સર્જકના સથવારેઃ ગઝલના સાધક-બ્રહ્મશક્તિના ઉપાસક કાયમભાઈ હઝારી

રમેશ પુરોહિત
પ્રેમ, સૌન્દર્ય અને શિષ્ટતા જીવનનાં મહત્ત્વપૂર્ણ અંગો છે. તેનાં વગર પૂર્ણ માનવ બની શકાય નહીં. ગઝલમાં આ બધા સાથે સામાજિક નિસ્બત્ત, સામાજિક બોધ અને જવાબદારીઓ તથા નવાં મૂલ્યોની વાત પણ થઈ શકે. ગુજરાતી ગઝલને કાવ્યાત્મકતા અને વિચારપ્રધાનતા જેમનાથી પ્રાપ્ત થઈ તે કવિનું નામ છે કાયમઅલી અલીભાઈ હઝારી.
કાયમઅલીનો જન્મ મોરબીમાં 23 ડિસેમ્બર, 1943ના રોજ થયો હતો. ઇ. સ. 1966માં બી.ઈ. (સિવિલ) થયા. ગુજરાત રાજ્યના સિંચાઈ ખાતામાં એપ્રિલ, 1969થી 2001 સુધી રહ્યા. કાર્યપાલક ઈજનેર જેવા ઉચ્ચ હોદા પર રહીને કામની જવાબદારી વચ્ચે શબ્દ સાધના અને ગઝલ આરાધના સતત ચાલુ રાખી હતી.
ગઝલના ઇશ્કે-હકીકી ભાવને જીવનમાં ઉતારીને કાયમભાઈએ ગીતા, વેદ, ઉપનિષદ, પુરાણોનો અભ્યાસ કર્યો અને ગીતાના એક શ્ર્લોક પરથી પ્રેરાઈને બ્રહ્મ જિજ્ઞાસા જગાવીને બ્રહ્મ પ્રશ્નોપનિષદ નામનો ત્રણસો પાનાનો ગ્રંથ આપ્યો છે. જે વાંચતા જ એમના ઊંડા જ્ઞાનની ઝાંખી થાય છે.
એમના કવિકર્મ વિશે લખતા શાયર એસ. એસ. રાહીએ નોંધ્યું છે કે ‘કાયમભાઈ હઝારી બાહોશ ઈજનેર, મિજાજે ઠરેલા શાયર અને કર્મે તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. તેઓ રજૂઆતના કવિ છે એવા જ સારા વક્તા પણ છે. તેમને કોઈ વિચાર સ્ફૂરે કે પછી કોઈ ઘટનાના સાક્ષી બને ત્યારે તે બધું શેર-શાયરી રૂપે આપે છે. જીવતરની વિવિધ અનુભૂતિને આ શાયર ગઝલમાં ઢાળે છે.’
કાયમભાઈનું સર્જન વિશાળ છે. પ્રેમથી માંડીને પરમપિતા પરમાત્માના રહસ્યો સુધી એમની કલમને કામયાબી મળી છે. એમણે આપેલા ગઝલ સંગ્રહોની વાત કરીએ તો એમણે દીવાનગી, અલ્લાહ જાણે ઈશ્વર જાણે, આદમ ઈવનું પહેલું ચુંબન અને પોએટ્રી 2000 મિલેનિયમ વિશેષાંક આપણને આપ્યા છે. એમની ગઝલમાં તગઝ્ઝુલ એટલે પ્રણયરંગ છે તો તસવ્વુર (અધ્યાત્મ)નો સૂફી રંગ પણ છે. આ ગ્રંથોમાંથી પસાર થતાં તેમની સર્જનાત્મકતા અને વિચાર, વાણી, અર્થ અને કોમળ ભાવનાઓના દર્શન થાય છે.
એમની મોટા ભાગની રચનાઓમાં જીવનની વાસ્તવિકતાનું અને પાખંડી વહેવારોનું ખંડન દેખાય છે. સારા કવિ, સારા વક્તા હોવાથી એમની વાણીનો વૈભવ માણવા જેવો છે. વાસ્તવમાં આપણે ઘણું જાણીએ છીએ અને ઊંડી અને ગહન શોધખોળ કરીએ છીએ પરંતુ જાતને જાણતા નથી અને અહમ્ને ઓગાળતા નથી. સૌ પ્રથમ પોતાની તરતપાસ જરૂરી છે. આ આભાસી-માયાવી દુનિયામાં પોતાની જાતની તપાસ કરનારાને સાચા મોતીનો ચારો મળે છે. કાયમભાઈ પોતાની તપાસની, પોતાની શોધની વાત એક આખી ગઝલમાં ક્યાં કરે છે, કેવી રીતે કરે છે તે જોઈએ:
આભાસના નગરમાં શોધું છું હું મને
આ આયનાના ઘરમાં શોધું છું હું મને.
તાકી રહી છે મુજને, આશા હજાર લઈ,
લાચાર એ નજરમાં શોધું છું હું મને.
આદમથી આજ સુધી વીતી ગયો છે જે,
એ કાળની ભીતરમાં શોધું છું હું મને.
આવો મદદ કરો! મને આવો મદદ કરો!!
મારા જ ખુદના ઘરમાં, શોધું છું હું મને
‘કાયમ’ ચણી છે મેં જે સોનાની ઈંટથી
વૈભવની એ કબરમાં શોધું છું હું મને.
શોધખોળ પૂરી ન થાય, મંઝિલ મળે નહીં ત્યારે ભટકવાનો વખત આવે. જેની સાધના પૂરી નથી થઈ અને મનનું ભટકવું ચાલુ છે તેવા લોકોને ધ્યાનમાં રાખીને એમણે કહેલી ગઝલના ચંદ શેર પેશ કરું છું:
મારી જ પ્યાસથી જ્યાં છલકી રહ્યો છું હું,
તૃપ્તિની લઈ તરસ ત્યાં ભટકી રહ્યો છું હું
યુગોથી કાં સતત આ સાગરની લહેર સમ-
પામી કિનારો માથુ પટકી રહ્યો છું હું
એવી હદે સુંવાળો, લિસ્સો બની ગયો-
મારા જ હાથમાંથી સરકી રહ્યો છું હું
‘કાયમ’ થતી રહી છે, મારી કતલ અહીં
કયા કારણે જગતને ખટકી રહ્યો છું હું.
ગઝલ લેખનની પ્રક્રિયા વિશે બોલતાં એમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘જ્યારે કોઈ વિચાર મગજમાં સ્ફૂરે કે કોઈ ઘટના નજર સામે આવે ત્યારે તે એકાદ શેરમાં પરિણમે છે. આ શેર ડાયરીમાં ટપકાવી લઉં છું. પછી શેર રદીફ-કાફિયાના અનુસંધાને જીવનની અલગ અલગ અનુભૂતિ સાથે સંલગ્ન વાતો અન્ય શેરમાં વણાઈ જાય છે. આ રીતે ગઝલ લખાઈ જાય છે.
કાયમભાઈએ ગઝલ ઉપરાંત નઝમ અને મુક્તકો આપ્યા છે. તેઓ સારા આસ્વાદક પણ છે. એમણે અલ્લામા ઈકબાલ રચિત નઝમ ‘શિકવા અને જવાબે શિકવા’નો અનુવાદ અને રસાસ્વાદ પણ કર્યો છે. એમની ગઝલોમાં સુંદર કલ્પનાનો અનોખો વૈભવ છે. સાંપ્રત સમસ્યાઓ કે ઘટનાઓથી દિલ વિચલિત થાય ત્યારે એમની પાસેથી મિજાજી ગઝલો અને નઝમો મળી છે. પરંપરાના રાજ્યમહેલમાં આધુનિકતાની બારી ખુલ્લી રાખીને બન્નેની ઉચ્ચતમ ખુબીઓનો સમન્વય એનામાં નજરે ચડે છે.
અર્ધી સદીની શબ્દ સાધનાના ઉંબરે આવીને હજુ પણ તેઓની કલમ અટકી નથી. એમની પ્રિય એવી બ્રહ્મ પીપાસા ચાલુ જ છે અને આશા રાખીએ કે ગઝલની સાથે સાથે વેદ-ઉપનિષદનો સારાંશ આપણને મળશે.
આ શાયરના કેટલાક પ્રતિનિધિ શેરોનો આસ્વાદ કરીએ:
જ્ઞાની! તમોને શું આ સમજાવવું જરૂરી?
ભીના થવાને માટે કોરાં થવું જરૂરી
- * *
ખુલ્લી કિતાબ જેવી છે જિંદગી છતાં
તૂટ્યા નહીં ભરમ એ મુકદ્રની વાત છે - * *
તારો જ સ્પર્શ એમાં અકબંધ છે હજુ પણ
મારે એ બંધ ઘરની સાંકળ સુધી જવું છે.
કયા આશયે કરી છે દુનિયાની આ દશા તેં?
ઈશ્વર! મને એ તારી અટકળ સુધી જવું છે. - * *
ધારું તો ભૂંસી નાંખુ તારુંય નામ, પણ
રહેતું નથી પછી કંઈ જીવનના સારમાં - * *
ખુદાને વાસ્તે ઝાહિદ ન ચર્ચા કર ખુદાની તું
તું કેવળ નામ જાણે છે, હું જાણું છું ખુદાને પણ. - * *
અહીંયા તો સજ્જનોનું એકેય ઘર નથી!
તેથી તો આ નગરમાં ચોરોનો ડર નથી!! - * *
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા. - * *
તમે કાપીને કાં ફેંકી દીધા? એ તો તમે જાણો
મેં લંબાવ્યા હતા હાથો તમોને ભેટવા માટે - * *
અરે સાકી! સુરાલય કાં ચલાવે તું ખુદા માફક
પીધેલાના ભરેલા જામ ને પ્યાસાના ખાલી છે.
પીવાશે તો જ એ રંગત અનેરી લાવીને રહેશે
જીવન પણ આમ તો ‘કાયમ’ સુરાની એક પ્યાલી છે.
થયો હું પૂર્ણ જ્ઞાની ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું-
નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું
હતા, સંજોગો સરખા, ભલે કારણ હતાં જુદા-
મને આડું સ્વામાન આવ્યું, તને આડું ગુમાન આવ્યું
ચરમ સીમા હતી ‘કાયમ’ એ મારી કમનસીબીની-
જીવનના અંત ટાણે રોગનું સાચું નિદાન આવ્યું. - * *
નથી સંકેત ગાલો પર અમીરીની ગુલાબીનો
હકીકતમાં એ દુનિયાના તમાચાઓની લાલી છે - * *
અટકીને એ અચાનક પોઢી ગયા કબરમાં-
કહેતા હતા જે ‘કાયમ’ આગળ સુધી જવું છે. - * *
જરૂરી પ્રીતમાં ના છે પ્રિતમના ઘરનું સરનામું
નદી ક્યાં કોઈને પૂછે છે શું સાગરનું સરનામું.
આ પણ વાંચો…સર્જકના સથવારે: ગઝલમાં કલંદરના નારા જગાવનાર મનુભાઈ ત્રિવેદી