ઉત્સવ

કાલસર્પયોગ: જ્યોતિષીઓ માટે રોકડિયો પાક…

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ

‘તમને નોબેલ-પ્રાઈઝ મળ્યું છે?’ મને સાધારણ ઓળખતા એક જ્યોતિષીએ પૂછ્યું.

‘મને જો નોબેલ પ્રાઈઝ મળ્યું હોત તો તમને જ નહીં, આખા જગતને એની ખબર પડી ગઈ હોત ને તમે મારી એપોઈન્ટમેન્ટ લીધા વગર આવો સવાલ પૂછવા આટલી સરળતાથી મારી પાસે આવી પણ શક્યા ન હોત…’ મેં જરા અણગમાથી ઉત્તર આપ્યો.

‘નોબેલ-પ્રાઈઝ નહીં મળ્યાનો ગુસ્સો આ રીતે મારા પર કાઢ્યા વગર તમને એ નથી મળ્યું એવું ટૂંકમાં જ કહી દો ને!’ જ્યોતિષીએ બિલકુલ સ્વસ્થતાથી કહ્યું,

‘ના, મને નોબેલ-પ્રાઈઝ, ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કે એવો કોઈ પુરસ્કાર મળ્યો નથી, હાસ્યલેખકોને આવાં ઈનામો આપવાનો પહેલેથી જ રિવાજ નથી…’ મેં ચોખવટ કરી.

‘તમને કોઈ વાર સાપનાં સપનાં આવે છે?’ નવો પ્રશ્ર્ન.

‘ના, પણ કોઈ વાર નોળિયાનાં સ્વપ્ન આવે છે ખરાં…’

‘સમજી ગયો…’ તેમણે સમજી ગયા પછી મને સમજાવતાં કહ્યું: ‘તમને ખબર છે કે આવું બધું કેમ થાય છે? તમને કાલસર્પયોગ સતાવી રહ્યો છે… આ એક એવો યોગ છે જેમાં માણસ તનતોડ મહેનત કરે છતાં તેને ધાર્યું પરિણામ મળે નહીં…
‘એટલે?’ મેં જાણવા માગ્યું.’

‘એટલે તમારી જ વાત કરું તો તમે ગમે એટલી મહેનત કરીને હાસ્યલેખ લખો, પણ તે વાંચીને વાચકો હસવાને બદલે ગંભીર થઈ જાય, તમે ભાષણ કરવા જાઓ ને ઑડિયન્સને હસાવવા નવા ટુચકા કહો તોય ઑડિયન્સ હસે નહીં. ઑડિયન્સમાં બેઠેલા તમારા પાંચ-પંદર અપનાવાલાય વ્યવહારે સ્મિત પણ ન કરે, મિમિક્રી કરવાની ફરમાઈશ કરે. બોલો, આવું થાય છે ને?’ તેણે મને સામે પૂછ્યું.

‘હા, ભુજંગરાય, બરાબર આવું જ થતું હોય છે…’ મેં હકીકત જણાવી.

‘બસ, આ બધાનાં મૂળમાં તમારો કાલસર્પયોગ જ છે. તમારા ફાલતુ ‘જોક’ પર પણ ઑડિયન્સ અને વાચકો હસી હસીને બેવડ વળી જાય એવું તમે ઈચ્છતા હો, તમારે સફળ હાસ્યલેખક કે ટુચકાબાજ થવું હોય તો એ માટે કાલસર્પયોગનો વિધિ કરાવો, પછી જોજો, તમે હાસ્યજગતમાં છવાઈ જશો.’ તે બોલ્યો.

‘હું એવા બધામાં માનતો નથી…’ મેં નાસ્તિકતા પ્રગટ કરી.

‘તમારા માનવા-ન માનવાથી કોઈ ફરક પડવાનો નથી અને આમ જોવા જાવ તો તમારે એમાં ખાસ કંઈ કરવાનું નથી. એક વાર મારી સાથે ચાણોદ આવવાનું, પાંચેક કલાકનો વિધિ છે, ખર્ચોય બહુ મોટો નથી. અઢી-ત્રણ હજારમાં પતી જશે.’
‘પણ મારી પાસે એટલો સમય નથી.’ મેં બહાનું કાઢ્યું.

‘એમ? સમય નથી? સમય ન હોય તો એનોય રસ્તો છે શેઠિયા, એવું હોય તો તમે સાથે ન આવતા. તમારા ફોટોગ્રાફથી કામ નીકળી જશે. તમે તમારો પાસપોર્ટ સાઈઝનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો આપશો તોય ચાલી જશે. એમાં ખરચ જોકે થોડો વધારે થશે, પણ છ-સાત હજાર સુધીમાં પતી જશે ને પછી તો તમારો બેડો પાર થઈ જશે.’ ભુજંગરાય છાતી ઠોકીને બોલ્યા.

‘સોરી, આવા બધામાં મને રસ પણ નથી ને શ્રદ્ધાય નથી…’ મારો આવો જવાબ સાંભળી તેણે ચેતવણીના સૂરમાં જણાવ્યું:

‘તો તમે જાણો, બાકી આ કાલસર્પયોગ બહુ ખતરનાક છે, ભલભલાનું ધનોતપનોત કાઢી નાખતાંય તે અચકાતો નથી… વિચારી કરીને જવાબ આપજો, ઉતાવળ નથી.’

જ્યોતિષીઓ કહે છે કે ભગવાન રામચન્દ્રજીની કુંડળીમાંય કાલસર્પયોગ હતો ને એ કારણે તેમના હાથમાં આવતાં આવતાં જ ખુરસી સરકી ગઈ, તેમનું સિંહાસન અનાયાસ ભરતને મળી ગયું, તેમને ચૌદ વર્ષ સુધી વનમાં ભટકવું પડ્યું. મારો એક જ્યોતિષી-મિત્ર હિન્દી ફિલ્મોની અભિનેત્રી રેખાનો દાખલો આપતાં કહે છે કે આ રેખાનેય કાલસર્પયોગ છે એટલે તો તે સીધી રેખામાં ચાલતી નથી, સર્પની જેમ ‘ઝિગ્ઝેગ’ ચાલે છે.

આ કારણે તેણે જેને જેને પ્રેમ કર્યો એમાંના કોઈને તે પરણી શકી નહીં અને જેને પરણી તેને સુખી કરી શકી નહીં, એમાંના એકે તો આત્મહત્યા કરી નાખી. આ કાલસર્પયોગ શું છે એની જ્યોતિષીઓને ખબર છે એટલી તો કદાચ રાહુ, કેતુ કે સાપને પણ નહીં હોય. જ્યોતિષી પહેલાં તો કાલસર્પયોગનું બિહામણું ચિત્ર દર્શાવી માણસને ગભરાવી મૂકે છે અને પેલો જોઈએ એટલો ગભરાઈ જાય ત્યાર પછી એ જ જ્યોતિષી તેને સાંત્વન આપે છે કે રાજા! આ કાલસર્પયોગથી ડરવાની સ્હેજ પણ જરૂર નથી. હું બેઠો છું ને બાર વરસનો! બાર વર્ષના હોવાનો ફાયદો એ છે કે આવી સગીર વયના બાળક સામે કાયદેસર કામ ચલાવી શકાતું નથી.

  • તો આ કાલસર્પયોગ શું છે?

સૂર્ય, મંગળ, ગુરુ અને શનિની ગ્રહ તરીકેની સત્તાવાર પ્રતિષ્ઠા મળી છે. જ્યારે રાહુ અને કેતુ ખરેખર તો ગ્રહોની છાયા છે, કાલ્પનિક ગ્રહો છે- સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષાએ એકબીજાને ક્રોષ કરતું-છેદતું હોય એવું તે એક કાલ્પનિક બિંદુ છે અને આ રાહુ અને કેતુથી બનતો યોગ એટલે કાલસર્પયોગ.

આપણે ત્યાં એવી એક કહેવત છે કે ‘ભૂંડાથી તો ભૂત પણ ભાગે.’ અને રાહુ-કેતુની મથરાવટી ભૂંડાની છે. રાહુ-કેતુ જે ખાનામાં બેઠા હોય તે ખાનામાં બીજો એક પણ ગ્રહ ન હોય, એટલું જ નહીં, રાહુ-કેતુ ચલિત થઈને (અથવા તો અન્ય કોઈ ગ્રહને ચલિત કરીને પણ) બીજો કોઈ ગ્રહના સંસર્ગમાં ન આવે એને કાલસર્પયોગ રચાયો એમ કહેવાય છે. આપણે અહીં માત્ર કલ્પનાઓ પર જ ચાલવાનું છે. અત્રે કાળ અને સર્પ બન્ને અભિપ્રેત છે.

નાગ એ કાળનું સ્વરૂપ છે, કાળ એટલે રાહુ. નાગનું માથું રાહુ સાથે જોડાયું છે ને તેની પૂંછડી કેતુ સાથે જોડાઈ છે. નાગ એ સંપત્તિનું પ્રતીક છે. જગતની તમામ સંપત્તિઓ પર નાગનો (અને નાગાઓનો પણ) પ્રભાવ વધારે હોય છે. નાગનું માથું રાહુના ભાગે આવ્યું છે એટલે રાહુને માથાભારે ગણવામાં આવે છે.

રાહુ અને કેતુ વચ્ચે ભાગીદારી છે અને આ બન્નેમાં સિનિયર પાર્ટનર રાહુ છે. માણસ ગમે તેટલી મહેનત કરે, પણ તેનું ફળ કેટલું આપવું તે આ બન્ને ગ્રહો નક્કી કરે છે, બરાબર પેલા પરીક્ષક જેવું-વિદ્યાર્થીએ પરીક્ષામાં ગમે એટલા સારા અને સાચા જવાબો પેપરમાં લખ્યા હોય છતાં તેને કેટલા માર્ક્સ આપવા એ પરીક્ષકના ‘મૂડ’ પર જ આધારિત હોય છે.

હિન્દી ફિલ્મોમાં આવતા ભગવાનના મસ્તકની પાછળ તેજસ્વી ચક્ર ફરતું દેખાય છે એ રીતે રાહુ-કેતુને આવા તેજસ્વી ચક્રવાળો દિવ્ય આત્મા દેખાય તો એવા આત્માને તે સત્તા ભોગવવા મોકલી આપે છે. પોલિટિક્સની પરિભાષામાં કહીએ તો રાહુ-કેતુ હાઈકમાન્ડ છે.

હાઈકમાન્ડ જે રીતે અમુક વ્યક્તિને અમુક રાજ્યમાં ગવર્નર કે મુખ્યમંત્રી તરીકે મોકલી આપે છે એ જ રીતે અમુક ચોક્કસ કામ માટે જ તે પસંદ કરેલ આત્માને પૃથ્વી પર રવાના કરી દે છે. અને તે બાળસ્વરૂપે હોય ત્યારે આની નિશાની તરીકે તેની કુંડળીમાં કાલસર્પયોગનો રબર સ્ટેમ્પ મારી દે છે- પોતાની જાણ અને પોતાના રેકોર્ડ માટે!

કુંડળીમાં કાલસર્પયોગ હોય એવો જાતક સ્વ-બળે, પરિશ્રમ કરી આગળ આવે છે. તો અપવાદરૂપ કિસ્સામાં જાતકને આપ-બળના વિકલ્પે બાપબળથી લાભ મળે છે. આનું જ્વલંત દૃષ્ટાંત પંડિત જવાહરલાલ નહેરુ છે. વકીલાતનું ભણ્યા છતાં એમાં તે ખાસ કશું ઉકાળી શક્યા નહીં એટલે તેમના પિતાશ્રી મોતીલાલે ચિંતાથી ગાંધીજીને જણાવ્યું કે મારો આ પોયરો જવાહર પ્લીડરીમાં તો પોતાનું જવાહર બતાવી શક્યો નથી, હવે તમે કંઈક કરો, તેને લીડરીમાં ઝળકાવો… . ગાંધીબાપુએ આ અતિ મુશ્કેલ પડકાર ઝીલી લીધો. પછી શું થયું એ આપણે જાણીએ છીએ.

જોકે આ નિયતિ જ હતી – સ્વતંત્ર ભારતની કુંડળીમાંય કાલસર્પયોગ હતો ને પંડિત જવાહરલાલ નહેરુની કુંડળીમાં પણ આ જ યોગ હતો. ભારતની જે કંઈ દશા-અવદશા થઈ એને માટે કેટલાક ગાંધીજીનો દોષ કાઢે છે, પણ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આમાં ગાંધીજી તો કેવળ નિમિત્ત હતા, રાહુ-કેતુની બદમાશીને લીધે જ પં. જવાહરલાલ નહેરુ વર્ષો સુધી ભારતના વડા પ્રધાન બનીને રહ્યા.

કાલસર્પયોગની બીજી ખાસિયત એ પણ છે કે જે જાતકની કુંડળીમાં આ યોગ મુકાયો હોય તેનાં સંતાનની કુંડળીમાં પણ કાલસર્પયોગ હોય છે- બાપનો ટાલનો વારસો એના દીકરાને મળે છે એવું આ યોગમાં પણ છે. કદાચ આ જ કારણે આપણને વડા પ્રધાન લેખે શ્રીમતી ઈન્દિરા (નહેરુ) ગાંધી અને રાજીવ ગાંધી મળ્યાં. રાજીવરત્ન રાહુલની કુંડળીમાં કાલસર્પયોગ કેટલો બળવાન અથવા તો ભારતનું નસીબ કેવું હતું એની પાકી ખબર હોય તો રાહુ-કેતુને જ હશે.

આ કાલસર્પયોગની અસરો બે પ્રકારની હોય છે. પોઝિટિવ અને નેગેટિવ. જે નસીબદાર જાતક હોય છે તેને કાલસર્પયોગની પોઝિટિવ અર્થાત્ સકારાત્મક અસરોનો લાભ મળે છે અને જેનાં દુ:ખમાં કોઈ ભાગિયો નથી એવા અભાગિયા જાતકને એકલાને જ કાલસર્પયોગની નેગેટિવ એટલે કે નકારાત્મક-નુકસાનકારક અસરો ભોગવવાની રહે છે.

જાતકની કુંડળીમાં રાહુ-કેતુ ક્યાં બેઠા છે, ઉભડક બેઠા છે કે પલાંઠી મારીને બેઠા છે અને તે ક્યા ઘરમાં, કોની સાથે બેઠા છે એના પરથી જાણી શકાય છે કે તેની અસર કેવી – પોઝિટિવ થશે કે નેગેટિવ ! રાહુ જો ચોથા, આઠમા અને બારમા સ્થાને હોય તો જાતકની કુંડળીમાં કાલસર્પયોગ હોય તો તેની અસર નેગેટિવ વધારે થાય છે.

બીજી તરફ, રાહુની પોઝિટિવ અસરના ઉદાહરણમાં ધીરુભાઈ અંબાણી છે- જેમની એક છીંક, ઉધરસ અને બગાસા પર તો શેરબજારમાં મોટી ઊથલપાથલ થઈ જતી. કાલસર્પયોગની નેગેટિવ અસરથી ગમે તેવા તેજસ્વી જાતકનું એકાએક પતન થાય છે.
વિશ્ર્વામિત્રનું પતન પણ તે યોગને લીધે જ થયું હશે! અને આ કાલસર્પવાળા જાતક 27, 33, 36, 42 અને 48માં વર્ષે મુશ્કેલી અનુભવે છે. ત્યાર બાદ મુશ્કેલી ઘટતી નથી, પણ કોઠે પડી જાય છે. જોકે મને એ સમજાતું નથી કે આ રાહુ-કેતુને જાતકની ઉંમરની ખબર કેવી રીતે પડતી હશે! તેમની પાસે કાલસર્પયોગવાળા તમામ જાતકોના જન્મદિવસના દાખલા હશે! તો જ તેમને ખ્યાલ આવે ને કે જાતકને ક્યારે ક્યારે પજવીને તેને યાદ કરાવવું કે તેને કાલસર્પયોગ છે!

આ કાલસર્પયોગ આમ તો જ્યોતિષીઓની જ દેન છે. જ્યોતિષીઓ માટે તે રોકડિયો પાક છે.

આ પણ વાંચો…હાસ્ય વિનોદ : બગાસું ખાતા નેપ્ચૂન મળ્યો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button