જાડા નરને શોધીને હીરો જાહેર કરી દો!

હેં… ખરેખર?! – પ્રફુલ શાહ
આજે સિક્સ પેક, એકસરસાઇસ, મોર્નિંગ વોક અને ડાયેટ ફુડ જેવી બાબતોની બોલબાલા છે. સાંઠીએ પહોંચેલા બોલિવૂડી હિરો વીએફએક્સની મદદથી કહેવાતા મર્દાના લૂક માટે હવાતિયાં મારતા ફરે છે.
આ બધાથી દૂર મૂળ ઈથિયોપિયાની એક જનજાતિનાં એકદમ અલગ જ રિવાજ, પરંપરા અને માન્યતા છે બોદી જનજાતિના પુરુષો ઇચ્છે કે પોતે વધુને વધુ જાડા અને વજનદાર બને અને લાગે. હેં? ખરેખર? હા, વજન વધારવા માટે કોઇ કચાશ છોડતા નથી. આવું શા માટે? કારણકે બોદી જનજાતિમાં કલ્પનામાં ન આવે એવી એક સ્પર્ધાનું આયોજન થાય છે. આ સ્પર્ધા જીતનારા સૌથી વજનદાર-મોટા (જાડા) નરને બોદી જનજાતિનો હિરો જાહેર કરાય છે.
દુનિયાભરના ખૂણેખાંચરે આધુનિકતાથી દૂર અને પોતીકી પરંપરાના રક્ષણમાં રમમાણ રહેતી જનજાતિઓની ખાસ જીવનશૈલી, પરંપરા, માન્યતા, આસ્થા અને આદર્શો હોય. એ બધાના મૂળમાં બહુ જૂના સમયના તર્ક હોવાના જ. આ લોકો આધુનિકતાનું આંધળું અનુકરણ કરતાં નથી કે પરદેશીઓ પાછળ પાગલની જેમ દોડતા નથી.
બોદી જનજાતિમાં સૌથી જાડો હિરો માટેની સ્પર્ધામાં એક-બે દિવસ, બે-ચાર અઠવાડિયા નહીં પણ પૂરેપૂરા છ મહિના ચાલે છે. જાણીએ કે શું થાય છે આ અડધા વર્ષમાં અને સ્પર્ધકો કેમ – કેવી તૈયારી કરે છે. સ્પર્ધકને ખાવા-પીવાથી ભરપૂર સામગ્રી અપાય છે કે જેથી તેઓ જાડા થઇ શકે ને વજન વધારી શકે.
સ્પર્ધકો છ મહિના એક જ રૂમ કે ઝૂંપડીમાં રહે છે. અહીં તેઓ દૂધ અને લોહી (હા, બ્લડ)નું સેવન કરે છે. જાનવરના લોહીને દૂધ સાથે ભેળવીને પીવાથી વજન ખૂબ વધે છે. અથવા એવું તેઓ માને છે. આ રેડ ઍન્ડ વાઇટના મિશ્રણથી ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ જાડા થઇ શકાય એવી તેમની માન્યતા છે. આ પ્રક્રિયા રોજેરોજ પૂરા છ મહિના સુધી થતી રહે છે. આ ઉપરાંત બીજી ચરબીવાળી ચીજોનો પણ તેઓ ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરે છે.
અને આ સ્પર્ધાને અત્યંત ગંભીરતાથી લેવાય છે. સ્પર્ધક એટલા જાડા અને વજનદાર થઇ જાય છે કે સ્પર્ધા પતી ગયા પછી હલનચલનમાંય મુશ્કેલી પડે. છતાં કોઇ એને જરાય હળવાશથી લેતું નથી. પરંપરા પ્રત્યે કેવી અડગ શ્રદ્ધા છે ને?
સ્પર્ધાના આખરી દિવસે એક જાનવરનું બલિદાન અપાય. ત્યારબાદ એક-એક સ્પર્ધક સામાન્ય જીવન જીવવા માંડે છે.
મીએન તરીકે ય ઓળખાતી બોદી જનજાતિમાં મોટાભાગનાં પુરુષ ભારે વજન ધરાવતા હોય આનું એક મુખ્ય કારણ એ કે તેઓ માટે ભારે પ્રમાણમાં મધ વાપરે છે. કદાચ વધુ વજન એ એમના સંસ્કાર, પરંપરા અને ડીએનએનો ભાગ બની ચુકયો છે. સૌથી જાડા પુરુષને હિરો બનવાના ઇનામમાં પણ મળે શું? સમગ્ર જનજાતિમાં ભરપૂર નામના અને સન્માન મળે. છોગામાં મનપંસદ ક્ધયાને પરણવાનો હક.
આ સ્પર્ધા વિશે જાણ્યા બાદ બોદી જનજાતિ બાબતે ઘણી રસપ્રદ માહિતી છે જે ચૂકી ન શકાય. આ મોટાભાગના શ્યામવર્ણા પુરુષો કમરની ચારે બાજુ ઘાસચારા અને કપાસની પટ્ટી પહેરે છે. અમુક લગભગ નગ્નાવસ્થામાં પણ રહે છે. આ જનજાતિનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. આનું મહત્ત્વ એટલું બધું કે કોઇ બાળકનો જન્મ થાય ત્યારે પિતા ભૂલકાને એકાદ ગાય કે ભેંસની ભેટ આપે છે. એ જ રીતે લગ્નમાં પણ ક્ધયાને દહેજમાં ગાય-ભેંસ અપાય છે. હકીકતમાં તો ગાય જ બોદી જાતિનું સર્વસ્વ છે. ગાયના દૂધ, દહી, ઘી, માખણ, ગૌમૂત્ર, છાણ અને લોહીનો પણ ઘણો ઉપયોગ કરે છે. ગાય એમની કામધેનું જેવી હોવાથી સ્પર્ધકોને ગાયનું લોહી પીવડાવવા માટે આ અબોલ પ્રાણીની હત્યા કરાતી નથી. બલકે એની નસમાં કાણાં પાડેલ લોહી લેવાય છે. પછી દેશી દવા અને માટીથી ગાયના ઘાની સારવાર કરાય છે.
ખૂબ જ મિલનસાર સ્વભાવના બોદી જનજાતિની વસતિ દુનિયાભરમાં હાલ માંડ દશેક હજાર જેટલી છે.
આ અનોખી બોદી જાતિના નેતા કે આગેવાનને ‘કોમોરો’ કહેવાય છે. એના આદેશને દેવાતની ઇચ્છા માનીને માથે ચડાવાય. કોઇ ‘કોમારો’ વૃદ્ધાવસ્થાને લીધે મરણ પામે ત્યારે એના મોટા દીકરાને પરંપરાગત પદ્ધતિથી સત્તારૂઢ કરાય છે.
આ પણ વાંચો…હેં… ખરેખર?!: અલ્લાઉદ્દીન ખિલજીએ શ્રી રંગનાથ સ્વામીની લૂંટેલી મૂર્તિ કેમ પાછી આપી?



