ઉત્સવ

આજે રામનવમીથી રોજ રામલલાનું સૂર્ય તિલક કરાશે

લોકમિત્ર ગૌતમ

6 એપ્રિલ 2025થી એટલે કે આજથી અયોધ્યાના રામ મંદિરમાં દરરોજ રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ નિર્ણય મંદિર નિર્માણ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંતર્ગત લગભગ 4 મિનિટ સુધી સૂર્યનાં કિરણો રામલલાના કપાળને શોભાવશે. સમિતિના અધ્યક્ષ અને પૂર્વ આઇએએસ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, દરરોજ સૂર્ય તિલકનું આયોજન આગામી 20 વર્ષ સુધી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે રામ નવમીના દિવસે એટલે કે 17 એપ્રિલ, 2024ના રોજ સૂર્યનાં કિરણો સાથે પ્રથમ વખત રામલલાનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો, જેને `સૂર્ય તિલક’ કહેવામાં આવ્યું હતું. તેની વૈજ્ઞાનિક તકનીક મુખ્યત્વે પ્રકાશના પ્રતિબિંબ અને રીફ્રેક્શનના સિદ્ધાંતો પર આધારિત છે.

કેવી રીતે કરવામાં આવ્યું સૂર્ય તિલક?

સૌપ્રથમ સ્ટોરેજ લેન્સ, ક્નડેન્સર લેન્સ અને અરીસાની મદદથી સૂર્યનાં કિરણોને એક નિશ્ચિત સ્થાન પર કેન્દ્રિત કરવામાં આવ્યા હતા, તે સૂર્યની સ્થિતિની ચોક્કસ ખગોળશાસ્ત્રીય ગણતરી અને એન્જિનિયરિગનું પરાક્રમ હતું, જેના દ્વારા અરીસાઓ અને લેન્સને ચોક્કસ ખૂણા પર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેના લીધે સૂર્યનાં કિરણો સીધા રામલલાના કપાળ પર સુશોભિત થયાં. આ સમગ્ર પ્રક્રિયામાં સૌર સંરેખણ અને ભારતીય ખગોળશાસ્ત્રના સચોટ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ દર વર્ષે રામ નવમીના દિવસે આવું કરવાનો પ્રસ્તાવ હતો. પરંતુ આ રામ નવમીથી આવતા 20 વર્ષ સુધી દરરોજ આમ થશે.

આવું પહેલાં ક્યાંય બન્યું છે?

મુગલો દ્વારા નુકસાન પહોંચાડ્યાના પહેલાં સુધી, સૂર્યના પ્રથમ કિરણો ઓડિસ્સાના કોણાર્કના સૂર્ય મંદિરના મુખ્ય ગર્ભગૃહ સુધી પહોંચતાં હતાં, પરંતુ કોઈપણ પ્રતિમાના માથા પર કોઈ ચોક્કસ તિલક થતું નહોતું. એ જ રીતે, મહારાષ્ટ્રના કોરાડી મંદિરમાં, સૂર્યનાં કિરણો એક ખાસ દિવસે ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે. એ જ રીતે, મદુરાઈ (તામિલનાડુ) ના મીનાક્ષી મંદિરમાં, પણ સૂર્યપ્રકાશ ગર્ભગૃહ સુધી પહોંચે છે. બૃહદેશ્વર મંદિર (તંજાવુર) માં પણ, સૂર્યપ્રકાશ વિશિષ્ટ સંરેખણ દ્વારા નિશ્ચિત સમયે શિવલિંગ પર પડે છે, પરંતુ આ તમામ મંદિરોમાં, કોઈપણ મૂર્તિના કપાળ પર તિલક લગાવવાની ટેક્નોલોજી પહેલાં ક્યારેય નહોતી, જે પ્રકારની ટેક્નોલોજીથી રામલલાના કપાળને શણગારવામાં આવ્યું હતું. આવી ખાસ ટેકનિકનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉની તમામ તકનીકો પ્રકાશ સંરેખણ દ્વારા ગર્ભગૃહમાં સૂર્યનાં કિરણોને મોકલવા સુધી મર્યાદિત હતી.

આ પણ વાંચો: અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…

દુનિયામાં બીજે ક્યાં આવું બન્યું છે?

અબુ સિમ્બલ મંદિર (ઇજિપ્ત)માં દર વર્ષે 22 ફેબ્રુઆરી અને 22 ઑક્ટોબરના રોજ, સૂર્યનાં કિરણો સીધા ફ્રાઓ રામસેસ દ્વિતીયની પ્રતિમા પર પડે છે, પરંતુ જે રીતે સૂર્યનાં કિરણો અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાની મૂર્તિ પર પડે છે તેવી રીતે મૂર્તિના કપાળ જેવી ચોક્કસ જગ્યા પર થોડી મિનિટો માટે ચોક્કસ પડતા નથી.

આ કેટલી મોટી ટેકનોલોજી છે?

આ ટેકનોલોજી વાસ્તવમાં એન્જિનિયરિગ અને ખગોળશાસ્ત્રનું સંયોજન છે. આ ટેક્નોલોજીમાં એકસાથે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને પ્રકાશ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકીકતમાં, આ દુર્લભ ગોઠવણી અર્થાત રેર એલાઇનમેંટ, અત્યંત ચોક્કસ સમયની ગણતરી અને મિરર-લેન્સ સિસ્ટમના ઉત્તમ સંકલનનું પરિણામ છે. પહેલીવાર આ સૂર્ય કિરણ તિલક મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાનનો હિસ્સો બન્યો છે. સૂર્ય તિલક એ ખૂબ જ જટિલ તકનીક છે. કોઈ ચોક્કસ દિવસે ચોક્કસ ક્ષણો માટે તેને સુનિશ્ચિત કરવું એ પણ એક કુશળતા છે.

દરરોજ સૂર્ય તિલક કરવું કેવી રીતે શક્ય બનશે?

રામનવમી એટલે કે 6 એપ્રિલથી દરરોજ સૂર્ય તિલક કરવાનો પ્રસ્તાવ હોવાથી મનમાં એવા સવાલો ઉઠવા સ્વાભાવિક છે કે જ્યારે સૂર્યોદય સમયે વરસાદ, ધુમ્મસ હોય ત્યારે આ બધું કેવી રીતે શક્ય બનશે? નિષ્ણાંતોના મતે જો કોઈ દિવસે વરસાદ, વાદળો કે ખરાબ હવામાનને કારણે સૂર્યનાં દર્શન ન થાય તો સૂર્ય તિલકની ટેકનિક સંપૂર્ણપણે સીધા સૂર્યપ્રકાશ પર આધારિત હોય તો તે દિવસે સૂર્ય તિલક કરવું શક્ય નથી. કારણ કે ખગોળીય ઘટનાઓ કુદરતી રીતે હવામાન પર આધારિત છે. તેથી વિશ્વમાં ગમે ત્યાં 100% આ કરવું કુદરતી રીતે સુનિશ્ચિત કરી શકાતું નથી. પરંતુ સૂર્યોદય વિના પણ, વિવિધ વૈજ્ઞાનિક તકનીકોથી તે 100 ટકા શક્ય છે.

આ પણ વાંચો: સુખનો પાસવર્ડ – : `સર્ટિફિકેટવીરો’ની પરવા કર્યા વિના જીવવું જોઈએ

કૃત્રિમ વિકલ્પો દ્વારા શક્ય

જો મંદિર પ્રશાસન ઈચ્છે તો કેટલાક વૈકલ્પિક ટેક્નિકલ ઉપાયો અપનાવી શકાય જેમ કે કૃત્રિમ લાઇટિગ સિસ્ટમ. જે રીતે સોલાર પાવર પ્લાન્ટમાં સોલાર લેમ્પનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે અહીં પણ ખાસ પ્રકારની લાઇટિગની વ્યવસ્થા કરી શકાય છે. આ એલઇડી અથવા લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશનું કૃત્રિમ સ્વરૂપ બનાવી શકાય છે, જેથી તિલકની પરંપરા ચાલુ રહી શકે. રિફ્લેક્ટર મિરર સિસ્ટમથી પણ આ શક્ય છે. જો કોઈ પણ દિવસે સીધો સૂર્યોદય ન થાય તો તેના માટે પાછલા દિવસોથી એકત્રિત થયેલ પ્રકાશનો ઉપયોગ કરી શકાય છે.

હોલોગ્રામ ટેકનોલોજીનો વિકલ્પ

બીજો વિકલ્પ 3ડી પ્રોજેક્શન અથવા હોલોગ્રામ ટેક્નોલોજી હોઈ શકે છે, જે તિલકની અસર વાસ્તવિક સૂર્ય તિલક વખતે જે રીતે થાય છે તે રીતે જ બતાવશે. જો કે મંદિર પ્રશાસને હજુ સુધી કોઈપણ કટોકટીની સ્થિતિમાં કૃત્રિમ વિકલ્પો અપનાવવાની જાહેરાત કરી નથી, જો ભક્તોની માગ વધશે તો ભવિષ્યમાં કૃત્રિમ લાઇટિગ અથવા વૈકલ્પિક તકનીકોનો સમાવેશ કરવામાં આવી શકે છે.

અન્ય તકનીકો

ઘણી વખત એવું બને છે કે મોસમી પરિસ્થિતિઓને કારણે સામાન્ય રીતે સૂર્ય ઊગતો જોઇ શકાતો નથી, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમ છતાં સૂર્ય વાદળોની પાછળ તો હોય જ છે અને તેનો પ્રકાશ કોઈને કોઈ રૂપમાં પૃથ્વી પર આવતો હોય છે. એટલે કે નિયત સમયે સૂર્ય તેના સ્થાને ઉગી જાય છે, પછી ભલે તે વાદળોમાં છુપાયો હોય. તેનો પ્રકાશ કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વી પર આવે છે. વૈજ્ઞાનિક સાધનોની મદદથી સૂર્ય તિલક માટે આ પ્રકાશનો ઉપયોગ સૂર્ય તિલક માટે શક્ય છે. આ માટે આધુનિક ઓપ્ટિકલ ટેક્નોલોજી અને સોલાર એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે ઓપ્ટિકલ સેન્સર્સ અને રિલે મિરર્સ તેમજ સન ટે્રકિગ સેન્સર્સનો ઉપયોગ કરીને સૂર્ય દેખાતો ન હોય ત્યારે પણ આ શક્ય છે. કારણ કે આ સેન્સર સૂર્યની સ્થિતિને ટે્રક કરે છે, ભલે તે વાદળોની પાછળ છુપાયેલ હોય. આવી સ્થિતિમાં, આ સેન્સર ખાસ મિરર સિસ્ટમની મદદથી મૂર્તિના કપાળ સુધી થોડો સૂર્યપ્રકાશ પણ પહોંચાડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button