ઉત્સવ

ભારતમાં કેવી રીતે બને સ્પોર્ટ્સનું સુપર કોર્પોરેટ મોડલ?

વિશેષ -સાશા

આપણે વસ્તી, શિક્ષણ, ટેકનિકલ નિપુણતા અને અંગ્રેજીમાં પ્રાવીણ્ય હોવા છતાં ભારતના રમતગમતના માહોલ તરફ એક નજર કરીએ, ત્યારે આશ્ર્ચર્ય થાય છે? કારણ કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, આપણે ઓલિમ્પિક જેવી રમતગમતની સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ માટે ઝંખતા હોઈએ છીએ, જ્યારે વિશ્વના ઘણા એવા દેશો કે જેમની વસ્તી આપણા કોઈપણ રાજ્યને તો છોડો, તે રાજ્યના એક જિલ્લા કરતા પણ ઓછી છે, તેમ છતાં તેમની પાસે આપણા કરતાં વધુ મેડલ હોય છે. સ્પોર્ટ્સમાં ભારતની આ સ્થિતિ આપણને હંમેશાં પરેશાન કરે છે, જેની પાછળનું એક મોટું કારણ સરકાર દ્વારા સ્પોર્ટ્સ પરના રોકાણનો મોટો અભાવ માનવામાં આવે છે. જ્યારે આપણે સ્પોર્ટ્સમાં રોકાણ કરવા વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ, ત્યારે એક વસ્તુ જે આપણું ધ્યાન સૌથી વધુ આકર્ષે છે તે છે ખાનગી રોકાણ. સવાલ એ છે કે જો આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારો રમતગમતમાં આટલું રોકાણ નથી કરી શકતી, જેટલા રોકાણની જરૂર છે, તો પ્રશ્ન એ છે કે ખાનગી ક્ષેત્ર શા માટે રોકાણ નથી કરી રહ્યું? છેવટે, આનું કારણ શું છે? શું આનું એકમાત્ર કારણ એ છે કે દેશમાં સ્પોર્ટ્સનું કોઈ કોર્પોરેટ મોડલ નથી? કે પછી આની પાછળ નોકરશાહીનો અવરોધ છે?

વાસ્તવમાં આનું કોઈ એક કારણ નથી, ઘણા કારણો છે પરંતુ સૌથી મોટું કારણ રાજકારણ અને નોકરશાહી છે. આ કારણોને લીધે દેશમાં સ્પોર્ટ્સનું કોઈ સફળ અને પ્રેરણાદાયી કોર્પોરેટ મોડલ વિકસી રહ્યું નથી. વસ્તી અને અન્ય સંસાધનોની દૃષ્ટિએ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દેશોમાંના એક હોવા છતાં, ભારત રમતગમતમાં ખાનગી ક્ષેત્રના રોકાણના સંદર્ભમાં વિશ્વના ટોચના 10 દેશોમાં પણ સ્થાન ધરાવતું નથી. સ્પોર્ટ્સમાં ખાનગી (કોર્પોરેટ) રોકાણના સંદર્ભમાં વિશ્વના ટોચના 10 દેશો અનુક્રમે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, યુનાઇટેડ કિંગડમ, જર્મની, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલ છે.

આ તમામ દેશો રમતગમતમાં ખાનગી રોકાણને લઈને માત્ર સભાન જ નથી પરંતુ ખૂબ સક્રિય પણ છે. આ દેશોમાં, કોર્પોરેટ ક્ષેત્રો વ્યાવસાયિક સ્પોર્ટ્સ લીગ ચલાવે છે. સ્પોર્ટ્સની અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ કરે છે અને પોતાના ખેલાડીઓને માત્ર રમતનું શ્રેષ્ઠ વાતાવરણ જ નહીં પરંતુ કારકિર્દી સંબંધિત સુવિધાઓ આપવા માટે પણ હંમેશાં પ્રતિબદ્ધ રહે છે.

બીજી તરફ, જ્યાં સુધી ભારતનો સવાલ છે, આપણે સ્પોર્ટ્સમાં ખાનગી રોકાણના ક્ષેત્રમાં ઊભરતું બજાર તો છે જ. પરંતુ ક્રિકેટ સિવાય, એવી ઘણી ઓછી રમતો છે જે અત્યાર સુધી કોર્પોરેટ જગતને રોકાણ માટે આકર્ષવામાં સફળ રહી છે. ક્રિકેટ પછી, તાજેતરના વર્ષોમાં ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષતી અન્ય રમતોમાં બેડમિન્ટન, કબડ્ડી અને ફૂટબોલનો સમાવેશ થાય છે. જોકે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે, પરંતુ વર્તમાન વાસ્તવિકતા એ છે કે રમતગમતમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ ઘણું ઓછું છે. સાથે હકીકત એ છે કે રમતગમતમાં ખાનગી ક્ષેત્રના રોકાણને ત્યારે જ વેગ મળશે જ્યારે દેશમાં પરિપક્વ રમત સંસ્કૃતિનો વિકાસ થશે. કારણ કે સત્ય એ છે કે આપણી પાસે ભલે વસ્તુઓ હોય પણ દેશમાં રમતગમતની સંસ્કૃતિનો સદંતર અભાવ છે.

આ પણ વાંચો…સ્પોર્ટ્સ મૅન : ઇમ્પૅક્ટ ખેલાડીઓના અસરદાર પર્ફોર્મન્સ

તેથી સ્પોર્ટ્સમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ ખૂબ મર્યાદિત છે. આપણા દેશમાં ક્રિકેટ એકમાત્ર એવી રમત છે જેણે પોતાનું અસરકારક કોર્પોરેટ સપોર્ટેડ મોડલ વિકસાવ્યું છે અને તેનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે જે આઇપીએલના નામથી વધુ પ્રખ્યાત છે.

દેશની અન્ય રમતોમાં ન તો મોટી સંખ્યામાં દર્શકો હોય છે અને ન તો મીડિયાનું એટલું ધ્યાન હોય છે. આ કારણે બ્રાન્ડ્સને રોકાણ પર ઓછું વળતર મળે છે. આ ઉપરાંત, આજના ટેક્નોલોજીથી ભરપૂર રમતગમતની દુનિયામાં, આપણી પાસે અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અભાવ છે. દેશના ટુ ટિયર અને થ્રી ટિયર શહેરોમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કોચિંગ સુવિધાઓ, સ્પોન્સરશિપ નેટવર્કની ભારે અછત છે. જેના કારણે ખાનગી કંપનીઓને સ્પોર્ટ્સમાં રોકાણ કરવા માટે સ્પષ્ટ માળખું મળતું નથી.

સાથે જ નીતિ અને વહીવટના સ્તરે પણ સંદિગ્ધતા છે. દેશમાં સ્પોર્ટ્સ ફેડરેશન (જેમ કે હોકી ઈન્ડિયા, બાસ્કેટબોલ ફેડરેશન)ની કામગીરી પારદર્શક માનવામાં આવતી નથી. તેથી ખાનગી ક્ષેત્ર ભ્રષ્ટાચાર અને નોકરશાહીથી બચવા માગે છે. ખાનગી ક્ષેત્રને આ તરફ આકર્ષવા માટે કમર્શિયલ અપીલનો અભાવ છે કારણ કે ક્રિકેટ સિવાયની તમામ રમતોમાં ટીવી ટીઆરપી, ટિકિટ વેચાણ અને મર્ચેન્ડાઇઝિંગ મર્યાદિત છે. ખાનગી ક્ષેત્રના રોકાણકારો એવા પ્લેટફોર્મ પર નાણાનું રોકાણ કરવાનું પસંદ કરે છે જ્યાં પ્રેક્ષકો, ખેલદિલી અને બ્રાન્ડ વેલ્યુ હોય.

ભારતથી વિપરીત, અમેરિકામાં પરિપક્વ સ્પોર્ટ્સ ઇકોનોમી અને ઇકો સિસ્ટમ છે. તેથી જ અહીં એનબીએ, એનએફએલ, એમએલબી જેવી લીગમાં સંપૂર્ણપણે ખાનગી રોકાણ આધારિત મોડલ ચાલે છે. અહીં ખેલાડીઓ બ્રાન્ડિંગ, ફ્રેન્ચાઈઝી મોડલ અને મીડિયા અધિકારોથી અબજો ડૉલરની કમાણી કરે છે. ઇંગ્લેન્ડમાં પણ આવી જ સ્થિતિ છે જ્યાં જાહેર-ખાનગી સહયોગ સંપૂર્ણપણે સફળ છે. ઈંગ્લેન્ડમાં ફૂટબોલ ક્લબને ખાનગી કંપનીઓ અને અબજોપતિઓ (જેમ કે માન્ચેસ્ટર સિટી અબુ ધાબી ગ્રૂપ) સ્પોન્સર કરે છે. એટલું જ નહીં, સરકાર યુવાનો માટે સ્પોર્ટ્સ સબસિડી આપે છે. ચીનમાં રાજ્ય-પ્રાયોજિત કોર્પોરેટ રોકાણ અસ્તિત્વમાં છે કારણ કે ચીનમાં રમતગમતને રાષ્ટ્ર નિર્માણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. અહીં સરકારની ભાગીદારી સાથે મોટી ટેક કંપનીઓ (જેમ કે અલીબાબા) રમતગમતમાં રોકાણ કરે છે.

સવાલ એ છે કે સ્પોર્ટ્સમાં ખાનગી કોર્પોરેટ રોકાણના આ વૈશ્વિક મોડલમાંથી ભારત માટે કયું યોગ્ય છે. જો ઘણા નિષ્ણાતોના તારણો એકસાથે મૂકવામાં આવે તો ભારત માટે આ વિકલ્પ છે:

પ્રો કબડ્ડી, આઇએસએલ (ફૂટબોલ) જેવી સ્પોર્ટ્સ લીગનું વિસ્તરણ અને આવી લીગ મોડલને વધુ રમતોમાં લઈ જવું જોઈએ.

આ પણ વાંચો… સ્પોર્ટ્સ મૅન: ટીમ ઇન્ડિયાના ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટેની ટીમ જાહેર કરશો, પણ ક્યારે?

આપણી રમતની નીતિઓ પારદર્શક હોવી જોઈએ. રમતગમત સંગઠનોમાં પારદર્શિતા અને કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપવું જોઈએ. પાયાના સ્તરે એટલે કે યુવા અને શાળા સ્તરે પ્રતિભા વિકસાવવા માટે સીએસઆર ભંડોળનો ઉપયોગ થાય.

ખેલાડીઓનું બ્રાન્ડિંગ જરૂરી છે. ખેલાડીઓ માત્ર મેડલ નહીં પણ બ્રાન્ડ વેલ્યુ બને, તેનાથી ખાનગી કંપનીઓનો રસ વધે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button