મોર્નિંગ મ્યૂસિંગ : ઓનલાઈન દુનિયાની કડવી સચ્ચાઈ સાથે બોધપાઠ આપતી `એડોલસન્સ’

-રાજ ગોસ્વામી
બાળકોનું ડિજિટલ થવું એ આધુનિક સમયનાં માતા-પિતા માટે સૌથી મોટો પડકાર છે.નેટફ્લિક્સ' પર આજકાલ ચર્ચાસ્પદ બનેલી
એડોલસન્સ’ નામની બ્રિટિશ ક્રાઇમ ડ્રામા સિરીઝનો આ કેન્દ્રિય વિચાર છે.
ભારતમાં પણ બાળકો મોટાભાગે મોબાઇલ ફોન પર નિર્ભર થઇ ગયાં છે. આવી સ્થિતિમાં આ સિરીઝ ભારતીય માતા-પિતા માટે એક સચોટ ચેતવણી સાબિત થઈ રહી છે. આજનાં બાળકો કોઈ પણ દેખરેખ વિના ગેમિંગ, સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે, જે એમના માનસિક અને શારીરિક વિકાસને અસર કરી રહ્યું છે. માતા-પિતા સમજે છે કે એમનાં બાળકો મોબાઇલમાં ખોવાઈ જાય છે, જે એમની આંખો અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, પરંતુ મોટાભાગનાં માતા-પિતા પાસે બાળકોને તેનાથી દૂર રાખવાનો કોઈ ઉપાય નથી. આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ આ વેબ સિરીઝમાં ઉઠાવવામાં આવ્યા છે.
ખાસ કરીને ભારતીય માતા-પિતા માટે આ એક ચેતવણી છે કે પેરન્ટિંગ માત્ર એમના અભ્યાસ અને પરીક્ષા સુધી મર્યાદિત નથી, એમને ઇન્ટરનેટના ફાયદા-ગેરફાયદાથી સચેત કરવાં પણ જરૂરી છે.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : સાત સદીઓ પછી પણ દિલ્હીની વાસંતી હવામાં ગુંજતી અમીર ખુસરોની વિરાસત…
આ સિરીઝમાં જેમી મિલર નામના 13 વર્ષીય એક એવા વિધાર્થીની વાર્તા છે, જે સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવનો શિકાર છે અને એની અસરમાં કેટી લિયોનાર્ડ નામની એની સહપાઠીની હત્યા કરી નાખે છે. આ ઘટનાના સાંયોગિક પુરાવા પરથી એની ધરપકડ કરવામાં આવે છે. પોલીસ જ્યારે એની ઊલટતપાસ શરૂ કરે છે, ત્યારે એનાં માતા-પિતાની આંખો ખોલી નાખે તેવું સત્ય બહાર આવે છે.
આ સિરીઝની પ્રશંસા કરતાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે એની ઇન્સ્ટાગ્રામ' પોસ્ટમાં લખ્યું છે,
હું જાણું છું કે બાળકનો ઉછેર કરવો એ એક આશીર્વાદ છે, પરંતુ તે એક મુશ્કેલ જવાબદારી પણ છે. કોઈ પણ પુસ્તક અથવા પોડકાસ્ટ તમને શ્રેષ્ઠ માતા- પિતા બનાવવાનું શીખવી નથી શકતું. સૌ પ્રથમ, તમારે ખુદ સાં બનવું પડશે.’
ડિજિટલની દુનિયા બાળકો માટે ચિંતાનું કારણ બની રહી છે તે આપણા સમયની એક હકીકત છે. બાળકો સ્ક્રીન સામે વધુ સમય પસાર કરી રહ્યા હોવાથી, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ વધી રહી છે, અને તેમાં બાળકો એકલતાવાદી, હિંસક અને બિનઆરોગ્યપ્રદ બેઠાડુ જીવનશૈલીનો ભોગ બની રહ્યા છે. ઓનલાઇન વધુ સમય પસાર કરવાને કારણે નાનાં બાળકો પણ સાયબર ધમકીઓ, ઓનલાઇન ફ્રોડ અને અન્ય જોખમોનો ભોગ બની રહ્યાં છે. `એડોલસન્સ’નો જેમી આવો જ શિકાર છે.
આ પણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : લોકો ફિલ્મોમાંથી પણ શીખતા હોય છે કે પછી…
બાળકો અને કિશોરોની સુરક્ષા માટે થઈને જ ભારતમાં 2023માં `ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ’ લાવવામાં આવ્યો હતો. આ કાયદાના નિયમો હેઠળ, સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખોલવા માટે માતા-પિતા અથવા વાલીઓની સંમતિ ફરજિયાત છે.
બાળકોને ઓનલાઈનની દુનિયામાં વધતાં જોખમોથી બચાવવા માટે આ એક અસરકારક અને પ્રશંસનીય પગલું છે, પણ એ પૂરતું નથી. ગયા વર્ષે મોબાઈલ બનાવતી એક અગ્રણી કંપની અને આ વર્ષે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીએ, દેશના યુવા સ્માર્ટફોન યુઝર્સ પર હાથ ધરેલાં એક સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું કે ફોનના વળગણના કારણે પેરન્ટ્સ અને સંતાનોના સંબંધોમાં દરાર પડી રહી છે, કિશોરોમાં ઉદ્વેગ (ઍંગ્ઝાયટિ), આક્રમકતા, એકાગ્રતાનો અભાવ, સ્ટે્રસ માથાનો દુ:ખાવો અને અને આંખોની સમસ્યા વધી રહી છે.
એ અગાઉ, 2022માં, અન્ય એક સર્વેક્ષણમાં શહેરોમાં રહેતાં 40 પ્રતિશત પેરન્ટ્સે એકરાર કર્યો હતો કે 9થી 17 વર્ષની વયનાં બાળકોમાં સોશિયલ મીડિયા, વીડિયો અને ઓનલાઈન જુગારની આદત ચિંતાજનક રીતે વધી છે.
`ન્યૂયોર્ક યુનિવર્સિટી’ની સ્ટર્ન બિઝનેસ સ્કૂલમાં એથિકલ લીડરશીપના પ્રોફેસર અને સામાજિક મનોવિજ્ઞાનમાં ડોકટરેટ કરનાર જોનાથન હૈડટે તાજેતરમાં જ એક મહત્ત્વનું પુસ્તક લખ્યું છે : The anxious generation (વ્યથિત પેઢી).
આ પુસ્તક આંખ ઉઘાડનાં છે. આપણે એના વિશે એટલા માટે વાત કરવી જોઈએ, કારણ કે ભારતમાં લગભગ 65 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે, જયારે અમેરિકામાં લગભગ 28 કરોડ છે. ચીનમાં સૌથી વધુ 95 કરોડ છે, પરંતુ ત્યાં ઇન્ટરનેટ પર જાતભાતની પાબંધીઓ છે એટલે ત્યાં કદાચ એવી સમસ્યાઓ ઓછી
હશે. પુસ્તકમાં, જોનાથન હૈડટ લખે છે:
2010ના દાયકાની શરૂઆતમાં, કિશોરોમાં માનસિક બીમારીના દરમાં અચાનક વધારો નોંધાયો હતો અને ત્યારથી તેજ વધી રહ્યો છે. અમેરિકાની કોલેજોના વિદ્યાર્થીઓમાં, 2010 અને 2018ની વચ્ચે હતાશા અને ચિંતાનું પ્રમાણ બમણું થઈ ગયું છે. 2020ના દાયકામાં જાતને હાની પહોંચાડનારી કિશોરવયની છોકરીઓમાં 188% અને છોકરાઓમાં 48%નો વધારો થયો છે. યુવા કિશોરોમાં આત્મહત્યાનો દર પણ છોકરીઓમાં 167% અને છોકરાઓમાં 91% વધ્યો છે.
યુકે અને અન્ય ઘણા પશ્ચિમી દેશોમાં આવું જ વલણ જોવા મળ્યું છે. હૈડટ માને છે કે માનસિક સ્વાસ્થ્યની કટોકટી
સ્માર્ટફોનના અને સોશિયલ મીડિયાના મોટા પાયે થયેલા આગમનને આભારી છે. સ્માર્ટફોને બાળકોનું બાળપણ
છીનવી લીધું છે. અગાઉની પેઢીઓમાં, સ્ટે્રસ અને ડિપ્રેશન વયસ્ક ઉંમરે જોવા મળતાં હતાં, પરંતુ ઘર બહાર જઈને
રમવાની ઉંમરે ઘરમાં બેસીને સ્માર્ટફોન સાથે મોટાં થતાં બાળકોમાં નાની ઉંમરથી જ માનસિક સમસ્યાઓ જોવા મળી રહી છે.
નવી સદીનાં બાળકોનો અભ્યાસ કરવા માટે શ થયેલી `બ્રિટિશ મિલેનિયમ કોહોર્ટ સ્ટડી’ એ 2000-02માં જન્મેલાં 19,000 બાળકોનું સર્વેક્ષણ કરીને કહ્યું હતું કે ખાસ કરીને છોકરીઓમાં, સોશિયલ મીડિયા પર વિતાવેલા કલાકો સાથે ડિપ્રેશનનો દર વધ્યો છે. જે છોકરીઓ દિવસમાં પાંચ કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે તો એમનામાં ડિપ્રેશનમાં આવવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે.
આ પુસ્તક વાંચ્યા પછી બિલ ગેટ્સ લખે છે, `પુસ્તક વાંચીને મને આશ્ચર્ય થયું: જો હું આજની ટેકનોલોજી સાથે મોટો થયો હોત તો શું હું આ આદતો વિકસાવી શક્યો હોત? એક બાળક તરીકે મારા રૂમમાં એકલો હોઉં તો હું વિચલિત કરનારી એપ્લિકેશન સ્ક્રોલ કરતો હોઉં? કિશોર વયે હું પ્રોગ્રામિંગની સમસ્યાઓ ઉકેલવા બેઠો હોઉં ત્યારે ચાર નવાં નોટિફિકેશન આવીને પડ્યાં હોત? મારી પાસે જવાબ નથી-પણ આ એવા પ્રશ્નો છે જે યુવાન મનનો વિકાસ કેવી રીતે થાય છે તેની કાળજી રાખનાર દરેક વ્યક્તિએ પૂછવા જોઈએ.’
ડિજિટલ દુનિયાએ આપણા અસલી જીવનને ઘણું પ્રભાવિત કર્યું છે, જેનો સામનો માતા-પિતાએ કરવો પડે છે અને એમનું કામ વધુ પડકારજનક બની ગયું છે. માતા-પિતા ખુદને માટે આ બધું નવું છે. `એડોલસન્સ’ સિરીઝમાં જેમીનાં માતા-પિતાનો અફસોસ એ જ છે- છોકરો શું કરે છે અને એની સાથે શું થઇ રહ્યું છે તેની એમને જરાય ગતાગમ નથી.