થોડું જાણો…થોડું જતું કરો…

જૂઈ પાર્થ
ધનસુખલાલને આજે દુકાનેથી આવતા થોડું મોડું થયું. જમનાબહેન રાહ જોઈને જ બેઠાં હતાં, ધનસુખલાલ આવે
એટલી વાર. એટલામાં ધનસુખલાલ આવ્યાં ને જમનાબહેને એમનો ઉધડો લેવાનું શરૂ કર્યું, આજકાલ રોજ મોડા
આવો છો, મારે ક્યાં સુધી રસોડુ પકડી રાખવાનું, મારા સમયની તો કંઈ કિંમત જ નથી તમને, તમને બસ રસ્તામાં ચાર ભાઈબંધો મળી જાય એટલે જમનાને ભૂલી જવાની આટઆટલું સહન કરું છું પણ તમને એમ ના થાય કે મોડું થવાનું છે તો ઘેર પહેલેથી જાણ કરી દઉં
બિચારા ધનસુખલાલને સફાઈનો એક મોકો પણ ના મળ્યો.
જમનાબહેનને વાંધો ધનસુખલાલ મોડા આવ્યાનો નહોતો પણ એમને જાણ ના કર્યાનો હતો એ સ્પષ્ટ હતું.
બીજી બાજુ ચિંતને નવા ધંધાનાં બિઝનેસ કાર્ડ છપાવ્યા. હોંશે હોંશે ચિંતન એના પપ્પા રાજેશભાઈને આ કાર્ડ્સ બતાવ્યા. રાજેશભાઈનો પિત્તો ગયો. બિઝનેસ અને એનાં કાર્ડ તો બાજુ પર, પણ રાજેશભાઈએ ચિંતનને ખખડાવવાનું શરૂ કર્યું :
હા તમારા પપ્પાએ તો પૈસાનું ઝાડ વાવ્યું છે ને કે આ ખર્ચો કરીને આવ્યા, કોને વહેંચવાના છે આટલા બધા કાર્ડ. અને એમાં રંગએ પાછો કાળો પસંદ કર્યો. કોને લઈ ગયો’તો સાથે? આ બધા ખર્ચા કરતા પહેલાં મને પૂછવું’તું તો ખરું! પણ ના ભાઈ મોટા થયા છે એટલે હવે મા- બાપની સલાહ લેવાનું બંધ કરી દીધું છે. બોલ, કોના ચડાયે ચડી ગયો છે તું કે મા- બાપને આટલું પૂછતાંય હવે શરમ આવે છે તને?!
પિતાના આવા અણધાર્યા આક્રોશથી ચિંતન બઘવાઈ ગયો. એ કંઈ ના બોલી શક્યો. પણ પિતાનાં આ વલણથી નિરાશ થઈ ત્યાંથી જતો રહ્યો. અહીં પણ રાજેશભાઈનો ગુસ્સો કાર્ડ છપાવ્યા સામે તો નહોતો, પરંતુ એમને પૂછ્યું નહીં એની સામે હતો.
ત્રીજા દાખલામાં હરીશભાઈએ લગ્ન માટે દીકરીને એણે પસંદ કરેલા છોકરાની ના પાડતાં દીકરીએ ભાગીને લગ્ન કરી લીધાં. છોકરો ખૂબ સારો, મહેનતુ અને દીકરીને સાચવે એવો હતો તેમ છતાં હરીશભાઈએ કેટલાંય વર્ષો જમાઈને ના સ્વીકાર્યો. પિતા તરીકે પ્રેમ, હક અને ચિંતાની સાથે ક્યાંક અહંકાર પણ ઘવાયો હતો ‘કેમ મારી દીકરી મારી ઈચ્છા વિરુદ્ધ કંઈ કરે?!’ આમ અહીંયા વિરોધ વિશ્વાસ અને અહંકાર ઘવાયાનો હતો.
માણસનું મન, સ્વભાવ, માનસિકતા કળવા એ અભ્યાસનો વિષય છે, પણ એનાં પાયામાં સામેવાળી વ્યક્તિને કેન્દ્રમાં રાખીએ તો કામ સરળ બને. જ્યાં વર્તુળનું કેન્દ્ર આપણે પોતે હોઈએ ત્યાં અન્ય કોઈને સાચી રીતે સમજવું કે સ્વીકારવું અઘરું બને છે. ઉપરોક્ત ત્રણેય ઉદાહરણમાં અસંતોષ અને પોતાનું ધાર્યું ના થવુંની ભાવના છતી થાય છે. અમુક લોકોનો ‘મને બધી જાણ કરવાની, મને પૂછીને જ કંઈ કરવાનું, મારી પરવાનગી વિના કંઈ નહીં કરવાનું, મારી સલાહ લેવાની, તમારી દુનિયા પણ હું કહું એમ ચાલવી જોઈએ, મારો અનુભવ, મારી શ્રેષ્ઠતા, મારી સમજણ, મારા ઉપાયો’ વગેરે, વગેરેનો દુરાગ્રહ હોય છે. જો કોઈ એમને પૂછે નહીં, સલાહ ના લે, એમની જાણ બહાર કે ઈચ્છા વિરુદ્ધ કંઈ કરે તો એ સામેવાળી વ્યક્તિનું અપમાન કરતાં ખચકાતાં નથી.
આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોની દુનિયાનું કેન્દ્રબિંદુ એ પોતે અથવા તો એમનો અહંકાર હોય છે એમ કહી શકાય. કોઈવાર એમના આવા સ્વભાવને એ પોતે પણ નથી સમજી શકતાં અને માટે અન્ય લોકો સાથેનું એમનું વર્તન વર્ચસ્વવાળું લાગે છે. તે હંમેશાં પોતાને પાવરફૂલ પોઝિશનમાં જુએ છે અને એમ માને પણ છે કે આસપાસનાં સહુએ એમના કહ્યામાં રહેવાનું. સ્વાભાવિક છે કે આવા લોકોને પોતાની પોઝિશન ગમે, પરંતુ જેમની પર એ લોકો પોતાનાં નિર્ણયો કે સલાહ સૂચનો થોપી બેસાડે છે એમનો અલગ દૃષ્ટિકોણ હોય જે જાણવો જરૂરી છે. એ સમજવું પણ જરૂરી છે કે જે લોકોને પોતાનો અહં સંતોષવા વાપરે છે એ પણ પોતાની રીતે વિચારીને નિર્ણય લઈ શકે છે.
ઘરની કે સમાજની બધી જ વાત જાણવાની અને જાણીને એમાં પોતાની સલાહો ઉમેરવાની જરૂર નથી હોતી. સાચા સુખ અને શાંતિ થોડું ના જાણવામાં, થોડું જતું કરવામાં અને થોડું લોકોને પોતાનું કામ પોતાની રીતે કરવાની સ્વતંત્રતા આપવામાં છે. આમ કરવાથી કોઈનાં મન પર કોઈ બોજ નથી રહેતો, સંબંધોમાં તણાવ ઓછો થાય છે અને સાથે એકબીજામાં વિશ્વાસ રોપાય છે કે જે બંને પક્ષનાં માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે.
આ વિશે બોલો, તમે શું કહો છો?



