મિજાજ મસ્તી : આજની દિવાળી… ત્યારની દિવાળી: થોડી ખરબચડી… થોડી સુંવાળી!

સંજય છેલ (છેલવાણી)
દિવાળી પર કંજૂસ પતિએ પત્નીને પૂછ્યું, ‘દિવાળી પર નવાં કપડાં લઇશ?
ભડકેલી પત્નીએ કહ્યું, ‘ના રે, જૂના કપડાંને ઊંધા કરીને પહેરીશ!’
એક જમાનામાં અમે બહુ નાના હતા, પણ નિર્દોષતામાં બહુ મોટા હતા. દિવાળીની કાગડોળે રાહ જોતા…અને હવે? આજે દિવાળીમાં બધું છે, લોકો પાસે પહેલાં કરતાં વધુ પૈસા છે, ઓન-લાઇન સેલ છે, મોલમાં ભારી ભીડ છે, પણ તો યે પહેલાં જેવી દિવાળીમાંનું દિલ ગાયબ છે. ત્યારે ઘરે ઘરે દિવાળીમાં ઘૂઘરા, મઠિયાં, મોહનથાળ, મગજ… વગેરે જાતજાતની વાનગીઓ બનતી. ત્યારે થતું કે ઘૂઘરામાંથી કોઈ અવાજ તો આવતો નથી તો પછી એને ઘૂઘરા કેમ કહેવાય છે? મગજ કોના મગજમાંથી બનતો હશે? મોહનથાળ, મોહનદાસ ગાંધીએ કે મુરલીમોહનને નામે કહેવાતો હશે? હવે તો ઘરોમાં અગાઉ જેમ દિવાળીની મીઠાઈઓ બનતી નથી પણ બહારથી તૈયાર પેકેટ આવે છે.
બાળકોને ચિપ્સ કે ચોકલેટ સિવાય ચોળાફળી કે ચેવડામાં રસ નથી. તૈયાર કોર્પોરેટ ગિફ્ટોએ આપણી સંવેદનાઓ પર સાત ફેણવાળા નાગની જેમ ભરડો લઇ લીધો છે.
નાનપણમાં અમે માનતાં કે વાઘબારસ એટલે નવરાત્રિમાં દેવીમા વાઘ પર આવેલાં એટલે એમનાં વાહનને ખુશ કરવા વાઘબારસ આવતી હશે. પછી સમજાયું કે વાઘ-બારસનું સાચું નામ વાક્-બારસ છે. ‘વાક્’ એટલે વાણી એટલે કે વાણીની દેવી સરસ્વતીની પૂજા કરવાની હોય.
પછી મોટા થઇને મોટા ઉપાડે લેખક બન્યા એટલે ત્યારે જાત સામે આજે સવાલ થાય કે આખા વરસભર અન્યાય, અસત્ય અને સત્તા કે સમાજ સામે શું લખ્યું? કે પછી હવે કલમપૂજા કરવાની હેસિયત બચી છે?
પછી આવે ધનતેરસ. જેનેટિકલી આપણને ગુજરાતીઓને ધનપૂજામાં વિશેષ રસ પડે. સાંજે ધનપૂજન થાય, નવાં કપડાં પહેરવામાં આવે અને ફટાકડા ફોડવાનું ઉદ્ઘાટન થાય. અગાઉ એમાં તારામંડળ, કોઠી, ચક્કરી, હવાઇ, સૂતળી બોમ્બ, ટીકડી, રોકેટ, નાગ, એવા જાતજાતનાં ફટાકડા રહેતા. ફટાકડાની આખી લાંબી લૂમ ફોડવામાં જગ જીત્યાનો ક્ષણિક પણ કોલરટાઇટ આનંદ મળતો.
આજે તો 2-5 દિવસ ફટાકડા ફોડીને જાણે ધરતી પર પ્રદૂષણ વધારવાનો ગુનો કર્યો હોય એટલી હદે આપણામાં અપરાધભાવનો આરોપ રોપવામાં આવે છે.
ત્યારે કાળીચૌદશને દિવસે ભૂત-પ્રેતની વાતો સાંભળતાં સાંભળતાં સૂઈ જતા. કોઈ અડધી રાતે સ્મશાનમાં કાળભૈરવની સાધના કરે એ કલ્પના જ રોમાંચક ને ભયપ્રેરક હતી. (જો કે પછી અમે ફિલ્મ-ટીવી લાઇનમાં આવ્યા બાદ ખરેખર જોયું કે ટીવીની સૌથી સફળ નિર્માત્રી સ્મશાને પૂજા કરવા જાય છે, જેથી એની સિરિયલો ચાલે પણ ત્યારે પછી નવાઇ લાગવાની પણ ખતમ થઇ ગઇ!)
આ પણ વાંચો…મિજાજ મસ્તી: ફાફડા-જલેબીની ગાથા… ગુજ્જુઓનું આધાર કાર્ડ
બાળપણમાં અડદના વડાં લઈને ચાર રસ્તે મૂકી કકળાટ કાઢવા જતા. કેવી કલ્પનાઓ હતી કે આખા વર્ષનાં વિસંવાદ, દુ:ખ અને જૂનું ભૂલી જવાનું ને કકળાટ કાઢવાનો. હવે તો ટીવીની ન્યૂઝ ચેનલો કે ફેસબુક, ટ્વિટર જેવાં માધ્યમોની ચર્ચામાં બારેમાસ કકળાટ ચાલુ જ રહે છેને? આજનાં મશીની જીવનમાં સંવાદ બદલે વિસંવાદને લીધે કકળાટનો ઉકળાટ વધતો જ જાય છેને?
ઇન્ટરવલ:
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી,
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી. (શૂન્ય પાલનપુરી)
ત્યારે દિવાળીના દિવસે વ્યવસ્થિત ચોપડા-પૂજન થતું. હવે આપણે માર્ચ એન્ડિંગ અપનાવ્યું ને તેમાં પહેલાં જેવું ચોપડા-પૂજનનું મહત્ત્વ પણ ઝાંખું પડવા માંડ્યું છે. ઓનલાઇન ટ્રેડિંગના જમાનામાં, બજારોમાં યે હવે ફોર્માલિટી જ બચી છે. રુટિનનું રંગવીહિન જીવન જ અગાઉ જેવું રંગબેરંગી નથી રહ્યું તો રેડીમેઇડ રંગોળીના ફિક્કા રંગમાંથી ઊછીનો ઉત્સાહ ક્યાંથી લાવવો? બજારૂ પ્લાસ્ટિકની કે પૂઠ્ઠાંની રંગોળીને દીવાની આસપાસ ગોઠવીને હવે કલાકારીનું કામ ચલાવી લેવાય છે.
પછી આવે બેસતું વરસ. એવી માન્યતા છે કે નવા વરસે જે કંઈ કરો, એના જેવું આખું વર્ષ જાય. ત્યારે અમારા મુંબઇમાં નવા વરસે ગરીબ કે લોઅર મિડલક્લાસનાં ઘરોમાં ભાઇ-બહેનો માટે એક જ તાકામાંથી બનાવેલા યુનિફોર્મ જેવા એકસરખાં નિસ્તેજ કપડાંઓ બનાવવામાં આવતાં…પણ એમાં યે કેવો સતરંગી સંતોષ હતો. એ નવાં કપડાં પહેરીને મંદિરે જવાનું, પછી મહોલ્લામાં અને પછી સગાંવહાલાંને ત્યાં. નૂતન વર્ષાભિનંદન અને સાલ-મુબારકનો વણમાગ્યો વરસાદ વરસતો. કોઈ મિત્રને ‘બાલ-મુબારક’ કહીને બાલિશ મસ્તી પણ કરી લેવાતી.
કાંપતા હાથે બિચારા વડીલો, બાળકોને એક રૂપિયો આપીને આશીર્વાદ આપતા ને એમની આંખો, અકારણ ભીની થઇ જતી. આવાં ભોળપણથી જ હૈયું ભરાઈ જતું ને ઉત્સવનો ઉભરો આવી જતો.
ત્યારે દિવાળીનો નશો લાભ-પાંચમ સુધી રહેતો. હવે દિવાળી, માત્ર કેલેંડરમાં છપાયેલા રજાના દિવસો બનીને કેવળ રહી ગયા છે. શહેરોમાં લોકો દિવાળી કરવા હિલ-સ્ટેશન કે ફોરેન જતા રહે છે.
એક જમાનામાં દિવાળી ગ્રિટીંગ્ઝ કાર્ડ લખવામાં આવતાં. હવે એસ.એમ.એસ., વ્હોટ્સ એપ પર એનાં એ જ ફોર્વર્ડેડ મેસેજ મોકલીને મોકલી દેવાય છે.
એક સમયે ગુજરાતીમાં અનેક દિવાળી અંકો આવતાં અને લોકો ખરીદીને વાંચતા પણ ખરા.
આજે, વોટ્સ-એપના ચતુર વાક્યો મોકલી કે વાંચીને સહુ સગવાડિયા થઇને સુખી છે. (એની સામે આજે ય મરાઠી ભાષામાં 100-150થી વધુ ખાસ દિવાળી અંકો નીકળે છે!)
આપણી આસપાસ જાલિમ જીવન જ બદલાઈ રહ્યું છે તો દિવાળીનો નિર્દોષ આનંદ પણ બદલાય જ જાય ને? કદાચ અમુક વરસો પછી આજની દિવાળી પણ કદાચ રંગીન લાગી શકે! ત્યાં સુધી તો વિતેલી દિવાળીની રંગીનિયતને યાદ કરીને હરખાઇ લઇએ. ઝાંખી યાદોની રંગોળીઓ અને સ્મૃતિશેષ સંવેદનાઓ પણ એક ઉત્સવ જ છેને?
એન્ડ-ટાઈટલ્સ:
આદમ: દિવાળીમાં સૌ દીવા કેમ પ્રગટાવે છે?
ઈવ: અત્યારે પેટાવું કે રીસર્ચ કરવા બેસું?
આ પણ વાંચો…મિજાજ મસ્તી : યે મેરા પ્રેમપત્ર પઢકર…યાદથી ફરિયાદ સુધી!