ઉત્સવ

સોડા કે કોલ્ડ ડ્રિંક્સ પીવામાં ભલે લાગે સારા, પરંતુ …

ફોકસ -રાજકુમાર ‘દિનકર’

શું તમને પણ થોડી તરસ લાગતાં પાણીને બદલે સોફ્ટ ડ્રિંક પીવી વધારે ગમે છે? શું લગ્ન-પ્રસંગો કે પાર્ટીઓમાં ઘણી વાર ભારે ભોજન કર્યા પછી તેને પચાવવા માટે તમને એ પણ યાદ નથી રહેતું કે તમે કેટલા ગ્લાસ સોફ્ટ ડ્રિંક પી લીધી? જો એવું છે, તો મોટાપો, બેડોળ ફિગર, મૂડ સ્વિંગ્સ અને સતત શરીરમાં લાગતા થાક માટે તમારે શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું પડશે. આજે બાળકોમાં જ નહીં, યુવાનોમાં પણ કોલ્ડ ડ્રિંક્સનો શોખ ખૂબ વધી ગયો છે.

કોલ્ડ ડ્રિંક્સ પ્રત્યે વધતી પસંદગીના કારણે બજારમાં અનેક ફ્લેવર્સમાં કોલ્ડ ડ્રિંક્સ ઉપલબ્ધ છે. અમેરિકામાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો કે કોલ્ડ ડ્રિંક્સના વેચાણે હેલ્થ સ્પોર્ટ્સ ડ્રિંક્સના વેચાણને પણ પાછળ છોડી દીધું છે. આ એક એવી આદત છે, જે થોડા શોખથી શરૂ થાય છે અને ધીમે ધીમે આદત બની જાય છે. તેને પીવાથી શરીરને કોઈ ફાયદો તો નથી થતો, પરંતુ કેલરી અને ખાંડથી ભરપૂર હોવાના કારણે તેના નુકસાનની યાદી ઘણી લાંબી છે.

કોલ્ડ ડ્રિંકમાં શું હોય છે?

ફિઝી સોફ્ટ ડ્રિંક તરીકે ઓળખાતી કોલ્ડ ડ્રિંક્સમાં કેફીન, એસિડ, ખાંડ, સિટ્રિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, કૃત્રિમ રંગ, કૃત્રિમ સ્વાદ અને કાર્બોનેટેડ પાણી હોય છે, જેના કારણે તેમાં બબલ્સ બને છે.

કોલ્ડ ડ્રિંક અને પાચન ક્રિયા

જો તમે ક્યારેક-ક્યારેક તેને લો તો કોઈ વાંધો નથી. પરંતુ જો તમે રોજ તેને પીધા વગર રહી ન શકો, તો છાતીમાં બળતરા, પેટમાં દુખાવો, કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. 600 મિલીલિટર કોલ્ડ ડ્રિંકની એક બોટલમાં લગભગ 226 કેલરી હોય છે. જે લોકો રોજ તેનું સેવન કરે છે, જો કેલરીની ગણતરી કરવામાં આવે તો વર્ષમાં આશરે 12 કિલો વજન વધી શકે છે. તેના કારણે પેટ પણ વધી જાય છે.

કોલ્ડ ડ્રિંક્સમાં આર્ટિફિશિયલ હાઈ ફ્રુક્ટોઝ કોર્ન સીરપનો ઉપયોગ થાય છે, જેના કારણે પેટ સતત ભરેલું લાગે છે અને તેને પીધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ફિઝી હોવાના કારણે તેમાંના બબલ્સથી પેટમાં ગેસની અનુભૂતિ થાય છે, જેના કારણે પાચન ક્રિયા ધીમી પડી જાય છે.

આંતરડામાં સોજો

કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સમાં જોવા મળતાં તત્ત્વો આપણા આંતરડાના લેયર પર ખરાબ અસર કરે છે. તેમાં રહેલા કૃત્રિમ સ્વીટનર આપણા આંતરડાના સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. વિવિધ અભ્યાસો આ વાતની પુષ્ટિ કરે છે કે મહિલાઓમાં ટાઈપ-ટુ ડાયાબિટીસ અને મોટાપાનું એક મોટું કારણ વધુ કોલ્ડ ડ્રિંકનું સેવન છે.

પ્રેગ્નન્સી

પ્રેગ્નન્સી દરમિયાન વધુ કોલ્ડ ડ્રિંક્સ માતા અને બાળક બંનેના આરોગ્ય પર ખરાબ અસર કરે છે. આ સમયગાળામાં થતી ડાયાબિટીસને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે, જે માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યને અસર કરે છે. કોલ્ડ ડ્રિંક્સમાં કોઈ વિટામિન કે મિનરલ નથી હોતાં. તે પીવાથી માતાનું પેટ તો ભરાઇ છે, પરંતુ ગર્ભમાં રહેલા બાળકને કોઈ ફાયદો થતો નથી. કોલામાં રહેલું કેફીન ગર્ભમાં બાળકના વિકાસને ધીમો કરી તેને નુકસાન પહોંચાડે છે.

ટીનએજર યુવતીઓને થતું નુકસાન

યુવાનોમાં વધતા સોડા કે કોલ્ડ ડ્રિંક્સના સેવનની ખરાબ અસર ટીનએજર યુવતીઓ પર પણ પડે છે. આ ઉંમરે કોલ્ડ ડ્રિંક સાથેની મિત્રતા આગળ જઈને હાડકાંને નબળા કરે છે. કોલ્ડ ડ્રિંક્સમાં રહેલાં તત્ત્વો શરીરમાં કેલ્શિયમ શોષાતું અટકાવે છે. સોડા આધારિત પીણાં કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ પર ખરાબ અસર કરે છે, જેના કારણે શરીરને તેનો પૂરો ફાયદો મળી શકતો નથી. પરિણામે હાડકાં નબળાં થઈ જાય છે અને વારંવાર ફ્રેક્ચર થાય છે.

રોજ સોડાયુક્ત ડ્રિંક્સ પીવાથી સૌથી વધુ અસર દાંત પર પડે છે. તે દાંતના ઇનેમલને ઓગાળી દે છે, જેનાથી દાંત નબળા પડીને સડવા લાગે છે. યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ એક કે એકથી વધુ કોલ્ડ ડ્રિંક્સ પીવે છે, તેમના દાંત અન્ય લોકોની સરખામણીમાં 62 ટકા વધુ ખરાબ થાય છે.

સોડાની આદત છોડો

જો તમને કોઈ કોલ્ડ ડ્રિંક ઓફર કરે તો તે પીવાનું ટાળો. જો પીવું જ હોય તો અઠવાડિયામાં ફક્ત એક જ વાર પીઓ. તેને ભોજન સાથે ન લેતા અન્ય કોઈ સમયે લો. ઠંડા પાણીમાં કાકડી, પાઈનેપલ, સફરજનની સ્લાઈસ અથવા અન્ય કોઈ પણ વસ્તુ નાખીને પીઓ. કોલ્ડ ડ્રિંકને બદલે મેંગો શેક, મિલ્ક શેક, બનાના શેક, તરબૂચ, ટેટી, કીવી, મોસંબી,

સંતરા, નાળિયેર, લીંબુ, ફુદીનો, જલજીરા જેવા પીણાં લો, જેમાં ખાંડને બદલે થોડો ગોળ ઉમેરી શકાય છે. આનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. ઉનાળામાં મળતાં ફળોના જ્યુસ, આનો સારો વિકલ્પ છે. જો બાળકોને આપવું જ હોય તો તેને ઓછામાં ઓછી માત્રા આપો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button