મિજાજ મસ્તી: અહો આશ્ચર્યમ્…….. દિમાગ પર સે બાઉન્સર બાતેં!

-સંજય છેલ
ટાઇટલ્સ:
સમજ અને સમાજ ક્યારેય ના સમજાય. (છેલવાણી)
`પુરાવાનો અભાવ એ અભાવનો પુરાવો નથી’
ઈશ્વર વિશે, અગમ્ય રહસ્યો વિશે, આ વાત બહુ ફૅમસ છે. સત્ય-ઘટના પાછળ પણ ઘટનાનું સત્ય હોય છે- જે આપણને સમજાતું નથી. હજારો શોધ કરનાર વૈજ્ઞાનિક એડિસને કહેલું: આપણે હવાને જોઈ નથી, પણ છે. આપણે ઇલેક્ટ્રિસિટીને જોઈ નથી, પણ છે. એ જ રીતે કોઈએ
પરમ-તત્ત્વ’ને જોયું નથી, પણ છે કે હશે!’
`પરમ-તત્ત્વ’ વગેરે ગૂઢ વિષયની ચર્ચામાં ના પડીએ, પણ અમુક ઘટના કે પ્રસંગો સદાય કોયડો કે ઉખાણાં રહ્યાં છે, જેમ કે દુનિયાના અબજો જાતજાતના લોકોમાંથી આપણને કોઈ એક જ વ્યક્તિ પર પહેલી વાર કેમ પ્રેમ કે આકર્ષણ થાય છે? ખૂબ સુંદર, ધનવાન અને બધી રીતે કાબિલ વ્યક્તિને આજન્મ સાચો પ્રેમ મળતો નથી? અત્યંત જૂઠા, ઘાતકી, ક્રૂર, સરમુખત્યાર માણસને કેમ કુદરત સત્તા આપે છે ને સજા આપતી નથી?
એ જ રીતે, પૃથ્વી, આકાશ, પાતાળ અને બ્રહ્માંડને આટઆટલાં વૈજ્ઞાનિક સંશોધનો બાદ પણ માણસ, કેમ પૂરેપૂરાં સમજી શક્યો નથી? દાખલા આપું:
આ પણ વાંચો..ઓપિનિયનઃ જિંદગી તો આમ જીવાય…
એડિગ્યુ હેરિયટ નામની એક ફ્રેંચ મહિલા રસોડામાં કામ કરતી હતી ત્યારે અચાનક એની વીંટી ખોવાઈ ગઈ ને બહુ શોધી પણ ના મળી. વર્ષો બાદ એણે રાંધવા માટે માછલી કાપી તો માછલીના પેટમાંથી એને એક વીંટી મળી જેના પર એનું જ નામ કોતરાયેલું હતું! એને માનવામાં નહોતું આવતું, પણ કદાચ વરસો અગાઉ રસોડામાં એ વીંટી વૉશ-બેઝિનમાં પડી ગઈ હશે ને ગટરમાંથી વહેતી વહેતી કોઈ માછલી પાસે પહોંચી હશે ને માછલી એને ગળી ગઈ હશે, પણ કેવો વિચિત્ર સંજોગ કે એ જ માછલી કોઈ માછીમારે પકડી ને પેલી સ્ત્રી સુધી પહોંચી!
ન્યૂ ઝીલૅન્ડના ગ્રેમાઉથ બંદરે `વેવર્લી’ નામનું વહાણ 1870માં ડૂબી ગયું. વર્ષો સુધીની શોધખોળ બાદ, એ મળી ગયું અને પછી એનું સમારકામ કરાવીને દરિયાઈ સફર કરવા માંડ્યું, પરંતુ 16 વર્ષ પછી એ જ તારીખ ને એ જ મહિને, એ જહાજ, એ જ જગ્યાએ ફરી ડૂબી ગયું!
બોલો, છે કોઈ લૉજિક?
શિકારી એડમન્ડ ગાર્ડનરે, એકવાર પેરૂના સમુદ્રમાં વ્હેલને મારવા ભાલાથી હુમલો કર્યો. હુમલાથી વ્હેલ છંછેડાઈ અને ઊછળીને એણે સામે હુમલો કર્યો. વ્હેલે એના જડબાથી એની હોડીના આગલા ભાગને ચાવી નાખ્યો ને એડમન્ડને પણ જડબામાં જકડી લીધો. એડમન્ડ મહામુસીબતે બચી તો ગયો, પણ વ્હેલનો એક દાંત એની ખોપરીમાં ઘૂસી ગયો એટલે ખોપરીમાં કાણું પડી ગયું, ગળાનું હાડકું ભાંગીને ભુક્કો થઈ ગયું, એક હાથ ખરાબ રીતે ચવાઈ ગયો. મહિનાઓ સુધી દવાખાનામાં સારવાર લીધાં બાદ એ સાજો થઈ ગયો. સાજા થયા પછી એ 101 વર્ષ જીવ્યો અને જે તારીખે વ્હેલવાળી દુર્ધટના થઈ હતી એ જ તારીખે એ મરી ગયો!
છે ને `અહો આશ્ચર્યમ્’?
ઇન્ટરવલ:
સમઝનેવાલે સમઝ ગયે,
જો ના સમઝે વો અનાડી હૈ! (શેલેંદ્ર)
આપણી સાથે અનેક ઘટનાઓ બનતી હોય છે, પણ અમુક ઘટના બાદ તો આપણે માનવું જ પડે કે સૃષ્ટિના કેટલાક નિયમો છે, જે અજીબોગરીબ સંજોગો વડે આપણને સંતાઈને સહાય કરે છે.
વિશ્વના કાયદાના ઇતિહાસમાં એક આશ્ચર્યજનક બનાવ બનેલો. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં જોન લી નામના ગુનેગારને ફાંસી અગાઉ, કાનૂન મુજબ એની અંતિમ ઇચ્છા પૂછવામાં આવી. જોને કહ્યું, સાચું કહું છું. નિર્દોષ છું.' ન્યાયાધીશે એની વાત ન માની. સ્થાનિક રિવાજ પ્રમાણે પાદરીએ જોનના ગુનાઓ માટે ભગવાન પાસે ક્ષમા માગી. ન્યાયાધીશની દેખરેખમાં જ ફાંસીનો ફંદો જોનના ગળામાં ભેરવવામાં આવ્યો. જલ્લાદોએ એના પગ નીચેનું પાટિયું ખેંચ્યું, પણ ચમત્કાર થયો પાટિયું જરાય હાલ્યું નહીં! જલ્લાદે પાટિયાનું પરીક્ષણ કર્યું ને ફરી ફાંસી માટે પાટિયું ખેંચ્યું, પણ વન્સ અગેઈન, પાટિયું ખસ્યું જ નહીં. ત્રીજી વાર ન્યાયાધીશે પાટિયું તપાસ્યું પછી ત્રીજી વાર જલ્લાદે પૂરી 7 મિનિટ સુધી જોનને ફાંસી આપવાનો પ્રયત્ય કર્યો, પણ પરિણામ શૂન્ય અને જોન ચમત્કારિક રીતે બચી ગયો! ન્યાયાધીશે ઉચ્ચ અદાલતમાં ફાંસી માટે બીજી કોઈ તારીખ માગી, પણ કાયદા મુજબ - એક જ વ્યક્તિને બે વાર ફાંસી ના અપાય એટલે જોન બચી ગયો. પત્રકારોએ જોનને આ વિશે પૂછ્યું ત્યારે એણે કહ્યું,
હું નિર્દોષ હતો, પણ સાબિત કઈ રીતે કરું? હું ઈશ્વર પર શ્રદ્ધા રાખીને છેલ્લી ક્ષણ સુધી સ્મરણ કરતો રહ્યો ને એણે મારી પ્રાર્થના સાંભળી.’
ભલભલા નાસ્તિક કે અજ્ઞેયવાદીના દિમાગ પરથી બાઉંસર જાય એવી આ વાત છેને?
1874માં ઇંગ્લૅન્ડમાં જે ઘટના બની હતી એના પછી તો થાય જ કે કોઈ તો અદૃશ્ય શક્તિ છે જે આપણને સમય સમય પર મદદ કરે છે. 214 યાત્રીઓવાળું એક વહાણ ઇંગ્લૅન્ડથી ન્યૂ ઝીલૅન્ડ જવા રવાના થયું. વિસ્કની ખાડી પાસે જહાજમાં ગાબડું પડયું ને વહાણમાં પાણી ધસી આવ્યું. પાણી અટકાવવાના બધા જ ઉપાયો નિષ્ફળ ગયા. છેવટે જહાજના કૅપ્ટને બધાને કહ્યું કે – જહાજ હવે ડૂબવાની તૈયારીમાં છે એટલે જેને તરતાં આવડતું હોય એ સમુદ્રમાં કૂદી જાય. તરતાં આવડતું હતું એ કૂદવાની તૈયારીમાં હતા અને બાકીના લોકો પ્રાર્થના કરતા હતા એવામાં ચમત્કાર થયો!
આ પણ વાંચો..ટૅક વ્યૂહ: ડમી મચાવે દંગલ કંપનીઓ – પરેશાન યુઝર્સ માટે, તમે રહો સાવધાન!
વહાણમાં જ્યાં ગાબડું પડ્યું હતું ત્યાં એક મોટી માછલી એ રીતે ફસાઈ ગઈ કે પાણી અંદર આવતું બંધ થઈ ગયું! જ્યાં સુધી જહાજ કિનારે પહોંચ્યું ત્યાં સુધી પેલી માછલી ત્યાં જ ફસાયેલી રહી ને 214 યાત્રીઓને બચાવી લીધા.
છેને આ `મહાભાગ્યનો મત્સ્યવેધ’?
એંડ-ટાઇટલ્સ:
આદમ: નસીબમાં માને?
ઈવ: તને મળ્યા બાદ તો ચોક્કસ!