હેં… ખરેખર?! : હાય હાય ગરમી: સૌથી હૉટેસ્ટ સ્થળે ઉષ્ણતામાન 70 ડિગ્રી

-પ્રફુલ શાહ
ઉનાળામાં ઠંડા ઠંડા બિઅર, આઈસક્રીમ, શરબત, એ.સી., કાશ્મીર અને સ્વીર્ટ્લેન્ડની વાતો કરવી ગમે. ઉનાળામાં કચ્છ, રાજસ્થાનના ચુરુ અને પશ્ચિમ બંગાળના મર્શિદાબાદ છાશવારે ગરમીના વધુ પારા માટે સમાચારમાં ચમકતા રહે છે. આ સાંભળી-વાંચીને આપણને પરસેવો વળવા માંડે છે. પરંતુ પૃથ્વી પરના સૌથી ગરમ સ્થળ પર તો સામાન્યપણે 60 ડિગ્રી સેલ્શિયસથી વધુ ગરમી હોય છે અને ઉનાળામાં તો ક્યારેક આ આંક 70.7 ડિગ્રી સેલ્શિયસને આંબી જાય છે. આ સ્થળ છે ઈરાનનું દસ્ત-એ-લૂટ.
સૌથી પહેલાં ઈરાનના દક્ષિણ – પૂર્વમાં આવેલા રણ વિસ્તારના નામનો અર્થ જાણીએ. પર્શિયન ભાષામાં આ બે શબ્દમાં લૂટ'નો અર્થ થાય છે
ઉજ્જડ’ અને ખાલી', તો
દસ્ત’ એટલે `સપાટ.’ આ સંપૂર્ણપણે ખાલી, ઉજ્જડ, એકાકી વિસ્તાર છે. દૂર-દૂર સુધી ક્યાંય માનવી તો જવા દો, વૃક્ષ-છોડ-પશુ-પંખી ય નજરે ન ચડે. અહીં ભાગ્યે જ કોઈ જવાની હિમ્મત કરે. કોઈ સાહસવીર પહોંચી જાય તો લાંબો સમય ટકી ન શકે. જેટલો સમય રહે ત્યાં સુધી શરીર આખેઆખું ઢાંકી રાખવું પડે. થોડી-થોડી અંતરે પાણીની જરૂર પડતી રહે.
ઈરાનના કેર્મન અને સિસ્તાન – બલુચિસ્તાનમાં પ્રસરેલું આ રણ વિશ્વના સૌથી મોટાં રણોની યાદીમાં 33મા ક્રમે આવે છે. 51,800 ચોરસ કિલોમીટરમાં પ્રસરેલા આ રણમાં ક્યારેક શિયાળામાં થોડું પાણી વહેતું દેખાય પણ એને સુકાઈ જતા બહુ વાર ન લાગે. અહીં 300 મીટરના ઢુવા (ટેકરા) જોવા મળે, જે વિશ્વના સૌથી ઊંચા ઢુવામાં સ્થાન મેળવે છે.
પૃથ્વી પરના સૌથી સુકાભઠ્ઠ સ્થળ તરીકે ઓળખાતા દસ્ત-એ-લૂટની અડધાથી વધુ સપાટી જ્વાળામુખીય પર્વતથી આચ્છાદિત છે. ખૂબ ગરમીના દિવસોમાં અહીં બાષ્પીભવન થતું ય નજરે પડે.
યુનેસ્કોએ હેરીટેજ સાઈટ જાહેર કરેલ દસ્ત-એ-લૂટ ખૂબ રસપ્રદ અતીત ધરાવે છે. ઈશુના જન્મના 2500 વર્ષ અગાઉ અહીં માનવ – વસાહત હતી. લૂટના પશ્ચિમ કાંઠે શહાદાદ નામનું પ્રાચીન શહેર હતું અને પૂર્વ ભાગમાં આજે શહર-એ-સુકતેહ નામનું શહેર હતું, જે આજે સુકાઈ ગયેલી હેલમંડ નદીમાં ફેરવાઈ ગયું છે.
આ પણ વાંચો: ઓપિનિયન : અત્યારનાં બાળકો બુદ્ધિશાળી અને ચપળ પણ મા-બાપો માટે મોટી મોબાઈલ સમસ્યા
ઈરાનના પુરાવતત્ત્વ વિભાગ માટે દસ્ત-એ-લૂટ મહત્ત્વપૂર્ણ પ્રાંત ગણાય છે. આ રણની આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલા વ્યાપક પુરાતત્ત્વીય સર્વેક્ષણમાં ઈશુના જન્મપૂર્વે પાંચ લાખ વર્ષ જૂની 87 સાઈટ મળી આવી હતી. આમાંની 23 સાઈટ ચલકોથિલિ અને બ્રોન્ઝ એજ અર્થાત્ તામ્રયુગની હોવાનું બહાર આવ્યું છે.
અહીં અમેરિકાના `નાસા’ (નેશનલ એરોનોટિકલ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટે્રશન)ના આકવા ઉપગ્રહે 2003થી 2010 વચ્ચે ગોઠવેલા મોડરેટ – રિઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર ઉષ્ણતામાન 70.7 સેલ્શિયસ ડિગ્રી નોંધાયું હતું.
દસ્ત-એ-લૂટ ઉપરાંત ઈરાનનું બંદર-એ-મશહર પણ ગરમીની બાબતમાં નોંધપાત્ર રેકોર્ડ ધરાવે છે. મશહર શહેરના બંદર જેવો અર્થ ધરાવતું આ સ્થળ ઈરાનના ખુસતન પ્રાંતમાં ફારસની ખાડી કિનારે સ્થિત બંદર અને શહેર છે.
તેલ અને પેટ્રોલિયમ પેદાશોના નિકાસ માટે જાણીતા આ સ્થળે ઉનાળામાં પારો એકવાર છેક 74 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો હતો. એ અગાઉ અહીં સૌથી વધુ આંક 51 ડિગ્રી સુધી નોંધાયો હતો. જરા કલ્પના કરો કે 74 ડિગ્રી
સેલ્શિયસે માણસોએ કેવી નર્કગારની અનુભૂતિ કરી હશે?
વિશ્વની સૌથી ગરમ જગ્યાઓની ઉકળતી યાદીમાં ચીનના ફલેમિંગ માઉન્ટેઈન્સ પણ ખરા. આ પર્વતીય વિસ્તારમાં ઉનાળામાં પારો 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય. એકવાર વધુ પડતી ગરમીએ 66.8 ડિગ્રી સેલ્શિયસ સુધીનો પારો દેખાડ્યો હતો.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ : ટાઇમગેપ-અવતાર ને હવે ગિબલીએ સૌને લગાડયું ઘેલું
… અને આપણા ભારતમાં રાજસ્થાનનું શ્રીગંગાનગર ગરમી માટે નામચીન છે. ઉનાળામાં અહીં 40થી 45 ડિગ્રી સેલ્શિયસ ગરમી હોય જ. આ સ્થળે 50 ડિગ્રી પણ જોઈ છે. ત્યાર બાદ ઝાંસી, નાગપુર, ડાલ્ટોન ગંજ, બિલાસપુર, વિજયવાડા, રેન્ટાચિંટાલા, તિતલાગઢ, વર્ધા, દિલ્હી, આગ્રા, સંબલપુર, મછલીપટ્ટનમ અને કુર્નુલ આવે, પરંતુ આ બધા જ ગરમીની રેન્જ 50થી 46 ડિગ્રી સેલ્સિયસ જેટલી હોય.
આ વાંચીને તરત પંખો ફાસ્ટ કરીને લીંબુ શરબત પી લો.