ઉત્સવ

મિજાજ મસ્તી : ગુજ્જુ જીવનયાત્રા રોમમાં રસપૂરી ને પાર્લામાં પાણીપુરી

-સંજય છેલ

ટાઇટલ્સ: વધારે કેરી ને વેરી, બેઉ મોંઘા પડે.
(છેલવાણી)
મહાકવિ મિર્ઝા ગાલિબ પર બનેલી ફિલ્મમાં ઉર્દૂના મહા લેખક મંટોએ એક સીન લખેલો કે એકવાર ગાલિબ અને મિત્રો, ઘરના ઓટલે બેસીને કેરી ચૂસી રહ્યા હતા ને જ્યાં ગોટલા ફેંકે છે, ત્યાં એને સૂંઘીને ગધેડો જતો રહે છે.

આ જોઇ, ગાલિબના વિરોધી શાયરે કહ્યું, `મિર્ઝા, ગધા ભી આમ નહીં ખાતા.’

`વો ગધા હૈ, ઇસી લિયે આમ નહીં ખાતા.’ ગાલિબે સામે કહ્યું.

ફરી કેરીની સીઝન આવી છે ને ખાધેપીધે સુખી ગુજરાતીને ત્યાં રવિવારે બપોરે રસ-પૂરી ને ઢોકળાં-પાતરાંનું જમણ ના હોય એને એનું અવતાર કાર્ય ઉર્ફ જીવવાનું કારણ અધૂં લાગે. અગાઉ ભોજનપ્રેમી ગુજજુઓને યોજનો દૂર વર્લ્ડ-ટૂર લઇ જતી એક ટ્રાવેલ કંપનીનું સ્લોગન હતું: `રોમમાં રસપૂરી,પેરિસમાં પાતરાં’

(જો કે હવે એમાં પાર્લાની પાણીપુરી ઉમેરવું જોઇએ!)
હમણાં વરસેક અગાઉ એક ફોટો વાયરલ થયેલો, જેમાં આંબાનાં ઝાડ પર મધપૂડો હતો ને પાસે લટકતી હાફૂસ કેરી. ફોટા નીચે લખેલું:

`સિઝનની પહેલી હાફૂસ કેરી, ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે!’

કરેક્ટ કથન! મધપૂડો છંછેડીને કેરી તોડવાની હિંમત કોણ કરે?

હિંમતની વાત નીકળી જ છે તો બોલો:

તમે આજ સુધી મોંઘામાં મોંઘી કેટલામાં કેરી ખરીદવાની હિંમત કરી છે?' 2000 કે 3000 રૂ. કિલો? તમે 2.75 લાખ રૂ. કિલોમિયાઝાકી’ કેરી ખરીદી છે?!

આ પણ વાંચો: મિજાજ મસ્તી: અહો આશ્ચર્યમ્…….. દિમાગ પર સે બાઉન્સર બાતેં!

દુનિયાની એ સૌથી મોંઘી કેરી જેનાં ઝાડને 1940માં કેલિફોર્નિયાથી લઇ જઇને જાપાનનાં મિયાઝાકી' શહેરમાં વાવેલું, જેથીમિયાઝાકી’ નામ પડ્યું. એને એગ ઓફ ધ સન' કેસૂર્યનું બીજ’ પણ કહેવાય છે. આ એક કેરીનું વજન 900 ગ્રામ જેવું અધધધ છે!

(વેલ, આ કેરી માટે બેંક-લોન કેવી રીતે મળી શકે / વેલ, મળો યા લખો : માર્ગદર્શન માટે નીરવ મોદી કે વિજય માલ્યાને.)

મીઠડાં ને મધુ પ્રમેહ' (ડાયાબિટીસ)વાળાં ગુજરાતીઓ માટે ખુશખબર એ છે કે બિહારનાં ખેડૂત ભૂષણ સિંઘનો દાવો છે કે-મારી કેરીઓ, સુગર-ફ્રી છે!’ જે `અમેરિકન બ્યુટી’ પ્રજાતિની છે ને 3 વર્ષમાં ફક્ત 1 જ વાર ઊગે ને પાકે…નોર્મલી કેરી પાકે ત્યાં સુધી 5-વાર રંગ બદલે પણ આ સુગર-ફ્રી કેરી 16-16વાર રંગ બદલે છે!

(ત્યાંનાં કાંચીંડાની તો રંગ બદલી બદલીને પીદૂડી નીકળી જતી હશેને?)

અગાઉ મરાઠી પીઢ નેતા સંભાજી ભીડેજીએ સ્ત્રી-વિરોધી' વિચિત્ર દાવો કરેલો,મારાં ખેતરની કેરીનું સેવન કરવાથી સ્ત્રીઓ પુત્ર-રત્ન'ને જ જન્મ આપે છે!' આ ભીડેજીને તો મોટામોટા નેતાઓ મળવા જાય છે, એટલે એમનાઆમ’ની જેમ ભીડેજી પણ `ખાસ’ આદમી કહેવાયને?

ઇન્ટરવલ:
અંબુવા કી ડાલી પે ગાયે મતવાલી,
કોયલીયા કાલી નિરાલી.
(આનંદ બક્ષી)
કેરીની સિઝન આવતાં ચંદુએ કેરીવાળાને પૂછ્યું, `શું ભાવ?’

100 રૂ,ની એક .' 100ની 2 કેરી આપને?’,ચંદુએ ભાવતાલ કર્યો.

`100 રૂ.માં તો કેરીની બે ગોટલી આવે.’

`તો લે 100 રૂ. ને 2 કેરી આપ…ગોટલીઓ તું રાખ!’

આ સુણીને કેરીવાળો કેર ઓફ પ્રભુ થઇને ગુજરી ગયો!

મારો મિત્ર જયુ, જે નેતા તો નહોતો, પણ તો યે એને ફેંકવાની જન્મજાત આદત. એની બદલી ગુજરાતથી મુંબઈમાં થઈ. ઓફિસમાં જોડાતા જ એણે બોસની સામે ઊંચી ફેંકી:

`સાહેબ, ગામમાં મારી 100 વીઘાની વાડીમાં, જે રસીલી કેરીઉં થાય છે એને તો દુનિયાનાં 200 દેશમાં એક્સપોર્ટ કરીએં, હોં.’

`પણ દુનિયામાં તો 190 જ દેશ છેને?’ બોસે લોજિકલ સવાલ કર્યો.

આ પણ વાંચો: મિજાજ મસ્તી : ‘આળસ’ છે તો ‘માણસ’ છે…. જીવનનું સુંવાળું સૂત્ર

ઇ તો અમુક દેશવારાઉં ખોટા સરનામે બબ્બે કરંડીયા મંગાવેને? અરે, એકવાર તો ઓલા અમેરિકાના પ્રેસિડંટ ઓબામા અમારી કેરી ખાઇનેઓ-બા-મા’ બોલી પડેલા, બોલો!’

`અચ્છા? તો એક પેટી મને મોકલ’, બોસે કહ્યું.

એ પછી સાંજે જયુએ ઘરે વાઇફ સામે ફેંકી : `મેં બોસને શું ઇમ્પ્રેસ કઇરા છે કે હવે ઇ આપણને પૂછીને જ પાણી પીવે, હોં.’

`તંઇ બોસને કહીને મારા ભાઈને નોકરી અપાવી દ્યોને?’ પત્નીએ કહ્યું.

`એમાં હું? પણ બોસને ખુસ કરવા રત્નાગિરિ હાફૂસ કેરીની પેટી આપવી પડસે.’

`ભલે તે, તમતમારે કેરીની પેટી લાવજો. પૈસા મારાં પિયરયાં આપી દેસે.’

હવે વધુકો જયુ, છેક મહારાષ્ટ્રનાં રત્નાગિરિ જિલ્લા સુધી હાફૂસ લેવા લાંબો થયો ને બસની હાડમારીમાં કેરીની પેટી ઊંચકી મુંબઈ લઈ આવ્યો. જેવો બસ-સ્ટેન્ડ પર ઉતર્યો કે પોલીસવાળાએ પકડ્યો, `એ ય આમાં ડ્રગ્સ તો નથી ને? પેટી ખોલ!’ જયુ કરગર્યો ને છેક દિલ્લી કોંટેક્ટની વાત કરી પણ પોલીસવાળાઓએ પેટીમાંથી એક એકે કેરી લઇ જ લીધી.

હવે જયુ ફટાફટ બોસને ત્યાં જવા નીકળ્યો. એક તો ગરમી ને ઉપરથી રિક્શા ન મળે. બિચારો, કેરીની પેટી માથે મૂકીને ચાલવા માંડ્યો. આખરે એક રિકશાવાળાએ ડબલ ભાડું વતા બે કેરી માગી. ગરમીથી બેહાલ જયુ માની ગયો ને માંડ બોસના બંગલે પહોંચ્યો. ગેટ ખોલીને દરવાજે બેલ મારે એવામાં 2-2 એલ્સેશ્યન કૂતરાં ત્રાટક્યાં. બબ્બે શ્વાનોની સામટી સર્જિકલ સ્ટ્રાઇકથી ડરીને જયુએ 1-1 કેરી ફેંકી ને બેલ વગાડે રાખી. બોસની પત્નીએ બપોરની ઊંઘમાં દરવાજો ખોલ્યો.

જયુએ હાંફતા કહ્યું : ,`મેડમ, કેરી.’

`નથી જોઈતી, ઉઘાડી કેરીની પેટી. ઊંઘ બગાડી!’, કહીને દરવાજો વાસ્યો.

સામે ભસતાં કૂતરાં ને બહાર કાળઝાળ ગરમી. જયુ સાંજ સુધી ત્યાં બેઠો રહ્યો ને રાતે બોસ આવ્યા ત્યારે કેરી આપી.

….પછી ઘરે પહોંચ્યો કે પત્નીએ પૂછ્યું, `બોસને કેરી આપીને? હવે મારા ભાઇની નોકરી પાક્કી?’

તો ફેંકું જયુએ તરત કહ્યું, `ઇ કેરી તો આપી પણ પછી બોસે કીધું કે એણે આજે જ રાજીનામું આઇપું, બોલ! પણ હવે બોસ તો હું જ બનીશને? જો કે ખુરસી પર બેહતા વેંત જ કોઇને નોકરી નો અપાયને? હવે એય ને આવતા વરસે વાત! ન્યાં હુધી સસરાજીને કહેજે:

આવતે ઉનાળે, બે પેટી મોકલે, હોં.’
..
એંડ-ટાઇટલ્સ:
આદમ: કેરી ખાધી?
ઈવ: ના, જોઇને પગે પડી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button