ઉત્સવ

સર્જકના સથવારે : ફકીર’ની છ દાયકાની ગઝલ સાધના ભરીને અમર રંગ ગઝલના રૂપમાં ફકીર’ જાન મારી ફિદા થઈ ગઈ…

  • રમેશ પુરોહિત

આપણા પરંપરાના પાયાના ગઝલકારોએ જે વિરાસત આપી છે તે અનમોલ મોતી સમાન છે. આજનો ગઝલકાર આ બધા પૂર્વસુરિયોને વાચે તો એમની રચનાઓમાં નવું તેજ જરૂર પ્રગટે. આજે આપણે એક એવા ગુજરાતી શાયરની વાત કરવી જેમણે છ દાયકા સુધી ગઝલની એકનિષ્ઠ સાધના કરી હતી. શયદા સાહેબ મુંબઈથી બે ઘડી મોજ નામનું સાપ્તાહિક પ્રગટ કરતા હતા ત્યારે 1927માં વલીમહમ્મદ `ફકીર’ની ગઝલ તેમાં પ્રકાશિત થઈ હતી. છેલ્લી ગઝલ 1989માં લખી.

ફકીર'નું ત્રણ ત્રણ પેઢીને આવરી લેતું સર્જન પરંપરાગત નથી. એ જમાનામાં જ્યારે ઉર્દૂ-ફારસી-અરબી શબ્દોની ભરમાર હતી ત્યારે ફકીરની ગઝલો શુદ્ધ ગુજરાતીમાં પ્રગટ થતી હતી. સંસ્કૃત શબ્દોનો એક આખો ખજાનો મળે છે.ફકીર’માં કોઈ સંસ્કૃતનો પંડિત પણ વસતો હશે એમ લાગે છે. બ્રહ્મસત્ય જગત્‌‍ મિથ્યા' અનેજિવો બ્રહ્મેવ નાપરમ્’ના આપણાં શાસ્ત્રની વાત એમણે એક શેરમાં એટલી સરસ રીતે કરી છે કે એ વાચીને લાગે કે એમનું જ્ઞાન કેટલું વિશાળ હશે. જુઓ આ શેર:

સૌ ધર્મ સંકેતે સકળ મનુજીવનનો પ્રારંભ એક
યદિ બ્રહ્મપ્રીતિનું પ્રતિપાદન નથી, તો કંઈ નથી.

આ પણ વાંચો: ઓપિનિયન : તમને ક્યારેય લોટરીની ટિકિટ લાગી છે?

એમના પુસ્તક ફકીર'ની ગઝલો'ની પ્રસ્તાવનામાં હરીન્દ્ર દવે નોંધે છે કેઆ ગઝલો એક સાથે વાંચતા આધુનિક ગુજરાતી ગઝલનું ત્રીસીની સાલમાં મહોરેલું ઉપવન યાદ આવે છે. એ વેળા ગઝલના સ્વરૂપની ગંભીર સાધના કરનારાં થોડાંક નામોમાં જનાબ વલીમહમ્મદ `ફકીર’નું નામ પણ છે. કાફિયા-રદીફનું વૈવિધ્ય, સરળ રજૂઆત, ફારસી પ્રચુરતાને તિલાંજલિ આપી શુદ્ધ ગુજરાતીનો આગ્રહ વગેરે આ ગઝલોની વિલક્ષણતા છે.

ગઝલ સંગ્રહ પહેલા છપાયેલ શેરની વાત કરતા હરીન્દ્ર કહે છે કે નવો નોખો અનુબંધ રચાઈ ગયો. શેર હૃદયને સ્પર્શી ગયા:

શરમ તણું ઘર રહી ન આંખો
વફા તણું ઘર હૃદય રહ્યું ના
`ફકીર’ ચાલો અરણ્યવાસે
રહ્યું ન કોઈ મકાન બાકી

આ મકતામાં કવિ બે પંક્તિમાં બે આલમની યાત્રા કરાવે છે. શરમ આંખોમાં ન હોય અને વફા હૃદયમાં ન હોય ત્યારે વસ્તી ઉજડી ગઈ એવું જ લાગે ને! શરમ કે વફા વિનાનું વેરાન એ એક આલમ છે અને જે સાચો સત્ય વેરાન છે એ અરણ્ય બીજી આલમ છે. એક વેરાનમાંથી બીજા વેરાન તરફની આ ગતિ જ મનુષ્ય જીવનમાં રહી છે ને!

એમની ગઝલો પ્રતિષ્ઠિત માસિક નવચેતન', શયદાના બે ઘડી મોજ તથાસાકી’ નામના અઠવાડિકમાં પ્રગટ થતી રહેતી.

ભારતના વિભાજન પછી તેઓ કરાચી ગયા. ત્યાં પણ પોતાનું સાહિત્ય સર્જન ચાલુ રાખ્યું. જાણીતાં ગુજરાતી અખબારો મિલ્લત',ડોન’, વતન' અનેમેમણ ન્યૂઝ’ પખવાડિકમાં એમની ગઝલો પ્રગટ થતી રહી.

1932-33ના ગઝલ મંડળના એક મુશાયરામાં જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે' એવી તરહી પંક્તિ અપાઈ હતી. એ પંક્તિ પરફકીરે’ લખેલી ગઝલ 1933માં ત્યારે કલકત્તાથી પ્રગટ થતા નવચેતન'માં, એ જ અરસામાં મુંબઈનાસાકી’માં પછી વતન' (કરાચી) અને મેમણ ન્યૂઝ (કરાચી)માં પ્રગટ થઈ. સસ્તુ સાહિત્ય તરફથી પ્રગટ થયેલીગુજરાતી ગઝલો’માં પણ તેને સ્થાન મળ્યું હતું. એ ગઝલનો સદાબહાર શેર છે:

હયાએ શિર ઝુકાવીને અદાથી શું કહ્યું એવું?
કે સૌ ઈન્કારથી પર-આજનો ઈન્કાર જુદો છે.

આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવું વર્ષ… નવી યોજનાઓ… નવું જોમ

ઈંતેકાલ પહેલા 1988માં ગઝલ લખી હતી તેનો સૂફી અંદાજ જોવા જેવો છે:

સુગંધ કોની સુષુપ્ત રંગે ફરી રહી છે સમગ્ર જગમાં
હું ધુન કોની સમગ્ર અંગે રમી રહ્યો છું ફરીને વનવન

1933માં મુંબઈના ફાર્બસ ગુજરાતી સભાના હોલમાં યોજાયેલા મુશાયરામાં વંચાયેલી અને `ગુજરાતી ગઝલ’માં સ્થાન પામેલી ગઝલ દિલના કરાર દિલમાં એ સમય તરફ લઈ જાય છે, જુઓ આ શેર:

આશાના પ્રાણ જૂઠા માયાની કાય જૂઠી
ઊર્મિ પ્રમાદની છે જગનો ચિતાર દિલમાં

ગઝલ સર્જનમાં અને મુશાયરાઓમાં હંમેશાં સાથે રહેલા આપણા ગઝલકાર આસિમ' રાંદેરી 1989માં કરાચી ગયા ત્યારે બન્ને પુરાણા મિત્રોનું મિલન થયું અને પછી દસ દિવસ પછીફકીર’ ખુદાને પ્યારા થઈ ગયા. પુસ્તકમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરીને આસિમભાઈએ સંસ્મરણો તાજાં કર્યાં છે. એ કહે છે કે ફકીર'ની સ્મરણશક્તિ ગજબની હતી. એમની મનોભૂમિ સાહિત્યમય હતી. ગુજરાતી, ઉર્દૂ અને ફારસીના સેંકડો અશઆર એમને કંઠસ્થ હતા. એમના પ્રિય ઉર્દૂ શાયરમોમિન’ હતા. એમણે `મોમિન’ની ગઝલનું સંપાદન કરી એક સુંદર પુસ્તક પ્રગટ કર્યું હતું જે તેમણે કરાચીની છેલ્લી મુલાકાત વખતે આસિમભાઈને પોતાના સ્વાક્ષરમાં ભેટ આપ્યું હતું.

ફકીર'ની ગઝલમાં અનાયાસ આવતા અને પોતાની શક્તિની રૂએ બાઅદબ ગોઠવાઈ જતા સંસ્કૃત શબ્દો એમની વિદ્વતાની પહેચાન પૂરી પાડે છે જેમ કેવારિધિ’, પ્રલોભન, અનિમેષ, અનુરક્તતા, તિમિર, મર્મ, અરિ, અસ્મિતા, અનુરાગ, અભિયોગ, બ્રહ્માંડ, દ્યુતિ, સંકર્ષણ, સૌરભ, સાંત્વન વગેરે. યાદી ઘણી લાંબી છે.

અત્યારની ખબર નથી પણ વીસમી સદીના છેલ્લા દાયકા સુધી પાકિસ્તાનમાં ગુજરાતી ભાષી શાયરોના મુશાયરાઓ થતા રહેતા. એમનાં પુસ્તકો પ્રગટ થતાં હતાં.

રાહી રાજકોટી, ફઝલ જામનગરી, દર્દ ફાઝલાણી, મઝહર ફારૂકી, દીપક બારડોલીકર, દિલ માણાવદરી વગેરે શાયરોનાં પુસ્તકો પ્રગટ થયાં છે. વસંત' નામના સંગ્રહમાં ચાર શાયરોના કલામ સમાવિષ્ટ થયા છે-ફકીર’ની ગઝલોના કેટલાક યાદગાર શેર માણીએ:

ભરીને અમર રંગ ગઝલ રૂપમાં
`ફકીર’ જાન મારી ફિદા થઈ ગઈ

હતી નીચી નજર એની મગર મીઠી નજર એની
સકળ સંસારથી એ યાર બેદરકાર જુદો છે.

જગતની રાયને મંત્રો સજીવ સૂચવવા
ગઝલને મારી – હું ઊર્મિ-પ્રધાન રાખું છું

ન વાણી કેરી સમૃદ્ધિ, ન મોહ શબ્દોનો
`ફકીર’ છું હું ફકીરી જબાન રાખું છું

મદિરા છે ન મહેફિલ છે – ન સાકી છે ન પ્યાલી છે
નથી મસ્તી મહીં આંખો મગર, આંખોમાં લાલી છે
ભરીને દેહ કંચનમાં સુહાગી પ્રાણ આશાના
`ફકીર’ તારી ગઝલના પુષ્પના રંગો ગુલાલી છે

દુ:ખ ઉપર નિર્ભર હતી સુખની સીમા
છે ઉષા સર્જન – નિશાના હાથમાં

અનાદિ કાળથી લગની રહી છે પ્રેમ-ચિંતનની
ખબર નિજની ભલા ક્યાંથી મને તારું મનન પ્યારું

જમાનો બદલી રહ્યો સરાસર, હવા મહીં એ સુવાસ ક્યાં છે
ફૂલોના રંજન-ભ્રમરના આક્રંદ, જગતને પ્યારા પ્રણયના ગુંજન
`ફકીર’ જુઠ્ઠા જગતના રંગો, છબી છબી સૌ અનિષ્ટ વ્યંગો
છે જગ નિયંતાની એક વિભૂતિ, વિશુદ્ધ ચિત્તે કરી લે વંદન

ઉરની કળી ખીલી ન વસંતે વિયોગમાં
ઉષ્મા મગર મિલનતણી-તુજ આગમનથી છે

તેં નયન બદલ્યાં અહીં મુજ ઉર તણી આંખો ખુલી
પ્રેમમાં તારી કૃપાથી થઈ ગયો જ્ઞાની હવે
`ફકીર’ અંજન કરીને જોઈ લે દિલના નિરંજનને
વિકલ્પો તો રહ્યા મબલખ મગર આચાર બાકી છે

પુષ્પો હતાં કવન મહીં એક સ્નેહ કુંજના
સૌને ગઝલ `ફકીર’ની દિલશાદ થઈ ગઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button