મોર્નિંગ મ્યૂસિંગ : વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ એનાયત: સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ

- રાજ ગોસ્વામી
દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દી ભાષાના કવિ- કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે. એમની મુખ્ય નવલકથાઓમાં નૌકરી કી કમીઝ,
દિવાર મેં એક ખીડકી રહેતી થી’ અને `ખિલેગા તો દેખેંગે’ નો સમાવેશ થાય છે.
આ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને એમની નવલકથા નૌકરી કી કમીઝ' માટે આપવામાં આવ્યો છે. આ વાર્તા પરથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ કૌલે 1999માં એ જ નામની ફિલ્મ બનાવી હતી. એમની લોકપ્રિય વાર્તા
આદમી કી ઔરત’ પર અમિત દત્તાએ ફિલ્મ બનાવી હતી, જેને 66મા વેનિસ ફિલ્મ ફૅસ્ટિવલ (2009) માં સ્પેશિયલ ઇવેન્ટ એવોર્ડ મળ્યો હતો.
એમની નવલકથા `દિવાર મેં એક ખીડકી રહેતી થી’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેને મોહન મહર્ષિ નામના નાટ્ય નિર્દેશક દ્વારા નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવું વર્ષ… નવી યોજનાઓ… નવું જોમ
વિનોદ કુમાર શુક્લાએ સાહિત્યની તમામ પરંપરાઓને તોડીને સંપૂર્ણપણે એક અલગ જ વ્યાકરણની રચના કરી છે. 88 વર્ષના શુક્લાએ 65 વર્ષથી નિયમિત સાહિત્યિક અભ્યાસમાં સક્રિય રહીને જાતને અજોડ બનાવી છે. એ દિવસમાં પાંચ-સાત કલાક અને રાત્રે બે કે ત્રણ કલાક વાંચે છે અને લખે છે. આંખો નબળી છે એટલે વાર્તાઓ અને કવિતાઓને એમની પત્ની અને પુત્ર શાશ્વતને બોલીને લખાવે છે. એકવાર એમણે કહ્યું હતું, `હું મારા લેખનથી મારી જિંદગીનો પીછો કરવા ઈચ્છું છું.’
બાળપણમાં જ એમને સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું. ઘરે `માધુરી’ અને અન્ય સાહિત્યિક સામયિકો ઘરે આવતાં. એમના પિતરાઈ ભાઈ સરસ કવિતા લખતા હતા. એમણે વિનોદજીને એક નોટબૂક આપીને કહ્યું હતું કે અહીં-ત્યાં કાગળ પર ના લખતો, આના પર લખજે. ભાઈએ એની પત્નીનાં ઘરેણાં વેચીને એક કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યો હતો.
વિનોદજીની માતા વાંચનની શોખીન હતી. એકવાર એમની પાસે બે રૂપિયાના સિક્કા જમા થઇ ગયા હતા. એમણે માતાને પૂછ્યું હતું કે આનું શું કં? માતાએ કહ્યું કે `કોઈ સરસ પુસ્તક ખરીદજે…’
`સરસ એટલે કેવું?’ એવા એમના પ્ર્શ્નના જવાબમાં માતાએ બંગાળી સર્જકો શરતચંદ્ર, બંકિમચંદ્ર અને રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપ્યું.
વિનોદજી એ પૈસામાંથી શરતચંદ્રની નવલકથા `વિજયા’ ખરીદી. તેમાં એક એવી યુવતીની વાર્તા હતી, જે એના પિતાની જમીનદારીની માલકણ હોવા છતાં પિતાના મિત્ર અને એના પુત્રના હાથે કથપુતળી બની જાય છે. વિનોદજીનું એ પહેલું પુસ્તક હતું. માતા એમને કહેતી હતી કે જ્યારે પણ કશું લખે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક વાંચીને લખજે.
વિનોદજી કવિતા કરતા થયા ત્યારે મોટાભાગના નવોદિત કવિઓ સાથે બને છે તેમ, એમની કવિતામાં બીજા પ્રસિદ્ધ કવિઓની નકલ આવી જતી. એકવાર એમની કવિતામાં ભવાની પ્રસાદ મિશ્ર નામના જાણીતા હિન્દી કવિની એક પંક્તિ `મૈં ગીત બેચતા હૂં’ આવી ગઈ. પિતરાઈ ભાઈ તેનાથી બહુ નારાજ થયા હતા.
પંદરેક વર્ષના વિનોદજીની મુશ્કેલી એ હતી કે એમના દિમાગમાં બીજાઓની કવિતાઓ જડાઈ ગઈ હતી તેથી એ મૌલિક લખી શકતા નહોતા. માતાને પૂછ્યું કે `શું કં? ‘ માતાએ એના રસોડાની કુશળતાનો આધાર લઈને જે જવાબ આપ્યો તે લાજવાબ હતો. એમણે કહ્યું:
`જો, તું તારી ચાળણી બનાવ. આપણે ચા બનાવીએ છીએ ત્યારે ચાને ગાળીએ છીએ, લોટની ચાળણી હોય છે, મેદાની ચાળણી હોય છે, તેવી રીતે જુદી જુદી વસ્તુઓની ચાળણી હોય છે. તું પણ તારા લેખનની એક ચાળણી બનાવ, જેથી તાં લખેલું જ તારી પાસે રહે, બીજાનું તારી પાસે ન આવે !.’
આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ
ત્યારથી લઈને આજ સુધી, વિનોદજીનું ફોકસ રોજિંદુ જીવન રહ્યું છે. પોતાના સર્જનમાં કલ્પનાની દુનિયામાં ફસાયા વિના આસપાસના જીવન અને સામાન્ય માણસ જોડાયેલા રહે છે. એ દાયકાઓથી એકધારી રીતે સામાન્ય જીવનની વિડંબનાઓ, મૂંઝવણો, વ્યથાઓ અને નારાજગીઓને ઊંડી સહાનુભુતિ, સમજ અને સાહસ સાથે અભિવ્યક્ત કરતા રહ્યા છે.
અશોક વાજપેઈ નામના જાણીતા લેખક શુક્લાજીના સાહિત્ય અંગે કહે છે, વિનોદની જેમ એક
અ-નાયક’ (નોન-હીરો)ને એમનો આજીવન અધિવક્તા બનાવ્યો હોય તેવા બીજા કોઈ ભારતીય લેખકને શોધવો અઘરો છે.
એક કવિતામાં એ વિનમ્રતાથી કહે છે : ‘જો વૃક્ષ મારા ઘરે મળવા ન આવી શકે, તો હું મળવા માટે વૃક્ષ પાસે જાઉં છું.’ માત્ર ઝાડ જ નહીં, માણસોને પણ એ જ સંવેદનશીલતા સાથે મળે છે અને કહે છે, `જે લોકો મારા ઘરે ક્યારેય નહીં આવે, હું એમને મળવા જઈશ.’
આ વિનમ્રતા અને સંવેદનશીલતા તેમ જ ભારતીય વ્યક્તિના સરળ જીવનનું સત્ય એમનાં તમામ કાર્યોમાં વહેતું જોવા મળે છે. એમની એક અતિ પ્રસિદ્ધ રચના વાંચવામાં જેટલી સરળ છે, સમજવામાં એટલી જ ગહન છે. એ લખે છે :
હતાશ થઈને એક માણસ બેસી ગયો હતો
એ માણસને હું ઓળખતો નહોતો
હું હતાશાને ઓળખતો હતો
એટલે હું એની પાસે ગયો
મેં હાથ લંબાવ્યો
મારો હાથ પકડીને એ ઊભો થયો
મને એ ઓળખતો નહોતો
મારા હાથ લંબાવવાને તે જાણતો હતો
અમે બંને સાથે ચાલવા લાગ્યા
બંને એકબીજાને ઓળખતા નહોતા