખ્યાલ નસીમના આ શેરમાંથી આવે છે:
દૃશ્યો જુદાં છે, ચિત્ર છે એક જ નિસર્ગનું
ક્ધદીલ છે ભિન્ન રંગની, એક જ ઉજાસ છે.
મનોજ ખંડેરિયા એ ગુજરાતી ગઝલમાં મોખરાનું નામ છે. એમની વિશિષ્ટ પ્રતિભા એમના સર્જનમાં દેખાય છે. શેરિયત કેમ સધાય છે તે જોઈએ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ
જ્યારે શ્યામ સાધુ પ્રશ્ર્ન પૂછીને જવાબ આપે છે:
જુસ્તજૂ મેના સમી ટહુકી શકે પણ
એવું ક્યાં જાદુ હવે વાતાવરણમાં
ગઝલના દરેક શેરમાં પોતાનું ભાવવિશ્ર્વ અલગ હોય છે. શેરના પ્રથમ ચરણમાં કોઈ વિચાર કે ભાવ વહેતો મુકાય છે અને બીજા ચરણમાં ચોટદાર રીતે વિચાર સ્ફોટ થાય છે. શૂન્ય પાલપુરીનો શેર છે:
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
ભગવતીકુમાર શર્માની શૈલી અને ભાષાકર્મ આપણને અનેક પ્રભાવશાળી રચનાઓ આપે છે:
બારણાં ખુલ્લાં ટકોરા અંધ છે
આંગળીમાં ઝૂરતો સંબંધ છે
ક્યારેક તો એક જ રદીફ લઈને કે હમ કાફિયાથી ગઝલ લખાય છે, પણ શાયરની પોતાની શૈલી નવાં પરિમાણો સર્જે છે. જેમ કે ‘યાદ’ રદીફ લઈને મરીઝ કહે છે કે:
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ?
આ દર્દ મહોબતનું જે હરગિઝ નથી મટતું
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ
જ્યારે સૈફ પાલનપુરી ‘યાદ’ રદીફ પાસેથી આ રીતે કામ લે છે:
ના મારા ગુના યાદ કેના એની સજા યાદ
રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ
બે ચાર પ્રસંગો છે જે હું કહેતો ફરું છું
ક્યા છે હવે મારી મને સંપૂર્ણ કથા યાદ
આજ ‘યાદ’ રદીફ લઈને હરીન્દ્ર દવે લખે છે કે:
કોને ખબર તને હશે એ મારી દશા યાદ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ
પૂછો તો અંશમાત્ર બતાવી શકું નહીં
મનમાં તો એની છે મને એક્કે અદા યાદ
અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દોની વરણી અને એનું કલામય સંયોજન એટલા વાનાં આવશ્યક છે.
મરીઝનો શેર જોઈએ:
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ
એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે
બેફામનો આ શેર પણ આવી જ ચોટ સાધે છે,
રડયા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી
સચ્ચાઈ પણ તગઝ્ઝૂલને ઉપકારક છે, જેમ કે જલન માતરીનો આ શેર:
કૈં એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં
વીતી ગઈ છે રાત સવારે ખબર પડી.
ઘાયલ સાહેબની સચોટતા અને એ પણ સરળતામાં જુઓ આ શેર:
બે વાત કહીને પારેવાં થઈ જાયે છે આડાં અવળાં
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજજત છે…
ગઝલની ખૂબી એ છે કે એને શબ્દનો છોછ નથી હોતો. શયદા મદભરી, વાણી અને વ્યાકરણ એ ત્રણેય શબ્દોને એક જ શેરમાં સાથે મૂકે છે:
મદભરી આંખ એમની જોતાં
છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું
આ પણ વાંચો…સર્જકના સથવારે : ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું…