કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!
ઉત્સવ

કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!

  • વિજય વ્યાસ

    વર્ષો પહેલાં લાલ ચીનની દગાખોરીનો બહુ કડવો અનુભવ ભારતને થઈ ગયો છે. હવે અમેરિકાના ટ્રમ્પના બેફામ એવા ટૅરિફ તોફાનથી ભારત ચીન વધુ સમીપ સરકી રહ્યા છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુત્સદ્દીભર્યા દાવ ખેલે અને ચીન જો કોઈ અવળચંડાઈ ન કરે તો મોદીજીની ચીનની આ તાજી મુલાકાત `ગેમ ચેન્જર’ બનીને ટ્રમ્પને ધાર્યા પાઠ ભણાવી શકે એમ છે!

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની યાત્રા પતાવીને આજે ચીન પહોંચી જવાના છે અને મોદીની ચીન યાત્રા પર આખી દુનિયાની મીટ છે, કેમ કે આ યાત્રા વિશ્વના ઈતિહાસમાં નવો અધ્યાય શરૂ કરી શકે તેમ છે. દુનિયામાં સૌથી વધારે વસતિ ધરાવતા બે દેશ -ભારત અને ચીન વચ્ચે આર્થિક સહકારના નવા યુગની શરૂઆત મોદીની યાત્રાથી થાય એવા સંકેત મળી રહ્યા છે. ચીનનું ડે્રગન અને ભારતનો એલિફન્ટની જુગલબંધી શું રંગ લાવે છે તે જાણવામાં સૌને રસ છે.

મોદી ચીનના તિયાનજિન શહેરમાં `શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)’ સમિટમાં હાજરી આપવાના છે. સાથે સાથે ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિન સાથે વન-ટુ-વન મીટિગ પણ કરવાના છે.

અમેરિકાએ ભારતના માલ પર 50 ટકા ટૅરિફ ફટકારી છે, જ્યારે દુનિયાના બીજા દેશો પર પણ અલગ અલગ ટૅરિફ લાદી દીધી તેના કારણે દુનિયાનું અર્થતંત્ર સાથે રાજકીય વાતાવરણ પણ ડહોળાયેલું છે.

આ માહોલમાં દુનિયાના અર્થતંત્રમાં અત્યંત મહત્ત્વના એવા 28 દેશ વચ્ચે મળી રહેલા શિખર સંમેલનમાં ટ્રમ્પની દાદાગીરીને કઈ રીતે ખાળવી એ અંગે મનોમંથન થવાનું છે તેથી અમેરિકા સૌથી વધારે ઊંચુંનીચું થઈ ગયું છે. અમેરિકાને સૌથી વધારે ચિંતા ભારત અને ચીન વચ્ચે થનારા આર્થિક સહકારની છે.

અમેરિકાની ધમકીઓને અવગણીને ભારત અને ચીન આર્થિક સહકાર વધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સહકારમાં ફાચર મારવા અમેરિકાએ યથાશક્તિ પ્રયત્નો કરી જોયા પણ ફાવ્યું નથી. હવે મોદી અને જિનપિંગ અમેરિકાને ઘોળીને પી જઈને હાથ મિલાવી લે તો દુનિયામાં અમેરિકાની સર્વોપરિતાના દિવસો ખતમ થઈ જાય.

ભારત માટે આ બેઠક અત્યંત મહત્ત્વની છે અને ચીન કોઈ અવળચંડાઈ ન કરે અને સીધું ચાલે તો અમેરિકાની ચુંગાલમાંથી ભારત મુક્ત થઈને એક નવા આઝાદ યુગમાં પ્રવેશી જશે. અમેરિકાના ટૅરિફના કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડ્યો છે. ચીન સાથેનું જોડાણ આ નુકસાનને સરભર કરી શકે તેવી પૂરી શકયતા છે.

અમેરિકા અત્યારે ભારતનો સૌથી મોટો ટે્રડ પાર્ટનર દેશ છે. ભારતે 2024માં 92અબજ ડૉલરના માલની નિકાસ અમેરિકામાં કરી છે, જ્યારે ભારતની આયાત 43 અબજ ડૉલર હતી એ જોતાં ભારતને 50 અબજ ડૉલરનો ફાયદો થયો.

ટ્રમ્પના ટૅરિફના કારણે 2026માં નિકાસ 40 ટકાથી વધુ ઘટીને લગભગ 50 અબજ ડૉલર થઈ જશે એવું મનાય છે. ભારતને પડનારો આ ફટકો ચીન સાથે વ્યાપાર વધારીને સરભર કરી શકાય તેમ છે.

અત્યારે ચીન ભારત પાસેથી બહુ ઓછો માલ ખરીદી રહ્યું છે. 2024માં ચીન પાસેથી ભારતે 113.45 અબજ ડૉલરનો માલ ખરીદ્યો હતો, પણ ભારત પાસેથી ચીને ફક્ત 14.25 અબજ ડૉલરનો માલ ખરીદ્યો. આમ ભારતને ચીન સાથેના વેપારમાં લગભગ 100 અબજ ડૉલરની ખાધ છે.

જોકે, ટ્રમ્પની દાદાગીરી પછી ભારતનો વધારે માલ ખરીદીને ચીને વ્યાપાર ખાધ ઘટાડવાની તૈયારી બતાવી છે. આ સાથે ચીનની કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરવા તૈયાર છે એ જોતાં વડા પ્રધાન મોદી મુત્સદીથી બાજી રમે તો અમેરિકાને ધોળા દિવસે તારા બતાવી શકાય તેમ છે.

ચીન એક સમયે ભારતને એસસીઓ (`શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન’)માં સભ્ય બનાવવા જ તૈયાર નહોતું , પણ ભારતે દાદાગીરી કરીને પ્રવેશ મેળવ્યો હતો. ચીનની ખફગી ના વહોરવી પડે એટલે બીજા સભ્ય દેશો ભારત સાથે મુક્ત રીતે વ્યાપાર કરતાં ખચકાતા હતા, પણ હવે ચીન જ ભારત સાથે હાથ મિલાવી લે તો આ ખચકાટ દૂર થઈ જાય. ભારતને તેનો સૌથી મોટો ફાયદો દર વરસે અબજોનું વિદેશી હૂંડિયામણ ખાઈ જતા ક્રૂડની ખરીદીમાં મળે.

પેટ્રોલિયમની ભારતની કાયમી અને જંગી જરૂરિયાત છે. દુનિયામાં અત્યારે આરબ દેશો ઉપરાંત એસસીઓના સભ્ય ઉઝબેકિસ્તાન, તાજીકિસ્તાન અને કિર્ગીઝસ્તાન પાસે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બન્નેનો મોટો ભંડાર પેટાળમાં સચવાયેલો પડયો છે.

તોતિંગ નાણાકીય રોકાણના અભાવે આ દેશોમાં જંગી પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું ંનથી. ભારતે 2017થી આ ત્રણેય દેશ સાથે સબંધો સુધારવાની દિશામાં નક્કર પગલાં ભરવા માંડેલાં. ભારત આ દેશોમાં રોકાણ કરે ને બદલામાં પેટ્રોલિયમ મેળવે તે માટે આ દેશો તૈયાર છે. તેના કારણે આરબ દેશ પર આપણી નિર્ભરતા ઘટશે અને આપણને મોટો ફાયદો થશે.

કઝાકિસ્તાનમાં પેટાળમાં યુરેનિયમનો મોટો ભંડાર છે. દેશની ઊર્જા જરૂરિયાત વધતી જાય છે. આ જરૂરિયાત પૂરી કરવા પરમાણુ ઊર્જા મથકો સ્થાપ્યા સિવાય છૂટકો નથી કેમ કે કોલસા આધારિત વીજમથકોના કારણે પર્યાવરણની ગંભીર સમસ્યાઓ પેદા થઈ રહી છે.

ભારત એક પછી એક પરમાણુ ઊર્જા મથકોની સ્થાપના કરી રહ્યું છે પણ પૂરી ક્ષમતા સાથે કાર્યરત નથી કરી શકતું કેમ કે પરમાણુ આધારિત વીજમથકો માટે યુરેનિયમનો અવિરત જથ્થો મળતો રહેવો જોઈએ.

બીજી બાજુ, અમેરિકા-ઓસ્ટે્રલિયા પાસે જંગી પ્રમાણમાં યુરેનિયમ છે પણ બંને દેશ ભારતને આપવામાં નિયંત્રણ રાખે છે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સહકાર વધે તો એ સમસ્યા પણ દૂર થાય.

ચીન યાત્રા દરમિયાન મોદીની પુતિન સાથેની મુલાકાત પણ મહત્ત્વની છે. અમેરિકાની ઐસીતૈસી કરીને પણ રશિયા પાસેથી ભારતે ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું તેના કારણે ગિન્નાયેલા ટ્રમ્પે 25 ટકા પેનલ્ટી ઠોકી દીધી છે. તેના કારણે પડનારા ફટકાને રશિયા સાથે સહકાર વધારીને સરભર કરી શકાય. મોદી-પુતિનની મુલાકાત તેનો તખ્તો તૈયાર કરશે.

રશિયા સાથેની મિત્રતા માટે ભારતને કોઈની જરૂર નથી. ભારત અને રશિયા વચ્ચે અલગ પ્રકારના સબંધો છે જ. જૂની મિત્રતાના કારણે ભારત હંમેશ રશિયાની પડખે રહ્યું છે ત્યારે રશિયા પણ તેની કદર કરી છે અને આગળ જતાં કરશે પણ ખં. યુરેનિયમ, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, સોનું સહિતના ભંડારોની રશિયા પાસે કમી નથી ને પુતિન સાથેની મુલાકાતમાં એ દિશામાં વધારે સહકાર થઈ શકે. ટૂંકમાં મોદીની મુલાકાત ભારત માટે એક નવી દિશા ખોલી દેશે.

આ શાંઘાઈ કોઓપરેશન NATOનો વિકલ્પ બની શકે!
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ (SCO)ને વૈશ્વિક બાબતોના નિષ્ણાતો ભવિષ્યમાં અમેરિકાની આગેવાની હેઠળનાનાટો’નો વિકલ્પ માને છે. `નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન’ (NATO)માં યુરોપના 30 અને ઉત્તર અમેરિકાના 2 મળીન કુલ 32 સભ્ય છે. બીજી તરફ, SCOમાં 10 કાયમી સભ્ય, 2 ઓબ્ઝર્વર, 14 ડાયલોગ પાર્ટનર મળીને 26 સભ્ય છે. ત્રણ વૈશ્વિક સંસ્થાઓ અને તુર્કમેનિસ્તાન ગેસ્ટ તરીકે હાજરી આપે છે.

વૈશ્વિક નિષ્ણાતોના મતે, અત્યારે દુનિયામાં નાટો’નો જવાબ આપે એવું કોઈ સંગઠન નથી, પણ SCO નાટોની સમકક્ષ બની શકે, કેમ કે ભારત-ચીન-રશિયા એમ ત્રણ મોટા દેશો તેના સભ્ય છે. SCO અત્યારે આર્થિક સહકાર માટે કામ કરે છે પણ ભવિષ્યમાંનાટો’ ની માફક લશ્કરી કરાર કરે તો દુનિયાની સૌથી મોટી આર્મી ઊભી થઈ જાય.

ભૌગોલિક ક્ષેત્ર અને વસતિની દ્રષ્ટિએ SCO વિશ્વનું સૌથી મોટું પ્રાદેશિક સંગઠન છે. વિશ્વના કુલ વિસ્તારના આશરે 24 ટકા અને વિશ્વની વસતિના 42 ટકાને આવરી લેતા SCOના સભ્ય દેશોની કુલ જીડીપી વિશ્વની જીડીપીમાં 23 ટકા હિસ્સા ધરાવે છે. પાવર પરચેઝ પેરિટી (PPP) આધારિત જીડીપી તો વિશ્વની કુલ જીડીપીના લગભગ 36 ટકા છે.

ચીનના શાંઘાઈમાં 2001માં સ્થાપના થઈ હોવાથી આ સંગઠનનું નામ `શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ (SCO) રાખવામાં આવ્યું છે. ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સ્થાપક સભ્યો છે જ્યારે 2017માં કઝાકિસ્તાનના અસ્તાના શહેરમાં યોજાયેલી બેઠકમાં ભારત અને પાકિસ્તાનને કાયમી સભ્યનો દરજ્જો મળ્યો હતો. 2023માં ઈરાન અને બેલારૂસ તેના કાયમી સભ્યો બનતાં સભ્ય સંખ્યા 10 થઈ છે.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ટ્રમ્પના ઈન્ડિયન ઈકોનોમી વિશેના તિકડમ ભારત સામે ટ્રમ્પનું ‘વિશેષ’ ટૅરિફ યુદ્ધ: શું આ મેડનેસમાં કોઈ મેથડ છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button