ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટરના વારસદારોને મદદરૂપ થવા આવી ગયો છે એક ‘મિત્ર’…

-જયેશ ચિતલિયા

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને અને ખાસ કરીને તેમાં રોકાણ કરતા રોકાણકારોને અને એમના પરિવારને એક નવો મદદગાર મળ્યો છે. આ મિત્ર નિયમન સંસ્થા સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની એક ‘ભેટ’ છે. એટલે એના પર વિશ્વાસ રાખી શકાય. આ સુવિધાની સ્થાપના રોકાણકારોના પરિવારના-લીગલ વારસદારો-નોમિનીઝના હિતમાં શરૂ કરવામાં આવી છે માટે એને જરા નજીકથી જાણી સમજી લઈએ.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે છેલ્લા એક દાયકામાં જબરદસ્ત વિકાસ કર્યો છે. આનું દેખીતું કારણ છે ઈન્વેસ્ટરોનો તેમાં વધેલો વિશ્વાસ. ઉદ્યોગની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (અઞખ)માં છ ગણો વધારો થયો છે. 2015ના માર્ચમાં તે 10.83 ટ્રિલિયન ડૉલર હતી, જે 2025ના માર્ચમાં વધીને 65.74 ટ્રિલિયન ડૉલર થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન પોર્ટફોલિયોનો આંકડો 4.17 કરોડથી વધીને 23.45 કરોડ થયો હતો.

જોકે છેલ્લાં ઘણાં વર્ષોમાં દુર્લક્ષ સેવવામાં આવ્યું હોય કે ઉપેક્ષા કરવામાં આવી હોય એવા ઈન્વેસ્ટમેન્ટ્સના ઘણા પ્રશ્નો ઊભાં થયા છે. મોટા ભાગના ઉપેક્ષિત ઈન્વેસ્ટમેન્ટ્સ મર્યાદિત કેવાયસી (નો યોર કસ્ટમર)ની વિગતના ફિઝિકલ સ્વરૂપમાં કરવામાં આવ્યા હતા.

વધુમાં, અપડેટ વગરના સરનામા કે વપરાશમાં ન લેવાતા ઈમેલ આઈડી જેવી અનિયમિતતાને લીધે પણ કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં ફોલિયો નજરે પડતા નથી. મૂળ યુનિટધારકનું મૃત્યુ પણ ભૂલી જવાતા ઈન્વેસ્ટમેન્ટ્સ પાછળનું એક અન્ય કારણ હોય છે. ‘સેબી’ ના જણાવ્યા મુજબ, સક્રિય ફોલિયોમાં પડેલા નાણાં ત્યાં સુધી ડોર્મન્ટમાં પડ્યા રહે છે જ્યાં સુધી ઈન્વેસ્ટર (નોમિની કે કાનૂની વારસદાર) રિડેમ્પશન અથવા ટ્રાન્સફર માટે સંબંધિત એસેટ મેનેજમેન્ટ કંપનીનો સંપર્ક ન કરે. આવા બિનસક્રિય ફોલિયોઝ છેતરપિંડીથી રિડેમ્પશન માટે શંકાસ્પદ બની શકે છે. ‘મિત્ર’ અહીં મદદરૂપ થશે.

આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પ: ટૅરિફ પે ટૅરિફ મિયાં ગીરે પર તંગડી તો ઊંચી!

આવા ઈન્વેસ્ટમેન્ટ્સને શોધવા માટે ‘સેબી’ એ ‘મિત્ર‘ (મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રીટ્રાઈવલ આસિસ્ટન્ટ -MITRA) નામનું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું છે. બિનસક્રિય અને દાવાવિહોણા (અનકલેઈમ્ડ) મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોઝની શોધને યોગ્ય આ ઉદ્યોગ સ્તરીય ડેટાબેઝ છે. ગુમાયેલા ફોલિયોઝને શોધવા ઉપરાંત આ પ્લેટફોર્મ ઈન્વેસ્ટરોને વર્તમાન ધારાધોરણો અનુસાર કેવાયસી નિયમો પરિપૂર્ણ કરવા પ્રોત્સાહિત કરે છે. કોઈ મૃતક સંબંધીએ કરેલા પણ ભૂલાઈ ગયેલા ઈન્વેસ્ટમેન્ટ્સ અંગે દાવો કરવા માટે આ ‘મિત્ર’ પ્લેટફોર્મ કાનૂની વારસદારોને મદદરૂપ થાય છે.

‘સેબી’ બિનસક્રિય ફોલિયોને એવા ફોલિયો તરીકે ગણાવે છે જેમાં યુનિટનું બેલેન્સ ઉપલબ્ધ હોય છે, પરંતુ છેલ્લા દસ વર્ષમાં કોઈ ઈન્વેસ્ટરે નાણાકીય કે બિનનાણાકીય વ્યવહારો કર્યા ન હોય. ‘મિત્ર’ પ્લેટફોર્મ રેકોર્ડ્સમાં વિભાજન થતું ઘટાડવામાં અને નાણાકીય ઈકોસિસ્ટમને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે. પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા, ઈન્વેસ્ટરના હિતોનું રક્ષણ કરવા અને લાંબા સમયથી ભૂલાઈ ગયેલી સંપત્તિને ખાસ કરીને કાનૂની વારસદારો અને નોમિનીઝ માટે ખુલ્લી કરવાની દિશામાં આ સમયસરનું પગલું છે.

આ પોર્ટલને એક્સેસ કેવી રીતે કરવું?

આ માટે ઈન્વેસ્ટરે https://www.mfcentral. com/ લિન્ક પર લોગ-ઓન કરવાનું રહેશે. જે મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્વેસ્ટરો પાસે PAN નંબર હોય એમણે એમએફ સેન્ટ્રલ વેબસાઈટ પર સાઈન-અપ કરવું અથવા જેમની પાસે PAN કે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ન હોય તેવા ઈન્વેસ્ટરોએ PEKRN (PAN Exempt KYC Reference Number) પર સાઈન-અપ કરવું. યૂઝરને પ્રમાણીકરણ માટે એક OTP મળશે. તે પ્રમાણિત થઈ જાય એ પછી યૂઝરે ‘એમએફ સેન્ટ્રલ’ વેબસાઈટ પર મિત્ર વિભાગ પર ક્લિક કરવાનું રહેશે. ઈન્વેસ્ટરનું નામ લખવું ફરજિયાત છે. મહત્ત્વની ઓળખ તરીકેની વિગતોમાં પેન નંબર, PEKRN, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જન્મતારીખ અથવા બેન્ક એકાઉન્ટ નંબરનો સમાવેશ થાય છે. અતિરિક્ત વિગતમાં સરનામું, પિનકોડ, શહેરનું નામ કે નોમિનીનું નામ આપવાનું રહે છે. ધારો કે યૂઝર્સ પાસે ઈન્વેસ્ટરની ઓળખને લગતી મહત્ત્વની વિગતો ન હોય તો None’ સીલેક્ટ કરીને સંબંધિત વિભાગમાં અતિરિક્ત વિગતોમાંથી કોઈ ત્રણ માહિતી આપવાની રહેશે. યૂઝરે ફોલિયો નંબર અને AMC નામ પણ આપવાના રહેશે, જેથી સર્ચ પ્રક્રિયા ઝડપી બની શકે. એ પછી “Proceed’ બટન પર ક્લિક કર્યા બાદ સિસ્ટમ તમામ મ્યુચ્યુઅલ ફંડ ડેટાબેઝીસ પર સ્કેન કરશે. ઈન્વેસ્ટરો ડિજિલોકરનું મહત્ત્વ પણ સમજે ડિજિલોકર મારફત ડેટા એક્સેસ માટે નોમિનીઝ અપોઈન્ટ કરી શકે છે. ઈન્વેસ્ટરનું મૃત્યુ થયું હોય એવા કેસમાં નોમિનીઝને આપોઆપ નોટિફિકેશન્સ મળશે, જેથી ટ્રાન્સમિશન પ્રક્રિયા આગળ વધારી શકાય. આ ડિજિલોકર શું છે અને તેનું મહત્ત્વ શું છે એ સમજવું પણ જરૂરી છે. ડિજિલોકર એ કલાઉડ બેઝડ પ્લેટફોર્મ છે, જેમાં વ્યકિતના વિવિધ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે એકાઉન્ટમાં સચવાય છે. હાલ આમાં લોકોના આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર્સ આઈડી કાર્ડ, ઈન્સ્યુરન્સ પેપર્સ, એકાઉન્ટ સ્ટેટમેન્ટસ, માર્કશીટ, સર્ટિફિકેટસ, વગેરે જેવા મહત્ત્વના દસ્તાવેજ સચવાય છે. ડિજિલોકરને ‘ડિજિટલ વોલેટ’ પણ કહેવાય છે, જેમાં એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ પોતાના નોમિનીઝને તેના એકસેસ (તેમાં જોવાની) નો અધિકાર આપી શકે છે. મજાની વાત એ છે કે આ ડિજિલોકર સુવિધા વિનામૂલ્ય પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો… ઈકો-સ્પેશિયલ: હવે યુએસ-ચીન આમને-સામને: આ વેપાર યુદ્ધમાં ભારતને લાભ થવાની કેટલી આશ…?

ડિજિટલની રાહત સર્વાંગી હિતમાં હવેના સમયમાં ફાઇનાન્સિયલ દસ્તાવેજો સાચવવાનું મહત્ત્વ વિશેષ વધ્યું છે. એક તો ફિઝિકલ દસ્તાવેજો સાચવવાનું કઠિન બનતું જાય છે, કારણ કે આમાંના મોટાભાગના દસ્તાવેજો જીવનભર સાચવી રાખવાના હોય છે, જયારે કે ફિઝિકલ સ્વરૂપે તે ગુમ થઈ જવાના, બળી જવાના, ચોરાઇ જવાના કિસ્સા ગમે ત્યારે બની શકે છે. એ પછી તેની ડુપ્લિકેટ કોપી મેળવવાનું આસાન હોતું નથી,

આજની તારીખમાં મોટાભાગના નાણાકીય વ્યવહારો ડિજિટલ થતા ગયા છે, જેથી તેનું સ્વરૂપ ડિજિટલ રહે એમાં જ સાર છે. સૌથી મોટી સમસ્યા તો વ્યક્તિ જયારે અવસાન પામે ત્યારે કેટલાંય કિસ્સાઓમાં તેની સંપત્તિ-મિલકત-એસેટસ વિશે પરિવારના સભ્યો કે કાનૂની વારસદારોને તો શું, તેણે જેમને નોમિનીઝ રાખ્યા હોય તેમને પણ ખબર હોતી નથી. ડિજિલોકર નોમિનીઝને આ જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધા ઉપલબ્ધ બનાવીને અનકલેઈમ્ડ એસેટસ કે મિલકતની સમસ્યાને ઊગતી જ ડામી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button