હેં… ખરેખર?!: હળાહળ ઝેરીલા સાપવાળા ટાપુ પર માનવીને પ્રવેશ નથી!

પ્રફુલ શાહ
એકાદ સાપ સપનામાં દેખાય કે સામે આવી જાય તો મોટાભાગના માનવી ઊછળી પડે. ભલે બધા સાપ-નાગ ઝેરીલા ન હોય પણ એની પૂરેપૂરી જાણકારી-સમજ ક્યાં છે આપણને? એવામાં ડગલે ને પગલે દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરીલા સાપ હોય ત્યાં કોઈને જવાનું મન થાય ખરું? કદાચ મન થાય તો પણ ત્યાં જવાની મંજૂરી ન મળે.
હા, પર્યટકોને જવાની છૂટ નથી એવા ટાપુ પર. છે ચારેક હજાર અલગ અલગ પ્રજાતિના સાપ. અહીં સમ ખાવા પૂરતો એકેય માનવી કે પશુ પણ દેખાતા નથી. એ સ્થળ બ્રાઝિલનો ટાપુ. મૂળ નામ ઈલ્હા દા ક્યુઈમાંડા ગ્રાંડે પણ ઓળખાય સ્નેક આઈલેન્ડ તરીકે. અહીં દર સ્કવેર મીટર પર એક ઝેરીલો સાપ રહે છે. આ વિશ્વના સૌથી વધુ ઝેરીલા ગોલ્ડન લાંસહેડ વાઈપર સાપનું ઘર ગણાય છે.
સૌથી પહેલા જાણીએ સાપોના ટાપુનો ઈતિહાસ. બ્રાઝિલના પાટનગર સાઓ પાઉલોની દક્ષિણે 90 કિલોમીટરના અંતરે આવેલો આ ટાપુ 106 એકરમાં ફેલાયેલો છે. હકીકતમાં સમુદ્રની સપાટી વધી જવાથી આ ટાપુ બ્રાઝિલની મેઈનલેન્ડથી અલગ પડી ગયો હતો. ત્યાર બાદ અહીં રહેતા સાપ ઈવોલ્વ થવા, વિકાસ પામવા માંડયા. અહીં સાપ વધતા ગયા પણ એનો શિકાર કરનારા કે પકડનારા કોઈ નહોતા. સાપની વસતિ અને વૈવિધ્ય વધવા માંડયા.
આ ટાપુ પર નહોતા માનવી કે નહોતાં નાનાં-મોટાં જાનવર. આટલા બધા પેટ શેનાથી ભરે? એ લોકો પંખીઓનો શિકાર કરવા માંડયા. એમાંય મોટાભાગનાં યાયાવર પંખી. પોતાની મોસમમાં દૂરનું વતન છોડીને અહીં આવે અને સાપનો કોળિયો થઈ જાય, પરંતુ પંખી ખૂબ સજાગ અને ચપળ હોય એટલે ઝડપથી છટકી જાય. કહેવાય છે કે શોધ એ જરૂરિયાતની જનની છે. ઊડતા પંખીને ઝડપી લેવા ત્યાંના અમુક સાપ ઊડવાય માંડ્યા.
જો કે ટાપુ પર ક્યારેય માનવ વસવાટ નહોતો સાવ એવું નથી. ઈ. સ. 1909થી 2020 વચ્ચે અહીં બનેલી દીવાદાંડીના સંચાલન માટે અમુક માણસો રહેતા હતા. પરંતુ એક દિવસે બારીમાંથી થોકબંધ સાપ તેમના ઘરમાં ઘૂસી ગયા. આ સાપોના જૂથે કરેલા હુમલામાં લાઈટ હાઉસ કીપર અને એના આખા કુટુંબે જીવ ગુમાવ્યા હતા.
વધુ ખાંખાખોળા કરતા માહિતી મળે છે કે આ ટાપુ પર સાપની વસતિ વધવાની શરૂઆત અગિયાર હજાર વર્ષ અગાઉ થઈ હતી. હવે વસતિ એટલી બેફામ થઈ ગઈ છે કે માણસો ત્યાં જવાનો વિચાર સુધ્ધાં કરતા નથી ને કદાચ કોઈ ધૂનીને મન થાય તો બ્રાઝીલ સરકાર ધરાર ત્યાં ન જવા દે.
અત્યારે તો માત્ર નૌકાદળ વિજ્ઞાનીઓ અને સંશોધકોને જ ટાપુ પર જવાની છૂટ છે. એટલાંટિક મહાસાગરમાં આવેલા આ ટાપુમાં જનારા રડ્યાખડ્યા વીરલા, સેટેલાઈટ ફોન અને પૂરી ટીમ સાથે જ જાય અને એ પણ સાપના ઝેર ઉતારવાની દવાના પૂરતા જથ્થા સાથે જ.
આ ટાપુની સૌથી ભયાનક અને ઝેરીલી વિશિષ્ટતા એટલે ગોલ્ડન લાંસહેડ વાઈપર સાપ. સરેરાશ 70 થી 90 સેન્ટિમીટરની લંબાઈ ધરાવતો આ સાપ માત્ર બ્રાઝિલમાં દેખાય છે. બીજા નંબરના સૌથી ઝેરી સાપ ગણાતા બોથ્રોપ્સ જરારાકાના ઝેર કરતાં ગોલ્ડન લાંસહેડ વાઈપર પાંચ ગણો વધુ ઝેરીલો છે. એ મુખ્યત્વે ચિલિયન ઈલાનિયા નામના યાયાવરી પંખીનો શિકાર કરે છે.
એક સમયે અહીંથી ગોલ્ડન લાંસહેન્ડ વાઈપર સાપની દાણચોરી થતી હતી. આ એક સાપ 25-25 લાખમાં વેચાતો હતો. હજીય સાપને ગેરકાયદે પકડવા માટે અમુક લોકો જીવ જોખમમાં મૂકતા હોવાના અહેવાલો આવતા રહે છે. અને જોખમ પણ નાનુંસુનું નહીં.
ગોલ્ડન લાંસહેન્ડ વાઈપર સાપના કરડવાથી માણસની કિડની કામ કરતી બંધ થઈ જાય. આંતરિક રક્તસ્ત્રાવ થાય અને માંસ પણ ઓગળવા માંડે. આ ટાપુ પર નાના નાના પહાડ અને ગાઢ જંગલમાં એટલા બધા સાપ છે કે જો એક કરડે તો એનાથી બચો ત્યાં બીજો ડંખ મારી દે. એથી માનવીઓને અહીં આવવા દેવાનું જોખમ લેવાતું નથી.
આ પણ વાંચો…હેં… ખરેખર?! : ટચૂકડો દેશ તુવાલુ જળસમાધિની પ્રતીક્ષામાં છે!